સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મેં મારા ગર્ભમાંના બાળકને ગુમાવ્યું

મેં મારા ગર્ભમાંના બાળકને ગુમાવ્યું

મેં મારા ગર્ભમાંના બાળકને ગુમાવ્યું

એપ્રિલ ૧૦, ૨૦૦૦નો સોમવાર ગરમ અને તાપવાળો દિવસ હતો. તેથી, મેં બજારમાં જવાનું નક્કી કર્યું. એ મારા ગર્ભધાનના ચોથા મહિનાની શરૂઆત જ હતી. મારી તબિયત બહુ સારી ન હતી છતાં, હું બહાર જવા માટે ઉત્સુક હતી. ત્યાર પછી, કરિયાણાંની દુકાને પૈસા ચૂકવવા હું હરોળમાં ઊભી હતી ત્યારે, મને લાગ્યું કે મારા શરીરમાં કંઈક થઈ રહ્યું છે.

હું ઘરે પહોંચી ત્યારે મારો ભય સાચો પડ્યો. મને રક્તસ્રાવ થઈ રહ્યો હતો કે જે મારી અગાઉની બે સગર્ભાવસ્થા દરમિયાન ક્યારેય થયું ન હતું. હું ખૂબ ગભરાઈ ગઈ! મેં મારા ડૉક્ટરને ફોન કર્યો. પરંતુ તેમણે મને રાહ જોઈને બીજા દિવસે આવવાનું કહ્યું, કેમ કે આમેય બીજા દિવસે મારે તેમને મળવાનું હતું. અમારાં બાળકોને રાતે સુવડાવતા પહેલાં, મારા પતિ સાથે અમે બધાએ ભેગા મળીને પ્રાર્થના કરી કે જે કંઈ પરિસ્થિતિ ઊભી થાય એને સહન કરવાની પરમેશ્વર અમને શક્તિ આપે. છેવટે, હું સૂઈ ગઈ.

પરંતુ, રાતે બે વાગે મને તીવ્ર દુખાવો ઊપડ્યો. ધીમે ધીમે, દુખાવો ઓછો થઈ ગયો. પરંતુ, હું સૂવા જતી ત્યારે એ ફરીથી શરૂ થતો. આમ, મને અવારનવાર દુખાવો શરૂ થતો અને ધીમે ધીમે ઓછો થઈ જતો. વળી, રક્તસ્રાવ પણ વધી ગયો હતો અને મને બહુ ચૂક આવતી હતી. હું એકદમ વિચારવા લાગી કે મેં એવું તો શું કર્યું કે જેના લીધે મને આવું થયું. પરંતુ મેં કંઈ ખોટું કર્યું હોય એવું મને કંઈ યાદ આવ્યું નહિ.

સવારે પાંચ વાગે, હું જાણતી હતી કે મારે હૉસ્પિટલમાં જવાનું છે. હું અને મારા પતિ હૉસ્પિટલે પહોંચ્યા ત્યારે, અમને ખૂબ જ માયાળુ, મદદરૂપ અને ઉત્સાહી કર્મચારીઓ તરફથી રાહત મળી. બે કલાક બાદ, ડૉક્ટરે અમને જેનો ડર હતો એ જ સમાચાર આપ્યા કે, મેં મારું બાળક ગુમાવ્યું છે.

શરૂઆતનાં ચિહ્‍નોને કારણે, હું માનસિક રીતે તૈયાર જ હતી કે આવા જ સમાચાર સાંભળવા મળશે. વધુમાં, મારા પતિ દરેક સમયે મારી સાથે હતા અને એ મારા માટે ઘણા મદદરૂપ પુરવાર થયા. પરંતુ હવે અમે બાળક વગર ઘરે જઈશું ત્યારે, અમારી છ વર્ષની દીકરી કાટીન્યા અને ચાર વર્ષના ડેવિડને શું કહીશું એ વિષે વિચારતા હતા.

અમે અમારાં બાળકોને શું કહીએ?

