સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શિક્ષક બનવું—કઈ કિંમતે અને કયા જોખમે?

શિક્ષક બનવું—કઈ કિંમતે અને કયા જોખમે?

શિક્ષક બનવું—કઈ કિંમતે અને કયા જોખમે?

“શિક્ષકો પાસે ઘણી માંગ થાય છે, છતાં, અમારી સ્કૂલના મહેનતુ શિક્ષકોની તેઓના પ્રયત્નો માટે બહુ ઓછી કદર કરવામાં આવે છે.”—કેન એલ્ટીસ, ઑસ્ટ્રેલિયા, સીડની યુનિવર્સિટી.

જેને “સૌથી મહત્ત્વનું કામ” કહેવામાં આવે છે, એમાં ઘણી જ મુશ્કેલીઓ છે. જેમ કે, ઓછો પગાર, ઘણી જ લખાણપટ્ટી, અને ક્લાસમાં ઘણા વિદ્યાર્થીઓ હોય છે. તેમ જ, યોગ્ય ક્લાસ-રૂમ નહિ, કે શિક્ષક માટે કોઈ માન-મર્યાદા હોતી નથી. વળી, કોઈ માબાપો હિંસા અને માથાકૂટ કરનારા પણ હોય છે. અમુક શિક્ષકો આવી મુશ્કેલીઓ કઈ રીતે સહન કરે છે?

માન-મર્યાદા નહિ

ન્યૂ યૉર્ક સીટીના ચાર શિક્ષકોને અમે પૂછ્યું કે તેઓની નજરમાં કઈ મુશ્કેલીઓ મોટી હતી. તેઓએ એકમતે જવાબ આપ્યો: “કોઈ માન-મર્યાદા રહી નથી.”

કેન્યાના વિલિયમે જણાવ્યું કે હવે આફ્રિકામાં પણ સંજોગો બદલાઈ રહ્યા છે. તેમણે કહ્યું: “બાળકોમાં બહુ સારા સંસ્કાર જોવા મળતા નથી. હું બાળક હતો ત્યારે [હવે તે ૪૦થી વધારે વર્ષના છે], આફ્રિકાના સમાજમાં શિક્ષકોને ઘણું માન આપવામાં આવતું. નાના-મોટા સર્વ શિક્ષકોને પગલે ચાલવા ચાહતા. હવે એ બધું ભૂલાતું જાય છે. ધીમે ધીમે યુવાનો પર, આફ્રિકાના ગામડાંમાં પણ વેસ્ટર્ન સમાજની ખરાબ અસર થતી જાય છે. આજકાલની ફિલ્મો, વિડીયો, અને પુસ્તકો એવી છે જેમા સત્તાની સામે થનારને હીરો મનાય છે.”

ઇટાલીનો ટીચર જુલિયાનો દુઃખી થતા કહે છે: “આજે જ્યાં જુઓ ત્યાં સત્તા સામે બંડ પોકારવાનું, અને કોઈનું કહેવું નહિ માનવાનું વલણ જોવા મળે છે. બાળકો પર એની ઊંડી અસર પડે છે.”

ડ્રગ્સ અને હિંસા

હવે શાળાઓમાં ડ્રગ્સ એક મોટી મુસીબત બની ગયા છે. તેથી, એ ખૂબ જ દુઃખની વાત છે. અમેરિકાની એક ટીચર અને લેખિકા લુઆન જોનસન લખે છે: “લગભગ દરેક શાળામાં, અરે બાળમંદિરમાં પણ ડ્રગ્સથી દૂર રહેવા વિષે શીખવવામાં આવે છે. [અક્ષરો અમે ત્રાંસા કર્યા છે.] મોટી ઉંમરના લોકો કરતાં, . . . બાળકો ડ્રગ્સ વિષે વધારે જાણે છે.” તે ઉમેરે છે: “જે બાળકો શરમાળ હોય, એકલા પડી કે કંટાળી જતાં હોય, અથવા કોઈને લાગે કે પોતે નકામા છે, તેઓ જલદીથી ડ્રગ્સના ફાંદામાં ફસાય શકે છે.”—બે ભાગનું પુસ્તક, એક ભાગ છે પ્રેમ (અંગ્રેજી).

