સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

એઇડ્‌સના રાક્ષસને કોણ રોકશે?

એઇડ્‌સના રાક્ષસને કોણ રોકશે?

એઇડ્‌સના રાક્ષસને કોણ રોકશે?

આફ્રિકાના દેશોમાં એઈડ્‌સની ઝેરી હવા પૂરઝડપે ફેલાઈ રહી છે, એ ઘણા સમય સુધી માનવામાં આવતું ન હતું. વળી કેટલાક લોકો તો એની ચર્ચા કરવા પણ તૈયાર નથી. તેમ છતાં, હાલમાં યુવાનોને એ વિષે શિક્ષણ આપવાનું અને તેઓ સાથે ચર્ચા કરવાનું પણ ઉત્તેજન આપવામાં આવે છે. જો કે, આ પ્રયત્નો કંઈક અંશે સફળ થયા છે. લોકોની જીવન ઢબ અને રિવાજો ઊંડે મૂળ કરી ગયા છે અને એમાં ફેરફારો કરવા મુશ્કેલ છે.

મેડિકલ પ્રગતિ

મેડિકલ રીતે વૈજ્ઞાનિકો એચઆઈવી વિષે સંશોધન કરી રહ્યા છે. તેઓએ એવી દવા બનાવી કે જેનાથી એ રોગનો ચેપ લાગ્યો હોય, એવા ઘણા લોકો થોડું વધારે જીવી શકે. ત્રણ એન્ટીરેટ્રોવાયરલ દવાનું મિશ્રણ કરી, સૌથી વધારે અસરકારક એન્ટીરેટ્રોવાયરલ દવા બનાવી છે. એનો સારી રીતે ઉપયોગ થાય છે.

જો કે આ દવાથી એચઆઈવી દૂર થતો નથી. પરંતુ, એનાથી આ રોગને લીધે થતા મરણમાં ઘટાડો થયો અને આ ખાસ કરીને ધનવાન દેશોમાં બને છે. ઘણા લોકો ગરીબ દેશોમાં પણ આ દવાઓ મોકલવા પર ભાર આપે છે. આ દવાઓ મોંઘી છે અને મોટા ભાગના દેશોની આવક કરતાં, એની કિંમત વધારે છે.

એનાથી આ વિવાદ ઊભો થયો: શું માનવ જીવન કરતાં નફો મહત્ત્વનો છે? એચઆઈવી/એઇડ્‌સ કાર્યક્રમના બ્રાઝિલના નિર્દેશક ડૉ. પાઊલો ટેશારે કહ્યું: “જીવવા માટે જે દવાઓની જરૂર છે એના વિના આપણે હજારો લોકોને મરણ-પથારી પર છોડી શકતા નથી. નાના પાયાની કંપનીઓ ફક્ત વધારે નફા પર જ ધ્યાન આપે છે.” તે ઉમેરે છે: “મને ઘણી ચિંતા થાય છે કે તેઓએ માણસાઈને બાજુએ મૂકીને, નફાની લાલચમાં પડવું જોઈએ નહિ.”

કેટલાક દેશોએ મોટી દવા બનાવવાની કંપનીઓએ કરેલી શોધની કૉપીરાઈટનો નિયમ પાળ્યો નથી. જેથી કેટલીક દવાઓ પર કંપનીનું નામ ન આપવાથી એની કિંમતમાં ઘણો ઘટાડો થયો છે. * એક અભ્યાસ અનુસાર, “[નામ વગરની દવાઓમાં] ઓછામાં ઓછો યુએસ કિંમત કરતાં, ૮૨ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે,” સાઊથ આફ્રિકન મેડિકલ જરનલ જણાવે છે.

સારવાર આપવામાં મુશ્કેલી

થોડા સમય પછી, દવાઓની મોટી મોટી કંપનીઓએ ગરીબ દેશોને ઓછી કિંમતે એઈડ્‌સની દવાઓ આપવાનું શરૂ કર્યું. એવી આશા હતી કે આ રીતે ઘણા લોકો એનો લાભ ઉઠાવી શકશે. તેમ છતાં, ગરીબ દેશોમાં હજુ પણ સહેલાઈથી આ દવાઓ મેળવી શકાય એમ નથી. એક કારણ એની કિંમત છે. કિંમતમાં ઘટાડો થયો હોવા છતાં, મોટા ભાગના લોકો માટે એ હજુ ખૂબ મોંઘી છે.

