પાણી ક્યાં જાય છે?
પાણી ક્યાં જાય છે?
ઑસ્ટ્રેલિયામાંના સજાગ બનો!ના લેખક તરફથી
બાપ રે! મારા મોંમાથી આ શબ્દો સરી પડ્યા. રાખોડી રંગનું પાણી મારા બાથરૂમની ગટરમાંથી ઉપર આવતું હતું. એ ગંદુ પાણી મારા આખા મકાનમાં ફેલાઈ જશે, એવી મને બીક લાગી. ઉતાવળે મેં પ્લમ્બરને બોલાવ્યો. હું હતાશ થઈને રાહ જોતો હતો ત્યારે, હતાશાને કારણે મારું ગળું સૂકાતું હતું અને ધીમે ધીમે મેં પહેરેલા મોજાં ભીના થતા હતા. મને એકદમ આશ્ચર્ય થયું, ‘આ બધું પાણી ક્યાંથી આવે છે?’
પ્લમ્બરે ગટરમાં ભરાયેલો કચરો કાઢતા જઈને, મને સમજાવ્યું: “શહેરમાં રહેનારાઓ દરરોજ સરેરાશ ૨૦૦થી ૪૦૦ લીટર [૫૦થી ૧૦૦ ગેલન] પાણી વાપરે છે. દરેક જણ વર્ષે લગભગ ૧,૦૦,૦૦૦ લીટર [૨૫,૦૦૦ ગેલન] પાણીનો ઉપયોગ કરે છે.” મેં પૂછ્યું: “કઈ રીતે હું આટલું બધું પાણી વાપરી શકું? હું કંઈ એટલું બધું પાણી નથી પીતો!” તેણે જવાબ આપ્યો, “હા, સાચી વાત. પરંતુ, દરરોજ તમે નહાવા, ટોયલેટ માટે, કદાચ વોશીંગ મશીન કે ડીશવોશર માટે એનો ઉપયોગ કરતા હશો. આજની જીવન ઢબના કારણે આવી ઘણી રીતોએ આપણા બાપદાદાઓ કરતાં, બમણું પાણી આપણે વાપરીએ છીએ.” મારા મનમાં તરત જ સવાલ આવ્યો કે, ‘તો પછી આ બધું પાણી જાય છે ક્યાં?’
મને જાણવા મળ્યું કે દરરોજ ગટરમાં જતું પાણી જુદી જુદી પ્રક્રિયામાંથી પસાર થાય છે. પરંતુ, એ આપણે રહીએ છીએ એ શહેર અને દેશ પર આધારિત છે. કેટલાક દેશોમાં આ હવે જીવન મરણનો વિષય છે. (પાન ૨૩ પરના બૉક્સ જુઓ.) ગંદા પાણીની પ્રક્રિયાનો પ્લાન્ટ જોવા તમે પણ મારી સાથે ચાલો અને જુઓ કે પાણી ક્યાં જાય છે. વળી, એ પણ જોઈએ કે ભલે ગમે ત્યાં રહીએ, પણ સીંક, ગટર કે ટોયલેટમાં કંઈ પણ વસ્તુ નાખતા પહેલાં, શા માટે ધ્યાન આપવું જોઈએ.
ગંદા પાણીની પ્રક્રિયાના પ્લાન્ટ
મને ખબર છે કે તમને થશે કે આ પ્લાન્ટ તો કંઈ જોવા જવાની જગ્યા છે? હું તમારી સાથે સહમત થાવ છું. તોપણ, આપણું શહેર એની ગંદકીમાં જ તરબોળ ન થઈ જાય એ માટે, આપણે સર્વ આ પ્રકારના પ્લાન્ટ પર આધાર રાખીએ છીએ. આ પ્લાન્ટ યોગ્ય રીતે ચાલે એમાં આપણે સર્વ મદદ કરી શકીએ છીએ. પ્રખ્યાત સીડની બંદરની દક્ષિણ બાજુએ આવેલા આ માલાબાર પાયાનો પ્લાન્ટ આપણી મંઝિલ છે. કઈ રીતે મારા ઘરના બાથરૂમમાંથી પાણી પ્લાન્ટ સુધી પહોંચે છે?