ઑસ્ટ્રેલિયામાં રહેતા કેન નામના એક શિક્ષકે પૂછ્યું: “જો એક નવ વર્ષના બાળકને, તેના પોતાના માબાપ ડ્રગ્સ લેતા શીખવે, અને હવે તે ડ્રગ્સની લતે ચડી ગયું હોય, તો એને મદદ કરવા અમે શું કરી શકીએ?” જર્મનીનો ત્રીસેક વર્ષનો એક શિક્ષક, મીખાએલ લખે છે: “અમે જાણીએ છીએ કે સ્કૂલમાં ડ્રગ્સ વેચાય છે; પણ ભાગ્યે જ કોઈ પકડાય છે.” મીખાએલ સંસ્કારના અભાવ વિષે કહે છે કે, આજે “બધી બાજુ એવું જ જોવા મળે છે.” તે ઉમેરે છે કે “ગંદા ટેબલ, દીવાલો, અને ફર્નિચરની ભાંગતોડ તો રોજનું થયું. મારા ક્લાસના અમુક વિદ્યાર્થીઓને દુકાનમાં ચોરી કે એવા કોઈ ગુનાને કારણે પોલીસે પકડ્યા પણ છે. તો પછી, સ્કૂલમાં ચોરી થાય એમાં શું નવાઈ!”

અમીરા મેક્સિકોમાં ગ્વાનાહુઆતો સ્ટેટમાં ભણાવે છે. તે કબૂલે છે: “હિંસા અને ડ્રગ્સની લતે ચડી ગયા હોય એવા કુટુંબોમાંના બાળકોને મદદ કરવી બહુ જ મુશ્કેલ છે. જો ઘરમાં જ કાયમ ગંદી ભાષા અને બીજી કુટેવો ચાલતી હોય, તો તેઓમાં સારા સંસ્કાર ક્યાંથી હોય? બીજી બાજુ, ભલે ભણતર માટે ફી ભરવી પડતી નથી, પણ માબાપે નોટબુકો, પેનો અને સ્કૂલ માટેની બીજી બધી ચીજ-વસ્તુઓ તો ખરીદવી જ પડે છે. પરંતુ, જ્યાં પૂરતું ખાવાનું જ ન મળતું હોય તો, એ કેવી રીતે ખરીદવું?”

શાળામાં પિસ્તોલ?

યુનાઇટેડ સ્ટેટ્‌સની શાળાઓમાં બનતા ગોળીબારના બનાવો દેખાડે છે કે, ત્યાંની હિંસામાં એક મોટી મુશ્કેલી, પિસ્તોલ છે. એક અહેવાલ જણાવે છે: “એવો અંદાજ કાઢવામાં આવે છે કે એ દેશની ૮૭,૧૨૫ સ્કૂલમાં દરરોજ ૧,૩૫,૦૦૦ પિસ્તોલ લવાય છે. એની સામે સ્કૂલના અધિકારીઓએ સલામતીના પગલાં લીધા છે. એવાં હથિયારો પકડી પાડતા મશીનો, કૅમેરા, ટ્રેનિંગ પામેલાં કૂતરાં, અને ઓળખપત્રો રાખ્યા છે. ઘણી વાર વિદ્યાર્થીઓના ખાના તપાસવામાં આવે છે, અને સ્કૂલમાં કોઈ બેગ પણ લાવી શકાતી નથી.” (અમેરિકામાં ભણતર [અંગ્રેજી]) આવી કડક સલામતી જોઈને, પૂછવાનું મન થાય કે, આ તે સ્કૂલ છે કે જેલ? અહેવાલ એમ પણ જણાવે છે કે ૬,૦૦૦થી વધારે વિદ્યાર્થીઓને સ્કૂલમાં પિસ્તોલ લાવવાને કારણે કાઢી મૂકાયા છે.

