સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શિક્ષકો—તેઓની શા માટે જરૂર છે?

શિક્ષકો—તેઓની શા માટે જરૂર છે?

શિક્ષકો—તેઓની શા માટે જરૂર છે?

“મહાન શિક્ષકના ચરણોમાં એક દિન, પુસ્તકોમાં હજારો દિનો કરતાં વધારે સારો છે.”—જાપાનીઝ કહેવત.

શું તમને એવા ટીચરની યાદ આવે છે, જેમણે તમારા મન પર ઊંડી છાપ પાડી હોય? અથવા તમે હજુ ભણતા હોવ તો, તમારા મનગમતા ટીચર કોણ છે? તમને એ ટીચર કેમ વધારે ગમે છે?

એક કુશળ શિક્ષક, વિદ્યાર્થીઓમાં ભરોસો પેદા કરે છે અને તે ભણતરને નવું નવું શીખવાની ચેલેંજ બનાવી દે છે. ભારતના એક વેપારી આજે પણ કોલકત્તાની શાળાના અંગ્રેજીના ટીચરને યાદ કરે છે. “તેમની આવડતે મને ફક્ત ભાષા-પ્રેમી જ બનાવ્યો નહિ, પણ મારા પોતાનામાં ભરોસો પેદા કર્યો. ઘણી વાર તે મારા સૌથી સારી રીતે લખેલા લેખો લઈને, થોડો સુધારો-વધારો કરીને, સમાચાર પત્રો અને મેગેઝિનો છાપનારાને મોકલતા. ખરું કે બધા જ લેખો નહિ, પણ અમુક છાપવામાં આવ્યા. સમાચાર પત્ર છાપનારા પાસેથી પૈસા તો મળ્યા, પણ એનાથી વધારે તો એ કે, મારા લેખો છપાયેલા જોઈને મારામાં ભરોસો વધ્યો કે હું લેખો લખી શકું છું.”

જર્મનીના મ્યુનિકની એક ભલી સ્ત્રી, મારગીટ કહે છે: “ખાસ કરીને એક ટીચર મને બહુ ગમતા હતા. તે અઘરા વિષયો સાદી રીતે સમજાવતા હતા. તે અમને સામેથી કહેતા કે જ્યાં સુધી સમજણ ન પડે ત્યાં સુધી પ્રશ્નો પૂછો. તે કડક ન હતા, પણ કોઈને પણ ગમી જાય એવા હતા. તેથી, તેમની પાસેથી શીખવાની મઝા આવતી.”

ઑસ્ટ્રેલિયાનો પીટર તેના ગણિતના ટીચરને યાદ કરતા કહે છે: “તે અમને એ જોવા મદદ કરતા કે અમે જે શીખી રહ્યા છીએ, એ કઈ રીતે ઉપયોગી છે. એક વાર અમે ભૂમિતિ વિષે અભ્યાસ કરતા હતા. એમાં તેમણે બતાવ્યું કે કઈ રીતે બિલ્ડીંગને અડક્યા વિના, ભૂમિતિના સિદ્ધાંતોથી એની ઊંચાઈ માપી શકાય. હું મનોમન બોલી ઊઠ્યો: ‘આ તો ગજબ કહેવાય!’”

ઇંગ્લૅંડની પૌલીને ટીચર પાસે પોતાની મુશ્કેલી જણાવી: “મને ગણિત અઘરું લાગે છે.” તેમણે પૂછ્યું: “તારે ગણિત સારી રીતે શીખવું છે? હું તને મદદ કરીશ.” પૌલીન આગળ કહે છે: “એ પછી થોડા મહિના સુધી તેમણે મને ઘણી મદદ કરી, શાળા પછી પણ મને ગણિત ભણાવ્યું. હું જોઈ શકી કે તેમને મારી ચિંતા હતી. એ જાણીને મેં પણ ખૂબ મહેનત કરી અને પ્રગતિ કરી.”

સ્કૉટલૅંડની એન્જી હવે ૩૦ વર્ષની છે. તે પોતાના ઇતિહાસના શિક્ષકને યાદ કરે છે. “તેમણે ઇતિહાસના બનાવો વાર્તા કહીને વર્ણવ્યા. તે દરેક વિષયને એટલી સારી રીતે રજૂ કરતા કે એવું લાગતું જ નહિ, કે અમે ઇતિહાસ શીખીએ છીએ!” એન્જીને તેની ટીચર મિસિસ હ્યુઈટ પણ યાદ છે. “તે ઘણા જ દયાળુ અને માયાળુ હતા. એક દિવસ હું તેમને એક પ્રશ્ન પૂછવા ગઈ. તેમણે મને તરત જ ગોદમાં ઊપાડી લીધી. તે મને ખૂબ જ ગમતા હતા.”

ગ્રીસનો તીમોથી પણ શિક્ષકોની ખૂબ કદર કરે છે. “મને હજુ મારા વિજ્ઞાનના ટીચર યાદ છે. તેમણે જીવન અને દુનિયા વિષેની મારી સમજણ પર ઊંડી અસર પાડી. તેમણે અમારામાં ભણવાની હોંશ અને સમજણ માટેની ભૂખ જગાડી. તેમણે ક્લાસમાં એવું વાતાવરણ ઊભું કર્યું, જેથી અમને ભણવાની મઝા આવે.”

