સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

હાઇ બ્લડ પ્રેશર—અટકાવ અને કાબૂમાં રાખવું

હાઇ બ્લડ પ્રેશર—અટકાવ અને કાબૂમાં રાખવું

હાઇ બ્લડ પ્રેશર—અટકાવ અને કાબૂમાં રાખવું

બ્રાઝિલમાંના સજાગ બનો!ના ખબરપત્રી તરફથી

મારીઆન એકદમ ડરી ગઈ હતી! અચાનક જ તેની નસકોરી ફૂટી હોવાથી, નાકમાંથી ખૂબ લોહી વહેવા લાગ્યું હતું. તે યાદ કરતા કહે છે કે, “મને લાગતું હતું કે હું મરી જઈશ.” હૉસ્પિટલમાં ડૉક્ટરે મારીઆનને જણાવ્યું કે હાઈ બ્લડ પ્રેશરને (ધમનીનું હાઈપરટેન્શનને) કારણે તેના નાકમાંથી લોહી નીકળે છે. મારીઆને કહ્યું: “પરંતુ, મને તો એકદમ સારું છે.” ત્યારે ડૉક્ટરે જવાબ આપ્યો, “એના કોઈ લક્ષણ ન હોવાને કારણે ઘણા લોકોને એ ખબર હોતી નથી કે તેઓને હાઈ બ્લડ પ્રેશર છે.”

તમારા બ્લડ પ્રેશર વિષે શું? જે રીતે તમે હાલમાં જીવી રહ્યા છો, એનાથી શું ભવિષ્યમાં તમને હાઈ બ્લડ પ્રેશર થઈ શકે? તમારા બ્લડ પ્રેશરને કાબૂમાં રાખવા તમારે શું કરવું જોઈએ? *

શરીરમાં લોહી ફેરવતી ધમનીઓ પર થતા દબાણને, બ્લડ પ્રેશર કહેવાય છે. એને એક યંત્ર વડે માપવામાં આવે છે. જેમાં કોણીના ઉપરના ભાગ કે બાહુ પર રબરનો પટ્ટો વીંટાળીને એમાં જોડાયેલા મીટરથી લોહીનું દબાણ માપી શકાય છે. એમાં બે પ્રકારના દબાણો જોવા મળે છે. દાખલા તરીકે: ૧૨૦/૮૦. પ્રથમ પ્રકારના દબાણને ઉપરનું દબાણ (સિસ્ટોલિક બ્લડ પ્રેશર) કહેવાય છે, કેમ કે હૃદયના ધબકારા લોહીને ધમનીઓમાં ધકેલે છે, અને દબાણ વધે છે, એને બ્લડ પ્રેશર કહે છે. બીજા પ્રકારના દબાણને નીચેનું દબાણ (ડાયાસ્ટોલિક બ્લડ પ્રેશર) કહે છે કેમ કે સંકોચન બાદ જ્યારે હૃદય તેની સામાન્ય સ્થિતિમાં પાછું આવે છે ત્યારે નીચે આવેલા લોહીના દબાણને એ સૂચવે છે. લોહીના દબાણને મરક્યુરીના મિલિમીટરમાં મપાય છે અને દરદીનું લોહીનું દબાણ ૧૪૦/૯૦થી વધારે હોય ત્યારે, ડૉક્ટરો તેઓને હાયપરટેન્સીવ દરદી તરીકે ઉલ્લેખ કરે છે.

લોહીનું દબાણ શાનાથી વધે છે? કલ્પના કરો કે તમે તમારા બાગમાં ટોટીથી પાણી છાંટી રહ્યા છો. તમે નળને આખો ખોલી નાખો છો, અને પાણીની પિચકારી મારવા ટોટીને આગળના છેડેથી દબાવો છો ત્યારે પાણીનું દબાણ વધે છે. એવું જ લોહીના દબાણમાં પણ થાય છે: શરીરમાં ફરતું લોહીનું વહેણ વધવાથી અથવા નસો સાંકડી થવાથી બ્લડ પ્રેશર વધે છે. હાઇ બ્લડ પ્રેશર કઈ રીતે થાય છે? એની પાછળ ઘણાં કારણો છે.