ન્યૂ યૉર્ક સીટીની એક ટીચર, આઈરીશે અમને જણાવ્યું: “વિદ્યાર્થીઓ સંતાડીને સ્કૂલમાં હથિયારો લાવે છે. ગમે તેવી કડક સલામતી, સ્કૂલમાં હથિયારો આવતા રોકી શકતી નથી. સ્કૂલમાં થતી ભાંગતોડ, એક બીજી મોટી મુસીબત છે.”

આવા સંજોગોમાં ગમે એટલું ભલું ચાહતા શિક્ષકો, વિદ્યાર્થીઓને કઈ રીતે કેળવણી આપી શકે? તેથી, એમાં કંઈ નવાઈ નથી કે ઘણા શિક્ષકો ડિપ્રેશનનો ભોગ બને છે. જર્મનીના તરીન્જિયા શહેરમાં શિક્ષકોના સંગઠનના પ્રમુખ, રૉલ્ફ બુશે કહ્યું: “જર્મનીના દસ લાખમાંથી ત્રીજા ભાગના શિક્ષકો ટેન્શનને કારણે બીમાર પડે છે. હવે, તેઓ જાણે કે એકદમ થાકીને હારી ગયા છે.”

બાળકોને બાળકો થાય

બીજી એક મહા મુસીબત નાની ઉંમરે જાતીય સંબંધોની છે. અમેરિકામાં ભણતર (અંગ્રેજી) પુસ્તકોના લેખક, જ્યોર્જ એસ. મોરીસન એ દેશ વિષે કહે છે કે, “દર વર્ષે લગભગ ૧૦ લાખ છોકરીઓ નાની ઉંમરે (૧૫-૧૯ વર્ષની છોકરીઓમાંથી ૧૧ ટકા) ગર્ભ ધરે છે.” યુનાઇટેડ સ્ટેટ્‌સમાં સૌથી વધારે પ્રમાણમાં નાની ઉંમરના ‘બાળકોને’ બાળકો થાય છે.

આઈરીશ સહમત થતા કહે છે કે, “યુવાનો નાની ઉંમરેથી જ સેક્સ અને પાર્ટીઓ વિષે વાત કરતા થઈ જાય છે. જાણે કે એ આજની ફેશન થઈ ગઈ છે. વળી, હવે તો સ્કૂલોમાં ઈન્ટરનેટ આવી ગયું છે! એટલે બસ ચેટરૂમમાંની વાતચીતો અને ગંદી માહિતીનો ખજાનો મળી ગયો.” સ્પેઈનના મૅડ્રિડનો એન્જલ જણાવે છે: “વિદ્યાર્થીઓમાં જાતીય સંબંધો સામાન્ય છે. અમે એવા કિસ્સા જોયા છે, જેમાં બાળક જેવી છોકરી, બાળકની મા બનવાની હોય છે.”

“શું ફક્ત બાળકોની સંભાળ રાખનાર?”

અમુક શિક્ષકોની બીજી એક ફરિયાદ એ છે કે, માબાપ બાળકને ઘરે કેળવણી આપતા નથી. શિક્ષકોનું માનવું છે કે બાળકોના પહેલા ગુરુ માબાપ હોવા જોઈએ. સારા સંસ્કારની શરૂઆત ઘરેથી થાય છે. તેથી, એમાં કંઈ નવાઈ નથી કે શિક્ષકોના અમેરિકી સંગઠનના પ્રમુખ, સાંડ્રા ફેલ્ડમેન કહે છે કે, “શિક્ષકો કંઈ બાળકોની સંભાળ રાખનારા જ નથી, પણ તેઓને બીજા ભણેલા-ગણેલા લોકોની જેમ માન મળવું જોઈએ.”

