આફ્રિકામાં ફેલાતો મોતનો પડછાયો
આફ્રિકામાં ફેલાતો મોતનો પડછાયો
“વિનાશક જાની દુશ્મનનો આપણે સામનો કરીએ છીએ.”
આફ્રિકામાં એચઆઈવી/એઇડ્સ કાર્યક્રમમાં કામ કરતા યુએનના ખાસ પ્રતિનિધિ, સ્ટીવન લુઈસે આમ કહ્યું. એ સહારાની દક્ષિણે આવેલા આફ્રિકામાં પૂરઝડપે વધી રહેલા એઇડ્સનું જોખમ બતાવે છે.
એચઆઇવીનો ચેપ ફેલાવાના ઘણાં કારણો છે. એઇડ્સના લીધે બીજી સમસ્યાઓ પણ વધી રહી છે. આફ્રિકા અને બીજા કેટલાક દેશોમાં ફેલાતા મોતના પડછાયા જેવા, એઇડ્સ માટે મોટે ભાગે નીચેનાં કારણો જવાબદાર છે.
અનૈતિક જીવન. ખાસ કરીને જાતીય સંબંધોથી એઇડ્સનો ચેપ લાગે છે. લોકોએ આજે સારા સંસ્કાર છાપરે મૂકી દીધા છે, એટલે આ રોગ ઝડપથી ફેલાઈ રહ્યો છે. તોપણ, ઘણા માને છે કે લગ્ન પહેલાં જાતીય સંબંધ બાંધવામાં કશું ખોટું નથી. જોહાનીસબર્ગ, દક્ષિણ આફ્રિકાના ધ સ્ટાર છાપામાં ફ્રાન્સવા ડ્યુફો લખે છે: “યુવાનોને સેક્સની ના પાડવાથી કશું વળવાનું નથી. જાતીયતા ઉશ્કેરતા કેટલા દૃશ્યો તેઓ રોજ જોતા હોય છે, અને એ જોઈને ઘણા પોતાનું જીવન ઘડે છે.”
આજના યુવાનોને ખરેખર એ લાગુ પડે છે. દાખલા તરીકે, એક દેશના સર્વે પ્રમાણે, ૧૨થી ૧૭ વર્ષના યુવાનોમાંથી ત્રીજા ભાગના જાતીય સંબંધો બાંધે છે.
દક્ષિણ આફ્રિકામાં બળાત્કારના કિસ્સાઓ એકદમ વધી રહ્યા છે. જોહાનીસબર્ગનું સિટિઝન છાપું જણાવે છે: બળાત્કારના કિસ્સા ‘એટલી હદે વધી ગયા છે કે એ દેશની સ્ત્રીઓ અને બાળકોને કોઈ પણ રોગ કરતાં, બળાત્કારનું જોખમ વધારે છે.’ એ આગળ જણાવે છે: “હાલમાં બાળકો પર થતા બળાત્કાર બમણા થઈ ગયા છે. . . . એનું કારણ લોકોની એવી અંધશ્રદ્ધા છે, કે એઇડ્સના ચેપવાળો રોગી કોઈ કુંવારી પર બળાત્કાર કરે તો, સાજો થઈ જશે.”
જાતીય સંબંધથી ફેલાતો રોગ. અહીં જાતીય સંબંધોથી એઇડ્સ ઘણી ઝડપે ફેલાઈ રહ્યો છે. સાઊથ આફ્રિકન મેડિકલ જરનલ નોંધે છે: “જાતીય સંબંધોથી એઇડ્સનો વાયરસ ફેલાવાનું જોખમ બેથી પાંચ ગણું વધી જાય છે.”
ગરીબી. આફ્રિકાના ઘણા દેશોમાં ગરીબી છે, જેના લીધે પણ એઇડ્સ ફેલાય છે. ઘણા ધનવાન દેશોમાં સામાન્ય ગણાતી ચીજ-વસ્તુઓ, ગરીબ દેશોમાં મોટા ભાગે મળતી નથી. જેમ કે, ઘણા લોકોના ઘરોમાં વીજળી કે પીવા ચોખ્ખું પાણી નથી. અમુક ગામડાંમાં તો સરખા રસ્તા પણ નથી. ઘણા લોકોને પૂરતું ખાવાનું મળતું નથી. તો પછી આવી જગ્યાએ દવાખાના કે હૉસ્પિટલની સગવડ ક્યાંથી હોય?