બાળકો કંઈક ખોટું થઈ રહ્યું છે એવું જાણ્યા પછી સૂઈ ગયા હતા. પરંતુ, અમે તેઓને કઈ રીતે કહીએ કે તેઓનો ભાવિ નાનો ભાઈ કે બહેન મરણ પામી છે? અમે નિખાલસ અને પ્રમાણિક બનીને તેઓની સાથે વાત કરવાનો નિશ્ચય કર્યો. મારી માતાએ બાળકોને એ કહેવામાં મદદ કરી કે બાળક અમારી સાથે ઘરે આવી રહ્યું નથી. તોપણ, અમે ઘરે આવ્યા ત્યારે, તેઓ દોડીને અમારી પાસે આવ્યા અને અમને ગળે વળગીને ચુંબન કર્યું. તેઓનો સૌથી પહેલો પ્રશ્ન હતો, “શું બાળક બરાબર છે?” હું કંઈ જવાબ આપી શકી નહિ, પરંતુ મારા પતિએ અમને બધાને એક સાથે આલિંગન કરતા કહ્યું: “બાળક મરી ગયું છે.” અમે એકબીજાને વળગીને ખૂબ રડ્યા અને એનાથી અમને રાહત મળી.

તેમ છતાં, બાળકો પછીથી કેવી રીતે વર્તશે એ વિષે અમને બિલકુલ ખ્યાલ ન હતો. દાખલા તરીકે, મારી કસુવાવડના લગભગ બે અઠવાડિયા પછી, યહોવાહના સાક્ષીઓના સ્થાનિક મંડળમાં જાહેરાત કરવામાં આવી કે એક વયોવૃદ્ધ ભાઈ મરણ પામ્યા છે કે જે અમારા કુટુંબના ગાઢ મિત્ર હતા. ચાર વર્ષનો ડેવિડ, ડૂસકાં ભરીને રડવા લાગ્યો. તેથી મારા પતિ તેને બહાર લઈ ગયા. થોડો શાંત થયા પછી, ડેવિડે પૂછ્યું કે શા માટે તેના મિત્ર મરી ગયા? પછી તેણે પૂછ્યું કે શા માટે બાળક પણ મરણ પામ્યું. ત્યાર બાદ, તેણે પોતાના પિતાને પૂછ્યું: “શું તમે પણ મરી જશો?” તે એ પણ જાણવા ઇચ્છતો હતો કે શા માટે યહોવાહ પરમેશ્વર શેતાનનો નાશ કરીને “બાબતો થાળે પાડતા” નથી. ખરેખર, અમને એ જોઈને આશ્ચર્ય થયું કે તેના નાના મગજમાં કેટલી બધી બાબતો ચાલી રહી છે.

કાટીન્યાએ પણ ઘણા પ્રશ્નો પૂછ્યા. તે પોતાની ઢીંગલીઓ સાથે રમતી ત્યારે, એક ઢીંગલીને હંમેશાં બીમાર તરીકે જોતી અને બીજી ઢીંગલીઓને નર્સ કે કુટુંબના સભ્યો તરીકે જોતી. તેણે ઢીંગલીઓ માટે એક નાના ખોખાનું દવાખાનું બનાવ્યું હતું અને ઘણી વાર તે એવું રમતી કે તેની એક ઢીંગલી મરી ગઈ છે. અમારાં બાળકોના પ્રશ્નો અને રમતોએ અમને તેઓને જીવન વિષે અને બાઇબલ આપણને મુશ્કેલીઓનો સામનો કરવામાં કઈ રીતે મદદ કરે છે એ વિષે મહત્ત્વનું શિક્ષણ આપવાની ઘણી તકો પૂરી પાડી. અમે તેઓને એ પણ યાદ દેવડાવ્યું કે પરમેશ્વરનો હેતુ પૃથ્વી પરથી સર્વ પ્રકારની દુઃખ-તકલીફો અને મરણને પણ કાઢી નાખીને સુંદર પારાદેશ બનાવવાનો છે.—પ્રકટીકરણ ૨૧:૩, ૪.