ઘણી વાર બાળકોને શાળામાં મળતી શિસ્તથી માબાપ ગુસ્સે થઈ જાય છે. આગળના લેખમાં જણાવેલી ટીચર, લીમેરીઝે અમને જણાવ્યું: “તમે ગુનેગાર છોકરા વિષે પ્રિન્સિપાલને ફરિયાદ કરો તો, માબાપ તમારું જીવન મુશ્કેલ બનાવી દે છે!” અગાઉ જણાવેલા રોલ્ફ બુશે, મુસીબતો ઊભી કરતા વિદ્યાર્થીઓ વિષે કહ્યું: “કુટુંબમાં માબાપ બાળકોને કેળવે, એ વાત તો હવે જૂની થઈ ગઈ. હવે ભાગ્યે જ બાળકોનો ઉછેર સંસ્કારી કુટુંબમાં થાય છે.” આર્જેન્ટિના, મેન્ડોઝાની એસ્ટેલે કહ્યું: “અમને વિદ્યાર્થીઓની બીક લાગે છે. અમે ઓછા માર્ક્સ આપીએ તો, તેઓ અમને પથ્થર મારશે કે બીજી કોઈ રીતે હુમલો કરશે. અમારી કાર હોય તો, એને નુકસાન કરશે.”

તેથી, ઘણા દેશોમાં શિક્ષકો ઓછા થતા જાય છે, એમાં કંઈ નવાઈ છે? ન્યૂ યૉર્કના કાર્નેગી કોર્પોરેશનના પ્રમુખ, વાર્ટન ગ્રેગોરિયને ચેતવણી આપી કે, “આપણી [યુ.એસ.] સ્કૂલોને બીજા દસ વર્ષમાં પચ્ચીસ લાખ નવા શિક્ષકોની જરૂર પડશે.” મોટા મોટા શહેરોમાં “ઈંડિયા, વેસ્ટ ઇંન્ડીઝ, દક્ષિણ આફ્રિકા, યુરોપ અને બીજા જે કોઈ દેશોમાં સારા શિક્ષકો મળી આવે ત્યાંથી, તેઓને બોલાવવામાં આવે છે.” એટલે એનો અર્થ એમ થાય કે એવા દેશોમાં હવે શિક્ષકોની અછત પડશે.

શા માટે શિક્ષકોની અછત?

યોશીનોરી જાપાનના એક શિક્ષક છે અને તે ૩૨ વર્ષથી ભણાવે છે. તેમણે કહ્યું: “શિક્ષકનું કામ ઘણું સારું છે જેનો સારો ધ્યેય છે, અને જાપાનના સમાજમાં એ માનપાત્ર ગણાય છે.” દુઃખની વાત છે કે બધા જ સમાજમાં એવું નથી. અગાઉ જણાવેલા ગ્રેગોરિયને એમ પણ કહ્યું કે શિક્ષકોને “યોગ્ય માન, કદર અને બદલો મળતા નથી. . . . મોટા ભાગના [યુ.એસ.] રાજ્યોમાં, બેચલર અથવા માસ્ટરની ડિગ્રીવાળી નોકરીઓમાં બીજાને જેટલો પગાર મળે છે, એના કરતાં શિક્ષકોને ઓછો મળે છે.”

શરૂઆતમાં જણાવેલા કેન એલ્ટીસે લખ્યું: “જ્યારે શિક્ષકોને ખબર પડે કે પોતાના કરતાં ઓછું ભણેલા લોકોનો પગાર વધારે છે, ત્યારે તેઓને કેવું લાગશે? અથવા તો તેઓ જાણે કે ફક્ત બાર મહિના પહેલાં, તેમના હાથ નીચે ભણી ગયેલો વિદ્યાર્થી . . . પોતાના કરતાં વધારે કમાય છે અથવા પાંચ વર્ષ પછી વધારે કમાશે, તો કેવું લાગશે? ખરેખર, આ જાણવાથી શિક્ષકને પોતાના કામની કોઈ કિંમત રહેશે નહિ.”

