સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પોલીસ—શું તેઓની હંમેશાં જરૂર પડશે?

પોલીસ—શું તેઓની હંમેશાં જરૂર પડશે?

પોલીસ—શું તેઓની હંમેશાં જરૂર પડશે?

પોલીસ વિના આપણને અસલામતી લાગી શકે. પરંતુ પોલીસ હોય તોપણ, શું આપણે સલામત છીએ? આજે મોટા ભાગના શહેરોમાં અને ઘણાં ગામડાંઓમાં લોકો સલામત છે કે નહિ એ એક મોટો પ્રશ્ન છે. શું આપણે અપેક્ષા રાખી શકીએ કે પોલીસ આપણું માફિયાઓ અને ગુનાઓથી રક્ષણ કરી શકશે? શું આપણે આશા રાખી શકીએ કે પોલીસને લીધે આપણે સલામત રહીશું? શું તેઓ ગુનાઓને જડમુળથી અટકાવી શકશે?

ડેવિડ બૅલી, ભાવિ માટે પોલીસ નામના અંગ્રેજી પુસ્તકમાં કહે છે, “પોલીસ ગુનાને અટકાવતી નથી. હકીકતમાં તો પોલીસ જ ગુનાઓને ઢાંકી દેતી હોય છે. . . . ભલે પોલીસોએ સમાજને ગુનામાંથી છોડાવવા માટે પોતાનું જીવન આપ્યું હોય તોપણ, આપણે તેમના પર ભરોસો રાખી શકતા નથી.” અભ્યાસો બતાવે છે કે પોલીસો ચોકી કરતા હોય છે, તાત્કાલિક ફોનને હાથ ધરતા હોય છે અને ગુનાની જાંચ તપાસ કરતા હોય છે. પરંતુ, તેઓના આ ત્રણ મુખ્ય કાર્યો પણ ગુનાને રોકી શકતા નથી. શા માટે?

વધારે પોલીસની ભરતી કરીને ગુના અટકાવવાનો પ્રયત્ન કરવો એ દેખીતી રીતે જ મોંઘુ પડે. તેઓ વધારે ચોકી કરે તોપણ ગુનાઓ ઓછા નથી થયા. પોલીસે તત્કાળ પગલાં લીધા હોવાથી પણ ગુનામાં કંઈ ખાસ ફરક પડ્યો નથી. પોલીસોએ કહ્યું કે પોતે ઘટના સ્થળે એક કરતાં ઓછી મિનિટમાં પહોંચે તો જ, તેઓ ગુનેગારને પકડી શકે છે. પરંતુ, ગુનેગારો જાણે છે કે એ શક્ય જ નથી. તેમ જ ગુનેગારોની જાંચ કરવાથી પણ મદદ મળતી નથી. પોલીસ ગુનેગારને જેલમાં પૂરે તોપણ, ગુના બંધ થતા નથી. બીજા દેશો કરતાં અમેરિકામાં સૌથી વધારે ગુનેગારોને જેલમાં પૂરવામાં આવે છે છતાં, ત્યાં ગુનાનું પ્રમાણ વધારે છે. જાપાનમાં ફક્ત થોડા લોકોને જ જેલમાં પૂરવામાં આવે છે અને ત્યાં ગુનાનું પ્રમાણ ઓછું છે. હિંસાનું પ્રમાણ વધારે હોય એવા વિસ્તારોમાં પડોશીઓની સંભાળ રાખનાર પોલીસની યોજના પણ લાંબો સમય ટકતી નથી. કેફીપદાર્થનો વેપાર કરવો કે લૂંટફાટ જેવા ગુનાઓ સામે કડક પગલાં લેવામાં આવે તોપણ, થોડા સમય પછી ગુનાખોરી પાછી ચાલુ થઈ જાય છે.

પોલીસનું ભાવિ અંગ્રેજી પુસ્તક કહે છે, “પોલીસ ગુનાને રોકી શકતી નથી એમાં લોકોને નવાઈ લાગવી જોઈએ નહિ. ધીમે ધીમે એ સમજાયું કે સમાજની અમુક બાબતોને પોલીસ કે કાનૂન હલ કરી શકતી નથી, એના લીધે ગુના વધતા જાય છે.”

પોલીસ ન હોત તો?