હું દરરોજ નહાવ છું ત્યારે પાણી, સાબુ અને ગંદકી ગટરમાં જાય છે. હું ટોયલેટમાં પાણી નાખું, સીંક ખાલી કરું કે નહાવ ત્યારે ગંદું પાણી આ પ્લાન્ટમાં જાય છે. દરરોજ પચાસ કિલોમીટરનું અંતર કાપીને આ પાણી ૪ કરોડ ૮૦ લાખ લીટર પાણીમાં ભળી જાય છે.
આ પ્લાન્ટ આપણી આંખો કે નાકને ન ગમે એવું કંઈ નથી. એનું કારણ સમજાવતા પ્લાન્ટના કૉમ્યુનિટી લાયઝન અધિકારી, રોસએ મને કહ્યું: “પ્લાન્ટનો મોટો ભાગ જમીનની નીચે હોય છે. એનાથી અમે ગેસને રોકી શકીએ છીએ અને હવા શુદ્ધ કરી એને ભૂંગળા દ્વારા બહાર કાઢીએ છીએ કે જે ગંધને ઓછી કરે છે. પછી શુદ્ધ હવા વાતાવરણમાં છોડવામાં આવે છે. જોકે આ પ્લાન્ટની આસપાસ હજારો ઘરો છે છતાં, ગંદી
વાસની ફરિયાદ કરતા વર્ષમાં દશેક જ ફોન આવતા હોય છે.” રોસ હવે અમને “ગંદી વાસની સમસ્યાના” મૂળ પાસે લઈ જાય છે.ગંદુ પાણી શું છે?
અમે પ્લાન્ટમાં નીચે ઉતરતા જઈએ છીએ તેમ, અમારો ગાઈડ અમને કહે છે: “ગંદા પાણીમાં ૯૯.૯ ટકા પાણી તેમ જ મળમૂત્ર, રસાયણો અને વિવિધ પ્રકારના નાના પદાર્થ હોય છે. ઘરો અને મિલોમાંથી ભેગું કરવામાં આવેલું આ પાણી ૫૫,૦૦૦ હેક્ટર વિસ્તારમાં ભેગું કરવામાં આવે છે. એ ૨૦,૦૦૦ કિલોમીટરના પાઈપથી દરિયાના સપાટીથી બે મીટર નીચે આવેલા પ્લાન્ટમાં પ્રવેશે છે. અહીં તે એક મોટી જાળીમાંથી પસાર થાય છે, જ્યાં ચીંથરાં, પથ્થરો, કાગળ અને પ્લાસ્ટિક દૂર કરવામાં આવે છે. ત્યાર પછી, નાની કાંકરીઓ
કે પથ્થરના વિભાગમાં, હવાના પરપોટા દ્વારા મળ પાણીમાં તરે છે અને વજનવાળી વસ્તુઓ ધીમે ધીમે નીચે બેસી જાય છે. આ નીચે બેઠેલા બધા કચરાને ભેગો કરીને જમીનમાં દાટી દેવામાં આવે છે. વધેલા ગંદા પાણીને ૧૫ મીટર દૂર આવેલી કચરો ઠરવાની કોઠીઓમાં મોકલવામાં આવે છે.”આ કોઠીઓ લગભગ ફૂટબોલના મેદાન જેટલી મોટી હોય છે. અહીં ખબર પડે છે કે હવાને શુદ્ધ કરવાની પદ્ધતિ બરાબર કામ ન કરે તો, ફરિયાદની બૂમો પાડતા કેટલા ફોન મળે. પાણી ધીમે ધીમે કોઠીમાંથી પસાર થાય છે તેમ, તેલ અને ગ્રીસ સપાટી પર તરે છે અને પછી એને દૂર કરવામાં આવે છે. મળ કે કાદવ નીચે બેસી જાય છે અને મશીનની ધારથી કાદવને સાફ કરવામાં આવે છે અને ત્યાર પછી તેને બીજી પ્રક્રિયા માટે આગળ મોકલવામાં આવે છે.
પ્રક્રિયામાંથી પસાર થયેલું પાણી ભૂગર્ભમાં બનાવવામાં આવેલા ત્રણ કિલોમીટરના નાળામાંથી દરિયામાં જાય છે. પાણી મહાસાગરની સપાટી પર આવે છે અને દરિયામાં ફેલાય જાય છે કે જે ૬૦થી ૮૦ કિલોમીટર નીચે હોય છે. ગંદા પાણીને સમુદ્રમાં છોડી દેવામાં આવે છે. દરિયાના ખારા પાણીમાં કુદરતી રીતે રોગ મુક્ત થઈને આ પ્રક્રિયા પૂરી થાય છે. પ્લાન્ટમાં રહેલા કાદવને મોટી ટેંકમાં નાખવામાં આવે છે. ત્યાં જીવાણુઓ મળના કાદવમાંથી મિથેન ગેસ અને પ્રક્રિયા કરી શકાય નહિ એવા પદાર્થને અલગ પાડે છે.
