સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વાહન અકસ્માત—તમે કેટલા સલામત છો?

વાહન અકસ્માત—તમે કેટલા સલામત છો?

વાહન અકસ્માત—તમે કેટલા સલામત છો?

“મારાથી કોઈ ઍક્સિડન્ટ થયું નથી, ઍક્સિડન્ટ થાય એવો મને કોઈ ડર લાગતો નથી.” “યુવાનિયાઓ અને બેફામ ગાડી ચલાવનારાઓ જ ઍક્સિડન્ટ કરી બેસે છે.” ઘણાને લાગે છે કે તેઓથી ઍક્સિડન્ટ નહિ થાય. શું તમને પણ એવું જ લાગે છે? વાહન અકસ્માતની વાત આવે છે ત્યારે, શું તમને એમ લાગે છે કે તમને કંઈ નહિ થાય?

આંકડાઓ બતાવે છે કે, જો તમે વિકસિત દેશમાં રહેતા હો તો, તમને જીવનમાં ઓછામાં ઓછું એક વાર રોડ ઍક્સિડન્ટ થવાની શક્યતા રહેલી છે. ઘણા લોકો આવા અકસ્માતોમાં પોતાનો જાન પણ ગુમાવે છે. દર વર્ષે દુનિયામાં પાંચ લાખથી વધારે લોકો રોડ અકસ્માતમાં મરી જાય છે. ગયા વર્ષે જેઓ અકસ્માતમાં માર્યા ગયા હતા, તેઓમાંના મોટા ભાગના લોકોને પહેલાં એવું લાગ્યું હશે કે તેઓને કોઈ અકસ્માત નહિ નડે. તમે કેવી રીતે અકસ્માતથી બચી શકો? પહેલેથી તૈયાર રહીને તમે અકસ્માતને ટાળી શકો. ઊંઘના ઝોકા અને મોટી ઉંમરની અસરને લીધે થતા અકસ્માતને તમે કઈ રીતે અટકાવી શકો એનો વિચાર કરો.

ચાલુ ગાડીએ ઝોકાં ખાતા વાહન ચાલકો

કેટલાક નિષ્ણાતો કહે છે કે, ડ્રાઇવિંગ કરતી વખતે ઝોકાં ખાનારાઓને, દારૂના નશામાં ડ્રાઇવિંગ કરનારા જેટલું જ જોખમ હોય શકે. અહેવાલ બતાવે છે કે, ડ્રાઇવિંગ કરતી વખતે ઝોકાં મારવાને લીધે થતા અકસ્માતોમાં વધારો થયો છે. નૉર્વેમાં રોડ મેન્ટેનન્સ કરતી એક સંસ્થાએ તાજેતરમાં સેફ્ટીના રીપોર્ટમાં જણાવ્યું કે, નૉર્વેમાં એક વર્ષમાં ૧૨માંથી ૧ વાહન ચાલક ડ્રાઇવિંગ કરતી વખતે ઝોકાં મારતા માલૂમ પડ્યા હતા. ધ સ્ટાર છાપું જણાવે છે કે, જોહાનિસબર્ગ, દક્ષિણ આફ્રિકામાં ખૂબ થાકને કારણે એક તૃત્યાંશ લોકો ઍક્સિડન્ટ કરી બેસે છે. બીજા દેશોના અહેવાલો પણ બતાવે છે કે, તેમના દેશમાં વાહન ચાલકો થાકી ગયા હોવાથી ડ્રાઇવિંગ પર એની ઘણી અસર પડે છે. શા માટે આટલા બધા વાહન ચાલકો ઝોકાં મારતા હોય છે?

એનું મુખ્ય કારણ, આજનું વ્યસ્ત જીવન ધોરણ છે. ન્યૂઝવીક મેગેઝિને થોડા સમય પર અહેવાલ આપ્યો હતો કે, અમેરિકનો “વીસમી સદીની શરૂઆતમાં રાત્રે જેટલું ઊંઘતા હતા એના કરતાં હવે તેઓ એકથી દોઢ કલાક ઓછી ઊંઘ લે છે. અને એના તેઓએ માઠાં પરિણામો ભોગવવા પડે છે.” શા માટે? મેગેઝિનમાં ઊંઘ વિષેના નિષ્ણાત ટેરી યંગન કહે છે: “લોકો ઊંઘને એક વસ્તુ તરીકે જુએ છે. તેઓ એમાં ગમે ત્યારે કાપ મૂકીને બીજા કોઈ દિવસે વધારે ઊંઘ લઈ લે છે. ઓછી ઊંઘ લઈને વધારે કામ કરતી વ્યક્તિને બહુ પ્રગતિશીલ ગણવામાં આવે છે.”

