સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વિશ્વ પર નજર

વિશ્વ પર નજર

વિશ્વ પર નજર

અન્‍ન માટે મનુષ્ય અને ઉંદરની હરીફાઈ

ઑસ્ટ્રેલિયાનું કોમનવેલ્થ સાયન્ટિફિક ઍન્ડ ઈન્ડસ્ટ્રીયલ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (CSIRO) જણાવે છે કે, દુનિયામાં એક બાળક જન્મે છે ત્યારે, એની સરખામણીમાં દસ ઉંદરો પણ જન્મે છે. એટલે કે દરરોજ લગભગ ૩,૬૦,૦૦૦ બાળકોને ખોરાકની જરૂર પડે છે, એ જ સમયે લગભગ ૩૬,૦૦,૦૦૦ નવાં જન્મેલાં ઉંદરોને પણ ખોરાકની જરૂર પડે છે. દાખલા તરીકે, ઇંડોનેશિયામાં ૨૩ કરોડની વસ્તી છે, અને એમાંના લગભગ ૬૦ ટકા લોકો ચોખા પર નભે છે. પરંતુ ત્યાંના ઉંદરો દર વર્ષે લગભગ ૧૫ ટકા ચોખાનો પાક ખાઈ જાય છે. ઉપર ઉલ્લેખ કરેલી સંસ્થાના વિજ્ઞાની અને ડૉક્ટર ગ્રાનેટ સીંગલટન કહે છે: “એનો અર્થ એ થયો કે, ૨ કરોડથી વધારે ઇંડોનેશિયાના લોકો એક વર્ષ સુધી સહેલાઈથી નભી શકે, એટલા ચોખા આ ઉંદરો દર વર્ષે ખાઈ જાય છે.”

તેલના રસિયા હાથી

ભારતની ઉત્તર-પૂર્વે આવેલા દિગ્બોઈના હાથીઓને ખનિજ તેલ ખૂબ જ ગમે છે. “હાથીઓ ખાસ કરીને તેલના કૂવાઓના વિસ્તારમાં આરામથી ફરતા હોય છે. ઘણી વાર તેઓ રિફાઈનરી સાથે જોડાયેલી પાઈપોના વાલ્વ પણ ખોલી નાખે છે,” ભારતની ઓઈલ કંપનીના સીનીયર એન્જિનિયર રામન ચક્રવર્તી એમ કહે છે. “એવું લાગે છે કે હાથીઓને વાલ્વ ખોલવાથી આવતો અવાજ ખૂબ ગમે છે. ખાસ કરીને પાઈપોમાં વરાળનું યોગ્ય પ્રમાણ જાળવી રાખતો વાલ્વ ખૂલે એ તેઓને ખૂબ ગમે છે. આ વરાળ માટેનો વાલ્વ, કાચું ખનીજ તેલ પેરાફીન ન બની જાય એ માટે લગાવવામાં આવ્યો હોય છે.” ખાસ કરીને હાથીઓને પાઈપમાંથી “સુસવાટા કરીને” નીકળતા તેલનો અવાજ ખૂબ ગમે છે. એટલું જ નહિ, તેઓ તેલના કૂવા પાસે જવા પણ આકર્ષાય છે. કેમ કે કૂવામાંથી નીકળતું ખારું ‘પાણી અને કાદવ’ તેઓને ખૂબ ગમે છે,” ધ ઇન્ડિયન એક્સપ્રેસ છાપું જણાવે છે. તમને એ જાણીને નવાઈ લાગશે કે, ત્યાં સૌ પ્રથમ હાથીએ જ ખનીજતેલની શોધ કરી હતી. એ વિસ્તારમાં પહેલી વાર રેલવે પાટા નંખાતા હતા ત્યારે, હાથીઓની મદદથી પાટા લઈ જવાતા હતા. એક દિવસ એક હાથી સાંજે કેમ્પમાં પાછો આવ્યો ત્યારે, બ્રિટિશ અધિકારીઓએ તેના પગે તેલ જેવું કંઈક ચોંટેલું જોયું. પછી તેઓએ હાથીને પગલે પગલે જઈને જ્યાંથી તેલ નીકળતું હતું ત્યાં પહોંચ્યા. આમ, ૧૮૮૯માં એશિયામાં પહેલી વાર તેલનો કૂવો નાખવામાં આવ્યો.