બીજી સમસ્યા એ છે કે દવા આપવી એટલી સહેલી નથી. અમુક ચોક્કસ સમયે તેઓએ દરરોજ ઘણી દવાઓ લેવી પડે છે. જો દવા યોગ્ય રીતે લેવામાં ન આવે અને એકાદ સમયે લેવાનું ચૂકી જવાય તો, એનાથી એચઆઈવી વાયરસ સામે લડવાની શરીરની શક્તિમાં ઘટાડો થઈ શકે. આફ્રિકાના દેશોમાં અમુક જગ્યાએ પૂરો ખોરાક કે પાણી કે દવાઓ ન હોય ત્યાં, દરદીઓ આવી દવા લેતા રહે, એ કઈ રીતે શક્ય બની શકે?

વધુમાં, દરદી પર કાયમ નજર રાખવી પડે. જો વધારે નબળી પડી જાય તો, દવાઓના મિશ્રણમાં ફેરફાર કરવો પડે. આ માટે અનુભવી મેડિકલ સ્ટાફની જરૂર છે અને એના ટેસ્ટ કરવા પણ મોંઘા છે. વળી, દવાઓની ઊંધી અસર થઈ શકે છે, એ પણ જોવું પડે.

જૂન ૨૦૦૧માં યુએન જનરલ એસેમ્બલીમાં એઈડ્‌સ વિષે ખાસ સભા રાખવામાં આવી હતી. એમાં ગરીબ દેશોને મદદ કરવા ગ્લોબલ હેલ્થ ફંડની શરૂઆત થઈ. એવો અંદાજ કાઢવામાં આવ્યો કે ૭૦૦થી ૧૦૦ કરોડ ડૉલર વચ્ચેની રકમની જરૂર હતી. કુલ રકમ હજુ સુધી મેળવી શકાઈ નથી.

વૈજ્ઞાનિકોને એની રસી શોધવાની મોટી મોટી આશા છે. ઘણા દેશોમાં અલગ અલગ રીતે ઘણી વ્યક્તિઓ પર એના અખતરા કર્યા છે. જો એ સફળ થાય તોપણ, રસીની શોધ થાય, ટેસ્ટ થાય અને લોકોના વપરાશ માટે સલામત ગણાય એ પહેલાં ઘણાં વર્ષો લાગશે.

બ્રાઝિલ, થાઈલૅન્ડ અને યુગાન્ડા જેવા કેટલાક દેશોમાં સારવાર કાર્યક્રમથી સારી એવી સફળતા મળી છે. ત્યાં જ બનાવેલી દવાઓથી, બ્રાઝિલમાં એઈડ્‌સથી થતા મરણમાં ઘટાડો થયો છે. આર્થિક રીતે સદ્ધર નાના દેશ, બોટ્‌સ્વાનામાં એન્ટીરેટ્રોવાયરલ દવાઓ અને યોગ્ય સારવારની સગવડો પૂરી પાડવાના પ્રયત્નો થઈ રહ્યા છે.

એઇડ્‌સના રાક્ષસની હાર

બીજા રોગો કરતાં એક મહત્ત્વની રીતે એઈડ્‌સ અલગ રોગ છે: એને અટકાવી શકાય છે. જો વ્યક્તિઓ પોતાનું જીવન સુધારે અને બાઇબલના સિદ્ધાંતોથી જીવે તો, ઘણા કિસ્સાઓમાં એઈડ્‌સ ટાળી શકાય છે.

બાઇબલના ધોરણો સ્પષ્ટ છે. કુંવારી વ્યક્તિઓએ સેક્સથી દૂર રહેવું જોઈએ. (૧ કોરીંથી ૬:૧૮) પરણેલી વ્યક્તિઓએ પોતાના સાથીને વફાદાર રહીને, બીજાઓ સાથે સેક્સનો સંબંધ રાખવો જોઈએ નહિ. (હેબ્રી ૧૩:૪) લોહીથી દૂર રહેવાની બાઇબલની સલાહને પાળવાથી એ ચેપથી બચી શકાય છે.—પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૨૮, ૨૯.

આ રોગનો ભોગ બનેલી વ્યક્તિઓને જાણીને આનંદ થશે કે પરમેશ્વરે નજીકના ભાવિમાં જ રોગ વગરની દુનિયા લાવવાનું વચન આપ્યું છે. પરંતુ, આપણે પરમેશ્વરની ઇચ્છા પ્રમાણે કરીશું તો જ એ જીવન મેળવી શકીશું.