ઘાનો સફળતાથી સામનો કરવો

હું પહેલી વાર હૉસ્પિટલેથી ઘરે આવી ત્યારે, એકદમ લાગણીશૂન્ય અને ગૂંચવાઈ ગયેલી હતી. મારી આસપાસ ઘણું કામ કરવાનું હતું તોપણ, શરૂઆત ક્યાંથી કરવી એની મને સમજણ પડતી ન હતી. મેં થોડા એવાં યુગલોને બોલાવ્યા કે જેઓને પણ મારા જેવો જ અનુભવ થયો હતો અને તેઓએ મને ઘણો દિલાસો આપ્યો. એક વહાલા મિત્રએ અમને ફૂલો મોકલ્યા અને બાળકોને બપોરે બહાર ફરવા લઈ જવાનું કહ્યું. હું તેમની વ્યવહારુ અને પ્રેમાળ મદદની ઘણી જ કદર કરું છું!

મેં આલ્બમમાં મારા કુટુંબના ફોટાઓ ગોઠવ્યા. મેં મારા નહિ જન્મેલા બાળકના કપડાં જોયા, એ બાળકની એ જ નિશાની હતી જે મને તેની યાદ દેવડાવતું હતું. અઠવાડિયાંઓ સુધી હું ખૂબ જ લાગણીશીલ બની ગઈ હતી. અમુક દિવસે હું કુટુંબ અને મિત્રોની પૂરી મદદ છતાં રડવાનું રોકી શકતી ન હતી. એક સમયે, મને એવું લાગતું હતું કે હું ગાંડી બની ગઈ છું. મારી આસપાસ ગર્ભવતી સહેલીઓ હોય તો, એનાથી મને ખાસ દુઃખ થતું હતું. અગાઉ હું એવું વિચારતી હતી કે કસુવાવડ એ સ્ત્રીઓના જીવનમાં એક “સામાન્ય” ઘટના છે કે જેને આપણે સહેલાઈથી સહી શકીએ છીએ. પરંતુ એ મારી મોટી ભૂલ હતી! *

પ્રેમ—શ્રેષ્ઠ દવા

સમય પસાર થતો ગયો તેમ, મારા પતિ અને સાથી ખ્રિસ્તીઓએ બતાવેલો પ્રેમ સૌથી અસરકારક પુરવાર થયો. એક સાક્ષી બહેન સાંજનું ભોજન બનાવીને અમારા ઘરે લાવી. મંડળના એક વડીલ અને તેમની પત્ની અમારા માટે ફૂલો અને સુંદર કાર્ડ લાવ્યા અને તેઓએ પૂરી સાંજ અમારી સાથે વિતાવી. અમે જાણતા હતા કે તેઓ કેટલા વ્યસ્ત હતા, તેથી, તેઓની કાળજી અમારા હૃદયને સ્પર્શી ગઈ. બીજા ઘણા મિત્રોએ કાર્ડ કે ફૂલો મોકલાવ્યા. “અમે તમારી ચિંતા કરીએ છીએ” જેવા સાદા શબ્દો પણ ઘણા અસરકારક હતા! મંડળના એક સભ્યએ લખ્યું: “યહોવાહની જેમ આપણે પણ જીવનને ખૂબ મૂલ્યવાન ગણીએ છીએ. એક ચકલી મરી જાય એની પણ તે ખબર રાખતા હોય તો, ગર્ભમાં એક બાળક મરી ગયું છે એનાથી તે ચોક્કસ વાકેફ છે.” મારા એક ભાભીએ લખ્યું: “આપણે વ્યક્તિના જન્મ અને જીવનના ચમત્કારથી આશ્ચર્ય પામીએ છીએ અને ગર્ભમાંનું બાળક મરી જાય છે ત્યારે પણ આપણને એટલું જ આશ્ચર્ય થાય છે.”

