સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

જંગલમાં હરતા-ફરતા—બ્રિટનના બૅજર

જંગલમાં હરતા-ફરતા—બ્રિટનના બૅજર

જંગલમાં હરતા-ફરતા—બ્રિટનના બૅજર

બ્રિટનના સજાગ બનો!ના લેખક તરફથી

જંગલમાં છવાયેલી શાંતિ એક પક્ષીના ગીતથી તૂટી ગઈ. ધીમે ધીમે સૂર્ય અસ્ત થતો હતો તેમ, હું એક ઝાડની તૂટેલી ડાળી પર બેઠો, અને ઝરમર ઝરમર વરસાદથી ભીના થયેલા ઝાડ-પાનની મીઠી સુગંધ લઈ રહ્યો હતો.

થોડો ઘણો પવન મારી તરફ આવે એ રીતે મેં બહુ સમજી વિચારીને બેસવાની જગ્યા પસંદ કરી. હું ત્યાં બૅજરને જોવા આવ્યો હતો. બૅજરની આંખો નાની હોય છે. તેના કાન પર સફેદ-કાળા ચટાપટા હોય છે. વળી, હું જાણતો હતો કે એ બહુ સારી રીતે સાંભળી અને સૂંઘી શકે છે. હું એ પણ જાણતો હતો કે જો એ મારો અવાજ સાંભળશે કે મારી જરા ગંધ આવશે તો પાછું અંદર જતું રહેશે અને આખી રાત બહાર નીકળશે નહિ.

યુરોપના બૅજર કદમાં મોટા અને સ્વભાવે શરમાળ હોય છે. એ લગભગ એક મીટર લાંબા અને ૩૦ સેન્ટિમીટર જેટલી ઊંચાઈના હોય છે. તેઓનું વજન લગભગ ૧૨ કિલોગ્રામ હોય છે. એના શરીર પર રાખોડી રંગના વાળ હોય છે. વળી એનું મોં અને શરીરની નીચેનો ભાગ પણ કાળો હોય છે. એના પગ નાના અને કાળા, એની પૂંછડી નાની અને જાડી હોય છે. એના પગના પંજામાં લાંબા નખવાળી પાંચ આંગળીઓ હોય છે.

ત્રણ સફેદ પહોળા પટ્ટા એના લાંબા નાકથી કાન સુધી હોય છે. આ એકદમ આકર્ષક ભાગ છે. એટલું જ નહિ પણ એના પર બહુ ચર્ચા થઈ રહી છે. કેટલાક કહે છે કે બૅજર એકદમ ઘોર અંધકારમાં પણ પોતાની જાતિને સફેદ પટ્ટાઓને કારણે ઓળખી કાઢે છે. તોપણ આપણે જાણીએ છીએ કે બૅજર એકબીજાની ગંધથી ઓળખે છે. આ સફેદ પટ્ટા હોવાનું કારણ ગમે તે હોય, પરંતુ એના લીધે બૅજર એકદમ સુંદર દેખાય છે.

બૅજર બ્રિટનના ગામના લોકોમાં જાણીતું છે. બૅજર જમીન ખોદીને, રસ્તો બનાવીને ભોંયરા જેવું પોતાનું ઘર બનાવે છે. ભૂલા પડી જવાય એવા ભોંયરાની પહોળાઈ લગભગ ૩૦ મીટર અને લંબાઈ ૩૦૦ મીટરની હોય શકે! બૅજર રાત્રે બહાર નીકળતું પ્રાણી છે અને દિવસે પોતાના દરમાં ભરાઈ રહે છે. મોટા ભાગનો સમય એ સૂઈ રહે છે. માદા પોતાનાં બચ્ચાંને જન્મ આપે ત્યારે, દરમાં તાજી લીલ અને સૂકા પાંદડાની પથારી બનાવે છે.

એના દરના ઘણા દરવાજા હોય છે. એ દર મોટે ભાગે એક ખાસ ઝાડ કે કાંટાની ઝાડીમાં હોય છે. ઇંગ્લૅંડમાં કેટલાક દરને ૫૦ કરતાં વધારે દરવાજા હોય છે. એ ૧૫૦ કરતાં વધારે વર્ષ જૂના હોય એમ કહેવામાં આવે છે. એમાં એક જ કુટુંબની એક પછી બીજી પેઢી રહી શકે. આમ તો બૅજર બે કે ત્રણ વર્ષ જીવે છે, પરંતુ કોઈ વાર પંદર વર્ષથી વધારે પણ જીવી શકે છે.

બૅજરના દરના દરવાજા પાસે માટી-પથ્થરનો મોટો ઢગલો પડ્યો હોવાથી, ત્યાં બૅજર રહે છે એ જાણવું અઘરું નથી. એણે પોતાનો દર ખોદવા જે વસ્તુઓ બહાર કાઢી છે, એ જોઈને તમને એ પ્રાણીની શક્તિનો અહેસાસ થશે.

