સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રાણી જગતની સંભાળ રાખવી

પ્રાણી જગતની સંભાળ રાખવી

પ્રાણી જગતની સંભાળ રાખવી

કલ્પના કરો કે તમારી પીઠ પર રેડિયો ટ્રાંસમીટર મૂકવામાં આવ્યું હોય, જેથી તમે જે કાંઈ કરો એના પર નજર રાખીને, એના પરથી સંશોધન કરી શકાય. એક મોટું દરિયાઈ પક્ષી, અલ્બાટ્રૉસ જેને મીસીસ ગિબ્સન નામ આપવામાં આવ્યું છે, એની આ જ હાલત છે. તેના પર લગાડેલું નાનકડું ટ્રાંસમીટર, સંશોધકોને મદદ કરે છે. જેથી, સેટેલાઈટ દ્વારા તેઓ તેની હાલ-ચાલ પર નજર રાખે છે. તેમ જ, એની જેમ બીજા પક્ષીઓ પર પણ ટ્રાંસમીટર લગાડીને તેઓ છોડી મૂકે છે. આ રીતે ભેગો કરવામાં આવતો અહેવાલ આ સુંદર પક્ષીઓ વિષે અદ્‍ભુત માહિતી આપે છે. વળી, એવી આશા રાખવામાં આવે છે કે એનાથી તેઓની સંભાળ લેવામાં પણ મદદ મળશે.

ઑસ્ટ્રેલિયાના વિક્ટોરિયાની લા ટ્રોબ યુનિવર્સિટીના અહેવાલ પ્રમાણે, સંશોધકોએ શોધી કાઢ્યું છે કે, અલ્બાટ્રૉસ રોજ લગભગ ૩૦૦ કિલોમીટર ઊડે છે. પરંતુ, કોઈ કોઈવાર દિવસના ૧,૦૦૦ કિલોમીટર પણ ઊડે છે. એની પાંખની લંબાઈ ૩૪૦ સેન્ટિમીટર છે, જે બધા પક્ષીઓની પાંખથી લાંબી છે. અલ્બાટ્રૉસ એકથી બીજા સમુદ્ર વટાવી, એકથી બીજા ખંડની મુસાફરી કરે છે. તે અમુક મહિનાઓમાં ૩૦,૦૦૦ કિલોમીટરથી વધારે અંતર કાપી શકે છે. યુનાઇટેડ સ્ટેટ્‌સનો એવો જ એક અહેવાલ જણાવે છે કે, લેસન નામની જાતના અલ્બાટ્રૉસે પોતાના ફક્ત એક બચ્ચા માટે ભોજન લાવવા કેટલી મહેનત કરી. એણે હોનોલુલુની ઉત્તર-પશ્ચિમે આવેલા, ટર્ન ટાપુથી અલ્યુશન ટાપુઓ પર ચાર વખત આંટા માર્યા. એ અંતર બધુ થઈને લગભગ ૬,૦૦૦ કિલોમીટર થતું હતું.