થોડાં અઠવાડિયાં પછી રાજ્યગૃહમાં, સભાની શરૂઆત થવાની થોડી જ વાર હતી ત્યારે મને રડવું આવી ગયું. મને રડતાં રડતાં બહાર જતી જોઈને બે વહાલી મિત્રો મારી સાથે કારમાં આવીને બેઠી. તેઓએ મારો હાથ પકડ્યો અને પછી મને હસાવી. પછી, તરત જ અમે રાજ્યગૃહમાં ગયા. “ભાઈના કરતાં” વધારે નિકટનો સંબંધ રાખે એવા મિત્રો હોવા કેવી આનંદની બાબત છે!—નીતિવચનો ૧૮:૨૪.

મારી કસુવાવડ વિષેના સમાચાર ફેલાતા ગયા તેમ, મને એ જાણીને આનંદ થયો કે ઘણી સાથી બહેનો પણ એવા જ અનુભવમાંથી પસાર થઈ હતી. અરે, અગાઉ હું બરાબર ઓળખતી ન હતી એવા લોકોએ પણ મને ખાસ દિલાસો અને ઉત્તેજન આપ્યા. મને જરૂર હતી ત્યારે તેઓએ પ્રેમાળ ટેકો આપીને બાઇબલની કહેવત યાદ દેવડાવી: “મિત્ર સર્વ સમયે પ્રીતિ રાખે છે, અને ભાઈ પડતી દશાને માટે જન્મ્યો છે.”—નીતિવચનો ૧૭:૧૭.

બાઇબલમાંથી દિલાસો મેળવવો

મારી કસુવાવડના એક અઠવાડિયા પછી, ખ્રિસ્તનો સ્મરણ પ્રસંગ હતો. એક સાંજે અમે ઈસુના છેલ્લા દિવસો વિષેના બાઇબલ અહેવાલને વાંચતા હતા ત્યારે, એકાએક મને વિચાર આવ્યો: ‘યહોવાહ પણ વ્યક્તિ ગુમાવ્યાનું દુઃખ જાણે છે. આખરે તેમણે પણ પોતાના દીકરાને ગુમાવ્યો હતો!’ હું ઘણી વખત ભૂલી જતી હતી કે યહોવાહ આપણા સ્વર્ગીય પિતા હોવાને કારણે, તેમને પોતાના સ્ત્રી કે પુરુષ સેવકો માટે પુષ્કળ લાગણી છે અને તે આપણને સારી રીતે સમજે છે. આ બનાવથી મેં ખૂબ જ રાહત અનુભવી. એનાથી હું પહેલાંના કરતાં યહોવાહની વધુ નજીક આવી.

મેં બાઇબલ આધારિત પ્રકાશનોમાંથી પણ ઘણું ઉત્તેજન મેળવ્યું. ખાસ કરીને અગાઉના ચોકીબુરજ અને સજાગ બનો! સામયિકોમાંથી કે જેમાં પોતાના પ્રિયજનોને ગુમાવી દીધા હોય એવા અનુભવો આપવામાં આવ્યા છે. દાખલા તરીકે, ઑગસ્ટ ૮, ૧૯૮૭ના સજાગ બનો!નો “બાળક ગુમાવ્યાની લાગણીનો સામનો કરવો” (અંગ્રેજી) લેખ તેમ જ તમે જેને ચાહો છો તે મરણ પામે ત્યારે * મોટી પુસ્તિકાએ મને ઉત્તેજન મેળવવા ઘણી મદદ કરી.

ઉદાસીનતામાંથી બહાર આવવું

સમય પસાર થતો ગયો તેમ, મને ખબર પડી કે હું એ આઘાતમાંથી બહાર આવી રહી હતી. હું કોઈ પણ પ્રકારની દોષિતપણાની લાગણી વગર હસી શકતી હતી અને મારા ગુમાવેલા બાળક સિવાયની કોઈ પણ વાત કરી શકતી હતી. તોપણ, અમુક સમયે હું કસુવાવડ વિષે સાંભળ્યું ન હોય એવા મિત્રોને મળતી અથવા નવું બાળક જન્મ્યું હોય એવું કોઈ કુટુંબ અમારા રાજ્યગૃહની મુલાકાત લેતું ત્યારે વ્યથિત થઈ જતી.

