સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ત્રીસ વર્ષ પછી બે દોસ્તોનું મિલન

ત્રીસ વર્ષ પછી બે દોસ્તોનું મિલન

ત્રીસ વર્ષ પછી બે દોસ્તોનું મિલન

વર્ષ ૧૯૬૭માં બે અજાણ્યા યુવાનો એકબીજાને મળ્યા. તેઓ મિશીગન ટેકનિકલ યુનિવર્સિટીમાં રૂમમેટ બન્યા. ડેનિસ શીટ્‌સ, લીમા ઓહાયોમાંથી આવ્યો હતો. તે વન-રક્ષણ વિષે પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો, અને ૧૮ વર્ષનો હતો. બાવીસ વર્ષનો માર્ક રૂજા, ન્યૂયૉર્ક, બફેલોમાંથી આવતો હતો. તે સિવિલ એન્જિનિયરના ત્રીજા વર્ષમાં હતો.

એ સમયે તેઓની મિત્રતા બંધાઈ. પરંતુ, થોડા સમયમાં તેઓ છૂટા પડ્યા, કેમ કે બેમાંથી એકે પણ યુનિવર્સિટીનું શિક્ષણ પૂરું કર્યું નહિ; બંને જણા પોત-પોતાના માર્ગે ગયા. ત્રીસ કરતાં વધારે વર્ષો પસાર થઈ ગયા. પછી એક દિવસે, ડોમિનિકન પ્રજાસત્તાકમાં બંને મિત્રો ફરીથી ભેગા મળ્યા. આ યાદગાર મિલન હતું. પરંતુ એ માટે એક ખાસ બાબત જવાબદાર હતી. એ કઈ બાબત હતી? ચાલો આપણે તેઓની કહાની તપાસીએ.

ડેનિશ યુદ્ધમાં જાય છે

ડેનિસ કૉલેજના પ્રથમ વર્ષ પછી પાછો ઘરે જાય છે. ડિસેમ્બર ૧૯૬૭માં તેને યુ.એસ. લશ્કરમાં ભરતી કરવામાં આવ્યો, અને જૂન ૧૯૬૮માં વિયેતનામ મોકલવામાં આવ્યો. તેણે ભયંકર યુદ્ધનો અનુભવ કર્યો. તે યુદ્ધમાંથી પાછો ફર્યો અને તેની લશ્કરી ફરજ પૂરી થયા પછી ૧૯૬૯માં તે અમેરિકા પાછો ગયો. તેણે ઓહાયોની મોટી કંપનીમાં નોકરી મેળવી. તેમ છતાં, તે જીવનમાં ખુશ ન હતો.

ડેનિસ સમજાવે છે: “નાનપણથી અલાસ્કામાં ખેતી-વાડી કરવાની મારી ઇચ્છા હતી.” તેથી ૧૯૭૧માં તે અને તેનો હાય-સ્કૂલનો એક મિત્ર એ સ્વપ્ન પૂરું કરવા નીકળી પડ્યા. પરંતુ, ખેતી-વાડી કરવાને બદલે, તેણે અલગ અલગ જગ્યાએ નોકરી કરી. થોડો સમય તેણે આગ હોલવનાર તરીકે નોકરી કરી અને તંબૂમાં રહ્યો. તેણે દાઢી વધારી અને વાળ લાંબા કર્યા. તેમ જ ગાંજો પીવાનું શરૂ કર્યું.

ડેનિસ ૧૯૭૨માં ન્યૂ ઑર્લિઅન્ઝ, લુઈઝેઆન જઈને, માર્દી ગ્રાસ નામના એક તહેવારની મજા માણવા એનકૉરેજ છોડ્યું. પછી તેણે ત્યાં આરકન્સામાં લાકડાંની નાની કૅબિન બનાવી. તે બાંધકામમાં જોડાયો. જૂન ૧૯૭૩માં ડેનિસે જીવનનો હેતુ મેળવવા આખા દેશમાં ફરવાનું નક્કી કર્યું.