જેના વિષે તમે કંઈ ન કરી શકો

સંશોધકોને જાણવા મળ્યું છે કે વ્યક્તિના નજીકના સગાને હાઇ બ્લડ પ્રેશર હોય તો, તેને આ બીમારી થવાની વધારે શક્યતા રહેલી છે. અભ્યાસ બતાવે છે કે બે બીજ કરતાં, એક બીજમાંથી થયેલા જોડિયા બાળકોમાં જો કોઈ એકને હોય તો બીજાને પણ હાઈપરટેન્શન હોવાની શક્યતા રહેલી છે. એક અભ્યાસ પ્રમાણે, “ધમનીના હાઈપરટેન્શન માટેના જીન્સની તપાસ કરવાથી” જાણવા મળ્યું છે કે, હાઇ બ્લડ પ્રેશર વારસામાં ઊતરી આવી શકે છે. ખાસ કરીને હાઇ બ્લડ પ્રેશર ઉંમરની સાથે સાથે વધતું જોવા મળે છે અને સૌથી વધારે કાળા પુરુષોમાં જોવા મળે છે.

જેના વિષે તમે કંઈક કરી શકો

સૌ પ્રથમ તમારો ખોરાક તપાસો! અમુક લોકોમાં, ખાસ કરીને જેઓને ડાયાબિટિસ હોય, ગંભીર હાઇપરટેન્શનથી પીડાતા હોય, કાળા હોય તથા વૃદ્ધ હોય, તેઓ માટે મીઠું (સોડિયમ) બ્લડ પ્રેશરમાં વધારો કરી શકે છે. લોહીમાં વધુ પડતી ચરબી હોય તો, લોહીની નળીમાં (એથરોસ્કલરોસીસી) કોલેસ્ટ્રોલ જમા થતું રહે છે જેનાથી, એ નળીઓ સાંકડી થઈને બ્લડ પ્રેશર વધે છે. જે લોકોનું વજન પોતાના શરીર કરતાં ૩૦ ટકા વધારે હોય છે, તેઓને હાઈ બ્લડ પ્રેશર થવાની શક્યતા રહેલી છે. એક અભ્યાસે જણાવ્યું કે પોટેશિયમ અને કૅલ્શિયમ વધારે લેવાથી બ્લડ પ્રેશર ઘટી શકે.

બીડી અને સીગારેટ ફૂંકવાથી એથરોસ્કલરોસીસી, ડાયાબિટિસ, હાર્ટ ઍટેક, અને સ્ટ્રોક થવાનું જોખમ વધારે છે. તેથી, જો હાઈ બ્લડ પ્રેશર હોય અને સીગારેટની આદત હોય તો હૃદય તથા ધમનીઓની બીમારી થવાની વધારે શક્યતા રહેલી છે. જો કે પુરાવાઓ સહમત નહિ થાય છતાં, કૉફી, ચા કે ઠંડા પીણા કે જેમાં કેફીન રહેલું હોય છે, તેનાથી હાઈ બ્લડ પ્રેશર થઈ શકે છે. તેમ જ લાગણીમય સ્ટ્રેસથી પણ હાઈ બ્લડ પ્રેશર થઈ શકે. એ ઉપરાંત, વૈજ્ઞાનિકો એ પણ જણાવે છે કે બેહદ આલ્કોહોલ લેવાથી અને બેઠાડું જીવન જીવવાથી પણ બ્લડ પ્રેશર થઈ શકે છે.

તંદુરસ્ત જીવન

હાઇ બ્લડ પ્રેશર થાય પછી જ એની સારવાર કરાવવી મૂર્ખતાભર્યું છે. જો નાનપણથી જ પોતાની કાળજી રાખીશું તો, આખું જીવન તંદુરસ્ત રહી શકીશું.

બ્રાઝિલની ત્રીજી કૉન્ફરન્સે, ધમનીના હાઇપરટેન્શન વિષે જણાવ્યું કે, જીવનમાં યોગ્ય ફેરફાર કરવાથી બ્લડ પ્રેશરને કાબૂમાં લાવી શકાય છે. જેઓને બ્લડ પ્રેશરની તકલીફ છે એવા લોકોને, તેઓએ મદદ પૂરી પાડી છે.