કુંવારા મા-બાપોના વધી રહેલા બાળકો

યુરોપમાં વસ્તી વધારાનો હિસાબ રાખતી સંસ્થાના અહેવાલ પ્રમાણે, યુરોપના દેશોમાં ચારમાંથી એક બાળક લગ્‍ન કર્યા વગર રહેતા લોકોને ત્યાં જન્મે છે, જર્મનીના એક છાપાએ જણાવ્યું. વર્ષ ૧૯૮૦માં આ રીતે લગભગ દસમાંથી એક બાળક જન્મ્યું હતું. ગ્રીસમાં આ આંકડો સૌથી ઓછો છે. ત્યાં ફક્ત ૪ ટકા બાળકો કુંવારા લોકોને ત્યાં જન્મે છે. જ્યારે સ્વીડનમાં કુલ બાળકોમાંથી અડધાથી વધારે બાળકો, લગ્‍ન કર્યા વગર રહેતા લોકોને ત્યાં જન્મે છે. આયર્લૅન્ડ આ કિસ્સામાં ખૂબ જલદી આગળ નીકળી ગયું છે. દાખલા તરીકે, આયર્લૅન્ડમાં ૧૯૮૦માં કુંવારા માબાપોથી ફક્ત પ ટકા બાળકો જન્મ્યાં હતાં. પરંતુ ૨૦૦૦ની સાલમાં એ વધીને ૩૧.૮ ટકા બાળકો જન્મ્યાં હતાં. એ રીપોર્ટ પ્રમાણે, આવો નોંધનીય વધારો “બતાવે છે કે આજે કુટુંબ અને લગ્‍નો પ્રત્યે યુરોપના લોકોનું વલણ મોટા પ્રમાણમાં બદલાઈ ગયું છે.”

સો વર્ષે પણ તંદુરસ્ત અને આનંદી

જાપાનના એક છાપાં પ્રમાણે, “ત્યાં સો વર્ષથી ઉપરના ૮૦ ટકા લોકો તંદુરસ્ત અને આનંદી જીવન જીવી રહ્યા છે.” જાપાનમાં ૧૯૮૧માં સો વર્ષથી ઉપરના ૧૦૦૦ લોકો હતા, અને ૨૦૦૦માં ૧૩,૦૦૦ હતા. તાજેતરમાં જાપાનની સ્વાસ્થ્ય સંસ્થાએ સોથી વધારે ઉંમરના ૧,૯૦૦ લોકોનો સર્વે કર્યો. તેઓનું “જીવન કેવું છે એ વિષે” પહેલી વાર આટલો મોટો સર્વે કરવામાં આવ્યો હતો. એ છાપું જણાવે છે: “પુરુષોમાંથી ૪૩.૬ ટકાએ કહ્યું કે તેઓના ‘જીવનમાં હેતુ છે’, જ્યારે કે ૨૫.૮ ટકા સ્ત્રીઓએ કહ્યું કે તેઓના ‘જીવનમાં કોઈ હેતુ નથી.’” તેઓમાંથી મોટા ભાગના લોકોએ કહ્યું કે, “સુખી કુટુંબ, લાંબું, તંદુરસ્ત અને સુખી જીવન” એ અમારા જીવનનો હેતુ છે. તેથી, એ છાપું કહે છે કે “જીવનમાં હેતુ હોય તો લાંબું જીવી શકાય.”

