વિશ્વ પર નજર
વિશ્વ પર નજર
માછલીની ચામડીના જોડા
પેરુ દેશમાં લીમા શહેર આવેલું છે. ત્યાંનું એલ કોમર્શીઓ છાપું જણાવે કે એન્ડીઝ પર્વત પર નવાં કારખાના ખુલી રહ્યાં છે. જેમાં સામન માછલીની ચામડીના જોડા બનાવવામાં આવે છે. મત્સ્ય ઉદ્યોગમાં માછલીની ચામડી ઊતારી, સાફ કરવામાં આવે છે, જેથી કોહવાટ રોકી શકાય. પછીથી એને તેલ, હળદર કે ડાઈ અને મૅક્સિકોના મસાલા જેવા પદાર્થોનો ઉપયોગ કરી રંગવામાં આવે છે. આ રીતે માછલીની ચામડી પરની સુંદરતા જળવાઈ રહે છે. “જેમાંથી પૈસા રાખવાનું પાકીટ, ઘડિયાળના પટ્ટા, મોબાઈલ ફોનના કવર બનાવી શકાય.” એવું એ કારખાનાના ઇજનેર બાર્બરા લાઑનું કહેવું છે, જેણે એ સંશોધનમાં આગેવાની લીધી હતી. તે કહે છે: “સૌથી મહત્ત્વની વાત એ છે કે બનાવટી રંગ વાપરવો ન જોઈએ. આમ, કોઈ નુકસાન થશે નહિ, અને સામનની ચામડી એવીને એવી સુંદર અને અસલ રહેશે.” (g02 3/8)
હસો અને તંદુરસ્ત રહો!
લંડનનું ધી ઇન્ડીપેન્ડન્ટ છાપું જણાવે છે કે “મહિના સુધી દરરોજ કૉમૅડી સાંભળવાથી ડિપ્રેસનમાં ઘટાડો જોવા મળે છે. અમુક દરદીઓને કહેવામાં આવ્યું કે તમે દરરોજ ૩૦ મિનિટ દવા તરીકે કૉમૅડી સાંભળજો. એમ કરવાથી તેઓને સારું થઈ ગયું. તેમ જ જેઓને બીજી બીમારી હતી, તેઓમાં પણ પચાસ ટકા સુધારો થયો હતો.” યુનાઈટેડ સ્ટેટ્સમાં ૧૦૦ વ્યક્તિનો અભ્યાસ કરવામાં આવ્યો જે બતાવે છે કે હસવાથી ફાયદાઓ થાય છે. જો કે એ બધાને ડીપ્રેસન તો ન હતું. પરંતુ એમાંના અમુકને એલર્જી, હાઇ બ્લડ પ્રેશર, નબળું શરીર, સંધિવા કે કેન્સર હતું, તેઓને પણ સારું લાગ્યું. સદીઓથી એવું માનવામાં આવે છે કે હસો અને તંદુરસ્ત રહો. પરંતુ કેવી રીતે એ થાય છે એ ખબર નથી. તેમ છતાં, સાઇકોથેરપિના ડૉ. એડ ડન્કલભલાવ અમુક ચેતવણી આપે છે: ક્રૂર, અપમાનજનક, કટાક્ષભર્યા અને મજાક ઉઠાવતા જૉક્સ ન કહેવા જોઈએ. નહિતર એવું થશે કે, કાગડાભાઈને હસવું થાય, ને દેડકાભાઈનો જીવ જાય.
હાર્ટ ઍટેક લાવતું પ્રદુષણ
કૅનેડાનું છાપું નૅશનલ પોસ્ટ જણાવે છે કે “ઉનાળામાં કૅનેડાના શહેરોમાં ધુમાડાના કારણે બે જ કલાકની અંદર હાર્ટ ઍટેક થવાની શક્યતા રહેલી છે.” ચીમનીના, ગાડીના અને જનરેટરના ધુમાડામાં જોઈ ન શકાય એવા નાના કણો હોય છે. એ આગળ જણાવે છે: “જેઓને ડાયાબીટીસ અને હૃદયની તકલીફ છે, અથવા મોટી ઉંમરવાળા લોકો એવા પ્રદૂષણમાં બે જ કલાક રહે તો, તેઓમાંથી ૪૮ ટકા લોકોને હાર્ટ ઍટેક થવાની શક્યતા છે. જો ૨૪ કલાક એવા વાતાવરણમાં રહે તો જોખમ ૬૨ ટકાએ પહોંચે છે.” અમુક દિવસે વધારે પ્રદૂષણ હશે એવી ચેતવણી આપવામાં આવે ત્યારે, “બની શકે તો એ.સી. ચાલુ રાખીને ઘરમાં જ રહો,” એવું હારવર્ડ યુનિવર્સિટીની મેડિકલ સ્કૂલના ડૉ. મરૅ મીટલમૅનનું કહેવું છે. “એનું કારણ છે કે હવામાંના નાના કણો સહેલાઈથી ઘરમાં પણ આવી શકે છે, અને એ.સી.થી જ એને બહાર રાખી શકાય છે.”