મળના કાદવમાંથી જમીનમાં
મોટી રાહત અનુભવતા હું રોસની પાછળ પાછળ તાજી હવામાં આવ્યો અને અમે ઉપરની એક હવા ચુસ્ત મળના કાદવની ટેંક પર ચઢ્યા. તે કહેવાનું ચાલુ રાખે છે: “જીવાણુઓ દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલા મિથેનથી વિજળી ઉત્પન્ન થાય છે કે જે પ્લાન્ટના ચલાવવા માટે ૬૦ ટકા વિજળી પૂરી પાડે છે. કંઈ પ્રક્રિયા કરી ન શકાય એવો કાદવ ચેપમુક્ત હોય છે એમાં કળી ચૂનો ઉમેરીને ઉપયોગી ખાતર બનાવી શકાય છે કે જે ઝાડપાન માટે પોષણ આપનારું છે. ધ માલબાર સૂએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ જ દર વર્ષે ૪૦,૦૦૦ ટનનું ઉત્પાદન કરે છે. દશ વર્ષ પહેલાં ગંદા કચરાને બાળી નાખવામાં આવતો હતો, અથવા તો દરિયામાં પધરાવી દેવામાં આવતો હતો. પરંતુ, હવે એનો વધારે લાભદાયી રીતે ઉપયોગ કરવામાં આવે છે.”
રોસ મને એક પુસ્તિકા આપે છે કે જે સમજાવે છે: “[ન્યૂ સાઉથ વેલ્સ]ના જંગલોમાં પ્રક્રિયા ન કરી શકાય એવા મળના કાદવના ઉપયોગ પછી, જંગલમાં ૨૦થી ૩૫ ટકાનો વધારો થયો છે.” પુસ્તિકા એમ પણ બતાવે છે કે ‘ઘઉંના ખેતરમાં પણ મળના કાદવનો ઉપયોગ કરવામાં આવ્યો જેના લીધે પાકમાં ૭૦ ટકાનો વધારો થયો.’ મને જોવા મળ્યું કે મારા આંગણાના બાગમાં ફૂલોના ખાતર માટે આ મિશ્રિત કરેલા મળના કાદવનો ઉપયોગ કરવો કેટલો લાભ કરનાર છે.
ન જોયેલી બાબત સહેલાઈથી ભૂલી જવાય
મારી ટૂરના અંતમાં, અમારા ગાઇડે મને યાદ કરાવ્યું કે રંગ, કીટાણુંનાશક દવા, દવાઓ કે તેલને ગટરમાં નાખવાથી આ પ્લાન્ટના જીવાણુઓ મરી જઈ શકે અને આમ એ ચક્રની પ્રક્રિયાને બગાડી શકે. તેણે ભાર આપીને કહ્યું કે ‘તેલ અને ચરબી ધીમે ધીમે આપણા ઘરની જ પાઈપને જામ કરી શકે અને વાપરીને ફેંકી દેવાના ડાયપર, કપડાં અને પ્લાસ્ટિકને ટોયલેટમાં નાખીને પાણી નાખવાથી પણ એ જતા રહેતા નથી. એના બદલે પાઈપ જામ થઈ જાય છે.’ મને જાણવા મળ્યું તેમ, કોઈ જોતું ન હોય ત્યારે કચરાને ટોયલેટમાં નાખી શકીએ. પરંતુ, ગટર ભરાય અને પાણી પાછું ઉપર આવે ત્યારે, તરત જ તમને કરેલી ભૂલનું ભાન થાય છે. તેથી, ફરી વાર તમે નહાવા જાવ, ટોયલેટમાં પાણી નાખો કે સીંક ખાલી કરો ત્યારે વિચારો કે પાણી ક્યાં જાય છે. (g02 10/08)
[પાન ૨૫ પર બોક્સ/ચિત્ર]
ગંદા પાણીથી પીવાનું પાણી
અમેરિકાના ઓછા વરસાદ પડતા કેલીફોર્નિયા શહેરમાં, લાખો રહેવાસીઓએ ગંદા પાણીની સમસ્યાને આધુનિક ઉપાયથી લાભ મેળવ્યો છે. દરરોજ લાખો લીટર ગંદા પાણીને સીધેસીધું સમુદ્રમાં પધરાવવાના બદલે, મોટા ભાગનું સ્વચ્છ પાણી પાછું મળે છે. એ આ ગંદા પાણીની પ્રક્રિયાના પ્લાન્ટથી સિદ્ધ કરવામાં આવી છે. મૂળ પ્રક્રિયાઓ પછી, ગંદું પાણી બીજી અને ત્રીજી પ્રક્રિયામાંથી પણ પસાર થાય છે. આ પાણીને એટલું શુદ્ધ કરે છે કે એ સામાન્ય પીવાના પાણી જેવું શુદ્ધ બને છે. એ ત્યાર પછી ઊંડા કૂવાના પાણી સાથે ભળે છે. અહીં એ નવેસરથી જમીનના પાણીમાં ભળે છે અને જમીનને ખારા પાણી સાથે ભળતા અટકાવે છે. જિલ્લાના ૭૫ ટકા પાણીની જરૂર જમીનનો પુરવઠો પૂરો પાડે છે.