યુદ્ધનો વિરોધી માર્ક

ડેનિસે કૉલેજ છોડ્યા પછી થોડા જ સમયમાં, માર્કે પણ કૉલેજ છોડી દીધી. પરંતુ, તેણે નક્કી કર્યું કે તે કોઈ પણ રીતે યુદ્ધોને ટેકો આપવા માંગતો નથી. તેથી, તે પાછો બફેલો શહેર ગયો, જ્યાં તેણે થોડો સમય સ્ટીલ કંપનીમાં ફૉરમેન તરીકે કામ કર્યું. ત્યાં પણ યુદ્ધ ચાલતું હોવાથી, તેણે એ નોકરી પણ છોડી. તેણે મોટરસાયકલ ખરીદી અને સાન ફ્રાન્સિસ્કો, કેલીફોર્નિયામાં મુસાફરી કરી. ડેનિસ અને માર્ક જાણતા ન હતા કે તેઓ બંને અમુક સમયે સાન ફ્રાન્સિસ્કોમાં જ હતા.

ડેનિસની જેમ, માર્કે પણ દાઢી વધારી હતી, અને વાળ લાંબા કર્યા હતા. તેમ જ તે પણ ગાંજો પીતો હતો. પરંતુ, માર્ક યુદ્ધ વિરોધ કરનારાઓ સાથે વધારે પડતો બીઝી હતો. તે યુદ્ધ વિરોધી આંદોલનોમાં ભાગ લેતો હતો. અમેરિકાની પોલીસ રાત-દિન તેને શોધતી હતી. આથી, પકડાઈ ન જાય એ માટે, થોડા વર્ષો તેણે પોતાનું અસલી નામ છૂપાવવું પડ્યું. સાન ફ્રાન્સિસ્કોમાં તે હિપ્પી તરીકે રહ્યો. વર્ષ ૧૯૭૦માં બે યહોવાહના સાક્ષીઓ તેના ઘરે આવ્યા.

માર્ક જણાવે છે: “તેઓને એવું લાગ્યું હશે કે મને વધારે જાણવું છે. તેથી તેઓ પાછા આવ્યા. હું ઘરે ન હતો, પણ તેઓ લીલા રંગનું બાઇબલ અને ત્રણ પુસ્તકો મૂકી ગયા.” પરંતુ, માર્ક રાજકારણ અને મોજ-શોખમાં જ એટલો ડૂબેલો હતો કે, તેને એ પુસ્તકો વાંચવાનો સમય ક્યાંથી હોય? વળી, અમેરિકાની પોલીસ તેની પાછળ પડી હતી. તેથી, બીજા નામનો ઉપયોગ કરીને, તે વૉશિંગ્ટન, ડી.સી. ગયો. કૅથી યાનિસ્કિવિસ નામની તેની પ્રેમિકા પણ તેની સાથે જોડાઈ, જેને તે યુનિવર્સિટીમાં મળ્યો હતો.

છેવટે, ૧૯૭૧માં અમેરિકાની પોલીસે માર્કને પકડ્યો. અમેરિકાની પોલીસના બે સભ્યો તેની સાથે વૉશિંગ્ટન, ડી.સી.થી ન્યૂયૉર્ક વિમાનમાં આવ્યા અને તે કૅનેડા, ટોરન્ટોમાં રહે એની ખાતરી કરી. પોલીસ તેને સમાજ માટે કોઈ ધમકીરૂપ ગણતા ન હતા; તેઓ ફક્ત તેને દેશની બહાર રાખવા ઇચ્છતા હતા. એ પછીના વર્ષે તેણે કૅથી સાથે લગ્‍ન કર્યા અને તેઓ ગાબ્રેલોયા ટાપુ, કૅનેડાના બ્રિટીશ કોલંબિયામાં ગયા. તેઓ સમાજથી દૂર જવા ઇચ્છતા હતા. તેમ છતાં, તેઓને લાગ્યું કે જીવનનો કંઈક તો હેતુ હોવો જ જોઈએ.

તેઓ યહોવાહના સાક્ષી બન્યા

તમને યાદ હશે કે ડેનિસ દેશમાં આમતેમ ફરીને જીવનનો હેતુ શોધતો હતો. તે મોન્ટાના ગયો, જ્યાં તેને ચિનૂક શહેરની બહાર કાપણી કરતા ખેડૂતને ત્યાં નોકરી મળી. તે જ્યાં કામ કરતો હતો તે ખેડૂતની પત્ની અને દીકરી યહોવાહના સાક્ષી હતા. તેઓએ ડેનિસને અવેક! વાંચવા આપ્યું. થોડા જ સમયમાં તેને ખાતરી થઈ કે યહોવાહના સાક્ષીઓ સાચો ધર્મ પાળે છે.

