સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શિક્ષકનો—આનંદ અને સંતોષ

શિક્ષકનો—આનંદ અને સંતોષ

શિક્ષકનો—આનંદ અને સંતોષ

“મને શામાંથી મદદ મળે છે? મને ખબર છે કે શિક્ષકનું કામ સહેલું નથી, પણ થકવી નાખનારું છે. તેમ છતાં, બાળકો કંઈક શીખીને પ્રગતિ કરે, એનાથી તેઓના ચહેરા પર જે ખુશી દેખાય છે, એ જ મને ઉત્તેજન આપે છે.”—લીમેરીઝ, ન્યૂ યૉર્ક સીટીની એક ટીચર.

ભલે ગમે એટલી મુશ્કેલીઓ કે નિરાશા આવે છતાં, જગતભરમાં લાખો શિક્ષકો પોતાનું કામ ચાલુ જ રાખે છે. વળી એવા હજારો વિદ્યાર્થીઓનું શું, જેઓ જાણે છે કે તેમની બહુ કદર થશે નહિ, છતાં શિક્ષકો બનવા મહેનત કરે છે? તેઓને શાનાથી પ્રેરણા મળે છે?

ભારતની રાજધાની, નવી દિલ્હીમાં રહેતી મેરીઆન સમજાવે છે: “ખરેખર, એ જાણીને ઊંડો સંતોષ મળે છે કે, કોઈ યુવાનને તેના જીવનના મુશ્કેલ સમયમાં તમે મદદ કરી, એ માટે તમારી કદર થઈ. એવું બીજું કોઈ કામ નથી, જેમાં એ જાણીને તમારું દિલ ખુશ થઈ જાય કે તમારી મદદથી સફળ થયેલા યુવાનો તમને યાદ કરીને કદર કરે છે.”

આગળના લેખમાં જણાવેલા શિક્ષક, જુલિયાનોએ કહ્યું: “જ્યારે તમે જાણો કે અમુક વિષય વિષે વિદ્યાર્થીઓને તમે સારી રીતે શીખવી શક્યા છો, ત્યારે ખરેખર આનંદ થાય છે. દાખલા તરીકે, મેં ઇતિહાસ વિષે એક મુદ્દો સમજાવ્યો. એ પછી, અમુક વિદ્યાર્થીઓ બોલી ઊઠ્યા: ‘અમારે હજુ વધારે શીખવું છે!’ વિદ્યાર્થીઓને આમ કહેતા સાંભળીને આખી સવારની મહેનત સફળ થઈ જાય છે. તમે જોઈ શકો છો કે તમે યુવાનોમાં એવી લાગણી જગાડી છે, જે તેઓ માટે પણ નવી છે. ખરેખર, તેઓના ચહેરા પર જે રોનક અને આંખોમાં ચમક આવી જાય છે, એના જેવું કંઈ જ નથી, કેમ કે તેઓ જે શીખે છે, એ સમજી શક્યા છે.”

ઇટાલીની એક ટીચર, એલેના કહે છે: “હું માનું છું કે રોજની નાની નાની વાતોમાંથી, અને વિદ્યાર્થીની થોડી પ્રગતિથી પણ તમને ખૂબ સંતોષ મળે છે. જગજાહેર થતી મોટી મોટી સફળતાની તમે આશા રાખતા નથી, કેમ કે એ તો ફક્ત સપનાં જ છે.”

ઑસ્ટ્રેલિયાની ત્રીસેક વર્ષની કોનીએ કહ્યું: “ઘણી વાર શિક્ષક અને વિદ્યાર્થી ભણતરના માર્ગે એક મનના થઈ જાય છે. એ વિદ્યાર્થી સ્કૂલ છોડી ગયા પછી પણ, સમય કાઢીને શિક્ષકની કદર કરતો પત્ર લખે ત્યારે, એના જેવું ઇનામ બીજું કંઈ જ નથી.”

આર્જેન્ટિના, મેન્ડોઝાના ઓસ્કારનું પણ એમ જ કહેવું છે: “જ્યારે મારા વિદ્યાર્થીઓ રસ્તામાં કે બીજે ક્યાંક મળે, અને તેઓ પાછળ કરેલી મહેનતનો આભાર માને છે ત્યારે, મને એમ થાય છે કે મારી મહેનત સફળ થઈ ગઈ.” સ્પેઈન, મૅડ્રિડના એન્જલે કહ્યું: “ખરું કે આ કામ બહુ સરસ છે, છતાં એ અઘરું પણ છે. પરંતુ, મારા જીવનનો કિંમતી સમય આપીને મેં કરેલા અમુક પ્રયત્નોને કારણે, જેઓ પર ગર્વ થાય એવા યુવાનોને જોવા, એ જ મારું ઇનામ છે.”

શરૂઆતમાં જણાવેલી લીમેરીઝે કહ્યું: “ખરેખર, મને લાગે છે કે શિક્ષકો, ખાસ લોકો છે. ખરું કે અમને આવી મોટી જવાબદારી પોતાના પર ઉપાડવાનું જરા ‘ગાંડપણ’ છે. પરંતુ, જો તમે દસ કે ફક્ત એક જ બાળકનું જીવન સુધારી શકો, તો તમારી મહેનત સફળ થઈ ગઈ. એના જેવો બીજો કોઈ સંતોષ નથી. પછી, તમને આ કામ કરવાનો જરાય અફસોસ રહેતો નથી.”

શું તમે તમારા શિક્ષકનો આભાર માન્યો છે?