બાઇબલ આપણને ખાતરી આપે છે કે છેવટે રોગ સહિત દરેક આફતનો અંત આવશે. આ વચન પ્રકટીકરણના પુસ્તકમાં આપવામાં આવ્યું છે: “વળી મેં રાજ્યાસનમાંથી મોટી વાણી એમ બોલતી સાંભળી, કે જુઓ, દેવનો મંડપ માણસોની સાથે છે, દેવ તેઓની સાથે વાસો કરશે, તેઓ તેના લોકો થશે, અને દેવ પોતે તેઓની સાથે રહીને તેઓનો દેવ થશે. તે તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે; મરણ ફરીથી થનાર નથી; તેમજ શોક કે રૂદન કે દુઃખ ફરીથી થનાર નથી; પ્રથમની વાતો જતી રહેલી છે.”—પ્રકટીકરણ ૨૧:૩, ૪.

જેઓ મોંઘી દવાઓ ખરીદી શકે તેઓ માટે જ આ દિલાસો નથી. આ પરમેશ્વરનું વચન છે: “હું માંદો છું, એવું કોઈ પણ રહેવાસી કહેશે નહિ.” (યશાયાહ ૩૩:૨૪) એ સમયે પૃથ્વી પરના સર્વ લોકો પરમેશ્વરના નિયમો પાળશે અને પૂરી તંદુરસ્તીનો આનંદ માણશે. આમ, એઈડ્‌સના રાક્ષસની અને બીજા રોગોની હંમેશ માટે હાર થશે. (g02 11/08)

[ફુટનોટ્‌સ]

^ નામ વગરની દવા, બીજી કંપનીઓએ શોધ કરેલી દવાની નકલ છે. વર્લ્ડ ટ્રૅડ ઓરગેનાઈઝેશનના સભ્યો હોય, એવા દેશો કટોકટીની હાલતમાં દવાની શોધના કૉપીરાઈટનો નિયમ કાયદેસર તોડી શકે છે.

[પાન ૯, ૧૦ પર બોક્સ/ચિત્ર]

હું આ ઇલાજ શોધતી હતી

હું ૨૩ વર્ષની છું, અને આફ્રિકાના દક્ષિણ ભાગમાં રહું છું. હું એ દિવસ કદી નહિ ભૂલીશ, જ્યારે મને ખબર પડી કે મને એચઆઈવી છે.

હું મારી મમ્મી સાથે ડૉક્ટરની પાસે ગઈ હતી. તેમણે મને મારા જીવનના આ એકદમ દુઃખદ સમાચાર આપ્યા. હું મૂંઝાઈ ગઈ, અને જાણે મૂંગી બની ગઈ. હું માની જ શકતી ન હતી, મને લાગ્યું કે નક્કી લૅબોરેટરીની ભૂલ થાય છે. મને મોટેથી રડવાનું મન થયું, પણ મારા આંસુ સૂકાઈ ગયા હતા. ડૉક્ટર અમને એન્ટીરેટ્રોવાયરલ દવાઓ અને બીજી બાબતો વિષે સમજાવતા હતા. પરંતુ, મને કંઈ જ સમજાતું ન હતું.

મને ભાન થયું કે મારી યુનિવર્સિટીમાંથી મને ચેપ લાગ્યો હોય શકે. મારી હાલત કોઈ સમજે, કોઈ મારી સાથે વાત કરે, એવું હું ચાહતી હતી. પરંતુ, મને એવું કોઈ ન મળ્યું! મને લાગ્યું કે મારું જીવન નકામું છે. જો કે મારું કુટુંબ મારા દુઃખમાં મારી સાથે જ હતું છતાં, મને જીવનમાં કોઈ રસ રહ્યો ન હતો. બીજા યુવાનોની જેમ મેં પણ ઘણાં સપનાં જોયાં હતાં. સાયન્સની ડીગ્રી મેળવવાના ફક્ત બે જ વર્ષ બાકી હતાં. પરંતુ, મારું સ્વપ્ન ભાંગીને ચૂર થઈ ગયું હતું.

ડૉક્ટરે લખી આપેલી એન્ટીરેટ્રોવાયરલ દવાઓ મેં લેવાનું શરૂ કર્યું અને એઈડ્‌સના સલાહકાર પાસે પણ ગઈ. છતાં હું ડિપ્રેસ હતી. મેં પરમેશ્વરને પ્રાર્થના કરી કે મરતા પહેલાં મને સાચો ખ્રિસ્તી ધર્મ બતાવે. હું પેન્તેકોસ્ત ચર્ચની સભ્ય હતી. પરંતુ, ચર્ચમાંથી મદદ તો શું, કોઈ મને મળવા પણ ન આવ્યું. મારે જાણવું હતું કે મરણ પછી હું ક્યાં જઈશ.

