ઝીબ્રા—આફ્રિકાનો ઘૂમતો ફરતો ઘોડો
ઝીબ્રા—આફ્રિકાનો ઘૂમતો ફરતો ઘોડો
આફ્રિકાના સજાગ બનો!ના લેખક તરફથી
હ જારો ઝીબ્રા આફ્રિકાના જંગલોમાં ભારે દોડાદોડી કરે છે. જેમ, તેઓ તબડક તબડક દોડતા જાય છે, તેમ તેઓની ડોક પણ ઊંચીંનીચી થતી જોવા મળે છે. તેઓના પગની ધમધમાટ આખા જંગલમાં ગુંજાઈ આવે છે, અને તેઓની પાછળ જે લાલ ધૂળની ડમરી થાય છે, તે પણ ઘણા કિલોમીટર સુધી દેખાય આવે છે. આમ તેઓ મનફાવે ત્યાં દોડધામ કરે છે.
ઓચિંતા તેઓ ધીમા પડીને ઊભા રહી જાય છે. અને ઘંટી જેવા દાંતથી સૂકૂ ઘાસ ચાવે છે. એ સાવચેત ટોળું ખાતા ખાતા, વારંવાર માથું ઊંચું કરીને કંઈક સાંભળે છે અને કંઈક સૂંઘે છે. દૂરથી કોઈની ગર્જના તેઓ સાંભળે છે, અને તરત જ તેઓ ચેતી જાય છે. તેઓને ખબર છે કે આ સિંહની ગર્જના છે. તેઓના મોંમાં ઘાસ છે તે ચાવ્યાં વગર, કાન ઊંચાં કરીને એ ગર્જના તરફ નજર ફેરવે છે. પણ કંઈ ખતરો ન હોવાથી તેઓ પાછા ઘાસ ચરવા માંડે છે.
જેમ સૂરજનો તાપ આકરો થાય છે, તેમ તેઓ ફરી બીજે ચાલવા માંડે છે. આ વખતે આ ઝીબ્રાઓને પાણીની સુગંધ આવે છે અને તેથી તેઓ એ નદી તરફ જાય છે. તેઓ નદીના કિનારે ઊભા રહીને રેતીમાં પગ ઘસે છે, તેમ જ તેઓના નાકમાંથી ભારે સુસવાટા કાઢીને એ નદી તરફ નજર ફેરવે છે. તેઓ પાણી પીતા અચકાય છે, કદાચ એ પાણીમાં કંઈક ખતરો છુપાયો હશે. તેમ છતાં, તેઓ તરસથી તડપે છે, અને ધક્કામુક્કી કરીને નદીના પાણી તરફ જાય છે. એક પછી એક તેઓની તરસ છિપાવે છે અને પાછા ખુલ્લા મેદાન તરફ જવા લાગે છે.
આફ્રિકાની સાંજની સુંદર સંધ્યા ખીલે છે, તેમ તેઓ ધીરે ધીરે મેદાનમાંથી પસાર થાય છે. તેઓ ખુબ જ જોવા જેવા દેખાય છે.
હળીમળીને રહેનાર
ઝીબ્રાનો જીવન ક્રમ દરરોજ એક સરખો જ હોય છે. તેઓ કાયમ ખાવા પીવાની શોધમાં જ રખડતા હોય છે. ખુલ્લા મેદાનમાં ચરતાં ઝીબ્રાઓનાં ચટાપટા, તેઓના અલમસ્ત શરીર પર સ્પષ્ટ દેખાય આવે છે. દરેક ઝીબ્રાઓના ચટાપટા અલગ હોય છે એમ કહેવામાં આવ્યું છે. તેઓના કાળા ધોળા પટ્ટાઓને લીધે તેઓ બીજા બધા જ જાનવરો કરતાં સાવ જુદા જ દેખાય છે. તેમ છતાં, તેઓ આફ્રિકાના મેદાનોમાં એકદમ શોભે છે.