પરણ્યા વગર સાથે રહેતા યુગલો
કૅનેડાનું નૅશનલ પોસ્ટ કહે છે: “જે પરણ્યા વગર માબાપ બને છે, તેઓમાં છૂટા પડવાની વધારે શક્યતા રહેલી છે.” કૅનેડામાં થયેલા સંશોધન પર લખનાર, હૅધર જુબીએ કહ્યું કે, સંશોધકોને એવું લાગતું હતું કે યુગલને બાળક થયા પછી માબાપ તરીકે તેઓ જરૂર સાથે રહેશે. “પરંતુ,” તેણે કહ્યું કે “જેટલા યુગલો પરણ્યા વગર સાથે રહેવા તૈયાર છે, એટલા જ છૂટા પડવા પણ ઉતાવળા છે.” એ સંશોધનમાં જોવા મળ્યું કે જેઓ પરણ્યા વગર સાથે રહે છે, એમાંથી ૨૫.૪ ટકાના લોકો છૂટા પડે છે. જ્યારે કે પરણ્યા પછી માબાપ બનનારામાંથી ૧૩.૬ ટકા છૂટા પડે છે. જુબી કહે છે: “જે લોકો પરણ્યા વગર સાથે રહે છે, તેઓ એટલા સુખી હોતા નથી, કારણ કે તેઓને કુટુંબની જરાય પડી નથી.”
મધપૂડામાં જીવન કેદ
ન્યૂ સાયન્ટિસ્ટ મેગેઝીનનું કહેવું છે કે “આફ્રિકાની મધમાખીઓએ પોતાના રક્ષણનો સરસ ઇલાજ શોધી કાઢ્યો છે. જો કોઈ જંતુઓ મધપૂડામાં આવે તો, તેઓ તેને મધપૂડામાં આવેલી જેલમાં પૂરી દે છે. એમ કરવાથી જંતુ અંદર આવી જાય તોપણ, મધમાખીઓને મધપૂડામાંથી છટકી જવાનો સમય મળે છે.” સંશોધકોએ અભ્યાસ કર્યો કે “દક્ષિણ આફ્રિકાના અથીના ટૂમિનડા ભમરાનું કદ મધમાખીથી અડધું જ હોય છે, છતાં તે જોખમી હોય છે. તો પછી, ભમરા સામે મધમાખી કઈ રીતે પોતાનું રક્ષણ કરે છે.” સંશોધક પીટર ન્યૂમાન સમજાવે છે કે, ભમરાઓ તો “તોપ જેવા હોય છે.” તેઓથી બચવા માટે ભમરાને તો કેદ જ કરવો પડે છે. “અમુક મધમાખીઓ કેદ બનાવતી હોય છે ત્યારે, બીજી ભમરાની ચોકી કરે જેથી તે છટકી ન જાય.” ન્યૂમાન કહે છે: મધમાખીઓ ઝાડનો ગુંદર ભેગો કરીને કેદ બાંધે છે, અને એમ કરવા લગભગ ચાર દિવસ લાગી શકે. જો કે યુરોપની અને ઉત્તર અમેરિકાની મધમાખીઓ પાસે પોતાનું રક્ષણ કરવા માટે આવી આવડત નથી. જો કે પાંચ વર્ષ પહેલાં યુનાઈટેડ સ્ટેટ્સમાં અચાનક એક ભમરો આવ્યો અને મધપૂડાનો નાશ કરવા લાગ્યો. હવે એ મધપૂડાનું “કોઈ રીતે રક્ષણ થઈ શકે એમ નથી.”