[પાન ૨૩ પર બોક્સ]
કઈ રીતે પાણી વાપરવું?
◼ નળમાંથી પાણી ગળતું હોય તો એનું વોશર બદલો—એના લીધે વર્ષે ૭,૦૦૦ લીટર પાણીનો બગાડ થાય છે.
◼ ટોયલેટમાંથી પાણી ગળતું ન હોય એનું ધ્યાન રાખો—એનાથી વર્ષે ૧૬,૦૦૦ લીટર પાણીનો બગાડ થાય છે.
◼ પાણી બચાવતો નહાવાનો ફુવારો રાખો. સામાન્ય ફુવારો એક મિનિટમાં ૧૮ લીટર પાણી આપે છે; ઓછું પાણી વહે એવો ફુવારો એક મિનિટમાં ૯ લીટર પાણી આપે છે. ચાર સભ્યોનું કુટુંબ વર્ષમાં ૮૦,૦૦૦ લીટર પાણી બચાવશે.
◼ જો ટોયલેટનું ફ્લશ બે પ્રકારનું હોય તો, યોગ્ય હોય ત્યારે અડધા ફ્લશનો ઉપયોગ કરો. એનાથી ચાર સભ્યોનું કુટુંબ વર્ષમાં ૩૬,૦૦૦ લીટર કરતાં વધારે પાણી બચાવશે.
◼ તમારા નળમાં જાળી લગાવો. એ કંઈ બહું મોંઘી નથી અને પાણીનો પ્રવાહને ઓછો કરે છે. જેથી પાણીનો બગાડ ઓછો થાય.
[પાન ૨૩ પર બોક્સ]
જગતના ગંદા પાણીની કટોકટી
“લગભગ ૧.૨ અરબ કરતાં પણ વધારે લોકોને પીવાનું શુદ્ધ પાણી મળતું નથી જ્યારે કે ૨.૯ અરબ લોકો પાસે પૂરતી સુએજ વ્યવસ્થા નથી. જેના લીધે પાણીથી થતા રોગોમાં દર વર્ષે ૫૦ લાખ લોકો મરણ પામે છે જેમાં મોટા ભાગે બાળકો છે.”—નેધરલૅન્ડમાં રાખવામાં આવેલી સેકન્ડ વર્લ્ડ વોટર ફોરમ.
[ડાયગ્રામ/પાન ૨૨ પર ચિત્ર]
(લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ)
માલબારમાં ગંદા પાણીની પ્રક્રિયા (એક ઝાંખી)
૧. પ્લાન્ટમાં આવતું ગંદું પાણી
↓
૨. મોટી જાળીઓ
↓
૩. પથ્થર જેવા ⇨ ⇨ ૪. જમીનમાં દાટવા
કચરાની જગ્યા કચરો લઈ જવાતો
↓
૫. કચરો ઠારવાની ટાંકીઓ ⇨ ⇨ ૬. દરિયામાં
↓
૭. મોટી ટાંકીઓ ⇨ ⇨ ૮. વીજળી
↓
૯. ઘટ્ટ પદાર્થ ભરવાની ટાંકી
[ચિત્રો]
આ મોટી ટાંકીઓ કચરામાંથી ખાતર અને મિથેન ગેસ બનાવે છે
વીજળી ઉત્પન્ન કરવા મિથેન ગેસને બાળવામાં આવે છે