મીઠુ મધ—કરે તન મનને સાજુ
મીઠુ મધ—કરે તન મનને સાજુ
ઘા રુઝાવવા અને સોજા ઓછા કરવા માટે, મધનો દવા તરીકે ઉપયોગ કઈ રીતે કરવો, એનું સંશોધન હવે અમુક મેડિકલ વૈજ્ઞાનિકો કરે છે. ધ ગ્લોબ એન્ડ મેઇલ નામના કેનેડાના છાપામાં જણાવ્યું છે કે, “જાતજાતની એન્ટી-બાયોટીકસ નાના નાના જીવાણુને મારવા કામ નથી આવતી. પણ જ્યારે ઘામાં સડો થાય, ત્યારે મધ ઉપયોગી નીવડે છે.”
મધમાં એવું શું છે જેનાથી ઘા રુઝાય છે? મધમાખી ફૂલોમાંથી જે અમૃત લાવે છે, એમાં એનું રહસ્ય છુપાયેલું છે. મધમાખીની લાળમાં ગ્લુકોસ-ઓક્સીડેઝ હોય છે, જે ગ્લુકોઝ અને અમૃતના નાના નાના ભાગ કરે છે. એ ભાગોમાંથી હાઈડ્રોજન પેરોક્સાઈડ બને છે. ઘાને રુઝાવવા માટે અને ચેપ ન લાગે એમ સાફ કરવા માટે, હાઈડ્રોજન પેરોક્સાઈડનો ઉપયોગ કરવામાં આવે છે. મોટે ભાગે જ્યારે મામૂલી હાઈડ્રોજન પેરોક્સાઈડ ઘા પર મૂકવામાં આવે છે ત્યારે એની અસર થોડો જ સમય ટકે છે. પરંતુ મધની અસર કંઈક જુદી જ છે. “ઘા પર લગાડેલું મધ, શરીરના પ્રવાહી સાથે ભળી જાય છે. આમ, મધનું કુદરતી ઍસિડ ઓછું થઈ જાય છે,” એમ ગ્લોબ જણાવે છે. જ્યારે ઍસિડ ઓછું થઈ જાય છે ત્યારે રુઝ આવે છે. મધમાં જે સાકર હોય છે, એ ધીરે ધીરે ઓગળે છે. તેથી, એમાંથી ધીરે ધીરે હાઈડ્રોજન પેરોક્સાઈડ નીકળે છે, જે બીજી કોઈ હાનિ વિના, ખરાબ બેક્ટીરિયાનો નાશ કરે છે.
ગ્લોબના અહેવાલ પ્રમાણે મધમાં ઘા રુઝાવવાનાં બીજા ઘણાં તત્ત્વો છે. “મધનું પાતળું પડ ચામડીને રક્ષણ આપે છે, જેથી ચામડી સૂકાઈ ન જાય. મધથી વાળ જેવી પાતળી નસ પણ નવી થઈ જાય છે, અને જે તંતુઓ નવી ચામડી પેદા કરે, તેઓને પણ એ ઉશ્કેરે છે.” એ ઉપરાંત મધમાં એવા રસાયણો છે, જે “સોજો ઘટાડવા, શરીરમાં લોહીને સહેલાઈથી વહેવા, અને ઘામાંથી નીકળતા પ્રવાહીને બંધ કરવામાં કામ આવે છે.”
પરંતુ આ અહેવાલ ચેતવણી આપે છે કે, “મધનો ઉપચાર બધા લોકો માટે નથી.” મધમાં અંદાજે પાંચ ટકા ઝેરી બેક્ટીરિયા હોય છે, જેને બોટ્યુલિઝમ કહેવામાં આવે છે. હેલ્થ કેનેડા નામના પુસ્તકમાં બોટ્યુલિઝમ વિષેની માહિતી અને શિશુરોગ વિષે સલાહ આપતી સોસાયટી, બન્નેએ જણાવ્યું છે કે એક વર્ષથી નાના બાળકોને મધ નહિ આપવું જોઈએ, કારણ કે “નાના બાળકોના પેટમાં ખરાબ બેક્ટીરિયાનો સામનો કરવાની શક્તિ નથી હોતી.”