બાઇબલ લઈને ડેનિસ ખેતરનું કામ છોડીને મોન્ટાનાના કાલ્સ્યા શહેરમાં ગયો. ત્યાં તે પહેલી વાર યહોવાહના સાક્ષીઓની સભામાં ગયો. સભા પછી, તે બાઇબલનો અભ્યાસ કરવા તૈયાર થયો. ત્યાર પછી તેમનામાં ફેરફારો થવા માંડ્યા. થોડા જ સમયમાં જ, તેમણે પોતાની દાઢી કાઢી નાખી અને વાળ કપાવ્યા. જાન્યુઆરી ૧૯૭૪માં તે પહેલી વાર પ્રચાર કાર્યમાં ગયા અને માર્ચ ૩, ૧૯૭૪ના રોજ મોન્ટાના પોલસેન શહેરમાં બાપ્તિસ્મા લીધું.

ગાબ્રેલોયામાં રહેતા માર્ક અને કૅથીએ નક્કી કર્યું કે તેઓની પાસે સમય છે તો, તેઓ બાઇબલમાંથી તપાસ કરશે. તેઓએ કીંગ જેમ્સ વર્શન વાંચવાનું શરૂ કર્યું. પરંતુ જૂનું અંગ્રેજી સમજવું અઘરું લાગતું હતું. માર્કને યાદ આવ્યું કે ત્રણ વર્ષ પહેલાં, યહોવાહના સાક્ષીઓએ આપેલું બાઇબલ અને પુસ્તકો હજુ પણ તેની પાસે છે. તેઓએ બાઇબલ સાથે સત્ય જે અનંતજીવન તરફ દોરી જાય છે અને શું બાઇબલ ખરેખર પરમેશ્વરનો શબ્દ છે? (અંગ્રેજી) પુસ્તકો વાંચવાનું શરૂ કર્યું. માર્ક અને કૅથી પર એની ઊંડી અસર થઈ.

માર્ક બતાવે છે: “ખાસ કરીને સત્ય પુસ્તક જે લખેલું હતું, એ મારા માનવામાં જ આવતું ન હતું. મને થયું કે જે ખ્રિસ્તીઓ કોઈ પણ સંજોગોમાં યુદ્ધમાં ભાગ લેતા ન હોય, તેઓ પાસે જ સાચો ખ્રિસ્તી ધર્મ છે.” થોડા જ સમય પછી, પકડાઈ જવાનું જોખમ હોવા છતાં, માર્ક અને કૅથી મિશિગનના હૉટેન ગામમાં કૅથીના કુટુંબને મળવા ગયા. તેઓ હજુ પણ હિપ્પી જેવા જ લાગતા હતા. તેઓએ યહોવાહના સાક્ષીઓની સભામાં હાજરી આપી. મિશીગનમાં એક મહિનો રહ્યા ત્યાં સુધી તેઓએ બાઇબલનો અભ્યાસ કર્યો.

ગાબ્રેલોયા ટાપુ પર પાછા ફર્યા પછી, તેઓ બ્રિટીશ કોલંબિયાના નાનિમો શહેરના એક રસ્તા પર યહોવાહના સાક્ષીને મળ્યા. તેઓએ કહ્યું કે અમે બાઇબલનો અભ્યાસ કરવા માંગીએ છીએ. એ જ દિવસે, કાર ભરીને યહોવાહના સાક્ષીઓ મોટી બોટમાં આવ્યા અને બાઇબલ અભ્યાસ શરૂ કર્યો. ત્રણ મહિના પછી, માર્ક અને કૅથીએ પ્રચાર કરવાનું શરૂ કર્યું. ત્રણ મહિના પછી એટલે કે માર્ચ ૧૦, ૧૯૭૪ના રોજ બંને બાપ્તિસ્મા પામ્યા. ડેનિશે બાપ્તિસ્મા લીધું એના બરાબર એક અઠવાડિયા પછી તેઓ બાપ્તિસ્મા પામ્યા!