એક સવારે હું એકદમ જ તાજગી અનુભવતા ઊઠી. મારી આંખો ખોલું એ પહેલાં, મને જાણે હું સારી થઈ ગઈ હોય એવું લાગ્યું. આવી મનની શાંતિ અને સ્વસ્થતા મેં થોડા મહિનાઓથી ક્યારેય અનુભવી ન હતી. તેમ છતાં, મારા બાળકને ગુમાવ્યાને એક વર્ષ પછી હું ફરી ગર્ભવતી બની ત્યારે, મને ફરી કસુવાવડ ન થાય એવો ડર લાગ્યા કરતો. પરંતુ, આનંદની બાબત છે કે મેં ઑક્ટોબર, ૨૦૦૧માં એક તંદુરસ્ત પુત્રને જન્મ આપ્યો.

તેમ છતાં, મને ગુમાવેલાં બાળક માટે હજુ પણ દુઃખ થાય છે. જોકે, આ સમગ્ર બનાવે જીવન, મારું કુટુંબ, સાથી ખ્રિસ્તી ભાઈબહેનો અને દિલાસો આપનાર પરમેશ્વર માટેની મારી કદરમાં વધારો કર્યો છે. આ બનાવે એ હૃદયસ્પર્શી સત્ય પર ભાર મૂક્યો કે પરમેશ્વર કદી પણ આપણાં બાળકોને લઈ લેતા નથી પરંતુ “પ્રસંગ તથા દૈવયોગની અસર સર્વને લાગુ પડે છે.”—સભાશિક્ષક ૯:૧૧.

હું એવા સમયની રાહ જોઉં છું જ્યારે પરમેશ્વર સર્વ દુઃખ, તકલીફ તેમ જ કસુવાવડ જેવી શારીરિક અને માનસિક પીડાને સંપૂર્ણ રીતે દૂર કરશે! (યશાયાહ ૬૫:૧૭-૨૩) ત્યારે સર્વ આજ્ઞાધીન માનવજાત કહેશે: “અરે મરણ, તારો જય કયાં? અરે મરણ, તારો ડંખ કયાં?”—૧ કોરીંથી ૧૫:૫૫; યશાયાહ ૨૫:૮.—ભેટ.

[ફુટનોટ્‌સ]

^ સંશોધન બતાવે છે કે કસુવાવડમાં દરેક વ્યક્તિનો પ્રતિભાવ કંઈક જુદો જ હોય છે. કેટલાક ગૂંચવાઈ જાય છે જ્યારે કે બીજાઓ ભાંગી પડે છે વળી બીજા કેટલાક તો દુઃખના સાગરમાં ડૂબી જાય છે. સંશોધન કહે છે કે કસુવાવડ જેવા ગંભીર કિસ્સામાં દુઃખ થાય એ સામાન્ય છે અને એ રાહત મેળવવાની એક પ્રક્રિયા છે.

^ યહોવાહના સાક્ષીઓ દ્વારા પ્રકાશિત.

[પાન ૨૧ પર બોક્સ]

વારંવાર થતી કસુવાવડનાં કારણો

ધ વર્લ્ડ બુક એન્સાયક્લોપેડિયા કહે છે, “અભ્યાસો બતાવે છે કે પોતે ગર્ભવતી છે એવું જાણતી સ્ત્રીઓમાંથી ૧૫થી ૨૦ ટકાને કસુવાવડ થાય છે. પરંતુ ગર્ભાધાનના પ્રથમ બે અઠવાડિયાં પછી, કસુવાવડ થવાનું સૌથી વધારે જોખમ હોય છે ત્યારે મોટા ભાગની સ્ત્રીઓને ખબર પણ હોતી નથી કે તેઓ ગર્ભવતી છે.” બીજો એક સંદર્ભ બતાવે છે કે “૮૦ ટકા કસુવાવડ ગર્ભાવસ્થાના પ્રથમ ૧૨ અઠવાડિયાંમાં થાય છે” કે જેમાંની અડધા ભાગની કસુવાવડ ગર્ભમાં ક્રોમોસોમ્સની ખામીને કારણે થાય છે. પરંતુ, એ ખામી મા કે બાપના ક્રોમોસોમ્સની ખામીને કારણે હોતી નથી.