ધર્મને નામે પૈસાની હેરાફેરી

ડૅબ્રા બૉથનર, ઉત્તર અમેરિકાની બૅંકો પર નજર રાખતી સંસ્થાના પ્રમુખ છે. તે કહે છે: “હું ૨૦ વર્ષથી, લોકો નિયમમાં રહીને પૈસાની હેરફેર કરે છે કે નહિ એની દેખરેખ રાખું છું. મને જોવા મળ્યું છે કે ધર્મને નામે લોકો પૈસાની ખૂબ જ ગોલમાલ કરે છે. તમારા ધર્મને કારણે કોઈ તમને તેઓની બૅંકમાં પૈસા મૂકવાનું કહે તો, એમાં મૂકીને ભગવાન ભરોસે છોડી દેવું ન જોઈએ.” ખ્રિસ્તી સદી (અંગ્રેજી) મેગેઝિનના જણાવ્યા પ્રમાણે, “છેલ્લા ત્રણ વર્ષમાં ૨૭ રાજ્યોમાં બેંકો પર નજર રાખતી સંસ્થાઓએ, અગણિત લોકો અને કંપનીઓ સામે પગલાં લીધાં, કારણ કે તેઓ ધર્મને નામે લોકોનો વિશ્વાસ જીતીને પૈસાનું રોકાણ કરાવતા હતા. . . . એક પ્રોટેસ્ટંટ સંસ્થાએ ધર્મને નામે, છેલ્લા પાંચ વર્ષમાં ૧૩,૦૦૦ લોકો પાસેથી ૫૯ કરોડ ડૉલરનું રોકાણ કરાવ્યું હતું. પછી ૧૯૯૯માં સરકારે ધર્મને નામે ચાલતી એ સંસ્થા બંધ કરી દીધી અને એના ત્રણ અધિકારીઓએ અદાલતમાં કબૂલ્યું કે તેઓએ લોકો પાસેથી ગેરકાયદે પૈસા લીધા હતા.” એ જ મેગેઝિન કહે છે: “બીજા ત્રણ કેસમાં પણ એવી જ રીતે ૧.૫ અબજ ડૉલરની હેરાફેરી કરવામાં આવી હતી.”

ચર્ચ બિઝનેસમાં પડે છે

યુનાઈટેડ સ્ટેટ્‌સમાં બહુ ઓછા લોકો ચર્ચમાં જતા હોવાથી, ચર્ચને મળતા દાનોમાં ઘટાડો થઈ રહ્યો છે. તેથી ચર્ચ પોતાના ખર્ચા પૂરા કરવા, અનેક દુકાનો ખોલી રહ્યા છે. મસ્ટર, ઇન્ડિયાનાના કુટુંબો માટેના ચર્ચના મુખ્ય પાદરી રહે છે: “આ રીતે જ ચર્ચ ટકી શકે એમ છે.” ધ વૉલ સ્ટ્રીટ જર્નલના જણાવ્યા પ્રમાણે, હવે ચર્ચ એના પ્રાંગણમાં કૉફી અને કેક તો વેચે જ છે, એ ઉપરાંત, ચર્ચની અગાશી પર રેસ્ટોરંટની જેમ જ જમવાનું પણ વેચવામાં આવે છે. ફ્લોરિડાના જેક્સનવીલના એક ચર્ચએ એની બાજુમાં મોટું શોપિંગ-સેન્ટર ખોલ્યું છે. એમાં, ટ્રાવેલ-એજન્સી, બ્યુટી-પાર્લર અને આફ્રિકન-અમેરીકન લોકોની રેસ્ટોરંટ પણ છે. એ ચર્ચના સ્થાપક, બિશપ વૉન મૅકલોફીન કહે છે: “ઈસુ ચાહે છે કે, તે આપણને જે ભેટો આપે છે એને આપણે સ્વીકારીએ અને એનો લાભ લઈએ.” તેમણે એમ પણ કહ્યું કે ૨૦૦૦ની સાલમાં ચર્ચને આ રીતે દુકાનો ખોલવાથી ૨૦ લાખ ડૉલરની આવક થઈ હતી.

ફ્રાંસમાં કેટલા લોકો બાઇબલ વાંચે છે?

ફ્રાંસના લા ક્રઈક્ષ નામના કૅથલિક છાપાંએ અહેવાલ આપ્યો કે એક સર્વે પ્રમાણે, ફ્રાંસના ૪૨ ટકા લોકો પાસે બાઇબલ છે. પરંતુ એમાંથી ફક્ત બે ટકા લોકોએ જ કહ્યું કે તેઓ લગભગ દરરોજ બાઇબલ વાંચે છે. બોત્તેર ટકા લોકોએ કહ્યું: “અમે કદી બાઇબલ વાંચતા નથી.” એ સર્વેમાં ચોપન ટકા લોકોએ કહ્યું: “એ તો જૂનુંપુરાણું પુસ્તક છે. એમાં જે લખેલું છે એ આજે લાગુ પડતું નથી.” એ અહેવાલ આગળ કહે છે: “ફ્રાંસના લોકો બાઇબલને ફક્ત એક પ્રાચીન સાહિત્ય તરીકે જુએ છે.” અને “યહુદી તથા ખ્રિસ્તી ધર્મની શરૂઆત કઈ રીતે થઈ એ જાણવા જ” વાંચે છે. એ છાપાએ જણાવ્યું કે “ફ્રાંસમાં દર વર્ષે લગભગ ૨,૫૦,૦૦૦ આખા બાઇબલો અને ૩૦,૦૦૦ નવા કરારનું વેચાણ થાય છે.”