આવી ટેકનોલોજીએ કદાચ એ પણ જણાવ્યું હોય શકે કે, નર અલ્બાટ્રૉસ કરતાં નારી અલ્બાટ્રૉસની સંખ્યા કેમ ઝડપથી ઘટી ગઈ છે. તેઓના ઊડાણના માર્ગ પરથી જાણવા મળે છે કે, બચ્ચાંની સંભાળ રાખનાર નર ધ્રુવ પ્રદેશ પાસેથી માછલી પકડી લાવે છે, જ્યારે કે નારી અલ્બાટ્રૉસ મોટે ભાગે ઉત્તર તરફ દૂર સુધી જાય છે, જ્યાં માછલી પકડવાની બોટ્‌સ આવતી હોય છે. પક્ષીઓ બોટની પાછળ રાખેલા ગલ તરફ તરાપ મારે છે, અને ફસાઈને ડૂબી મરે છે. બચ્ચાંની સંભાળ રાખનારામાં, નારી અલ્બાટ્રૉસ કરતાં નર બમણાં છે. બીજા પ્રકારના અલ્બાટ્રૉસ, દરિયાઈ પક્ષીઓને પણ એની અસર થઈ છે. એક વખત એવો હતો કે ઑસ્ટ્રેલિયા અને ન્યૂ ઝીલેન્ડના દરિયાની માછલી પકડવાની બોટ પાછળ વર્ષે ૫૦,૦૦૦ પક્ષીઓ ડૂબી મરતાં હતાં. જેનાથી અમુક પ્રકારના પક્ષીઓની જાત ગુમાવી બેસીશું, એવું જોખમ ઊભું થયું હતું. ખરું જોતાં, ઑસ્ટ્રેલિયામાં આ અલ્બાટ્રૉસ જોખમની સ્થિતિમાં આવી ગયા હોવાથી એના રક્ષણ માટે જાહેર કરવામાં આવ્યું છે. આ માહિતીને કારણે માછલી પકડવાની રીતોમાં ફેરફારો થયા, અને અલ્બાટ્રૉસનો મરણ આંક થોડો નીચો ગયો છે. તેમ છતાં, તેઓની સંખ્યા ઓછી થવાનું ચાલુ જ છે.

પક્ષીની ઓળખ

ખરું કે પક્ષીઓની અમુક જાતની સંભાળ રાખવા, સંશોધકોને નાના ઇલેક્ટ્રોનિક સાધન મદદરૂપ સાબિત થયા છે. પણ ઘણા વર્ષોથી વધારે સાદી રીતોનો ઉપયોગ થઈ રહ્યો છે. એમાંની એક છે, પક્ષીની ઓળખ આપતી વીંટી પહેરાવવી. જેનો અર્થ એ થાય કે સાવચેતીથી ધાતુ કે પ્લાસ્ટિકની નાની વીંટી પક્ષીના પગમાં પહેરાવવી.

સ્મીથસોનીઅન મેગેઝીન કહે છે કે, પક્ષીઓની ઓળખ પહેરાવવાના એ સાધનની શરૂઆત ૧૮૯૯માં થઈ. એ સમયે એક શાળાના ડેનિસ શિક્ષક, હાન્સ ખ્રિશ્ચિયન મોર્ટેનસેને “પોતે ધાતુની વીંટીઓ બનાવી. એના પર પોતાનું નામ અને સરનામું લખીને, મેનાનાં ૧૬૫ બચ્ચાંના પગમાં પહેરાવી દીધી.” આજકાલ તો આ પક્ષીઓની ઓળખ, જેને યુરોપમાં ‘બર્ડ રીંગીંગ’ કહેવાય છે, એ આખી દુનિયામાં કરવામાં આવે છે. જે પક્ષી વિષે મહત્ત્વની માહિતી પૂરી પાડે છે. એ તેની દેશ-વિદેશની મુસાફરી, ટેવો, કેટલી સંખ્યામાં છે, એની કેટલી પેદાશ છે અને એના રક્ષણની વિગતો પૂરી પાડે છે. શિકાર કરવાની પરવાનગી હોય ત્યાં, ઓળખ આપતી વીંટીઓ સરકારને નિયમો બનાવવા મદદ કરે છે, જેથી લાંબો સમય સુધી પૂરતા પક્ષીઓ હોય એની ખાતરી કરવામાં આવે. વળી, વીંટીઓથી એ જાણવા પણ મદદ મળે છે કે પક્ષીઓને રોગો અને કેમિકલ કેવી રીતે અસર કરે છે. એટલું જ નહિ, પણ અમુક પક્ષીઓ ગંભીર માનવ રોગો એકથી બીજી જગ્યાએ લઈ જઈ શકે છે. તેથી, પક્ષી વિષેની આ માહિતી આપણી પોતાની તંદુરસ્તી સાચવવા પણ ઉપયોગી થઈ પડે છે.