એઇડ્સને લીધે વેપારધંધા પર પણ અસર પડે છે. કામદારોને એનો ચેપ લાગે છે તેમ, ખાણની કંપનીઓનું ઉત્પાદન ઓછું થતું જાય છે. હવે કામદારો ઓછા થતા હોવાથી, કેટલીક કંપનીઓ માણસોને બદલે વધારે મશીનો વસાવવાનું વિચારે છે. એક અંદાજ પ્રમાણે, ૨૦૦૦માં પ્લેટિનમની ખાણના કારીગરોમાં એઇડ્સનું પ્રમાણ લગભગ બમણું થઈ ગયું હતું અને ૨૬ ટકા કારીગરોને એનો ચેપ લાગ્યો હતો.
સૌથી વધારે દુઃખની વાત તો એ છે કે એઇડ્સને કારણે મોટી સંખ્યામાં બાળકો અનાથ બનતા જાય છે. તેઓ માબાપની છાયા ગુમાવી બેસે છે અને પોતે પણ એઇડ્સનો ભોગ બને છે. સગાં અને સમાજના લોકો પોતે જ એટલા ગરીબ હોય છે કે આ અનાથોને કઈ રીતે મદદ કરે? અથવા ઘણા એમ કરવા તૈયાર પણ નથી. ઘણા અનાથ બાળકો શાળા છોડી દે છે. કેટલાકને વેશ્યાગીરી કરવી પડે છે અને રોગ હજુ વધારે ફેલાય છે. ઘણા દેશોએ આ અનાથ બાળકોને મદદ આપવા સરકારી કે ખાનગી કાર્યક્રમો શરૂ કર્યા છે.
અજ્ઞાનતા. મોટા ભાગના લોકો અજાણ હોય છે કે પોતાને એઇડ્સનો ચેપ લાગ્યો છે. ઘણા બદનામીથી ડરીને તપાસ કરાવતા નથી. એચઆઇવી/એઇડ્સ પર જોઈન્ટ યુનાઈટેડ નેશન્સ (યુએનએઇડ્સ) પ્રોગ્રામે માહિતી આપી: “એઇડ્સનો ચેપ લાગ્યો છે અથવા એવી શંકા પણ હોય તો, સારવાર કેન્દ્રો એ વ્યક્તિને પાછી કાઢશે. તેઓને ઘર કે નોકરી મળતી નથી; મિત્રો તેઓનો સાથ છોડી દે છે; વીમા કંપનીઓ તેઓનો વીમો લેતી નથી અથવા તેઓને વિદેશમાં જવાની રજા મળતી નથી.” અરે, અમુકને એઇડ્સનો ચેપ લાગ્યો છે, એની જાણ થતા જ ખૂન કરી નાખવામાં આવ્યું હતું.
સમાજ. આફ્રિકાના ઘણા સમાજોમાં સ્ત્રીઓને હક્ક નથી કે પોતાના પતિને બીજી સ્ત્રી સાથેના સંબંધો વિષે પૂછે. તેમ જ, પોતાની સલામતી માટે જાતીય સંબંધ વખતે પોતાના પતિને કોઈ સૂચન પણ કરી શકતી નથી. સમાજ ઘણો પછાત હોવાથી તેઓ એઇડ્સમાં માનતા પણ નથી. દાખલા તરીકે એઇડ્સ થાય તો, મેલીવિદ્યાને કારણે છે એમ માનીને ભૂવાની પાસે જંતર-મંતર કરાવવા લઈ જાય છે.
પૂરતા દવાખાના, હૉસ્પિટલ નથી. આફ્રિકામાં પૂરતી મેડિકલ સગવડો પણ નથી. ઉપરથી એઇડ્સના કેસો ખૂબ જ વધી ગયા હોવાથી, હૉસ્પિટલો પર બોજો આવી પડ્યો છે.