ઑગસ્ટ ૧૯૯૯ની એક વહેલી સવારે, બે યહોવાહના સાક્ષીઓ મારા ઘરે આવ્યા. એ દિવસે હું ખૂબ જ બીમાર હતી, પણ હું બેઠી થઈ. એ સ્ત્રીઓએ પોતાની ઓળખાણ આપી અને કહ્યું કે તેઓ લોકોને બાઇબલ વિષે શીખવે છે. મને ઘણી જ રાહત થઈ કે આખરે મારી પ્રાર્થનાનો જવાબ મળ્યો. પરંતુ, હું ખૂબ બીમાર હોવાથી, વાંચી કે બહુ ધ્યાન આપી શકતી ન હતી.

તેમ છતાં, મેં તેઓને કહ્યું કે મારે બાઇબલ વિષે વધારે જાણવું છે. તેઓએ પાછા આવવાની ગોઠવણ કરી. પરંતુ, એ પહેલાં જ મને ડિપ્રેશનને કારણે હૉસ્પિટલમાં લઈ જવામાં આવી, જ્યાંથી ત્રણ અઠવાડિયા પછી રજા મળી. પણ મને ઘણી જ ખુશી થઈ કે સાક્ષીઓ મને ભૂલી ગયા ન હતા. મારે ઘરે આવેલી બહેનોમાંની એક મને જોવા હંમેશા આવતી હતી. મારી તબિયત થોડી સારી થઈ અને વર્ષના અંતે મેં બાઇબલમાંથી શીખવાનું શરૂ કર્યું. મારી તબિયતને કારણે, આ સહેલું ન હતું. પરંતુ, બહેનો બહુ જ સમજુ અને ધીરજવાળી હતી.

યહોવાહના વિષે જેમ વધારે જાણતી ગઈ તેમ, મારો તેમના માટેનો પ્રેમ વધતો ગયો. હું બાઇબલમાંથી તેમના વિષે અને કાયમ માટેના જીવન વિષે શીખી. મારી ખુશીનો કોઈ પાર ન હતો. મને જીવનમાં પહેલી જ વાર આપણા દુઃખોનું કારણ જાણવા મળ્યું. પરમેશ્વરની નવી દુનિયામાં કોઈ માણસની સરકાર નહિ હોય, એ જાણીને મને ઘણી જ રાહત મળી. મને મારા જીવનમાં ઘણા ફેરફારો કરવાની પ્રેરણા મળી.

હું આવો જ ઇલાજ શોધતી હતી. પહેલા મને લાગતું કે મારા પર દેવનો શાપ હોવાથી, મને આ રોગ થયો છે. એના બદલે, મને જાણવા મળ્યું કે યહોવાહે તો ઈસુ ખ્રિસ્તના બલિદાન દ્વારા મારા પાપોની માફી આપવાની ગોઠવણ કરી છે. યહોવાહ મને હજુ પણ પ્રેમ કરે છે અને મારી સંભાળ રાખે છે, એ જાણીને મને કેટલો દિલાસો મળ્યો! ખરેખર, ૧ પીતર ૫:૭ કહે છે: ‘તમારી સર્વ ચિંતા તેના પર નાખો, કેમકે તે તમારી સંભાળ રાખે છે.’

દરરોજ બાઇબલમાંથી શીખીને, અને કિંગ્ડમ હૉલમાં મિટિંગોમાં જઈને હું યહોવાહની દિલથી ભક્તિ કરવા બધા જ પ્રયત્નો કરું છું. ખરું કે એ કંઈ સહેલું નથી, છતાં હું મારી સર્વ ચિંતાઓ, પ્રાર્થના દ્વારા યહોવાહને જણાવું છું અને તેમની અખૂટ શક્તિ અને દિલાસો માંગું છું. મંડળના ભાઈબહેનો પણ મારા મિત્રો છે. તેઓ મારી સાથે જ હોય છે, એટલે હું ખૂબ ખુશ છું.

હું ભાઈબહેનો સાથે પ્રચારમાં પણ જાઉં છું. હું લોકોને, ખાસ કરીને જેઓ મારા જેવી સ્થિતિમાં છે, તેઓને પણ યહોવાહ વિષે જણાવવા માંગુ છું. આખરે, મેં ડિસેમ્બર ૨૦૦૧માં બાપ્તિસ્મા લીધું.

[ચિત્ર]

યહોવાહ વિષે શીખવાથી મને ઘણો જ આનંદ થયો

[પાન ૮ પર ચિત્ર]

બોટ્‌સ્વાનામાં એઈડ્‌સ વિષે સલાહ આપતી ટૂકડી

[પાન ૧૦ પર ચિત્ર]

આ જ પૃથ્વી પર આપણે બધા પૂરી તંદુરસ્તીનો આનંદ માણીશું