કહેવામાં આવે છે કે સામાન્ય વ્યક્તિને રાત્રે સાડા છથી નવ કલાકની ઊંઘની જરૂર પડે છે. ઓછી ઊંઘ લેનારાઓ “ઊંઘનું દેવું” કરે છે. ટ્રાફિકની સલામતી માટે AAA ફાઉન્ડેશને વિતરણ કરેલો એક રીપોર્ટ બતાવે છે: “અઠવાડિયાના કામના દિવસો દરમિયાન, રોજ રાત્રે જરૂર કરતાં ૩૦ કે ૪૦ મિનિટ ઓછી ઊંઘ લેવાથી, અઠવાડિયાને અંતે ૩થી ૪ કલાક ઊંઘનું દેવું થઈ જાય છે. વળી, એનાથી દિવસ દરમિયાન પણ સુસ્તીમાં વધારો થાય છે.”

ખરું કે, અમુક સમયે તમે રાત્રે સારી ઊંઘ લઈ શકતા નથી. અનિંદ્રાનો રોગ, માંદા બાળકની કાળજી રાખવામાં કે ગજા ઉપરાંતની બાબતો તમારી ઊંઘ છીનવી શકે. પરંતુ એની અસરરૂપે બીજા દિવસે તમને ગાડી ચલાવતા ઝોકાં આવે એમાં કોઈ નવાઈ નથી. આવું થાય તો, તમારે શું કરવું જોઈએ?

ઘણા લોકો ચા કે કોફી પીવે છે, બારી ખોલે છે, ચુઈંગમ કે કંઈક મસાલેદાર ખાય છે. પરંતુ આવા જાણીતા ઉપાયોથી તમારી સુસ્તી ઊડતી નથી. તમને ખરેખર ઊંઘની જરૂર છે. તો શા માટે એક નાની ઊંઘ લઈ લેતા નથી? ન્યૂ યૉર્ક ટાઈમ્સ જણાવે છે: “દિવસ દરમિયાન સુસ્તી ઊડાડવા ૩૦ મિનિટથી વધારે ઊંઘ ન લેવી જોઈએ; એનાથી વધારે ઊંઘ લેવાથી તમે ગાઢ નિંદ્રામાં સરી જશો અને તમે જલદી ઊઠી શકશો નહિ.” પણ જો તમે કોઈ જગ્યાએ રોકાઈને એક નાનું ઝોકું મારી લેશો તો, ભલે પહોંચવામાં થોડું મોડું થાય પણ તમે એનાથી જીવનનું જોખમ ટાળો છો.

તમારા જીવનની રીતભાતથી પણ તમને વાહન ચલાવતા ઝોકાં આવી શકે. શું તમે ઇંટરનેટ પર કલાકો વિતાવો છો અથવા શું તમે મોડી રાત સુધી ટીવી જુઓ છો? શું તમે વહેલી સવાર સુધી ચાલતી પાર્ટીઓમાં જાવ છો? આવી પ્રવૃત્તિઓ તમારી ઊંઘ છીનવી લે છે. રાજા સુલેમાને પણ સખત મહેનત પછી “થોડો આરામ” લેવાને મહત્ત્વ આપ્યું હતું.—સભાશિક્ષક ૪:૬, NW.

અનુભવી ચાલકોને પણ નડતી ઉંમરની અસરો

વૃદ્ધ લોકો સૌથી વધારે અનુભવી વાહન ચાલકો હોય છે. વધુમાં, તેઓ પોતાની ક્ષમતા અને અનુભવને આધારે કોઈ પણ પગલું સમજી વિચારીને લે છે. જોકે, વૃદ્ધ વાહન ચાલકોને પણ ઍક્સિડન્ટનું જોખમ રહેલું છે. હકીકત તો એ છે કે, તેઓની ઉંમર વધતી જાય છે તેમ, તેઓને ઍક્સિડન્ટનું જોખમ પણ વધતું જાય છે. અમેરિકાનું કાર ઍન્ડ ટ્રાવેલ મેગેઝિન અહેવાલ આપે છે: “કુલ વસ્તીમાં ૭૦ વર્ષની ઉપરના ૯ ટકા લોકો છે, પરંતુ તેઓથી ૧૩ ટકા પ્રાણઘાતક ટ્રાફિક અકસ્માતો થાય છે.” દુઃખની વાત છે કે વૃદ્ધ વાહન ચાલકોથી થતા અકસ્માતો વધી રહ્યા છે.