જો કોઈ પોલીસો ન જોતા હોય તો, તમે કઈ રીતે વર્તશો? શું તમે તેમની ગેરહાજરીનો ફાયદો ઉઠાવીને નિયમ તોડશો? નવાઈની વાત છે કે મધ્યમ અને ઉચ્ચ વર્ગના કેટલાક લોકો પૈસા મેળવવા પોતાની ઑફિસોમાં લાંચ લઈને કામ કરે છે, પોતાના માનને જોખમમાં મૂકે છે. ધ ન્યૂયૉર્ક ટાઈમ્સએ તાજેતરમાં અહેવાલ આપ્યો કે, ‘૧૧૨ લોકો પર બેઈમાનીનો આરોપ લગાવવામાં આવ્યો કે જેઓએ ઓટો ઇન્સ્યોરન્સ કંપનીને છેતરી હતી. આરોપીઓમાં વકીલો, ડૉક્ટરો, બેકપેનના ડૉક્ટરો, એક્યુપંક્ચરના નિષ્ણાતો અને પોલીસ અધિકારીઓનો પણ સમાવેશ થતો હતો.’

હાલમાં જ ન્યૂયૉર્કની સધબીઝ અને લંડનની ક્રિષ્ટી લિલામ ઘરોના અધિકારીઓએ જે ગરબડ કરી એનાથી કલાના શોખીન પૈસાદાર લોકોને ઘણો આઘાત લાગ્યો. લિલામ ઘરોના ભૂતપૂર્વ અધિકારીઓ પર આરોપ મૂકવામાં આવ્યો કે તેઓ કિંમતી વસ્તુઓ પર નકલી કિંમત લગાવીને વેચે છે. એ અધિકારીઓ અને લિલામ ઘરોના માલિકોએ દંડરૂપે કરોડો ડોલર ભરવા પડ્યા. આમ, આપણને જોવા મળે છે કે સમાજનો દરેક વર્ગ પૈસાના પ્રેમમાં પડ્યો છે.

વર્ષ ૧૯૯૭માં બ્રાઝિલના રેસિફ શહેરમાં પોલીસો હડતાલ પર ગયા ત્યારે જે બન્યું એ બતાવે છે કે કોઈ જોનાર ન હોય ત્યારે ઘણા લોકો સહેલાઈથી ગુના કરતા હોય છે. ભલે તેઓ કોઈ પણ ધર્મના હોય, પરંતુ એની તેમના વર્તન પર કોઈ અસર થતી નથી. તેઓ સહેલાઈથી પોતાના ધોરણોમાં ઢીલા પડી જાય છે અથવા છોડી દે છે. આજે જગતમાં નાના મોટા ખરાબ કામ થવાના જ છે, તેથી પોલીસ એમાં ક્યારેય સફળ નહીં થાય.

બીજી બાજુ, કેટલાક લોકો કાયદાનું પાલન કરે છે કારણ કે તેઓ સત્તાને માન આપે છે. પ્રેષિત પાઊલે રોમમાંના ખ્રિસ્તીઓને કહ્યું કે તેઓએ પરમેશ્વરે ચાલવા દીધેલી સત્તાને આધીન રહેવું જોઈએ. કેમ કે એનાથી કંઈક અંશે સમાજમાં વ્યવસ્થા જળવાઈ રહે છે. આવી સત્તા માટે તેમણે કહ્યું: “તે દેવનો કારભારી છે, એટલે ભૂંડું કરનાર પર તે કોપરૂપી બદલો વાળનાર છે. તે માટે કેવળ કોપની બીકથી જ નહિ, પરંતુ પ્રેરકબુદ્ધિની ખાતર પણ તમારે તેને આધીન રહેવું જ જોઈએ.”—રૂમીઓને ૧૩:૪, ૫.

સમાજની સ્થિતિ બદલાય છે

પોલીસના કાર્યથી સમાજની સ્થિતિમાં કંઈક અંશે સુધારો થયો છે. સમાજમાંથી ડ્રગ્સની બદી અને હિંસા દૂર થાય ત્યારે, લોકો પણ આ સુધરેલી પરિસ્થિતિમાં રહેવાનો પ્રયત્ન કરે છે. પરંતુ સમાજને સુધારવા એમાં ફેરફાર કરવો એ પોલીસ દળના હાથની વાત નથી.

શું તમે એવા સમાજની કલ્પના કરી શકો કે જ્યાં બધા લોકો કાયદાનું પાલન કરતા હોય અને તેઓને પોલીસની જરૂર જ ન હોય? શું તમે એવા જગત વિષે વિચારી શકો છો કે જ્યાં લોકો એકબીજાની કાળજી રાખતા હોય અને હંમેશાં પડોશીઓને મદદ કરવા તૈયાર હોય તેમ જ, કોઈએ પોલીસને બોલાવવાની જરૂર જ ન પડે? આવું વિચારવું સ્વપ્ન લાગી શકે. પરંતુ ઈસુએ કહ્યું હતું: “માણસોને તો એ અશકય છે, પણ દેવને સર્વ શક્ય છે.” (માત્થી ૧૯:૨૬) ભલે આ શબ્દો ઈસુએ બીજા કોઈ સંદર્ભમાં કહ્યાં હતા, તેમ છતાં, એ ઉપર બતાવેલી બાબતોને પણ લાગુ પડે છે.