વિલિયમ ઐયરે લખ્યું: “શિક્ષકોને બહુ ઓછો પગાર મળે છે. . . . મોટા ભાગે અમને વકીલો કરતાં ચોથા ભાગનો, એકાઉન્ટન્ટ કરતાં અર્ધો, અને ટ્રક ડ્રાઈવર તથા બંદર પરના વહાણના મજૂરો કરતાં પણ ઓછો પગાર મળે છે. . . . એવી બીજી કોઈ નોકરી નથી, જેમાં શિક્ષકો જેટલી માથાકૂટ કરવી પડે, અને આટલો ઓછો પગાર મળતો હોય.” (શીખવવું—શિક્ષક તરીકેની મુસાફરી [અંગ્રેજી]) એ જ વિષય પર વાત કરતા, યુ.એસ.ના અગાઉના વકીલે નવેમ્બર ૨૦૦૦માં કહ્યું: “આપણે માણસોને ચંદ્ર પર મોકલીએ છીએ. . . . આપણે રમતવીરોને મોટી રકમ આપીએ છીએ. તો પછી, આપણા શિક્ષકોને કેમ વધારે પગાર આપી શકતા નથી?”

લીમેરીઝે કહ્યું: “મોટે ભાગે શિક્ષકોને ઓછો પગાર મળે છે. ન્યૂ યૉર્ક સીટીના શહેરી જીવનની ધાંધલ-ધમાલ અને દબાણો વચ્ચે હું વર્ષોથી ટીચર તરીકેની નોકરી કરું છું. છતાં, મને હજુ પણ એવો જ ઓછો પગાર મળે છે.” રશિયાના સેન્ટ પીટર્સબર્ગની ટીચર વેલેન્ટિનાએ કહ્યું: “પગારની વાત આવે છે ત્યારે, શિક્ષકની નોકરીની કોઈ કિંમત નથી. શિક્ષકોને હંમેશા ઓછો પગાર મળે છે.” આર્જેન્ટિના, ચબુતની મેરલિન પણ એમ જ કહે છે: “ઓછો પગાર હોવાથી, અમારે બે કે ત્રણ જગ્યાએ નોકરી કરવી પડે છે. એટલે અમે અહીંથી ત્યાં ભાગ-ભાગ કરતા હોઈએ છીએ. એનાથી જોઈએ એવું કામ થતું નથી.” કેન્યા, નાઈરોબીના શિક્ષક, આર્થરે અમને જણાવ્યું: “પૈસાની તંગી હોવાથી, શિક્ષક તરીકેનું મારું જીવન ઘણું જ અઘરું છે. મારા જેવા બીજા શિક્ષકો પણ સહમત થશે તેમ, ઓછા પગારને કારણે ઘણા લોકો શિક્ષક બનવાનું પસંદ કરતા નથી.”

ન્યૂ યૉર્ક સીટીની એક ટીચર, ડાયેના ફરિયાદ કરે છે કે, શિક્ષકોએ કલાકો સુધી એક કે બીજી લખાણપટ્ટી કરવાની હોય છે. આ મોટા ભાગના ટીચરોની ફરિયાદ પણ હતી કે, “આ ફોર્મ ભરો, પેલું ફોર્મ ભરો. આખો દિવસ ફોર્મ ભરવામાંથી જ ઊંચા ન આવો.”

ઘણા વિદ્યાર્થીઓ, થોડા શિક્ષકો

જર્મની, ડ્યુરેનની બરટોલ બીજી એક જાણીતી ફરિયાદ કરે છે: “એક ક્લાસમાં ઘણા વિદ્યાર્થીઓ હોય છે! અહીં લગભગ ૩૪ જેટલા એક વર્ગમાં છે. તેથી, જે વિદ્યાર્થીને ખાસ મદદની જરૂર હોય, એને અમે ધ્યાન આપી શકતા નથી. તેઓની જરૂરિયાતો પૂરી થતી નથી.”