એંસી વર્ષના માર્ટલ શું કહે છે એનો વિચાર કરો. * તે ૨૦ વર્ષના હતા ત્યારથી વાહન ચલાવે છે. તેમનાથી ક્યારેય ઍક્સિડન્ટ થયું નથી. તોપણ, હવે તે ઘરડા થયા હોવાથી, એની ઘણી અસરો વર્તાય છે. હવે તેમના માટે ઍક્સિડન્ટનું વધારે જોખમ રહેલું છે. તેમણે હમણાં જ સજાગ બનો!ને જણાવ્યું: “તમારી ઉંમર વધે છે તેમ, જીવનમાં ડ્રાઇવિંગ કે બીજી બાબતો કરવી વધારે મુશ્કેલ બને છે.”

અકસ્માતનું જોખમ ઘટાડવા તેમણે શું કર્યું? માર્ટલ કહે છે, “મારી ઉંમર વધતી ગઈ એમ મેં ઘણા ફેરફારો કર્યા છે.” દાખલા તરીકે, હવે તે ઓછું ડ્રાઇવિંગ કરે છે. ખાસ કરીને રાત્રે તે ખૂબ ઓછી ગાડી ચલાવે છે. આવા નાના ફેરફારો કરીને તે આજે પણ સલામત રીતે વાહન ચલાવી શકે છે.

એ કડવી હકીકત છે કે, આપણે ઘરડા થઈએ છીએ તેમ, એની આપણા પર ખરાબ અસર પડે છે. (સભાશિક્ષક ૧૨:૧-૭) સમય જતા આપણે અનેક બીમારીઓમાં પટકાઈએ છીએ. આપણે કામ કરવામાં પણ ધીમા પડી જઈએ છીએ અને આંખે ઓછું દેખાવા લાગે છે. આ સર્વ બાબતો ડ્રાઇવિંગ કરવાને ખૂબ મુશ્કેલ બનાવે છે. જોકે એનો અર્થ એ નથી કે વધતી જતી ઉંમરને કારણે ડ્રાઇવિંગ ન કરવું જોઈએ. તમે કઈ રીતે વાહન ચલાવો છો એ વધારે મહત્ત્વનું છે. તમારી શારીરિક ક્ષમતા જાણીને એ પ્રમાણે તમે જીવનમાં ફેરફાર કરો તો, તમે પણ સારી રીતે ડ્રાઇવિંગ કરી શકશો.

તમે ધ્યાન નહિ આપ્યું હોય, પરંતુ તમારી દૃષ્ટિમાં ફેરફારો થાય છે. તમારી ઉંમર વધે છે તેમ, તમે આસપાસ વધારે જોઈ શકતા નથી અને તમારી આંખમાં રહેલા મજ્જાપટલને વધારે પ્રકાશની જરૂર પડે છે. વૃદ્ધ અને શાણા વાહનચાલક (અંગ્રેજી) પુસ્તિકા બતાવે છે: “સાઠ વર્ષથી ઉપરના વાહન ચાલકોએ જોવા માટે, તરુણો કરતાં ત્રણ ગણા વધારે પ્રકાશની જરૂર પડે છે. અને અંધારું થાય ત્યારે તેઓએ બરાબર જોવા માટે બે ઘણો સમય લેવો પડે છે.” ઉંમરને કારણે દૃષ્ટિમાં આવો બદલાવ થાય છે તેમ, રાત્રે ડ્રાઇવિંગ કરવું વધારે મુશ્કેલ બને છે.

બોત્તેર વર્ષના હેન્રી ૫૦ વર્ષથી ડ્રાઇવિંગ કરે છે અને હજુ સુધી તેમને એક પણ ઍક્સિડન્ટ થયો નથી. વર્ષો પસાર થયા તેમ, તેમણે નોંધ કરી કે રાત્રે ડ્રાઇવિંગ કરતી વખતે, સામેની ગાડીની તેજ હેડલાઈટને કારણે તેમને વાહન ચલાવવામાં ખૂબ મુશ્કેલી પડે છે. આંખોની તપાસ પછી, તેમને જાણવા મળ્યું કે તેમને અમુક ખાસ પ્રકારના ચશ્મા પહેરવા પડશે, જે રાત્રે સામી ગાડીના સીધા પ્રકાશને આવતા રોકે છે. હૅન્રી કહે છે, “હવે હું કોઈ મુશ્કેલી વગર રાત્રે ડ્રાઇવિંગ કરી શકું છું.” તેમના માટે આ નાના ફેરફારથી ડ્રાઇવિંગમાં કેવો મોટો ફરક પડ્યો! પરંતુ માર્ટલ જેવા બીજાઓએ આવી પરિસ્થિતિમાં રાત્રે ડ્રાઇવિંગ કરવું છોડી દેવું પડે છે.