બાઇબલ એવા ભાવિની વાત કરે છે કે જ્યારે સર્વ માણસો યહોવાહ પરમેશ્વરે બનાવેલી સરકારને આધીન રહેશે. “આકાશનો દેવ એક રાજ્ય સ્થાપન કરશે . . . તે આ સઘળાં રાજ્યોને ભાંગીને ચૂરા કરીને તેમનો ક્ષય કરશે.” (દાનીયેલ ૨:૪૪) સર્વ નમ્ર લોકોને પરમેશ્વરના પ્રેમના માર્ગ વિષે શીખવીને, આ નવી સરકાર જગતની પરિસ્થિતિ બદલી નાખશે કે જ્યાં ગુના નહિ હોય. “જેમ સમુદ્ર પાણીથી ભરપૂર છે, તે પ્રમાણે પૃથ્વી યહોવાહના જ્ઞાનથી ભરપૂર થશે.” (યશાયાહ ૧૧:૯) યહોવાહના દિકરા, ઈસુ ખ્રિસ્ત સર્વ ગુનાઓને કાઢી નાખશે. “પોતાની આંખે જોયા પ્રમાણે તે ઈન્સાફ કરશે નહિ, ને પોતાના કાને સાંભળ્યા પ્રમાણે તે નિર્ણય કરશે નહિ; પણ ન્યાયીપણાથી તે નિરાધારનો ઈન્સાફ કરશે, ને નિષ્પક્ષપાતપણે તે દેશના દીનોના લાભમાં યથાર્થ નિર્ણય કરશે.”—યશાયાહ ૧૧:૩, ૪.

ત્યાં કોઈ પણ ગુનો કે ગુનેગાર હશે નહિ. પોલીસની જરૂર હશે નહિ. દરેક જણ “પોતપોતાના દ્રાક્ષાવેલા તળે તથા પોતપોતાની અંજીરી તળે બેસશે; અને કોઈ તેમને બીવડાવશે નહિ.” (મીખાહ ૪:૪) જો તમે પણ બાઇબલમાં બતાવવામાં આવેલી “નવી પૃથ્વી”નો ભાગ બનવા માંગતા હોવ તો, પરમેશ્વરે પોતાના શબ્દમાં કયા વચનો આપ્યા છે એ તપાસવાનો આ જ સમય છે.—૨ પીતર ૩:૧૩.

[પાન ૧૨ પર બ્લર્બ]

શું તમે એવા સમાજની કલ્પના કરી શકો કે જ્યાં બધા લોકો કાયદાનું પાલન કરતા હોય અને તેઓને પોલીસની જરૂર ન હોય?

[પાન ૧૨ પર બ્લર્બ]

ત્યાં કોઈ પણ ગુનેગાર કે ગુના હશે નહિ

[પાન ૧૧ પર બોક્સ/ચિત્ર]

પોલીસની સામે આતંકવાદીઓ

સપ્ટેમ્બર ૧૧, ૨૦૦૧ના રોજ ન્યૂયૉર્ક શહેર અને વૉશિંગ્ટન, ડી.સી.ના બનાવોએ બતાવ્યું કે, આતંકવાદને લીધે એકદમ કટોકટીના સમયમાં લોકોનું રક્ષણ કરવું પોલીસ માટે અઘરું થઈ પડે છે. દુનિયાના ઘણા ભાગોમાં પોલીસ ઑફિસરોને ખાસ તાલીમ આપવામાં આવે છે જેથી, તેઓ વિમાનમાં ઝડપથી જઈને આતંકવાદ પર કાબૂ મેળવી શકે. તેઓને મકાનની છત પરથી દોરડાં દ્વારા, બારીમાંથી કૂદકો મારીને તેમ જ ગોળા ફેંકવાની અને ટીયર-ગેસ છોડીને મકાનોમાં પ્રવેશવાની તાલીમ આપવામાં આવી છે. આવા તાલીમ પામેલા અધિકારીઓ લોકોને એકદમ ઓછું નુકસાન થાય એ રીતે આતંકવાદીઓને કાબૂમાં રાખવામાં સફળ થયા છે.

[ક્રેડીટ લાઈન]

James R. Tourtellotte/U.S. Customs Service

[પાન ૧૨ પર ચિત્ર]

પરમેશ્વરની નવી દુનિયામાં આવી કોઈ પણ વસ્તુની જરૂર નહિ પડે