સંત પીતરની માછલી
સંત પીતરની માછલી
ઈસ્રાએલમાં આવેલ ગાલીલના સમુદ્રકિનારે, તમે હોટેલમાં જમવા જાવ તો કદાચ મેનૂમાં “સંત પીતરની માછલી” જોઈને તમને નવાઈ લાગશે. કદાચ વેઇટર તમને કહેશે કે ટૂરિસ્ટ લોકોને આ વાનગી ખૂબ જ પ્રિય છે. તાજી તળેલી માછલી સ્વાદિષ્ટ હોય છે. પરંતુ, એ માછલી અને પ્રેષિત પીતર સાથે શું સંબંધ છે?
એ નામ કઈ રીતે પાડવામાં આવ્યું હોય શકે, એના વિષે માત્થી ૧૭:૨૪-૨૭માં માહિતી મળી આવે છે. ત્યાં આપણને જોવા મળે છે કે પીતર, કાપરનાહુમમાં ગયા હતા ત્યારે તેને પૂછવામાં આવ્યું, કે ઈસુએ મંદિરનો કર ભર્યો છે? પછી ઈસુએ સમજાવ્યું કે, પોતે પરમેશ્વરના દીકરા હોવાથી કર ભરવાની કોઈ જરૂર નથી. તેમ છતાં, તેઓને ઠોકર ન લાગે એ માટે તેણે પીતરને સમુદ્રકિનારે મોકલ્યો, જેથી તે ગલ નાખે અને પહેલી માછલી જે પકડાય તેનું મોં ઉઘાડીને એમાંથી પૈસા મળે, એનાથી કર ભરી આપે.
બાઇબલમાં એ બનાવ વિષે જે માહિતી આપવામાં આવી છે, એના પરથી એનું “સંત પીતરની માછલી” નામ પાડવામાં આવ્યું હોય શકે. પરંતુ, પીતરે ખરેખર કેવી માછલી પકડી હતી?
માછલીઓથી ભરપૂર સમુદ્ર
એવું માનવામાં આવે છે કે ગાલિલી સમુદ્રમાં ૨૦ પ્રકારની માછલીઓ રહે છે. પરંતુ, એમાંથી પીતરે ફક્ત દશ જાતની માછલીઓ જ પકડી હોય શકે. વેપારીઓએ એ દશ જાતની માછલીઓના ત્રણ વર્ગ પાડ્યા છે.
એમાંનો સૌથી મોટો વર્ગ મશટનો છે, જેનો અરબીમાં “કાંસકી” અર્થ થાય છે, કારણ કે એમાંની પાંચ જાતની માછલીની કાંસકી જેવી પાંખ હોય છે. એ મશટ જાતની માછલીઓમાંથી એક પ્રકારની માછલીની લંબાઈ લગભગ ૪૫ સેન્ટિમિટરની, અને વજનમાં બે કિલોની હોય છે.
બીજો વર્ગ કિન્નેરેથ (ગાલિલી સમુદ્ર)માં મળી આવતી સાર્ડિન કે શિંગળાવાળી માછલી છે, જે દેખાવમાં નાની હેરિંગ અથવા પાલવી જેવી હોય છે. સાર્ડિનની મોસમમાં એક જ રાતમાં અમુક ટન માછલી પકડી શકાય છે, અને વર્ષમાં લગભગ એક હજાર ટન જેટલી પકડી શકાય છે. તેમ જ સદીઓથી સાર્ડિનનો ઉપયોગ અથાણું બનાવવા કરવામાં આવે છે.
ત્રીજો વર્ગ બીની, તેમ જ બાર્બલ કે ઢેબરી નામથી ઓળખાય છે. એ વર્ગમાં ત્રણ પ્રકારની માછલીઓના મોંઢા પાસે કાંટાઓ હોય છે. તેમ જ એનું સિમિટિક નામ બીની છે, જેનો અર્થ “વાળ” થાય છે. તે શંખલાં અને છીપવાળી માછલી પર જીવે છે. એ લાંબા માથાંવાળી બાર્બલની લંબાઈ લગભગ ૭૫ સેન્ટિમિટર અને વજન સાત કિલોથી પણ વધારે હોય છે. બાર્બલ માછલી ભરાવદાર હોય છે. એ યહુદી સાબ્બાથ અને તેઓના તહેવારોમાં વધારે ખવાય છે.