લીમેરીઝ સમજાવે છે: “ગયા વર્ષે મારા ક્લાસના વિદ્યાર્થીઓના માબાપ મદદરૂપ ન હતા. એટલું જ નહિ, પણ મારા વર્ગમાં ૩૫ બાળકો હતા. જરા વિચારો કે કઈ રીતે ૬ વર્ષની ઉંમરના ૩૫ બાળકોને તમે ભણાવી શકો!”

આઈરીશે કહ્યું: “અહીં ન્યૂ યૉર્કમાં ખાસ કરીને ગણિત અને વિજ્ઞાનના શિક્ષકોની અછત છે. તેઓને બીજે ક્યાંક સારી નોકરી મળી શકે છે, એટલે અહીં બીજા દેશોમાંથી શિક્ષકો બોલાવવા પડે છે.”

તેથી, દેખીતું છે કે શિક્ષકનું કામ કંઈ સહેલું નથી. તો પછી, શિક્ષકોને શાનાથી મદદ મળે છે? શા માટે તેઓ પોતાનું કામ ધીરજથી ચાલુ રાખે છે? આ પ્રશ્નોના જવાબ અમારા છેલ્લા લેખમાં મળી આવશે.

[પાન ૯ પર બ્લર્બ]

યુ.એસ.ની સ્કૂલોમાં અંદાજે ૧,૩૫,૦૦૦ પિસ્તોલ દરરોજ લાવવામાં આવે છે

[પાન ૧૦ પર બોક્સ/ચિત્ર]

સારો શિક્ષક કોને કહેશો?

શું તમે એને સારા ટીચર કહેશો, જે બાળકને એટલું સારી રીતે ગોખાવી શકે કે, તે પોપટની માફક બોલી જાય અને પરીક્ષામાં પાસ થઈ જાય? અથવા એવા ટીચર જે બાળકને પ્રશ્નો પૂછવા, વિચારવા અને પોતાના નિર્ણય પર આવવા મદદ કરે? કોણ બાળકને સારો નાગરિક બનવા મદદ કરશે?

“શિક્ષક તરીકે જ્યારે તમે પારખો કે તમે તો વિદ્યાર્થી સાથે જીવનની લાંબી અને મુશ્કેલ મુસાફરીના સાથી છો. તેમ જ, જ્યારે તમે તેઓને એ માન આપો, જેનો મનુષ્ય તરીકે તેઓને હક્ક છે, ત્યારે તમે યોગ્ય શિક્ષક બનો છો. એ એકદમ સાદું છે, છતાં એટલું જ અઘરું છે.”—શીખવવું—શિક્ષક તરીકેની મુસાફરી (અંગ્રેજી).

સારો શિક્ષક એને કહેવાય જે પારખી લે કે વિદ્યાર્થી શું કરી શકે એમ છે. પછી, પોતાની આવડતથી એને ખીલી ઊઠવા મદદ કરે. વિલિયમ ઐયરે જણાવ્યું: “આપણે એ રીતે શીખવવું જોઈએ, જે વિદ્યાર્થીના અનુભવ, આવડત, અને તેને જે કરવાની હોંશ હોય, એના પર આધારિત હોય. . . . મને અમેરિકાની એક માતાની વિનંતી યાદ આવે છે, જેનો પાંચ વર્ષનો દીકરો હતો. તેનું નામ ‘ઠોઠ નિશાળિયો’ પડી ગયું હતું. તેની માએ કહ્યું કે ‘ચાળીસ કરતાં વધારે પક્ષીઓનાં નામ અને તેઓ કયા સમયે કયા દેશમાં જાય છે, એ તેને ખબર છે. તેને એ પણ ખબર છે કે સામાન્ય રીતે ગરુડની પૂંછડીના ૧૩ પીંછા હોય છે. તેને એવા શિક્ષકની જરૂર છે, જે એની આવડતો પારખી શકે.’”

બાળકને સારી રીતે શિક્ષણ આપવા, ટીચરે એ જાણવાની જરૂર છે કે તેને શું ગમે છે અને કઈ રીતે તેને શીખવી શકાય. તેમ જ, એક સારો શિક્ષક બાળક પર વહાલ રાખશે, એમાં કોઈ શંકા નથી.