ડેનિશ, પૂરો સમય યહોવાહની સેવામાં

ડેનિસ સપ્ટેમ્બર ૧૯૭૪માં પાયોનિયર બન્યા, એટલે કે વધારામાં વધારે સમય યહોવાહની સેવામાં પસાર કરવા લાગ્યા. તે કહે છે: “હું બહુ આનંદથી પાયોનિયર કામ કરતો હતો. પરંતુ મને હજુ વધારે સેવા કરવી હતી; જુલાઈ ૧૯૭૫માં મેં ન્યૂયૉર્ક, બ્રુકલિનના યહોવાહના સાક્ષીઓની બ્રાંચમાં જવા અરજી કરી. એ જ વર્ષે ડિસેમ્બરમાં મને આમંત્રણ મળ્યું.”

સૌ પ્રથમ ડેનિશે અગાઉની ટાવર હોટલને, બ્રાંચમાંના ભાઈબહેનો માટે રહેવાના રૂમો બનાવવામાં મદદ કરી. તેમણે ત્યાં ટાઈલની ટૂકડીના દેખરેખ કરતા અમુક વર્ષો કામ કર્યું. પછી લગ્‍ન કરવાની ઇચ્છા થતા, તે કેલીફોર્નિયા ગયા. તે ૧૯૮૪માં દક્ષિણ કેલીફૉર્નિયાના એક મંડળમાં વડીલ હતા. કૅથી એન્જ નામની પાયોનિયર સાથે ત્યાં તેમણે લગ્‍ન કર્યા.

પરમેશ્વરના રાજ્ય માટે કંઈ વધારે કરવા ડેનિસ અને કૅથીએ, સાદું જીવન જીવવાનું નક્કી કર્યું. ડેનિસે દક્ષિણ કેલીફોર્નિયામાં બાંધકામના ધંધામાં પુષ્કળ પૈસા કમાવાની તકો જતી કરી. તેઓએ ૧૯૮૮માં યહોવાહના સાક્ષીઓના ઇન્ટરનેશનલ બાંધકામના કામમાં મદદ કરવાની અરજી કરી. એ જ વર્ષના ડિસેમ્બરમાં આર્જેન્ટિના, બ્યુએનોઝ આઈરેસમાં બ્રાંચના બાંધકામના પ્રોજેક્ટમાં કામ કરવા તેઓને બોલાવવામાં આવ્યા.

ડેનિસ અને કૅથીને ૧૯૮૯માં, યહોવાહના સાક્ષીઓના બાંધકામના કામમાં કાયમ માટે આમંત્રણ આપવામાં આવ્યું. આ ખાસ પૂરા સમયની સેવામાં, તેઓએ બે વાર સુરીનામ અને કોલંબિયામાં સેવા કરી. તેઓએ ઇક્વેડોર અને મૅક્સિકો તથા ડોમિનિકન પ્રજાસત્તાકની બ્રાંચના બાંધકામમાં પણ કામ કર્યું.

માર્ક, પૂરો સમય યહોવાહની સેવામાં

માર્ક ૧૯૭૬માં બીજા હજારો અમેરિકનો સાથે કૅનેડા નાસી ગયા હતા, કેમ કે તેઓ યુદ્ધમાં લડવા માંગતા ન હતા. તેઓને યુ.એસ. સરકાર તરફથી જાહેર માફી આપવામાં આવી. તે અને તેમની પત્ની કૅથીએ પણ યહોવાહની વધારે સેવા કરવા, સાદું જીવન જીવવાનું નક્કી કર્યું. તેથી, માર્કે સર્વેયર તરીકે પાર્ટ-ટાઈમ નોકરી કરી. આમ, બાપ્તિસ્મા પહેલાં તેમણે અને કૅથીએ ધીમે ધીમે બધું દેવું ચૂકતે કર્યું. તેઓએ ફરી કદી દેવામાં ન પડવાનું નક્કી કર્યું.