બે મોટી હૉસ્પિટલોના કહેવા પ્રમાણે, અડધાથી વધારે દરદીઓને એઇડ્સનો ચેપ લાગ્યો હોય છે. ક્વાઝુલુ-નેટલની એક હૉસ્પિટલના મુખ્ય અધિકારીએ કહ્યું કે, એ હૉસ્પિટલનું કામ ગજા ઉપરાંત છે. એમાં ૪૦ ટકા વધારાના દરદીઓની સારવાર કરવી પડે છે. અમુક સમયે એક જ બેડમાં બે દરદીઓએ અને નીચે ત્રીજા દરદીએ સૂવું પડે છે!—સાઊથ આફ્રિકન મેડિકલ જરનલ.ખરેખર, આફ્રિકામાં એઇડ્સ મોતના પડછાયાની જેમ ફેલાઈ જ રહ્યો છે. હજુ એનો કોઈ ઇલાજ દેખાતો નથી. યુએનએઇડ્સના પીટર પાયોટ કહે છે, “હજુ તો આપણે એની શરૂઆતમાં જ છીએ.”
અમુક દેશો એઇડ્સના આ જાની દુશ્મન, આ રાક્ષસને રોકવાના પ્રયત્નો કરી રહ્યા છે. યુએન જનરલ એસેમ્બ્લીએ એચઆઈવી/એઇડ્સ પર ચર્ચા કરવા, જૂન, ૨૦૦૧માં પહેલી વાર ખાસ સભા ભરી હતી. શું મનુષ્યો એઇડ્સના આ રાક્ષસને રોકી શકશે? ખરેખર, કોણ એને રોકશે?
[પાન ૫ પર બોક્સ/ચિત્ર]
એઇડ્સની દવા નવાઈરાપીન અને દક્ષિણ આફ્રિકાની મુશ્કેલી
નવાઈરાપીન શું છે? પત્રકાર નિકોલ ઈટોની કહે છે કે એ “એન્ટીરેટ્રોવાયરલ [એટલે કે વાયરસ વધતા રોકતી] દવા છે. જેનાથી બાળકને તેની [માતા પાસેથી] એઇડ્સનો ચેપ લાગવાની શક્યતા અડધી ઓછી થઈ જાય છે.” જર્મનીની દવાની કંપનીએ દક્ષિણ આફ્રિકાને પાંચ વર્ષ સુધી મફત દવા આપવાની ઑફર કરી. તેમ છતાં, ઑગસ્ટ ૨૦૦૧ સુધી સરકારે એ ઑફર સ્વીકારી ન હતી. શા માટે?
દક્ષિણ આફ્રિકામાં ૪૭ લાખ લોકો એચઆઈવી પોઝીટીવ છે. દુનિયાના બીજા કોઈ પણ દેશો કરતાં અહીં વધારે લોકોને ચેપ લાગ્યો છે. ફેબ્રુઆરી ૨૦૦૨માં લંડનના ધી ઈકોનોમીસ્ટે અહેવાલ આપ્યો કે દક્ષિણ આફ્રિકાના પ્રમુખ ટાબો મીકને “એચઆઈવીને કારણે એઇડ્સ થાય છે એ સામાન્ય માન્યતા વિષે શંકા છે” અને “એઇડ્સ વિરોધી દવાઓની કિંમત, એ કેટલી સલામત અને ઉપયોગી છે, એની પણ શંકા છે. તેણે એના પર પ્રતિબંધ મૂક્યો નથી, પરંતુ દક્ષિણ આફ્રિકાના ડૉક્ટરો એવી દવાઓ જલદી આપતા નથી.” શા માટે આ મોટી ચિંતા છે? દર વર્ષે દક્ષિણ આફ્રિકામાં જન્મેલા હજારો બાળકોને એચઆઈવી વાયરસ છે, અને ૨૫ ટકા ગર્ભવતી સ્ત્રીઓને આ વાયરસનો ચેપ લાગેલો હોય છે.