શું એ ક્રૂર કહેવાય?

પક્ષીઓને આવી રીતે ઓળખ માટેની વીંટીઓ પહેરાવાય છે, એવા દેશોમાં એના માટેના નિયમો હોય છે. મોટે ભાગે એ માટે લાયસન્સ મેળવવું પડે છે. ઑસ્ટ્રેલિયાની કુદરતી સંપત્તિની દેખરેખ કરનાર એજન્સી કહે છે કે, ઑસ્ટ્રેલિયામાં “પક્ષીઓને ઓળખની વીંટી કઈ રીતે પહેરાવવી એની પૂરી ટ્રેનિંગ આપવામાં આવે છે, જેથી પક્ષીને કોઈ ઇજા ન થાય.” યુરોપ, કેનેડા, યુનાઇટેડ સ્ટેટ્‌સ અને બીજા દેશોમાં પણ એવા નિયમો છે.

પક્ષીઓને પહેરાવાતી એવી ઓળખનું કદ, આકાર, રંગ અને ધાતુ અલગ અલગ હોય છે. મોટા ભાગે એવી વીંટીઓ વજનમાં હલકા ધાતુ કે પ્લાસ્ટિકની બનેલી હોય છે. પરંતુ, લાંબું જીવતાં કે ખારા પાણીમાં રહેતાં પક્ષીઓ માટે સ્ટીલ કે પછી કટાઈ નહિ એવી ધાતુ વપરાય છે. અલગ અલગ રંગોવાળી ઓળખને કારણે પક્ષીઓ દૂરથી ઓળખાઈ શકે છે. જો કે ઘણી વાર એકથી વધારે વીંટીઓ પહેરાવવી પડે. તેમ છતાં, પક્ષીઓને પાછા પકડવાને કારણે ગભરાટ વગેરે સ્ટ્રેસ પક્ષી માટે ઘટી જાય છે.

ભલે ગમે એ પ્રકારના ઓળખ-ચિહ્‍નો વાપરવામાં આવે, પણ સંશોધકો કાળજી રાખે છે કે, પક્ષીઓને કોઈ તકલીફ ન પડે. તેમ જ તેઓના વર્તન, મન, જીવન પર કોઈ અસર ન પડે અને તેઓ કોઈ જોખમમાં ન મૂકાય. દાખલા તરીકે, ચળકતા કલરથી શિકારી, પક્ષીને તરત જ શોધી કાઢી શકે અથવા એનાથી તેને સાથી મેળવવા તકલીફ પડી શકે. અમુક પક્ષીઓ ઊભા ઊભા જ ચરકે છે, જે તેઓના પગ બગાડે છે. તેથી, જો પગમાં વીંટી પહેરાવી હોય તો, ચેપ લાગવાની શક્યતા રહેલી છે. ઠંડા દેશોમાં એના પર બરફ જામી શકે અને એનાથી ખાસ કરીને પાણીમાં રહેનારા પક્ષીઓ માટે, જોખમ ઊભું થઈ શકે. પક્ષીઓને ઓળખ આપવામાં સમાયેલી વિગતોમાંની આ તો ફક્ત થોડીક જ છે. તેમ છતાં, જાણવા મળે છે કે એ રીતને સફળ અને સલામત બનાવવા પક્ષીઓ વિષે કેટલી બધી જાણકારી જરૂર છે.

તમને ‘ઓળખવાળા’ પક્ષી કે પ્રાણી મળે તો શું?

અમુક વખતે ઓળખ-ચિહ્‍ન પર એના માલિક કે સંસ્થાના * ટેલિફોન નંબર કે સરનામું જણાવેલું હોય છે. જેથી, તમે તેઓને જાણ કરી શકો. પછી, તમે કદાચ માલિકને જણાવી શકો કે તમને એ ઓળખ-ચિહ્‍ન ક્યાંથી અને ક્યારે મળ્યું, તથા એના પર બીજી કોઈ વિગત હોય તો જણાવી શકો. દાખલા તરીકે, કોઈ માછલીના કિસ્સામાં, એ માહિતી પરથી સંશોધકો નક્કી કરી શકે કે એ ઓળખ-ચિહ્‍ન લગાડ્યા પછી, એ કેટલી ઝડપથી અને કેટલી દૂર ગઈ છે.