યહોવાહના સાક્ષીઓએ ૧૯૭૮માં કૅનેડાના ટૉરોંટો, ઓન્ટેરીઓમાં નવી બ્રાંચ બાંધવાની ગોઠવણો કરી. માર્ક અને કૅથી પણ ત્યાં ગયા. માર્કને સર્વેયર તરીકેનો અનુભવ હોવાને કારણે, તેઓને એ બાંધકામ પ્રોજેક્ટમાં આમંત્રણ મળ્યું. જ્યોર્જટાઉનનો પ્રોજેક્ટ જૂન ૧૯૮૧માં પૂરો થયો ત્યાં સુધી, તેઓએ ત્યાં કામ કર્યું. ત્યાર બાદ, તેઓ પાછા બ્રિટીશ કોલંબિયા ગયા અને ચાર વર્ષ સુધી યહોવાહના સાક્ષીઓના સંમેલન હૉલનું બાંધકામ કરવામાં મદદ કરી. એ કાર્ય પણ પૂરું થયું ત્યારે, તેઓને કૅનેડા બ્રાંચના વધારાના બાંધકામ માટે પાછા બોલાવવામાં આવ્યા.

જ્યોર્જટાઉનમાં થોડા મહિનાઓ પછી, ૧૯૮૬માં માર્ક અને કૅથીને કૅનેડા બ્રાંચમાં કાયમ રહેવાનું આમંત્રણ મળ્યું. તેઓ ત્યારથી ત્યાં સેવા આપે છે અને તેઓને બીજા ઘણા દેશોમાં બાંધકામમાં ભાગ લેવાની તક પણ મળી છે. માર્કના સર્વેયર તરીકેના અનુભવને કારણે, તેમણે દક્ષિણ અને મધ્ય અમેરિકા, કેરેબિયનના ટાપુઓનાં બ્રાંચનાં મકાનો, અને યહોવાહના સાક્ષીઓના સંમેલન હૉલનું સર્વેનું કામ કરવાનું શરૂ કર્યું.

વર્ષો સુધી તેમણે અને કૅથીએ વેનેઝુએલા, નિકારાગુઆ, હાયેટી, ગયાના, બાર્બાડોસ, બહામા, ડોમિનિકા, યુનાઈટેડ સ્ટેટ્‌સ (ફ્લોરીડા) અને ડોમિનીકન પ્રજાસત્તાકમાં સેવા કરી. આ ખાસ પ્રકારની સેવાને કારણે જ, માર્ક અને ડેનિસનું મિલન થયું!

ડોમિનીકન પ્રજાસત્તાકમાં યાદગાર મિલન

માર્ક અને ડેનિસ એકબીજાથી અજાણ ડોમિનીકન પ્રજાસત્તાકમાં એક જ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હતા. સાન્તો ડોમિંગોમાં યહોવાહના સાક્ષીઓની બ્રાંચમાં અચાનક તેઓને એકબીજાનો ભેટો થઈ ગયો. એકબીજાને ફરીથી ૩૩ વર્ષ પછી મળીને બંનેને કેટલી બધી ખુશી થઈ હશે! તેઓએ ૩૩ વર્ષની વાતો કરવાની હતી. આપણે વાંચી ગયા એ બધી વાતો સાથે સાથે બીજી ઘણી બધી વાતો તેઓએ કરી હશે. પરંતુ, નવાઈની વાત તો એ હતી કે તેઓના જીવનમાં કેટલી બધી બાબતો એકસરખી હતી!

તેઓ બંને હિપ્પી તરીકે જીવ્યા. જીવનમાં પૈસાની પાછળ ન દોડ્યા અને એની ચિંતાઓ ટાળવા તેઓ બધી બાજુ ફરી વળ્યા. ડેનિસે કૅથી નામની છોકરી સાથે લગ્‍ન કર્યું, અને માર્કે પણ કૅથી નામની છોકરી જ પસંદ કરી હતી. બંને દોસ્તોએ યહોવાહના સાક્ષીઓની પહેલી સભામાં હાજરી આપી ત્યારે, બાઇબલ અભ્યાસ સ્વીકાર્યો. બંને માર્ચ ૧૯૭૪માં બાપ્તિસ્મા પામ્યા. બંને યહોવાહની વધારે સેવા કરવા સાદું જીવન જીવ્યા. બંને યહોવાહના સાક્ષીઓની બ્રાંચમાં હતા, ડેનિસ યુનાઇટેડ સ્ટેટ્‌સમાં અને માર્ક કૅનેડામાં. (માત્થી ૬:૨૨) બંને ઇન્ટરનેશનલ બાંધકામમાં જોડાયા અને અલગ અલગ દેશોમાં કામ કર્યું. ડોમિનિકન પ્રજાસત્તાકમાં અચાનક ભેટો થયો ત્યાં સુધી, બંનેમાંથી કોઈ એવા જૂના મિત્રોને મળ્યા ન હતા, જેઓ યહોવાહના સાક્ષીઓ બન્યા હોય.