આ કારણે, નવાઈરાપીન આપવામાં આવે, એ માટે સરકારને ફરજ પાડવા કેસ કરવામાં આવ્યો. એપ્રિલ ૨૦૦૨માં આફ્રિકાની કોર્ટે પોતાનો નિર્ણય જણાવ્યો. ધ વૉશિંગ્ટન પોસ્ટમાં રવિ નસમાન અનુસાર, અદાલતે નિર્ણય આપ્યો કે “હેલ્થ સેન્ટરમાં સરકારે દવાઓ પૂરી પાડી અને એ આપવાની ગોઠવણ કરવી જ જોઈએ.” દક્ષિણ આફ્રિકાની સરકાર આખા દેશમાં ૧૮ સેન્ટરોમાં એ દવાઓ પૂરી પાડી જોવા ચાહે છે કે એનું પરિણામ શું આવે છે. ગમે એમ પણ, એચઆઈવી પોઝીટીવ હોય, એવી ગર્ભવતી સ્ત્રીઓ માટે આશાનું કિરણ તો નીકળ્યું.
[પાન ૬ પર બોક્સ/ચિત્ર]
કોશને પકડતા ચાલાક વાયરસ
થોડી પળો માટે હ્યુમન ઈમ્યુનોડેફીશીયન્સી વાયરસ (એચઆઈવી)ના એકદમ નાના જગતમાં આવો. એક વૈજ્ઞાનિકે જણાવ્યું: “ઇલેક્ટ્રોન માઈક્રોસ્કોપથી ઘણાં વર્ષો વાયરસના નાના નાના ભાગ પર અભ્યાસ કર્યા પછી, મને થાય છે કે, એની રચના કેટલી અદ્ભુત છતાં, ચોક્કસ છે.”
માનવ કોશ કરતાં બેક્ટેરિયા એકદમ નાના છે, અને એના કરતાં પણ નાના વાયરસ છે. એક અધિકારી અનુસાર, એચઆઈવીના વાયરસ એટલા નાના હોય છે કે “એક પૂર્ણવિરામના ટપકાંમાં ૨૩ કરોડ [એચઆઈવીના કણો] આવી શકે.” વાયરસ કોશમાં જઈને એના પર કબજો જમાવી ન લે ત્યાં સુધી એમાં વધારો થતો નથી.
એચઆઈવીના વાયરસ શરીરમાં જાય છે ત્યારે, એણે શરીરની રોગ-પ્રતિકારક શક્તિ વિરુદ્ધ સખત લડત આપવી પડે છે. * પ્રતિકારક શક્તિ સફેદ રક્ત કણોથી બનેલી છે, જે હાડકાંના પોલાણમાં ઉત્પન્ન થાય છે. સફેદ રક્ત કણોમાં ટી કોશ અને બી કોશ એમ મુખ્ય બે પ્રકારના કણો હોય છે, જેને લીમ્ફોસાઈટ્સ કહેવાય છે. બીજા અમુક સફેદ કણોને ફેગોસાઈટ્સ અથવા “કોશ ખાનાર” કહેવાય છે.
વિવિધ પ્રકારના ટી કોશના અલગ અલગ કાર્યો હોય છે. મદદગાર ટી કોશ લડતમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. એ કોશ તરત જ દુશ્મનને ઓળખી કાઢે છે. વળી, એ એવા કોશો ઉત્પન્ન કરવાની સૂચના આપે છે, જે દુશ્મનનું નામનિશાન મીટાવી દે છે. એચઆઈવી વાયરસમાં, મદદગાર ટી કોશને પોતાનું ખાસ નિશાન બનાવે છે. મારી નાખનાર ટી કોશ શરીર પર હુમલો કરનારા કોશોનો નાશ કરે છે. બી કોશો, રોગ વિરુદ્ધ લડત આપતી પ્રતિકારક શક્તિ ઉત્પન્ન કરે છે.