માતાની તંદુરસ્તીને કારણે પણ કસુવાવડ થઈ શકે છે. તબીબી નિષ્ણાતો બતાવે છે કે હોર્મોન અને રોગ પ્રતિકારકશક્તિ બરાબર કામ ન કરતી હોય, માતાના ગર્ભાશયમાં ચેપ કે અસાધારણ બાબત હોય ત્યારે પણ કસુવાવડ થાય છે. ડાયાબિટીસ (યોગ્ય રીતે અંકુશમાં ન હોય તો) અને લોહીના ઊંચા દબાણ જેવી લાંબા સમયની બીમારી પણ એનું કારણ હોય શકે છે.

નિષ્ણાતો અનુસાર, કસરત, ભારે વસ્તુ ઊંચકવાથી કે જાતીય સંબંધ બાંધવાથી પણ કસુવાવડ થાય એ કંઈ જરૂરી નથી. તેમ જ પડી જવાથી, નાની ઈજા થવાથી કે એકદમ ગભરાઈ જવાથી પણ કસુવાવડ થતી નથી. એક સંદર્ભ બતાવે છે: “તમારા પોતાના જીવનને ધમકીરૂપ હોય એવી ગંભીર ઈજા ન થઈ હોય તો, દેખીતી રીતે જ ગર્ભના બાળકને નુકસાન થતું નથી.” ખરેખર, ગર્ભની રચના આપણા ડહાપણભર્યા અને પ્રેમાળ ઉત્પન્‍નકર્તાનો કેવો પુરાવો આપે છે!—ગીતશાસ્ત્ર ૧૩૯:૧૩, ૧૪.

[પાન ૨૩ પર બોક્સ/ચિત્ર]

કુટુંબ અને મિત્રો કઈ રીતે મદદ કરી શકે

કુટુંબના કોઈ સભ્ય કે મિત્રને કસુવાવડ થઈ હોય ત્યારે, અમુક સમયે શું કહેવું અને શું કરવું એ વિષે જાણવું ઘણું મુશ્કેલ હોય છે. આવા બનાવે લોકો અલગ અલગ પ્રત્યાઘાતો પાડતા હોવાથી, તેઓને દિલાસો આપવા કે મદદ કરવાનો કોઈ એક ઇલાજ નથી. તેમ છતાં, નીચે આપેલાં સૂચનો વિચારણામાં લો. *

તમે મદદ કરી શકો એવી વ્યવહારુ બાબતો:

◆ મોટાં બાળકોની કાળજી લેવાની ઑફર કરો.

◆ કુટુંબ માટે ભોજન બનાવીને લઈ આવો.

◆ પિતાને પણ મદદની ઑફર કરો. એક પિતાએ કહ્યું, “આવી પરિસ્થિતિમાં ખાસ પિતાઓ માટે કંપનીઓ કાર્ડ બનાવતી નથી.”

મદદરૂપ કહેવાની રીતો:

“તારી કસુવાવડ વિષે સાંભળીને મને ઘણું દુઃખ થયું.”

આવા સાદા શબ્દોથી ઘણો ફરક પડી શકે છે અને એ દિલાસો આપવાના બીજા વધારાના શબ્દો માટે પણ માર્ગ ખોલી શકે.

“હા, તમે રડીને મન હળવું કરી લો.”

કસુવાવડના પ્રથમ અઠવાડિયાંઓ કે થોડા મહિનાઓ સુધી તેઓ આંસુ સારતા હોય છે. તેઓને ભરોસો કરાવો કે તેઓનું રડવું અને પોતાની લાગણીઓ વ્યક્ત કરવી એ કંઈ ખોટું નથી.