ઝીબ્રાઓ હળીમળીને એકબીજા સાથે રહે છે. તેઓ એકબીજાને જીવનભર સાથ આપે છે. એક ટોળામાં અઢળક ઝીબ્રાઓ હોય શકે, પરંતુ તેઓ નાના નાના કુટુંબ તરીકે રહે છે, જેમા નર અને નારીઓ હોય છે. એ ઉપરાંત તેઓ નાના મોટાનું માન રાખીને સાથે રહે છે. તેઓમાંથી જે માથાભારે નારી હોય છે તે કુટુંબ પર હુકમ ચલાવે છે. તેની સાથે બીજી નારીઓ સૌથી આગળ ચાલે છે, પછી તેઓની પાછળ વછેરા જાય છે. પરંતુ છેવટે જે મુખ્ય નર હોય છે, તેનું જ ચાલે છે. નરને તેઓના કુટુંબની ચાલ બદલવી હોય તો, તે નારી પાસે જાય છે અને તેને જરાક હળવેથી ધક્કો મારીને બીજી દિશાએ જવાનું કહેશે.
ઝીબ્રાઓને એકબીજાની સજાવટ કરવી ખુબ જ ગમે છે. તેઓ એકબીજાને ઘસીને સાફ કરતા હોય છે. નાનપણથી આવી ટેવ રાખવાથી, તેઓનો સંબંધ મજબૂત બને છે. જો ઝીબ્રાઓને ખંજવાળવા માટે કોઈ નહિ હોય તો તેઓ ધૂળમાં આળોટીને મજા કરશે, અથવા તેઓ ગાયની જેમ ઝાડના થડ કે બીજી કોઈ વસ્તુ સાથે શરીર ઘસશે.
જીવન મરણનો ખેલ
ઝીબ્રાઓનું જીવન હંમેશા જોખમમાં હોય છે. જંગલી કૂતરાઓ, ચિત્તાઓ અને મગરોને આ ૨૫૦ કીલોગ્રામના ઝીબ્રાઓનો શિકાર કરવો ખુબ જ ગમે છે. ઝીબ્રા ૫૫ કિલોમીટરની સ્પીડે દોડી શકે છે, તેમ છતાં, ક્યારેક તે શિકારી જાનવરથી અચાનક પકડાય જાય છે. ઘણી વખતે સિંહ ઓચિંતો હુમલો કરવા માટે સંતાઈ રહે છે, અને મગર ગંદા પાણીમાં છાનોછુપો પડ્યો રહે છે. ચિત્તો અંધારામાં સંતાઈને ઝીબ્રાઓની રાહ જોતો હોય છે.
જો ઝીબ્રાઓ સાવચેત રહે તો, તેઓ આવા શિકારી જાનવરોનાં ફાંદામાંથી બચી જઈ શકે. મોટા ભાગના ઝીબ્રાઓ રાત્રે સૂઈ જાય છે, પરંતુ તેઓમાંના અમુક જાગતા રહે છે અને ધ્યાન રાખે છે. જો એ ઝીબ્રાનાં ધ્યાનમાં કોઈ શિકારી જાનવર આવે તો, તે તરત જ ભોંકીને
આખા ટોળાને ચેતવે છે. એ ટોળામાં જો કોઈ માંદુ અથવા ઘરડું હશે તો, તેઓ હાથે કરીને તેઓ માટે ધીમા પડી જાય છે. જ્યારે કોઈ જાનવર તેઓનો શિકાર કરવા આવે, ત્યારે નર એ જાનવરને બટકા ભરી, લાતો મારીને સામો થાય છે, જેથી તેઓની નારીને બચાવી શકે. એ દરમિયાન તેઓને ઊભી પૂંછડીએ ભાગી જવાનો ટાઈમ મળી શકે.ઝીબ્રાઓની એવી જ એકતા વિષે, સરસ મજાનો અનુભવ આફ્રિકાના જબરજસ્ત સેરંઘેટી મેદાનમાં થયો હતો. જંગલી કૂતરાઓએ ઝીબ્રાઓના એક ટોળાનો પીછો કર્યો. પછી તેઓ એક નારી અને તેના બે બચ્ચાંઓ પાછળ પડ્યા પણ, તેઓ તેઓને પકડી ન શક્યા. બીજા બધા ઝીબ્રાઓ ભાગી ગયા. પણ એ માતા અને બન્ને બચ્ચાંઓ સાથે મળીને પેલા કૂતરાઓ સાથે લડ્યા. પણ કૂતરાઓએ તેઓને છોડ્યા નહિ, અને છેવટે એ નારી અને બચ્ચાંઓ થાકી ગયા, અને મરવાની અણીએ આવી પહોંચ્યા. પછી શું થયું એ વિષે હ્યુગો વાન લાવીક જણાવે છે: “ઓચિંતાનો ધરતીમાં ધમધમાટ મચી ગયો, મેં જોયું તો દસ ઝીબ્રાઓ દોડીને આવ્યાં. તરત જ એ માતાને અને તેના બચ્ચાંઓને ઘેરીને, તેઓ જ્યાંથી આવ્યા હતા એ તરફ પાછા લઈ ગયા. તેઓની પાછળ પેલા કૂતરાઓ ૫૦ મીટર સુધી દોડ્યા, પણ છેવટે તેઓ થાક્યા અને પીછો છોડી દીધો.”