શું માર્ક અને ડેનિસને આ નસીબની કરામત લાગે છે? ના, બિલકુલ નહિ. તેઓ બંને બાઇબલનું કહેવું માને છે: ‘પ્રસંગની અસર [આપણને] લાગુ પડે છે.’ (સભાશિક્ષક ૯:૧૧) તેમ છતાં, તેઓ એ પણ સ્વીકારે છે તેઓના મિલન પાછળ બીજી એક ખાસ બાબત છે: જીવનના હેતુ માટેની શોધ અને યહોવાહ પરમેશ્વર માટેનો તેઓનો પ્રેમ.

ડેનિસ અને માર્કના અનુભવો કેટલીક બીજી વાત પણ શીખવે છે, જે યહોવાહના બધા લોકોના કિસ્સામાં સાચી છે. ડેનિસ જણાવે છે: “મેં અને માર્કે જે અનુભવ્યું એ બતાવે છે કે યહોવાહ આપણા સંજોગોથી સારી રીતે જાણકાર છે. જ્યારે આપણું હૃદય યોગ્ય બને છે, ત્યારે યહોવાહ આપણને પોતાના તરફ ખેંચે છે.”—૨ કાળવૃત્તાંત ૧૬:૯; યોહાન ૬:૪૪; પ્રેરિતોનાં કૃત્યો ૧૩:૪૮.

માર્ક કહે છે: “અમારા અનુભવે અમને ઘણું શીખવ્યું છે. પહેલા તો આપણે યહોવાહનાં ધોરણો પ્રમાણે જીવનમાં ફેરફારો કરીએ. પછી, તેમને જીવનનું સમર્પણ કરીએ અને તેમની સેવામાં તૈયાર થઈએ ત્યારે, યહોવાહ આપણા ગજા પ્રમાણે કામ કરવા મદદ કરે છે.”—એફેસી ૪:૮.

તેઓના અનુભવ એ પણ બતાવે છે કે યહોવાહ પોતાના લોકોની પૂરા દિલની ભક્તિને ભરપૂર આશીર્વાદ આપે છે. ડેનિસ અને માર્કે યહોવાહના આશીર્વાદોનો અનુભવ કર્યો. ડેનિસ કહે છે: “પરમેશ્વરની પૂરો સમય સેવા કરવી, એ ખરેખર એક લહાવો છે. આખી દુનિયાના ભાઈબહેનો સાથે કામ કરીને, અમે એકબીજાને ઉત્તેજન આપવાનો આનંદ માણ્યો છે.”

માર્ક કહે છે: “યહોવાહને પોતાના જીવનમાં પ્રથમ રાખનારને તે ચોક્કસ આશીર્વાદ આપે છે. કેનેડા બ્રાંચના સભ્યો સાથે અને ઇન્ટરનેશનલ બાંધકામમાં કામ કરવાને હું ખરેખર આશીર્વાદ માનું છું.”

શું એ યાદગાર મિલન હતું? હા, કેમ કે માર્ક કહે છે: “અમે કઈ રીતે એકબીજાને મળ્યા? એનું મુખ્ય કારણ, અમે બંને પરમેશ્વર યહોવાહના સેવકો છીએ, અને તેમને પ્રેમ કરીએ છીએ. તેમ જ પૂરા દિલથી તેમની ભક્તિ કરીએ છીએ.” (g02 10/22)

[પાન ૧૭ પર ચિત્ર]

ડેનિસ, ૧૯૬૬

[પાન ૧૭ પર ચિત્ર]

માર્ક, ૧૯૬૪

[પાન ૧૯ પર ચિત્ર]

વર્ષ ૧૯૭૪માં ડેનિસ દક્ષિણ ડાકોટામાં

[પાન ૧૯ પર ચિત્ર]

વર્ષ ૧૯૭૧માં માર્ક ઓન્ટેરીઓ

[પાન ૨૦ પર ચિત્ર]

ડેનિસ અને માર્કના ૨૦૦૧માં યાદગાર મિલન પછી, પોતપોતાની પત્ની સાથે