વધુ વજનવાળી વ્યક્તિઓને, સંશોધકો ઓછી કેલરીવાળો ખોરાક લેવાનું ઉત્તેજન આપે છે. વળી, રાતોરાત વજન ઘટાડવાના નુસ્ખાઓ કરવાને બદલે, નિયમિત કસરત કરવાનું ઉત્તેજન આપે છે. નિમક લેવા વિષે એમ કહેવામાં આવે છે કે, દિવસમાં છ ગ્રામ અથવા એક નાની ચમચી કરતાં વધારે લેવાનું ટાળવું જોઈએ. * એટલે કે ખોરાક રાંધતી વખતે ઓછામાં ઓછા નિમકનો ઉપયોગ કરવો જોઈએ. તેમ જ ડબ્બામાં પેક કરેલો તૈયાર ખોરાક, ફ્રીજરમાં રાખવામાં આવતી (સલામી, હેમ, સોસેજ અને બીજી વસ્તુઓ) તથા ધુમાડાથી રાંધેલો ખોરાક ઓછો લેવો જોઈએ. તેમ જ જમતી વખતે ઉપરથી નિમક નાખવાનું ટાળો અને તૈયાર ખોરાકની ખરીદી કરતી વખતે એમાં કેટલું નિમક છે, એ વિષે લેબલ તપાસી જુઓ.

બ્રાઝિલની કૉન્ફરન્સે એ પણ જણાવ્યું હતું કે વધારે પોટેશિયમ લેવાથી “એન્ટીહાઇપરટેન્શનની અસર” થઈ શકે. * તેથી, “ઓછું નિમક (સોડિયમ) અને વધારે પોટેશિયમ” ધરાવતો ખોરાક લેવો જોઈએ. જેમ કે, કઠોળ, લીલા શાકભાજી, કેળા, તડબૂચ, ગાજર, બીટરૂટ, ટામેટા, બટાકા અને નારંગીનો વધારે ઉપયોગ કરવો જોઈએ. આલ્કોહોલનો પણ મર્યાદિત ઉપયોગ કરવો જોઈએ. અમુક સંશોધકો સૂચવે છે કે હાઇપરટેન્શનવાળા પુરુષોએ દિવસમાં ૩૦ મીલીલીટરથી વધારે આલ્કોહોલનો ઉપયોગ કરવો ન જોઈએ. તેમ જ જે સ્ત્રીઓનું સામાન્ય કરતાં ઓછું વજન હોય તેઓએ ૧૫ મિલિલીટરથી વધુ ઉપયોગ કરવો ન જોઈએ.

બ્રાઝિલની કૉન્ફરન્સે એ પણ જણાવ્યું કે નિયમિત કસરત કરવાથી બ્લડ પ્રેશર અને હાઈપરટેન્શન ઓછું થઈ શકે. તેમ જ અઠવાડિયાંમાં ત્રણથી પાંચ વાર, ૩૦-૪૫ મિનિટની કસરત કરવાથી પણ લાભ થઈ શકે છે. જેમાં ચાલવું, સાયકલ ચલાવવી અને સ્વીમીંગ કરવાનો સમાવેશ થાય છે. * તેમ જ તંદુરસ્ત જીવન માટે બીડી-સીગારેટની કુટેવોથી દૂર રહેવું મહત્ત્વનું છે. તેની સાથે લોહીમાં ચરબી એટલે (કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્રીટલાઈ) અને ડાયાબીટીસને કંટ્રોલમાં રાખવા માટે પૂરતું કેલ્શિયમ અને મેગ્‍નેશ્યિમ લેવું જોઈએ. તેમ જ લાગણીઓને કાબૂમાં રાખવી જોઈએ. કદાચ અમુક વખતે, દવાઓ પણ બ્લડ પ્રેશરમાં વધારો કરી શકે છે. જેમ કે નાકમાં વરાળ લેવાના ડ્રોપ્સ, એસીડીટીની, ભૂખ વધારવાની, માઇગ્રેન અને દુખાવો ઓછો કરવાની કેફીનવાળી દવામાં વધારે સોડિયમ હોય છે.

