સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

‘ચારે બાજુ ફેલાઈ રહેલું મોત!’

‘ચારે બાજુ ફેલાઈ રહેલું મોત!’

‘ચારે બાજુ ફેલાઈ રહેલું મોત!’

દક્ષિણ આફ્રિકાના સજાગ બનો!ના લેખક તરફથી

“એઇડ્‌સ, મોતના પડછાયાની જેમ દુનિયામાં ફેલાઈ રહ્યો છે, જે યુદ્ધ કરતાં ખતરનાક છે.”–યુ.એસ. સેક્રેટરી, કોલિન પૌલ.

એઇડ્‌સ (એક્વાયર્ડ ઇમ્યુનો-ડેફીશીયન્સી સીન્ડ્રોમ) વિષે સૌ પ્રથમ ૧૯૮૧માં રીપોર્ટ મળ્યો. એચઆઇવી/એઇડ્‌સ પર જોઈન્ટ યુનાઈટેડ નેશન્સ (યુએનએઇડ્‌સ) પ્રોગ્રામના ડાયરેક્ટર પીટર પાયોટ કહે છે, ‘એઇડ્‌સની જાણ થઈ ત્યારે, એ મોતના પડછાયાની જેમ બધે ફેલાશે, એવો સપને પણ ખ્યાલ ન હતો. એના માટે આટલો મોટો કાર્યક્રમ કરવો પડશે, એવું ધાર્યું પણ ન હતું. પરંતુ, વીસ વર્ષમાં તો આ રોગે લોકોને હેરાન-પરેશાન કરી દીધા છે. હજુ કોને ખબર છે કે આ રાક્ષસને કોઈ રોકી શકશે કે કેમ?’

લગભગ ૩ કરોડ ૬૦ લાખ લોકોને એચઆઈવી (હ્યુમન ઈમ્યુનોડેફીશીયન્સી વાયરસ)નો ચેપ લાગ્યો છે. વળી, આશરે ૨ કરોડ ૨૦ લાખ લોકોને એઇડ્‌સ ભરખી ચૂક્યો છે. * ફક્ત ૨૦૦૦ના વર્ષમાં જ, દુનિયામાં ત્રીસ લાખ લોકોને એઇડ્‌સ ગળી ગયો છે. આ રોગ શરૂ થયો ત્યારથી, એક જ વર્ષમાં એનાથી મરણ પામેલા લોકોની આ સૌથી વધારે સંખ્યા છે. એઇડ્‌સ સામે લડવા ખાસ કરીને ધનવાન દેશો એન્ટીરેટ્રોવાઈરલ [એટલે કે વાયરસ વધતા રોકતી] દવાની સારવાર લેવા છતાં આ હાલત છે.

આફ્રિકા પર એઇડ્‌સનો હુમલો

સહારાના દક્ષિણે આવેલા આફ્રિકામાં અંદાજે ૨ કરોડ ૫૩ લાખ લોકોને એઇડ્‌સ થયો છે. અહીં ૨૦૦૦ના વર્ષમાં ૨૪ લાખ લોકોને એઈડ્‌સ ભરખી ગયો. આખી દુનિયામાં એઇડ્‌સથી મરણ પામેલા લોકોની કુલ સંખ્યામાંથી એ ૮૦ ટકા છે. ખરેખર, અહીં એઇડ્‌સ મોતનો પડછાયો બની ગયું છે. *

દુનિયાના કોઈ પણ દેશ કરતાં, દક્ષિણ આફ્રિકામાં સૌથી વધારે લોકોને એઇડ્‌સ થયો છે. એવો અંદાજ છે કે ત્યાં ૪૭ લાખને એઈડ્‌સ થયો છે. અહીં દર મહિને ૫,૦૦૦ બાળકો એચઆઈવી પોઝીટીવ જન્મે છે. જુલાઈ, ૨૦૦૦માં ડરબનમાં ૧૩મી આંતરરાષ્ટ્રીય એઇડ્‌સ સભા રાખવામાં આવી હતી. એમાં દક્ષિણ આફ્રિકાના અગાઉના રાષ્ટ્રપતિ, નેલ્સન મંડેલાએ કહ્યું: ‘એ જાણીને ખૂબ આઘાત લાગે છે કે દક્ષિણ આફ્રિકામાં બેમાંથી એક, એટલે કે અડધા યુવાનો એઇડ્‌સથી મરી જશે. સૌથી દુઃખની વાત તો એ છે કે, આ બધું દુઃખ-દર્દ અટકાવી શકાયું હોત, અરે, હજુ અટકાવી શકાય છે.’

બીજા દેશો પર એઇડ્‌સનો પડછાયો

પૂર્વ યુરોપ, એશિયા અને કૅરેબિયન ટાપુઓમાં પણ એઇડ્‌સ, પૂરઝડપે લોકોનાં જીવન છીનવી રહ્યો છે. પૂર્વ યુરોપમાં ૧૯૯૯માં ૪,૨૦,૦૦૦ લોકોને એઇડ્‌સ હતો. પરંતુ ૨૦૦૦માં એ સંખ્યા વધીને લગભગ ૭,૦૦,૦૦૦ થઈ ગઈ છે!

એઇડ્‌સ વિષે, અમેરિકાનાં છ મોટાં શહેરોમાં એક સર્વે કરવામાં આવ્યો હતો. એનાથી શું જાણવા મળ્યું? એચઆઇવીનો ચેપ લાગેલા ૧૨.૩ ટકા યુવાનો સજાતીય સંબંધ રાખે છે! વધુમાં, ફક્ત ૨૯ ટકા લોકો જ જાણતા હતા કે તેઓ એચઆઈવી પોઝીટીવ છે. એક નિષ્ણાતે સર્વે પછી કહ્યું: “અમને માનવામાં આવતું ન હતું કે મોટા ભાગનાને ખબર પણ ન હતી કે તેઓ એચઆઈવી પોઝીટીવ છે. એનો અર્થ કે તેઓ અજાણતા બીજાઓને પણ એ ચેપ લગાડી રહ્યા છે.”

મે ૨૦૦૧માં સ્વિટ્‌ઝર્લૅન્ડમાં એઈડ્‌સના મોટા મોટા જાણકાર ભેગા થયા હતા. તેઓએ એઇડ્‌સનું ‘ચારે બાજુ ફેલાઈ રહેલા મોત’ તરીકે વર્ણન કર્યું. તેઓએ એ પણ જણાવ્યું, કે ખાસ કરીને સહારાના દક્ષિણમાં એઇડ્‌સ વધારે ફેલાઈ રહ્યો છે. એની ચર્ચા હવે પછીનો લેખ કરશે. (g02 11/08)

[ફુટનોટ્‌સ]

^ આ આંકડાનો અંદાજ યુએનએઇડ્‌સ દ્વારા થયો છે.

^ ફેબ્રુઆરી ૨૨, ૨૦૦૧ના સજાગ બનો! (અંગ્રેજી)માં પાન ૧૪-૧૫ જુઓ.

[પાન ૩ પર બ્લર્બ]

‘દુઃખની વાત તો એ છે કે, આ રોગ, આ દરદ અટકાવી શકાયું હોત, અરે, હજુ અટકાવી શકાય છે.’—નેલ્સન મંડેલા

[પાન ૨, ૩ પર ચિત્ર]

એઇડ્‌સના શિકાર બનેલા ઘણાને એની ખબર પણ હોતી નથી

[પાન ૩ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

UN/DPI Photo 198594C/Greg Kinch