વેપારીઓએ માછલીના ત્રણ વર્ગ પાડ્યા છે એમાં કૅટ્ માછલીનો સમાવેશ થતો નથી, જે ગાલીલના સમુદ્રમાં મળી આવતી સૌથી મોટી માછલી છે. એ લંબાઈમાં ૧.૨ મીટરની, અને વજનમાં ૧૧ કિલો હોય છે. પરંતુ, એ કૅટ્ માછલી પર ભીંગડાં હોતા નથી. તેથી, યહુદીઓ મુસાના નિયમ હેઠળ હોવાથી એ ખાઈ ન શકે. (લેવીય ૧૧:૯-૧૨) તેથી પીતરે એ માછલી પકડી હોય એવું લાગતું નથી.
પીતરે કેવી માછલી પકડી હોય શકે?
મશટ માછલી જ “સંત પીતરની માછલી” તરીકે ઓળખાય છે અને ગાલીલના સમુદ્રકિનારે હોટેલમાં પીરસવામાં આવે છે. એમાં થોડા અને નાના હાડકાં હોવાથી એ સહેલાઈથી સાફ કરીને ખાઈ શકાય છે. પરંતુ, શું પીતરે ખરેખર એ માછલી પકડી હતી?
મૅડંલ નુન, માછીમાર છે. તે ગાલીલના સમુદ્રકિનારે ૫૦ વર્ષથી કામ કરતો હોવાથી, માછલીઓ વિષે તેને ખૂબ જ જાણકારી છે. તે કહે છે: “મશટ માછલી નાના જીવજંતુઓ પર જ જીવે છે. તેથી, તેને ગલથી નહિ પણ જાળ નાખીને પકડવામાં આવે છે.” એ કારણથી પીતરે એ માછલી પકડી હોય એ શક્ય જ નથી. તેમ જ સાર્ડિન પણ ન હોય શકે, કારણ કે સંત પીતરની માછલી તો એનાથી મોટી હોય છે.
જો એમ હોય તો એનો અર્થ એ થાય કે બાર્બલ માછલી “સંત પીતરની માછલી” હોવી જોઈએ, એવું ઘણા લોકોનું માનવું છે. મૅડંલ નુને નોંધ્યું: “બીજા માછીમારો પણ [ગાલીલના સમુદ્ર]માં બાર્બલ માછલી પકડવા માટે સદીઓથી ગલ સાથે સાર્ડિન મૂકવામાં આવે છે, કારણ કે તે એના પર જ જીવે છે. પીતરે ખરેખર બાર્બલ પકડી જ હોવી જોઈએ” એમ કહેતા તેણે સમાપ્તિ કરી.
તો પછી કેમ મશટને “સંત પીતરની માછલી” તરીકે હોટેલમાં પીરસવામાં આવે છે? નુન એનો જવાબ આપતા કહે છે: “એ ગૂંચવણની પાછળ એક જ કારણ રહેલું છે. ટૂરિસ્ટોને ખેંચવા માટે એ બહાનું હતું! . . . જેમ તેઓ દૂર દૂરથી આવતા હોવાથી, વેપારીઓ મશટ માછલીને ‘સંત પીતરની માછલી’ નામ આપીને હોટેલમાં સદીઓથી સમુદ્રકિનારે વેચી રહ્યા છે. એને સહેલાઈથી તૈયાર કરીને પીરસી શકાય એથી લોકો એના પાછળ ઘેલા થાય છે!”
ખરું કે આપણે ચોક્કસ કહી શકતા નથી કે પીતરે કઈ માછલી પકડી હતી. પરંતુ, ભલેને “સંત પીતરની માછલી” તરીકે હોટેલમાં કોઈ પણ પીરસવામાં આવે, એ તમને ચોક્કસ ગમશે.
[પાન ૧૯ પર ચિત્ર]
“મશટ”
[પાન ૧૯ પર ચિત્ર]
બાર્બલ
[પાન ૧૯ પર ચિત્રની ક્રેડીટ લાઈન]
Garo Nalbandian