બૅજર દરમાં છે કે નહિ એ તમે કઈ રીતે જાણી શકો? સૌ પ્રથમ આજુબાજુ જુઓ કે બૅજરનું મળ છે કે નહિ. એ ૧૫થી ૨૩ સેન્ટિમીટર પહોળો અને ૨૩ સેન્ટિમીટર ઊંડો ખાડો એના દરની આસપાસ જ ખોદે છે. જો એમાં એનું મળ હોય અને જો એ તાજું જ હોય તો, બૅજર દરની અંદર છે. એના દર સુધી બનેલો નાનો રસ્તો જુઓ અને ઉનાળાના મહિનામાં કચડેલાં ઝાડ-પાન જુઓ. કાદવવાળા અથવા દરના આસપાસના રસ્તામાં બૅજરના પગલાં જુઓ. ઝાડ પર કાદવના નિશાન અને લિસોટા છે કે નહિ એ જુઓ, જ્યાં પ્રાણીઓ પોતાના મજબૂત પંજાને ખંજવાળે છે. જો દર મોટો હોય તો, જોવું મુશ્કેલ બની શકે કેમ કે બૅજર આવ-જાવ કરવા બીજા માર્ગનો ઉપયોગ કરી શકે. તેથી, વહેલી સવારે જઈને દરેક દરવાજાને ઢાંકી દો. બીજા દિવસે સવારે તમે જોઈ શકશો કે બહાર નીકળવા બૅજરે કયા દરવાજાનો ઉપયોગ કર્યો છે. દરવાજા પર મૂકવામાં આવેલી વસ્તુ બાજુ પર ખસેડાઈ ગઈ હશે.

ખોરાકની શોધ માટે બૅજર રાત્રે બહાર જાય છે. એ એકૉન, બિયાં, સસલાંનાં બચ્ચાં કે વોસ્પ્સ જેવા ભમરા ખાય છે. એનો મુખ્ય ખોરાક શું છે? અળસિયા! બૅજર લગભગ બધું જ ખાય છે એમાં જંગલી ફળો, બ્લ્યૂબેલના કંદમૂળ, મશરૂમ અને વાંદાનો સમાવેશ થાય છે. મને યાદ છે કે મેં જુલાઈની ખૂબ વરસાદી રાતે બૅજરોને જોયા હતા. તેઓ પોતાના દરથી બહુ દૂર ગયા ન હતા, કેમ કે વરસાદના લીધે ઊંચા ઘાસમાં ભરપૂર પ્રમાણમાં એક પ્રકારની કાળી ગોકળગાય જેવાં જીવડાં હતા જે ખાવાની એને મજા પડી ગઈ હતી.

બૅજર સામાન્ય રીતે જુલાઈમાં સંભોગ કરે છે અને ફેબ્રુઆરીમાં ચાર કે પાંચ બચ્ચાંને જન્મ આપે છે. બચ્ચાં લગભગ ત્રણ મહિનાના થાય છે ત્યારે, તેઓ બહાર આવીને દરના આંગણાંમાં રમે છે. બચ્ચાં બહાર હોય છે ત્યારે નર-માદા બંને થઈને પથારી બદલે છે. બૅજર ચોખ્ખું પ્રાણી છે અને પોતાના દરને પણ એકદમ ચોખ્ખું રાખે છે. સામાન્ય રીતે, એઓ વસંતઋતુ અને પાનખરમાં પોતાની પથારી બદલે છે. પરંતુ, વર્ષના ગમે તે મહિનામાં પણ તેઓ પથારી બદલી શકે છે. માબાપ સૂકાં ઘાસ અને પાંદડાંની જૂની પથારીને બહાર ખેંચી લાવીને એની જગ્યાએ નવી મૂકે છે. તેઓ એક રાતમાં ૩૦ ભારા ભેગા કરે છે. તેઓ એને દાઢી અને આગળના પંજાથી પાછળની તરફ ખેંચીને પોતાના દરના આંગણામાં નાખે છે.

બૅજર પોતાની પૂંછડી નીચેની ગ્રંથિમાંથી એક પ્રકારની તેજ ગંધવાળું પ્રવાહી ઘાસ, પથ્થર કે વાડના લાકડા પર નાખીને પોતાની હદ બાંધે છે. તેઓ એનો ઉપયોગ એકબીજાની ઓળખ માટે પણ કરે છે. આવી ગંધના નિશાનથી, બૅજર સહેલાઈથી પોતાના દરનો દરવાજો શોધી કાઢે છે.

હવે પક્ષીનો અવાજ ધીમે ધીમે ઓછો થઈ ગયો અને ઘોર અંધારા જંગલમાં શાંતિ છવાઈ ગઈ. જરા પણ હલન-ચલન કર્યા વગર હું ત્યાં જ બેસી રહ્યો. મેં એક બાજુથી કાળા અને સફેદ માથાવાળા બૅજરને નીકળતું જોયું. બૅજર જરા પોતાના દરને આંગણે ઊભું રહ્યું. ચારે બાજુની હવા સૂંઘી જોઈ કે ક્યાંય ખતરો નથી ને! પછી, એક જમીનદાર પોતાની જમીન પર ટહેલવા નીકળે, એમ નીકળી પડ્યું! (g02 11/08)

[પાન ૧૨, ૧૩ પર ચિત્ર]

બચ્ચાંને જન્મ આપવાનો ‘રૂમ’

સૂવાનો ‘રૂમ’

પથારી

[પાન ૧૩ પર ચિત્ર]

બૅજરના બચ્ચાં

[પાન ૧૩ પર ચિત્ર]

બૅજર ઍકોન, મશરૂમ અને અળસિયા ખાય છે

[પાન ૧૩ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

Badger photos: © Steve Jackson, www.badgers.org.uk