ચાલાક યોજના
એચઆઈવીને રીટ્રોવાયરસ તરીકે ઓળખવામાં આવે છે. એચઆઈવીની બલ્યૂ પ્રિન્ટ ડીએનએ (ડીઑક્સિરાઈબો-ન્યૂક્લીક ઍસિડ) નહિ, પણ આરએનએ (રાઈબો-ન્યૂક્લીક ઍસિડ)ના રૂપમાં છે. એચઆઈવી વાયરસ રીટ્રો-વાયરસના પણ અમુક ખાસ નાના ગ્રુપમાંથી છે, કારણ કે એના જોખમની ખબર લાંબા સમય સુધી પડતી નથી.
એક વાર એચઆઈવી વાયરસ એક કોશના મહેમાન બને પછી, એ કોશનો ઉપયોગ કરીને પોતાનો હેતુ પાર પાડે છે. એ ડીએનએ કોશનો “નવો કાર્યક્રમ” બનાવીને એચઆઈવી વાયરસની ઘણી કૉપીઓ બનાવે છે. પરંતુ એ પહેલાં, એચઆઈવીએ બીજી ‘ભાષાનો’ ઉપયોગ કરવો પડે છે. એણે પોતાના આરએનએને ડીએનએમાં ફેરવવા પડે છે, જેથી જે કોશમાં ગયા હોય એની બનાવટ એને વાંચીને સમજી શકે. આ કાર્ય કરવા માટે, એચઆઈવી વાયરસ ઇન્જાઈમનો ઉપયોગ કરે છે એને રીવર્સ ટ્રાન્સસ્ક્રીપ્ટેસ કહેવાય છે. આ કોશો હજારો નવા એચઆઈવી કોશોને ઉત્પન્ન કર્યા પછી, સમય જતાં મરી જાય છે. આ નવા ઉત્પન્ન થયેલા ભાગો કોશોને ત્યાં છોડીને, બીજા કોશોને અસર કરે છે.
મદદગાર ટી કોશોમાં એકદમ ઘટાડો થાય પછી, બીજા કોશો શરીરને કાબૂમાં કરી લે છે. શરીરને દરેક પ્રકારનો રોગ અને ચેપ લાગે છે. આમ, ચેપ લાગેલી વ્યક્તિ પૂરેપૂરી એઈડ્સના પંજામાં આવી જાય છે. એચઆઈવી વાયરસ પ્રતિકારક શક્તિને નબળી બનાવી દે છે.
આ શક્ય એટલી સાદી સમજણ છે. પરંતુ, યાદ રાખીએ કે રોગ પ્રતિકારક શક્તિ અને એચઆઈવી વિષે હજુ ઘણું બધું સંશોધકો જાણતા નથી.
લગભગ ૨૦ વર્ષથી, આ વાયરસના લીધે આખા જગતમાં મેડિકલ સંશોધકોએ તન, મન અને ધનનો ઉપયોગ કર્યો છે, જેના લીધે મોટા પ્રમાણમાં ખર્ચ થયો છે. તેઓ એચઆઈવી વિષે થોડું-ઘણું જાણી શક્યા છે. સર્જન ડૉ. શર્વન બી. ન્યૂલેન્ડે કેટલાંક વર્ષો પહેલાં કહ્યું હતું: ‘હ્યુમન ઈમ્યુનોડેફીશ્યન્સી વાયરસ વિષે . . . અમુક પ્રમાણમાં માહિતી ભેગી કરવામાં આવી છે. તેમ જ એના વિરુદ્ધ કરવામાં આવી રહેલી પ્રગતિ ખરેખર દરિયામાં એક ટીપા બરાબર છે.’
એ દરમિયાન, આ એઈડ્સનો રાક્ષસ તો એનું કામ કરી જ રહ્યો છે.
[ફુટનોટ]
^ ફેબ્રુઆરી ૮, ૨૦૦૧ના (અંગ્રેજી) સજાગ બનો!ના પાન ૧૩-૧૫ પર જુઓ.
[ચિત્ર]
એચઆઈવી રોગપ્રતિકારક શક્તિના કોશો લીમ્ફોસાઈટ્સ એનો કાર્યક્રમ ફેરવીને એચઆઈવીમાં છે
[ક્રેડીટ લાઈન]
CDC, Atlanta, Ga
[પાન ૭ પર ચિત્ર]
હજારો યુવાનો ખુશીથી બાઇબલના સંસ્કાર પાળે છે