કુટુંબને ઉછેરવા
ઝીબ્રાઓની મા પોતાના બચ્ચાંઓનું ખૂબ જ ધ્યાન રાખે છે અને ટોળામાં
તેઓને જુદા રાખે છે. આ સમયે મા અને તેના બચ્ચાંઓ વચ્ચે ગાઢ સંબંધ રચાય છે. એ વછેરાને તેની માતાના અજોડ કાળાધોળા ચટાપટા યાદ રહી જાય છે. પછીથી તે તેની માતાનો સાદ અને તેની સુગંધ યાદ રાખે છે, જેથી તે ભૂલથી કોઈ અજાણી નારી પાસે ન જાય.નવા જન્મેલા વછેરાઓને, તેઓના મા-બાપની જેમ કાળા ચટાપટા નથી હોતા. તેઓના ચટાપટા લગભગ બદામી રંગના હોય છે, જે પછીથી કાળા થાય છે. એક મોટા ટોળામાંથી વછેરાઓ ભેગા થઈને એકબીજા સાથે રમતા હોય છે. તેઓ રમતા રમતા એક બીજા પાછળ દોડાદોડી કરતા હોય, લાતો મારતા હોય અને મોટાઓ પણ તેઓની સાથે આમ મસ્તી કરતા હોય છે. વછેરાઓ પોતાના સુકલકડી જેવા પગથી, પક્ષીઓ અથવા બીજા નાના નાના જાનવરો પાછળ કુદકા મારતા હોય છે. બેબી ઝીબ્રાઓ બહુ જ નાજુક અને રુપકડા દેખાય છે.
ઘૂમતા ફરતા અને બહુ જ સુંદર
આજે પણ આફ્રિકાના સોનેરી રેશમ જેવા ઘાસમાં, એ ઝીબ્રાઓનું ટોળું દોડાદોડી કરતું જોવા મળે છે. એ ખરેખર સુંદર દૃશ્ય છે.
આ વિચિત્ર ચટાપટાવાળાં ઝીબ્રાઓ, જે હળીમળીને રહે છે, તે ખરેખર સુંદર પ્રાણી છે. હજારો વર્ષ પહેલા આવા જાનવરો વિષે એક પ્રશ્ન ઉભો થયો હતો: “જંગલી ગધેડાને [ઝીબ્રાને] કોણે છૂટો મૂકી દીધો છે?” (અયૂબ ૩૯:૫) જવાબ સાવ સીધો છે, યહોવાહ પરમેશ્વરે, જેણે બધા જ જાનવરોને ડિઝાઈન કર્યા છે.
[પાન ૧૮ પર બોક્સ]
ઝીબ્રાઓને ચટાપટા શા માટે હોય છે?