માઉન્ટ એવરેસ્ટ પર સાફસૂફી

આજે પૃથ્વીના સૌથી ઊંચા પર્વત, માઉન્ટ એવરેસ્ટને (૮,૮૫૦ મીટર) તમે ચિત્રોમાં જોશો તો, અસલ જેવો જ સુંદર અને ભવ્ય દેખાશે. તેમ છતાં, નવી દિલ્હીનું ડાઉન ટુ અર્થ મેગેઝિન જણાવે છે કે, માઉન્ટ એવરેસ્ટ પર કચરાનો ઢગલો થઈ રહ્યો છે. દાયકાઓથી માઉન્ટ એવરેસ્ટ પર ચઢવા આવતા હજારો લોકો, એના પર “ઑક્સિજનની ખાલી ટાંકીઓ, જૂની નિસરણીઓ કે પ્લાસ્ટિકની લાકડીઓ” જેવો કચરો છોડતા જાય છે. અહેવાલ આગળ કહે છે: “સાઉથ કૉલ કૅમ્પ સૌથી ગંદો છે, કારણ કે લોકો ટોચ પર ચડવા એ તરફથી જ જાય છે.” નેપાલ માઉન્ટનીઅરીંગ એસોસિયેશનના એક અધિકારી, ભૂમી લા લામા કહે છે: “પર્વત પરથી કચરો ઉપાડવા અમે શેરપા લોકોને એક કિલોના, ૧૩.૫ ડૉલર આપવાનું વિચારીએ છીએ.” અહેવાલ જણાવે છે કે માઉન્ટ એવરેસ્ટ પર ચડવા આવનારાઓને મોટા ભાગે શેરપાઓ “દોરી જાય છે અને તેઓનો માલસામાન ઉપાડે છે.”

એશિયામાં પ્રદૂષણનો ભય

“ભારતમાં દર વર્ષે વાતાવરણના પ્રદૂષણને કારણે ૪૦,૦૦૦થી વધારે લોકો મરી જાય છે,” નવી દિલ્હીનું ડાઉન ટુ અર્થ નામનું પર્યાવરણને લગતું મેગેઝિન અહેવાલ આપે છે. વર્લ્ડબેન્ક અને સ્ટોકહોમની પર્યાવરણ સંસ્થાએ કરેલા સંશોધન પ્રમાણે, યુરોપ અને અમેરિકામાં મળીને જેટલું વાતાવરણનું પ્રદૂષણ થાય છે એના કરતાં વધારે એશિયામાં જોવા મળે છે. એને કારણે સેઉલ, બેઇજીંગ, બૅંગકોક, જાકાર્તા અને મનીલામાં હજારો લોકોનું મરણ થાય છે. દાખલા તરીકે, મનીલામાં દર વર્ષે ૪,૦૦૦ કરતાં વધારે લોકો શ્વાસને લગતી બીમારીને કારણે મરણ પામે છે અને બીજા ૯૦,૦૦૦ લોકોને શ્વાસનળીમાં સોજો થવાથી ગંભીર રીતે બીમાર પડે છે. બૅંગકોક અને જાકાર્તામાં તો મૃત્યુનો દર એનાથી પણ વધારે છે. પ્રદૂષણનું કારણ જણાવતા મેગેઝિન કહે છે: “પેટ્રોલ કે ડિઝલ સારી ગુણવત્તાવાળું ન હોવાથી, વીજળી તથા ગેસ બનાવવાનાં યોગ્ય સાધનો ન હોવાથી, એકદમ ભંગાર જેવા વાહનો રોડ પર દોડતા હોવાથી અને ખૂબ ટ્રાફિક વધી ગયો હોવાથી પ્રદૂષણ અનહદ વધી ગયું છે.”