[ક્રેડીટ લાઈન]

United Nations/Photo by Saw Lwin

[પાન ૧૧ પર બોક્સ]

શું ભણવામાં હંમેશા હસાહસ હોવી જોઈએ?

એક શિક્ષક વિલિયમ ઐયરે દસ ગેરસમજણોનું લીસ્ટ બનાવ્યું. એમાંની એક એ છે કે, “સારા શિક્ષકો ગમ્મત કરાવી ભણાવે છે.” તે આગળ કહે છે: “ગમ્મત ધ્યાન બીજે લઈ જાય છે. જોકર હસાહસ કરાવે. જોક હોય તો મનોરંજન મળે. ભણતર તો ધ્યાન માંગી લે, એમાં ડૂબી જવું પડે, નવાઈ પમાડે, ગૂંચવણમાં મૂકે, પ્રશ્નો પૂછવા પડે. છેવટે, તમને એનાથી ઊંડો સંતોષ મળે. જો કોઈ ગમ્મતની વાત આવે તો ઠીક, પણ એમાં કાયમ હસાહસની જરૂર નથી.” તે ઉમેરે છે: “શિક્ષણ આપવા જુદા જુદા વિષયોનું જ્ઞાન, આવડત, અને સમજણની જરૂર છે. ખરેખર, એ માટે સમજુ અને પ્રેમાળ વ્યક્તિની જરૂર છે.”—શીખવવું—શિક્ષક તરીકેની મુસાફરી (અંગ્રેજી).

જાપાનના નાગોયા શહેરના સુમીયોને આ મુશ્કેલી જોવા મળી: “હાઈ-સ્કૂલના ઘણા વિદ્યાર્થીઓને કોઈ મહેનત કરવી નથી. બીજું કંઈ નહિ, પણ બસ આખો વખત હસાહસ કરવાની જ મજા આવે છે.”

વિદ્યાર્થીઓને સલાહ આપનાર, ન્યૂ યૉર્ક, બ્રુકલિનની રોઝાએ કહ્યું: “મોટા ભાગે વિદ્યાર્થીઓને ભણવાનો કંટાળો આવે છે. શિક્ષકો ગમતા નથી. તેઓને હર સમયે મજા કરવી છે. તેઓ ભૂલી જાય છે કે, મહેનતનાં ફળ મીઠાં હોય છે.”

જેઓને ફક્ત મજા જ જોઈતી હોય, એવા યુવાનોને મહેનત કરવી ઘણી અઘરી લાગે છે. અગાઉ જણાવેલા સુમીયોએ કહ્યું: “ટૂંકમાં, તેઓ ભાવિ વિષે વિચારતા જ નથી. હાઈ-સ્કૂલમાં એવા થોડાક જ વિદ્યાર્થીઓ છે, જેઓ વિચારે છે કે જો તેઓ હમણાં મહેનત કરશે તો, ભાવિમાં એનાં મીઠાં ફળ પણ મળશે.”

[પાન ૭ પર ચિત્ર]

ડાયેના, યુ.એસ.એ.

[પાન ૮ પર ચિત્ર]

‘સ્કૂલોમાં ડ્રગ્સ આવે છે, પણ ભાગ્યે જ પકડાય છે.’—મીખાએલ, જર્મની

[પાન ૮ પર ચિત્ર]

“કુટુંબમાં જ હિંસા અને ડ્રગ્સની સમસ્યા હોય છે.”—અમીરા, મેક્સિકો

[પાન ૯ પર ચિત્ર]

“શિક્ષકો કંઈ બાળકોની સંભાળ રાખનારા જ નથી, તેઓને બીજા ભણેલા-ગણેલાની જેમ માન મળવું જોઈએ.”—સાંડ્રા ફેલ્ડમેન, અમેરિકી શિક્ષકોના સંગઠનના પ્રમુખ