વધતી જતી વયને કારણે તમે પ્રતિક્રિયામાં પણ ધીમા પડી જાવ છો. વૃદ્ધોનું મગજ યુવાનો કરતાં વધારે બુદ્ધિશાળી અને સચેત હોય શકે. પરંતુ વ્યક્તિ વૃદ્ધ થાય છે તેમ, મગજમાં કોઈ પણ માહિતી પહોંચાડવામાં અને એ પ્રમાણે તરત જ પગલાં લેવામાં સામાન્ય કરતાં વધારે સમય લે છે. એનાથી ડ્રાઇવિંગ કરવું વધારે મુશ્કેલ બને છે, કેમ કે રોડ પર અને ટ્રાફિકમાં મોટા ભાગે તમારે તરત જ પગલાં લેવાં તૈયાર રહેવું પડે છે. ઉંમરને કારણે આવતા બદલાવને લીધે, વૃદ્ધ વાહન ચાલકોએ પહેલેથી સારી રીતે વિચાર કરવો જોઈએ. એમ કરીને તેઓ ડ્રાઇવિંગ કરતી વખતે સમયસર પગલાં લઈ શકશે.

કાર ઍન્ડ ટ્રાવેલ મેગેઝિન અહેવાલ આપે છે કે, “અનુભવી વાહન ચાલકોથી થતા પ્રાણઘાતક અકસ્માતોનું સામાન્ય કારણ એ છે કે, આ ઘરડા લોકો ટ્રાફિક નિયમોને અવગણે છે.” શા માટે? એ જ અહેવાલ આગળ જણાવે છે, “સમસ્યા . . . એ છે કે વૃદ્ધ વાહન ચાલકોને ડાબી કે જમણી બાજુ બરાબર જોઈને તરત જ યોગ્ય નિર્ણય લેવાનું અઘરું લાગે છે.”

તમે આવી ધીમી પ્રતિક્રિયામાંથી કઈ રીતે બહાર નીકળી શકો? જો માર્ગમાં આગળ બેથી વધારે રસ્તા પડતા હોય તો, સાવચેત બનો. તમે આગળ વધો એ પહેલાં બે વાર ટ્રાફિક જોવાની આદત પાડો. વણાંક લેતી વખતે ખાસ ધ્યાન આપો. સર્કલ કે બેથી વધારે રસ્તા પડતા હોય ત્યાં, વળતી વખતે પ્રાણઘાતક અકસ્માત થઈ શકે છે. ખાસ કરીને તમે કોઈ સાંકડા માર્ગે જવાના હો તો, ત્યાં અકસ્માતની વધારે શક્યતા રહેલી છે.

અમેરિકામાં ૭૫ કે એથી વધારે વયના વાહન ચાલકોમાંથી ૪૦ ટકાને, બેથી વધારે રસ્તાઓ પડતા હોય ત્યાં ડાબી બાજુ વળાંક લેતી વખતે પ્રાણઘાતક અકસ્માત થાય છે. ટ્રાફિક સલામતી માટે AAA ફાઉન્ડેશન એ દેશના વાહન ચાલકોને સલાહ આપે છે: “ઍક્સિડન્ટ ટાળવા માટે, તમે એક વાર ડાબી બાજુ વળવાને બદલે ત્રણ વાર જમણી બાજુ વળો એ સારું છે.” તમે જ્યાં રહેતા હોવ ત્યાંના સંજોગોને ધ્યાનમાં રાખીને આ સલાહને લાગુ પાડી શકો. તમે પહેલેથી થોડું વિચારીને, ટ્રાફિક સર્કલ પસાર કરવામાં આવતી મુશ્કેલી અને જોખમોને ટાળી શકો.