તમે ભલે માબાપ હોવ કે વિદ્યાર્થી, છતાં શું શિક્ષકના સમય, પ્રયત્ન અને પ્રેમ માટે, તેમનો આભાર માન્યો છે? તેમની કદર કરતો પત્ર તેમને લખ્યો છે? કેન્યા, નાઈરોબીના આર્થરે મહત્ત્વની વાત જણાવી: “શિક્ષકોને પણ કદરની જરૂર છે. સરકાર, માબાપ અને વિદ્યાર્થીઓએ તેઓના કામ માટે પ્રશંસા કરીને, તેઓને ઉત્તેજન આપવું જ જોઈએ.”

ટીચર અને લેખિકા લુઆન જોનસને લખ્યું: “શિક્ષક વિષેની ફરિયાદના પત્રની સાથે સાથે, પ્રશંસા કરતા એકસો પત્ર મને મળ્યા. એનાથી મને ખાત્રી થઈ કે ખરાબ કરતાં સારા ટીચરો વધારે છે.” એ પણ જાણવા જેવું છે કે ઘણા લોકો તો ડિટેક્ટીવ ભાડે રાખીને “પોતાના અગાઉના શિક્ષકો શોધવા ચાહે છે. લોકો તેઓના શિક્ષકોને શોધીને આભાર માનવા ચાહે છે.”

શિક્ષકો વ્યક્તિના શિક્ષણની મહત્ત્વની શરૂઆત કરે છે. સૌથી જાણીતી યુનિવર્સિટીના મોટા પ્રોફેસરને પણ, એક દિવસ શિક્ષકોએ જ સખત મહેનત કરીને ભણાવ્યા હતા. જેથી વિદ્યાર્થીમાં જ્ઞાન અને સમજણની ભૂખ જગાડી શકાય. નાઈરોબીના આર્થર કહે છે: “આજે ઊંચી ઊંચી સત્તા ધરાવતા બધા જ અધિકારીઓને, એક સમયે તો શિક્ષકોએ જ ભણાવ્યા હતા.”

ખરેખર, આપણે એવા સ્ત્રી-પુરુષોની ઊંડી કદર કરીએ છીએ, જેઓએ આપણી ઇચ્છા જગાડીને, મન મૂકીને ભણવાની હોંશ જગાડી. જેઓએ આપણને જ્ઞાન અને સમજણનો માર્ગ દેખાડ્યો!

આપણે એથીયે વધારે કદર, આપણા મહાન શિક્ષક યહોવાહ પરમેશ્વરની કરવી જોઈએ. તેમણે નીતિવચનો ૨:૧-૬ના શબ્દો લખવાની પ્રેરણા આપી: “મારા દીકરા, જો તું મારાં વચનોનો અંગીકાર કરશે, અને મારી આજ્ઞાઓને તારી પાસે સંઘરી રાખીને, જ્ઞાન તરફ તારો કાન ધરશે, અને બુદ્ધિમાં તારૂં મન પરોવશે; જો તું વિવેકબુદ્ધિને માટે ઘાંટો પાડશે, અને સમજણ મેળવવાને માટે ખંત રાખશે; જો તું રુપાની પેઠે તેને ઢૂંઢશે, અને દાટેલા દ્રવ્યની પેઠે તેની શોધ કરશે; તો તને યહોવાહના ભયની સમજણ પડશે, અને દેવનું જ્ઞાન તારે હાથ લાગશે. કેમકે યહોવાહ જ્ઞાન આપે છે; તેના મુખમાંથી વિદ્યા તથા બુદ્ધિ નીકળે છે.”

આ ઊંડો વિચાર માંગી લેતી કલમોમાં ત્રણ વાર આવતા, “જો” શબ્દની તમે નોંધ કરી? જો આપણે એ મહેનત કરવા તૈયાર હોઈશું, તો આપણને “દેવનું જ્ઞાન” મળશે! ખરેખર, એનાથી મહત્ત્વનું બીજું કયું શિક્ષણ હોય શકે?

[પાન ૧૩ પર બોક્સ]

એક આભારી મા

આ પત્ર ન્યૂ યૉર્ક સીટીના એક શિક્ષકને મળ્યો:

“તમે મારાં બાળકો માટે જે કંઈ કર્યું છે, એનો હું દિલથી આભાર માનું છું, અને ખૂબ જ કદર કરું છું. તમારા પ્રેમ, માયા, અને આવડતે તેઓને એવી રીતે મદદ કરી છે કે, આજે તેઓ સફળતાને શિખરે છે. આ બધું તમારી સખત મહેનત વિના શક્ય ન હોત. તમે તેઓને જે બનાવ્યા છે, એના કારણે મને તેઓની મા હોવાનો ગર્વ છે. હું એ કદી ભૂલીશ નહિ. તમારી આભારી, એસ. બી.”

તમને એવા કોઈ શિક્ષક યાદ આવે છે, જેને તમે ઉત્તેજન આપી શકો?

[પાન ૧૨ પર ચિત્ર]

‘વિદ્યાર્થીઓ સમજી શક્યા હોવાથી, તેઓની આંખોમાં આવતી ચમક જોવી, એ મોટો બદલો છે.’—જુલિયાનો, ઇટાલી

[પાન ૧૩ પર ચિત્ર]

‘વિદ્યાર્થી સમય કાઢીને, તમારી કદર કરતો પત્ર લખે, એ જ તમારું ઇનામ છે.’—કોની, ઑસ્ટ્રેલિયા