યુ.એસ.એ.ના કેલીફોર્નિયાની રામોનાનો વિચાર કરો. તે લખે છે: “મારા હાઈ-સ્કૂલના ટીચરને અંગ્રેજી ખૂબ જ ગમતું. તેમને જોઈને આપણે પણ ઉત્સાહી થઈ જઈએ! તે અઘરા પાઠો પણ સહેલાઈથી શીખવતા.”

કેનેડાની જેન પણ પી. ટી.ના ટીચરના વખાણ કરતા કહે છે કે, “તે શીખવવાની નવી નવી રીતો શોધી કાઢતા. તે અમને બહાર ફરવા, સ્કીઈંગ કરવા અને માછલી પકડવા લઈ જતા. એક વખત તો અમે તંબુમાં રહ્યા હતા, ત્યાં બહાર ચૂલો સળગાવીને બ્રેડ પણ બનાવી હતી. હું તો ઘરકૂકડી હતી અને પુસ્તકોમાંથી બહાર જ ન નીકળતી. તેથી, આ અનુભવ મારા માટે અદ્‍ભુત હતો!”

હેલનનો જન્મ શાંગહાઈમાં થયો હતો અને તે હૉંગકૉંગ ભણવા ગઈ. તે સ્વભાવે શરમાળ હતી. તે યાદ કરે છે: “પેઈન્ટીંગ અને પી. ટી.ના મારા શિક્ષક બહુ સારા હતા. મારું શરીર જરા નબળું હતું. તેથી, વૉલીબોલ અને બાસ્કૅટબોલમાં હું કાચી હતી. પરંતુ, તેમણે મારાથી રમી શકાય એવી રમતો રમવા દીધી. એ પછી, હું બેડ્‌મિન્ટન અને બીજી રમતો રમવા માંડી. ખરેખર, તે કેટલા સમજુ હતા.

“એ જ પ્રમાણે પેઈન્ટીંગનું પણ થયું. હું ચીજ-વસ્તુઓ કે લોકોના ચિત્રો સારી રીતે દોરી શકતી નહિ. તેથી, તેમણે મને ડિઝાઈનો દોરવા દીધી, જેનો મને ખૂબ શોખ હતો. વળી, હું બીજા વિદ્યાર્થીઓ કરતાં ઉંમરમાં નાની હોવાથી, એ જ ક્લાસમાં એક વધારે વર્ષ રહેવા તેમણે મને સમજાવી. એનાથી મારા ભણતરમાં મોટો ફેરફાર આવ્યો. મને પોતાનામાં ભરોસો પેદા થયો અને મેં પ્રગતિ કરી. હું હંમેશા તેમની આભારી રહીશ.”

વિદ્યાર્થીઓ પર કેવા શિક્ષકની ઊંડી અસર થાય છે? શીખવવું—શિક્ષક તરીકેની મુસાફરી (અંગ્રેજી) પુસ્તકમાં વિલિયમ ઐયર જવાબ આપે છે: “સારી રીતે શિખવવા ખાસ કરીને એવા શિક્ષકની જરૂર છે, જે વિદ્યાર્થીની કાળજી રાખે, ચિંતા કરે અને તેઓને શિક્ષણ આપવા પાછળ પોતાને ખર્ચી નાખવા તૈયાર હોય. . . . સારું શિક્ષણ આપવાની કોઈ ખાસ એક રીત નથી. . . . શિક્ષણ આપવાનો અર્થ થાય, એના પ્રેમમાં પડવું.” તો પછી, સૌથી સારો શિક્ષક કોણ ગણાય? તે કહે છે: “એવો શિક્ષક જેનું જ્ઞાન તમારા દિલમાં ઉતરી જાય, જે તમને સારી રીતે સમજી શકે. વળી, ભલેને એ સંગીત, ગણિત, લૅટિન, કે પતંગ ગમે તે વિષય હોય, એના ઉત્સાહના રંગે તમને રંગી દે અને એમ જ કરવા પ્રેરણા આપે.”

ઘણા શિક્ષકોની વિદ્યાર્થીઓ અને માબાપો બહુ જ કદર કરે છે. એનાથી શિક્ષકોને બહુ જ ઉત્તેજન મળે છે, કેમ કે આજે શિક્ષકો તરીકે કામ કરવું સહેલું નથી. મોટા ભાગે વિદ્યાર્થીઓ અને માબાપો કેવા શિક્ષકોની કદર કરે છે? ખાસ કરીને, જે શિક્ષકો વિદ્યાર્થી પાછળ મહેનત કરે છે, અને તેના પર જે લાગણી રાખે છે.

જો કે બધા જ શિક્ષકો એવા હોતા નથી. તેમ જ, મોટે ભાગે શિક્ષકો પર પણ ઘણા દબાણો હોય છે, જેના કારણે તેઓના હાથ બંધાયેલા હોય છે. તેથી, દેખીતી રીતે જ પ્રશ્ન થાય છે કે, શા માટે લોકો શિક્ષકનું કામ કરે છે?

[પાન ૪ પર ચિત્ર]

“શિક્ષણ આપવાનો અર્થ થાય, એના પ્રેમમાં પડવું”