તમને ધમનીનું હાઇપરટેન્શન હોય તો, શું ખાવું કે ન ખાવું એ વિષે ચોક્કસ સલાહ ફક્ત તમારા ડૉક્ટર જ આપી શકે. ભલેને તમારી તંદુરસ્તી ગમે તેવી હોય, છતાં નાનપણથી જ સારું જીવન જીવવાથી જરૂર લાભ થાય છે. એ ફક્ત હાઈપરટેન્શન હોય એવા લોકોને જ નહીં, પરંતુ કુટુંબના દરેક સભ્યોને લાભ થઈ શકે છે. આ લેખની શરૂઆતમાં ઉલ્લેખ કરવામાં આવેલી મારીઆને, તેના જીવનમાં કેટલાક ફેરફારો કરવાની જરૂર હતી. હવે તે દવા લેવાથી સામાન્ય જીવન જીવે છે. તમારા વિષે શું? એક એવો સમય આવશે જ્યારે સર્વ લોકો તંદુરસ્ત જીવનનો આનંદ માણતા હશે, અને “હું માંદો છું, એવું કોઈ પણ રહેવાસી કહેશે નહિ.” પરંતુ ત્યાં સુધી તમારા બ્લડ પ્રેશરને કાબૂમાં રાખો!—યશાયાહ ૩૩:૨૪.

[ફુટનોટ્‌સ]

^ આ નિર્ણય વ્યક્તિગત હોવાથી, સજાગ બનો! આના ઉપચાર સંબંધી કોઈ ખાસ પ્રકારની સલાહ આપતું નથી.

^ તમને જો ધમનીનું હાઇપરટેન્શન, હૃદય, લિવર અથવા કિડનીની તકલીફ હોય અને દવા લેતાં હોવ, તો દરરોજ કેટલું નિમક અને પોટેશિયમ લેવું જોઈએ એ વિષે તમારા ડૉક્ટરની સલાહ લો.

^ આલ્કોહોલનો એક આઉન્સ, વ્હીસ્કી અથવા વોડકાના બે આઉન્સની બરાબર છે. તેમ જ વાઈનના આઠ આઉન્સ, બીઅરના ચોવીસ આઉન્સ બરાબર છે.

^ તમારે કેવી કસરત કરવી જોઈએ એ વિષે તમારા ડૉક્ટરની સલાહ લો.

[પાન ૨૨ પર બોક્સ]

હાઈ બ્લડ પ્રેશર સામે લડત

૧. હાઈ બ્લડ પ્રેશરને કાબૂમાં રાખવા અમુક સૂચના

• શરીરનું વજન ઉતારો

• નિમકમાં કાપ મૂકો

• વધારે પોટેશિયમવાળો ખોરાક લો

• આલ્કોહોલ ઓછો પીઓ

• નિયમિત કસરત કરો

૨. હાઈ બ્લડ પ્રેશરને કાબૂમાં રાખવા બીજી અમુક સૂચના

• કેલ્શિયમ અને મેગ્‍નેશિયમ પૂરું પાડવા દવા લો

• તાજી શાકભાજી ખાઓ

• સ્ટ્રેસ દૂર કરતી સારવાર લો

૩. એમ કરવા બીજી અમુક સૂચનાઓ

• બીડી-સીગારેટ છોડી દો

• કોલેસ્ટ્રોલ ઓછું કરો

• ડાયાબીટીસ કંટ્રોલમાં રાખો

• બ્લડ પ્રેશર વધારે એવી દવાઓ ન લો

[ક્રેડીટ લાઈન]

ધમનીના હાઈપરટેન્શન પર બ્રાઝિલની ત્રીજી કૉન્ફરન્સે આપેલી અમુક સૂચનો—બ્રાઝિલિયન જર્નલ ઑફ ક્લિનિક ઍન્ડ થેરાપ્યૂટિક્સ

[પાન ૧૭ પર ચિત્ર]

નિયમિત કસરત અને સારો ખોરાક ખાવાથી હાઈ બ્લડ પ્રેશર દૂર કરવા મદદ મળશે