ધ્યાન પર લેવાનો નિર્ણય

ડ્રાઇવિંગ માટે તમે કેટલા સક્ષમ છો એ તમે કઈ રીતે પારખી શકો? તમે ડ્રાઇવિંગ કરતા હો ત્યારે, તમારા કોઈ મિત્રને કે કુટુંબમાંથી કોઈને તમારી સાથે આવવા કહી શકો. પછી તેઓને પૂછો કે તમારું ડ્રાઇવિંગ કેવું છે. તેઓ જે કંઈ કહે એને ધ્યાનથી સાંભળો. તમે સલામત રીતે ડ્રાઇવિંગ કરવા તાલીમ પણ લઈ શકો. ડ્રાઇવિંગ શીખવતી ઘણી સંસ્થા વૃદ્ધ વાહન ચાલકો માટે ખાસ કોર્સ પણ ચલાવે છે. જો તમને બે કે એથી વધારે વાર ઍક્સિડન્ટ થતાં થતાં રહી ગયું હોય તો, એ બતાવે છે કે તમારી ડ્રાઇવિંગ કરવાની ક્ષમતા પહેલાં જેવી રહી નથી.

કદાચ એક સમય એવો પણ આવે કે તમારા લાભ માટે તમારે બિલકુલ ડ્રાઇવિંગ બંધ કરી દેવું પડે. જોકે, એવો નિર્ણય લેવો કંઈ સહેલું નથી. અગાઉ ઉલ્લેખ કરેલ માર્ટલ જાણે છે કે બહુ જલદી તેમણે ડ્રાઇવિંગ છોડી દેવું પડશે. એ દિવસ નજીક આવતો જાય છે તેમ, તે અવારનવાર પોતે ડ્રાઇવિંગ કરવાને બદલે, બીજાઓના વાહનમાં જાય છે. બીજાઓ વાહન ચલાવતા હોય ત્યારે, તેમને કેવું લાગે છે? તે કહે છે, “ડ્રાઇવિંગના કોઈ પણ ટેન્શન વગર આરામથી બેસીને સવારી કરવાનો આનંદ જ કંઈ ઓર હોય છે.”

તમે પણ સારી રીતે વિચાર કર્યા પછી કદાચ એવું જ અનુભવશો. તમે નજીકમાં કંઈક ખરીદવા કે બીજા કોઈ કામે જતા હોય તો, તમારા મિત્રને પણ સાથે લઈ જાવ, એનાથી તમારો સમય વધારે આનંદી બનશે. તમે તમારા મિત્રને તમારી ગાડી ચલાવવાનું કહી શકો. એ રીતે કોઈ પણ જગ્યાએ જવું વધારે સલામત રહેશે અને તમે એકલા ન હોવાથી સમયનો વધારે આનંદ માણી શકશો. શક્ય હોય તો, બસ કે ટ્રેન જેવી જાહેર સેવાનો ઉપયોગ કરો. યાદ રાખો કે તમે ફક્ત ડ્રાઇવિંગ કરવાથી જ મહત્ત્વના બની જતા નથી. તમારા સારા ગુણોથી તમારા કુટુંબ, મિત્રો અને યહોવાહની નજરમાં તમે મૂલ્યવાન બનો છો.—નીતિવચનો ૧૨:૨; રૂમીઓને પત્ર ૧૪:૧૮.

ભલે તમે વૃદ્ધ કે યુવાન હો, અનુભવી કે નવા નવા ડ્રાઇવિંગ શીખ્યા હો, અકસ્માતનું જોખમ આપણને બધાને રહેલું છે. યાદ રાખો કે ડ્રાઇવિંગ કરવું એ ખૂબ જ મહત્ત્વની જવાબદારી છે. અકસ્માત થવાની શક્યતાને ઘટાડવા પહેલેથી સાવચેત રહો અને સલામત ડ્રાઇવિંગ માટે બધી રીતે તૈયાર રહો. એમ કરીને, તમે પોતાને અને બીજાઓને પણ અકસ્માતથી બચાવી શકશો.

[ફુટનોટ]

^ આ લેખમાં નામો બદલવામાં આવ્યા છે.

[પાન ૨૨ પર ચિત્ર]

તમે રાતે પૂરતી ઊંઘ લીધી છે એની ખાતરી કરી લો

[પાન ૨૩ પર ચિત્ર]

કોઈ જગ્યાએ રોકાઈને એક નાની ઊંઘ લેવાથી ભલે થોડું મોડું થાય, પણ એનાથી ઘણા જીવનો બચી શકે છે

[પાન ૨૩ પર ચિત્ર]

વૃદ્ધ વાહન ચાલકો વધારે અનુભવી હોય છે, પણ તેઓએ ઉંમરને લીધે ખાસ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે

[પાન ૨૪ પર ચિત્ર]

બીજા કોઈને સાથે લઈને ડ્રાઇવિંગ પર જવાથી ઘણા લાભ થાય છે