દુનિયાભરમાં આવેલા સંશોધકોની મહેનતનો આભાર અને કાળજી રાખનારા લોકોનો પણ આભાર કે, તેઓ આવા ઓળખ-ચિહ્‍નો મળતા જ એની જાણ કરે છે. જેનાથી પ્રાણીજગત વિષે અજાયબ વિગતો ભેગી કરી શકાય છે. દાખલા તરીકે, ચકલી કરતાં પણ નાનું દરિયાઈ પક્ષી, જેનું વજન ફક્ત એકસોથી બસો ગ્રામ હોય છે, એનો વિચાર કરો. હવે વૈજ્ઞાનિકોને જાણ થઈ છે કે એ દર વર્ષે છેક કેનેડાની ઉત્તરેથી, દક્ષિણ અમેરિકાની ઊંચાઈએ જઈ પાછું આવે છે. કલ્પના કરો, એ અંતર કંઈક ૩૦,૦૦૦ કિલોમીટરનું છે!

તેઓમાંના એકને લગાવેલા ઓળખ-ચિહ્‍ન પરથી જાણ થઈ કે, એ ઉંમરવાળા પણ તંદુરસ્ત પક્ષીએ ૧૫ વર્ષથી એમ કર્યું હતું. કેવી અજાયબી કે આ નાનકડા પક્ષીએ લગભગ ૪,૦૦,૦૦૦ કિલોમીટરની મુસાફરી કરી હોય શકે. જે આશરે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર છે! આ અજાયબ નાનકડું પક્ષી પોતાના હાથમાં લઈને, કુદરત પર લખનાર સ્કોટ વીડેનસોલે કહ્યું: “આ વિશાળ દુનિયાની મુસાફરી કરીને એને નાનકડી બનાવી દેતા આ મુસાફરોને જોઈને હું મોંમાં આંગળા નાંખી જાઉં છું.” ખરેખર, ઉત્પન્‍ન કરેલા પ્રાણી જગત વિષે આપણે જેટલું વધારે શીખીએ, એટલું વધારે આપણને “આકાશ, પૃથ્વી . . . તથા તેઓમાં જે કંઈ છે,” એના ઉત્પન્‍ન કરનાર, યહોવાહ પરમેશ્વરને માન અને મહિમા આપવા પ્રેરણા મળે છે.—ગીતશાસ્ત્ર ૧૪૬:૫, ૬.

[ફુટનોટ્‌સ]

^ ઘણી વાર ઓળખ-ચિહ્‍નો એટલા ઘસાઈ જાય કે એની માહિતી વાંચી ન શકાય. જો કે એની નકલ કઢાવવાથી અદૃશ્ય માહિતી મોટે ભાગે વાંચી શકાય છે. યુનાઇટેડ સ્ટેટ્‌સમાં, પક્ષીઓને ઓળખ-ચિહ્‍નો આપતી લેબોરેટરી દર વર્ષે એવા ઘણા ઓળખ-ચિહ્‍નો વાંચે છે.