જેઓ એમ માને છે કે માણસો જાનવરોમાંથી આવ્યા છે, તેઓ સમજાવી શકતા નથી કે શા માટે ઝીબ્રાને ચટાપટા હોય છે. અમુક એમ માને છે કે, એ કદાચ ચેતવણી દેવા માટે હોય શકે. પરંતુ હકીકતમાં સિંહ કે બીજા કોઈ શિકારી જાનવરોને, ઝીબ્રાનાં ચટાપટાનો ડર જરાય નથી હોતો.
બીજા લોકો એમ માને છે કે એ ચટાપટા, નર અને નારી એકબીજા તરફ જાતીય સંબંધ માટે ખેંચાય એના કારણે હોય છે. પરંતુ બધા જ ઝીબ્રાઓનાં ચટાપટા લગભગ સરખા જ હોય છે, તેથી એ કારણ ન હોય શકે.
એક અનુમાન પ્રમાણે, ઝીબ્રાઓમાં કાળાધોળા પટ્ટાનો વિકાસ થયો જેથી આફ્રિકાની સખત ગરમી સહન થઈ શકે. જો એમ હોય તો, એવા જ પટ્ટા બીજા જાનવરોને કેમ નથી?
એક પ્રખ્યાત શિક્ષણ પ્રમાણે, કૂદરતે ઝીબ્રાના પટ્ટા આપ્યા છે, જેથી તેઓ સંતાઈ રહી શકે. વિજ્ઞાનોની શોધ પ્રમાણે, આફ્રિકાના તાપમાં ઝીબ્રાઓને દુરથી જોવા સહેલા નથી. પરંતુ જો ફક્ત દુરથી જ જોવામાં સહેલા ન હોય તો એનો કંઈ ફાયદો નથી કારણ કે સિંહ ઝીબ્રાઓનો શિકાર નજીક જઈને કરે છે.
એમ પણ કહેવામાં આવ્યું છે કે જ્યારે ઝીબ્રાઓ દોડાદોડી કરે છે, ત્યારે તેઓના ચટાપટા જોઈને શિકાર કરતો સિંહ ગૂંચવણમાં પડી જાય છે, તેથી તે ઝીબ્રાને પકડી શકતો નથી. પરંતુ હકીકતમાં સિંહ સફળતાથી ઝીબ્રાઓનો શિકાર કરી શકે છે.
આપણને વિચારે ચડાવી દે, જ્યારે આપણે એમ જાણીએ છીએ કે ઝીબ્રાઓનાં પટ્ટાઓ ખુદ તેઓનું જ જીવન જોખમમાં મૂકી દઈ શકે. રાતના સમયે ચન્દ્રનો પ્રકાશ ઝીબ્રાના ચટાપટા પર પડે છે ત્યારે, તેઓ બીજા જાનવરોને ચોખ્ખા દેખાય આવે છે. મોટે ભાગે સિંહ રાતના સમયે શિકાર કરે છે, તેથી તેઓના પંજામાંથી ઝીબ્રાઓ છટકી શકે એમ નથી.
તો ઝીબ્રાઓનાં ચટાપટા ક્યાંથી આવ્યા? એ સમજવા માટે એક સાદો વિચાર અહીં આપેલો છે: “યહોવાહને હાથે એ સર્વ સૃજાએલાં છે.” (અયૂબ ૧૨:૯) આ બધા જ જાનવરોને પોતપોતાના ગુણો આપીને ઉત્ત્પન્ન કરનારે બનાવ્યાં છે. જે વિષે આપણને પૂરી સમજણ ન પડતી હોય શકે. પરંતુ માણસોને આનંદ આપવા માટે આવી સુંદર ડિઝાઈનો જાનવરોમાં જોવા મળે છે. ઈશ્વરે કરેલી સુંદર રચના જોઈને દાઊદનું હૈયુ ભરાઈ આવ્યું અને તેમને લખ્યું: “હે યહોવાહ, તારાં કામ કેવાં તરેહતરેહનાં છે! તેં તે સઘળાંને ડહાપણથી પેદા કર્યાં છે; પૃથ્વી તારી સંપત્તિથી ભરપૂર છે.” —ગીતશાસ્ત્ર ૧૦૪:૨૪.