પ્રાણીઓ પ્રદૂષણ પારખી શકે
પ્રાણીશાસ્ત્રી સ્ટીવ હૉપકીનના કહેવા પ્રમાણે અળસિયાં, હવા-પાણીમાં પ્રદૂષણ પારખવા માટે સૌથી સારાં છે. આ પ્રાણીઓ સસ્તાં અને પુષ્કળ છે, છતાં તેઓ આધુનિક મશીન કરતાં પણ ચડિયાતા છે. તેમ જ છીપવાળી માછલી પાણીની ગુણવત્તા સારી રીતે પારખી શકે છે. સંશોધકોએ એક એવું સાધન બનાવ્યું છે, જેનો આકાર ડોલ જેવો છે. એમાં આઠ છીપવાળી માછલી મૂકીને રાઈન અને ડૅન્યુબ નદીના પાણીની ગુણવત્તા તપાસવામાં, તેઓ સફળ થયા છે. એ સાધનની ડિઝાઈન કરનાર કીઝ ક્રેમર કહે છે: “જો પાણીમાં ઓચિંતું પ્રદૂષણ વધી જાય તો એ છીપવાળી માછલીને ખબર પડી જાય છે.” એ છીપવાળી માછલી પાણીમાં હજારો જાતનાં પ્રદૂષણ પારખી શકે છે. એ પારખવાથી છીપ બંધ કરે છે. તેથી એ સાધનમાં એલાર્મ વાગે છે. એ સાધનથી પારખી શકાય કે જીવજંતુઓ પર પ્રદૂષણની કેવી અસર થાય છે, એવું સ્પેઈનનું ઍલ પૅઈસ છાપું જણાવે છે.
સૌથી વધારે ભાષામાં બાઇબલ
બ્રિટનની બાઇબલ સોસાયટી જણાવે છે કે “આજે આખું બાઇબલ અને એના અમુક ભાગો ૨,૨૬૧ ભાષાઓમાં પ્રાપ્ય છે. એમાં ગયા વર્ષ કરતાં બીજી ૨૮ ભાષાઓનો વધારો થયો છે. તેમ જ આખું બાઇબલ ૩૮૩ ભાષાઓમાં પ્રાપ્ય છે, જેમાં ગયા વર્ષ કરતાં બીજી ૧૩ ભાષાઓનો વધારો છે.” આખું હેબ્રી શાસ્ત્ર એક ગ્રંથમાં, તેમ જ ગ્રીક શાસ્ત્ર એક ગ્રંથમાં આજે ૯૮૭ ભાષામાં પ્રાપ્ય છે, જેને જૂના અને નવા કરાર તરીકે પણ ઓળખવામાં આવે છે. (g02 2/22)
પૂરતી માહિતી જાણીને નિર્ણય લેવાનો હક્ક
જાન્યુઆરી ૧૯૯૧માં પ્રથમવાર ઇટાલીના આરોગ્ય ખાતાએ નિયમ બહાર પાડ્યો હતો. એમાં જણાવાયું હતું કે દરદીએ સમજી-વિચારીને લોહીની આપ-લે કરવાનો જે નિર્ણય લીધો હોય એ માન્ય કરવું જ જોઈએ. એ નિયમ પર ફરીથી ભાર આપતા જાન્યુઆરી ૨૫, ૨૦૦૧માં, તેઓએ એક ઇટાલિઅન છાપામાં કહ્યું: “લોહીની આપ-લે અથવા લોહીમાંથી બનેલી કોઈ પણ દવા દરદીને આપતા પહેલાં, તેને જણાવવું જોઈએ કે એમાં જોખમ છે. જેથી દરદી સમજી વિચારીને નિર્ણય લઈને, પોતાની ઇચ્છા લખીને જણાવી શકે.” (g02 3/22)
ઇંટરનેટ પર મૂએલાઓને યાદ કરો
ધ જાપાન ટાઈમ્સ જણાવે છે કે હવે ઇંટરનેટ પર મૂએલાઓને યાદ કરી શકાય છે. મૂએલાઓના મિત્રો અને સગાવહાલાઓ હવે ઇંટરનેટ પર તેઓ માટે પ્રાર્થના કરી શકે છે. ઇંટરનેટ પર મૂએલાના ફોટા સાથે જન્મ-અવસાનની તારીખ અને એના વિષેની માહિતી પણ જોઈ શકાય છે. તેમ જ એમાં તમે કંઈક લખી પણ શકો. બૌદ્ધ લોકો પણ એનો ઉપયોગ કરી શકે માટે એવી ગોઠવણ છે કે, તેઓ ‘કબર’ પર ફળો, ફૂલો, ધૂપ અને દારૂ પણ ચઢાવી શકે છે. ઇંટરનેટ પર આ ગોઠવણના પ્રમુખ, ટડાશી વાટનબૅના કહેવા પ્રમાણે “ઘણા કહે છે કે આ તો બહું જ સરસ કહેવાય, ખાસ કરીને જેઓ બીજા દેશમાં રહે છે, તેઓ વારંવાર કબર સુધી આવી શકતા નથી.”