[પાન ૨૭ પર બોક્સ/ચિત્રો]

પ્રાણીઓ પર નજર રાખવાની રીત

પક્ષીઓ સિવાય અનેક પ્રાણીઓનો અભ્યાસ કરવા માટે તેઓ પર ચિહ્‍નો મૂકવામાં આવે છે. વૈજ્ઞાનિકોને પ્રાણી વિષે શું જાણવું છે, જેમ કે, તે કેવું છે અથવા તેના લક્ષણો કેવા છે, એના આધારિત જુદાં જુદાં ચિહ્‍નો તેઓ પર મૂકવામાં આવે છે. વૈજ્ઞાનિકો પ્રાણીઓના પગમાં વિવિધ પ્રકારની વીંટીઓ, લેબલો, રંગો, ડામ, કાંઠલો, રેડિયો, નાનું કૉમ્પ્યુટર, (સંદેશો લખેલી) સ્ટીલની ટાંકણી રાખે છે, અથવા અંગૂઠો, કાન કે પૂંછડી પર કાપ મૂકી જાતજાતના ઓળખ ચિહ્‍નો લગાડે છે. આમાંની અમુક રીતો ઘણી સસ્તી છે. વળી, ઘણી રીતો મોંઘી પણ હોય છે. જેમ કે અમુક એકદમ નાના વિડીયો કેમેરા અને ઇલેક્ટ્રોનિક સાધનોના ૧૫,૦૦૦ ડૉલર છે. જેનાથી સીલ માછલીની હિલચાલ પર પાણીમાં નજર રાખી, એનો અભ્યાસ થઈ શકે.

પ્રાણીને બેહોશ કરીને એની ચામડીમાં અથવા શરીરમાં અતિ નાનું ટ્રાન્સમીટર મૂકવામાં આવે છે. જેથી ખાસ સાધનથી દૂરથી એની માહિતી મળી શકે. દાખલા તરીકે, એક જાતની ટ્યુના માછલીનો અભ્યાસ કરવા માટે વૈજ્ઞાનિકોએ એમાં સાવ નાનું કૉમ્પ્યુટર મૂક્યું હતું. નવ વર્ષ સુધી એ માછલીમાં માઇક્રોચીપ્સ હોવાથી એમાં ઠંડી-ગરમી, ઊંડાઈ, પ્રકાશ અને સમય વિશે માહિતી ભેગી કરી શક્યું હતું. એમાંથી એ કૉમ્પ્યુટર બહાર કાઢવામાં આવ્યું ત્યારે માહિતીનો ભંડાર મળી ગયો. વળી, એમાં દેખાતા પ્રકાશ પરથી જાણવા મળ્યું કે એ માછલી કેટલો પંથ કાપી આવી છે.

એવી જ રીતે, સાપની કાંચળી પર ચિહ્‍ન મૂકાય છે; કાચબાઓની કાચલી પર ખાંચા મારીને, ગરોળીના અને મગરના પગમાં પીન મારીને અથવા પૂંછડીમાં ચિહ્‍ન લગાડવામાં આવે છે. વળી, અમુક પ્રાણીઓનો રંગ અને ચિહ્‍નનો રંગ અલગ તરી આવતો હોવાથી ફોટો પાળીને તેઓને ઓળખી શકાય છે.

[ચિત્રો]

કાળા રીંછને કાનમાં ઓળખ-ચિહ્‍ન પહેરાવાય છે; એક માછલી ઉપર સ્પગેટીના જેવું ઓળખ-ચિહ્‍ન; એ જ રીતે મગરની પૂંછડી પર પણ

બાજ પક્ષી પર સેટેલાઈટ ટ્રાંસમીટર

સામન જેવી માછલીમાં દૂરથી નજર રાખી શકાય એવું સાધન ફીટ કરાય છે

[ક્રેડીટ લાઈન્સ]

રીંછ: © Glenn Oliver/Visuals Unlimited; માછલી: Dr. James P. McVey, NOAA Sea Grant Program; મગર: Copyright © 2001 by Kent A. Vliet; પાન ૨ અને ૧૫ પરનાં બાજ પક્ષી: Photo by National Park Service; માણસો અને માછલી: © Bill Banaszewski/Visuals Unlimited

[પાન ૨૫ પર ચિત્ર]

બાજને વીંટી પહેરાવાય છે

[પાન ૨૫ પર ચિત્ર]

© Jane McAlonan/Visuals Unlimited