“હવે તને કેવું છે એ જાણવા શું હું આવતા અઠવાડિયે ફરી વાર ફોન કરી શકું?”

શરૂઆતમાં, સહન કરનાર વ્યક્તિને ઘણી બધી સહાનુભૂતિ મળે છે. પરંતુ સમય પસાર થતો જાય છે તેમ, તેઓ હજુ પણ દુઃખી હોય છે અને બીજાઓ પોતાને ભુલી ગયા છે એવું તેઓને લાગી શકે. તમે હંમેશાં તેઓને મદદ કરવા તૈયાર છો એવું બતાવવું સારું છે. અઠવાડિયાં કે મહિનાઓ સુધી દુઃખની લાગણીઓ જોવા મળી શકે. બીજી ગર્ભાવસ્થા દરમિયાન સફળતા મળી હોય તોપણ તેઓ દુઃખી હોય શકે.

“મને ખબર નથી પડતી કે શું કહેવું.”

એમ કહેવાને બદલે કંઈ ન કહેવું વધારે સારું છે. તમારી નિખાલસતા અને તમે ત્યાં છો એ જ બતાવે છે કે તમે તેમના માટે ચિંતિત છો.

શું ન કહેવું જોઈએ:

“કંઈ વાંધો નહિ, તમને બીજું બાળક થશે.”

જોકે, એ સાચું હોય શકે પરંતુ એમ કહીને આપણે સહાનુભૂતિ બતાવતા નથી. માબાપને ગમે તે બાળક નહીં, પણ પોતાનું એ જ બાળક જોઈએ છે. બીજા બાળક વિષે વિચારે એ પહેલાં, દેખીતી રીતે જ તેઓ પોતે ગુમાવેલા બાળક વિષે શોક કરશે.

“કદાચ બાળકમાં કંઈક ખામી હશે.”

એમ હોય તોપણ, આ શબ્દો કંઈ દિલાસાજનક નથી. માતા માટે તો તેના ગર્ભમાંનું બાળક તંદુરસ્ત જ હોય છે.

“જવા દો હવે, આમેય તમે બાળકને ક્યાં ઓળખતા હતા. જે થયું એ પછી થયું હોત તો વધારે ખરાબ થાત.”

મોટા ભાગની સ્ત્રીઓને એકદમ શરૂઆતથી જ પોતાના પેટમાંના બાળક સાથે લગાવ હોય છે. તેથી, આવાં બાળકો મરી જાય છે ત્યારે, દેખીતી રીતે જ તેઓ દુઃખી થઈ જાય છે. માતાને સૌથી વધારે દુઃખ એટલા માટે થાય છે કે તેના જેટલું બાળકને બીજું કોઈ પણ “જાણતું” ન હતું.

“કંઈ નહિ, તમારા બીજાં બાળકો તો છે ને!”

દુઃખી માબાપને આમ કહેવું એ પોતાનો એક પગ ગુમાવનારને “તારો બીજો પગ તો છે ને!” એમ કહેવા બરાબર થશે.

જોકે, આપણે એ સ્વીકારવું જોઈએ કે સૌથી વધારે કાળજી રાખનારા અને નિખાલસ લોકો પણ કોઈ વાર ભૂલથી કંઈક ખોટું બોલી જતા હોય છે. (યાકૂબ ૩:૨) તેથી, કસુવાવડ થઈ હોય એ બહેનોએ સારા હેતુથી કંઈક ભૂલથી બોલાઈ ગયું હોય એવી વ્યક્તિઓ પ્રત્યે પણ ખ્રિસ્તી પ્રેમ બતાવવો જોઈએ અને ખાર રાખવો જોઈએ નહિ.—કોલોસી ૩:૧૩.

[ફુટનોટ્‌સ]

^ આ સૂચનો વેલિંગ્ટન, ન્યૂઝીલૅન્ડના કસુવાવડમાં મદદ કરનાર જૂથે તૈયાર કરેલી કસુવાવડનો સામનો કરવાની માર્ગદર્શિકા (અંગ્રેજી)માંથી લેવામાં આવ્યા છે.