વિશ્વ પર નજર
વિશ્વ પર નજર
બગાસાની મજા માણો!
એક માના પેટમાં ફક્ત ૧૧ અઠવાડિયાનું થાય કે બાળક બગાસા ખાવાનું શરૂ કરે છે, એમ સ્પેનિશ મૅગેઝિન સાલુડ સમજાવે છે. તેમ જ, અમુક પ્રાણીઓ અને અમુક પ્રકારના પક્ષીઓ પણ બગાસા ખાય છે. જો કે બગાસા ખાવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. તેમ છતાં, સંશોધકોને જોવા મળ્યું છે કે બગાસા સાથે સાથે આળસ ખાવી સામાન્ય છે. તેઓને જોવા મળ્યું કે એનાથી “સ્નાયુઓ અને સાંધાઓ સ્વસ્થ બનવા ઉપરાંત બ્લડ પ્રેશર અને હૃદયના ધબકારામાં વધારો થાય છે.” આપણે મોં બંધ રાખીને બગાસું રોકીએ છીએ ત્યારે, એનાથી થતા લાભો રોકીએ છીએ. આમ, સંશોધક ટીમ સૂચવે છે કે સંજોગો પ્રમાણે, બગાસું ખાતા હોઈએ ત્યારે, “કુદરતી રીતે જ આપણા જડબાં અને સ્નાયુઓ ખેંચવા જોઈએ.” કોને ખબર, બગાસાની મજા લેવાથી તમારો દિવસ સારો પણ જાય! (g02 11/08)
ઉડતા જઈને ઊંઘતા સ્વિફ્ટ
સ્વિફ્ટ ઉડતા હોય ત્યારે ફ્કત ઊંઘતા જ નથી, પણ પવનમાં આમ તેમ ખેંચાઈ જવાના બદલે, પોતાના જ વિસ્તારમાં ઉડી શકે છે. એ વિષે સ્વીડનના લુન્ડ શહેરની યુનિવર્સિટીના, પક્ષીઓ વિષે અભ્યાસ કરનાર યુહાન બૅકમેન અને થોમસ એલ્સ્ટ્રામે શોધ કરી. તેઓએ રાતે ઉડતા સ્વિફ્ટ વિષે જાણવા રડારનો ઉપયોગ કર્યો. જર્મનીના વિજ્ઞાન પરના મેગેઝિન બિલ ડાર વિરેન્ટના અહેવાલ પ્રમાણે, સંશોધકોએ જોયું કે ઉડવાની અમુક રીતથી સ્વિફ્ટ આમ તેમ ખેંચાઈ જતું નથી. એ પક્ષીઓ ૩,૦૦૦ મીટરની ઊંચાઈ સુધી ઉડે છે, પછી પવનની એકથી બીજી બાજુ ઉડે છે. તેઓ દરેક મિનિટે નિયમિત પોતાની દિશા બદલે છે. એમ તેઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉડતા રહે છે. તેમ છતાં, હવા ઓછી હોય ત્યારે, સ્વિફ્ટ ઊંઘમાં ગોળ ગોળ ઉડતા જોવા મળ્યા છે. (g02 11/22)
ઘરકામ સારી કસરત છે
શું ઘરની સાફસફાઈ કરવાને અને બાબાગાડી ખેંચવાને યોગ્ય કસરત કહી શકાય? ઑસ્ટ્રેલિયાની ક્વિન્સલેન્ડ યુનિવર્સિટીએ કરેલા અભ્યાસ અનુસાર એનો જવાબ ‘હા’ છે. ધ કેનબાર ટાઈમ્સમાંના એક રીર્પોટે કહ્યું: જેઓનાં બાળકો પાંચ વર્ષથી નાનાં હોય, એવી સાત માતાઓ પર સંશોધન કર્યું. તેઓ રોજનું કામ કરતી વખતે કેટલો ઑક્સિજન લે છે, એ ગેસ એનલાઈઝરથી માપ્યું. સંશોધકો અનુસાર, “અભ્યાસે બતાવ્યું કે કેટલાક ઘરકામથી પૂરતા પ્રમાણમાં લાભ થાય છે.” પ્રોફેસર વૅન્ડી બ્રાઉનને જોવા મળ્યું કે “સ્ત્રીઓનું ઘરકામ એ ઝડપથી ચાલવું, સાયકલ ચલાવવી કે તરવા બરાબર છે.” પ્રોફેસર બ્રાઉને કહ્યું કે, “આ તો ફક્ત સામાન્ય સંશોધન છે. પરંતુ, સ્ત્રીઓ આખો દિવસ ઘરકામ કરતી હોય ત્યારે, તેઓ ઘરે જ બેસી રહે છે, એમ તો ન જ કહેવાય.” (g02 11/08)
“આપણે બચી શકીએ એવો રોગ”
ઑસ્ટ્રેલિયાનું છાપું ધ સન-હેરલ્ડ બતાવે છે, “સંધિવાના રોગથી આપણે બચી શકીએ છીએ. એ અટકાવી શકાય છે. તેમ છતાં, એવું માનવામાં આવે છે કે ૨૦૨૦ સુધીમાં, હૉસ્પિટલના ત્રણમાંથી એક પલંગ પર ભાંગેલા હાડકાંવાળી સ્ત્રી હશે.” સંધિવા વિષે સજાગ કરતી ઑસ્ટ્રેલિયાની સંસ્થાનો અહેવાલ બતાવે છે કે હાડકાંમાં કાંણા પડીને સહેલાઈથી ભાંગી જતા થતો આ રોગ, “વધારે કોલેસ્ટ્રોલ, એલર્જી અથવા તો શરદી કરતાં પણ વધારે ફેલાયેલો છે. એની સારવાર ડાયાબીટીસ અને અસ્થમા કરતાં વધારે મોંઘી છે. વળી, સ્ત્રીઓને થતા સર્વ પ્રકારના કૅન્સર કરતાં કમરના સાંધાના ફ્રેક્ચરના કેસો વધારે છે.” પ્રોફેસર ફિલિપ સામબ્રૂક અનુસાર, અંદાજે ઑસ્ટ્રેલિયામાં સ્ત્રીઓની અડધી સંખ્યાને અને પુરુષોના ત્રીજા ભાગને જીવનમાં સંધિવાને કારણે ઓછામાં ઓછા એક વાર ફ્રેક્ચર થશે. એ છાપું બતાવે છે કે, “એને અટકાવવા માટે, કસરત અને વધારે પ્રમાણમાં કેલ્શિયમ લઈને ત્રીસ વર્ષ સુધીમાં પોતાના હાડકાં મજબૂત બનાવવા જોઈએ.” સિગારેટ પીવી, વધારે પડતો દારૂ કે ચા-કૉફીને ટાળીને સંધિવાથી થતા જોખમને ટાળી શકાય છે. નિયમિત કસરત, કેલ્શિયમ અને વિટામીન ડી હોય એવો ભરપૂર ખોરાક લેવો લાભદાયી છે. (g02 11/22)
મુશ્કેલીનો હલ કરતી એક “સંત”
બ્રાઝિલનું એક છાપું બતાવે છે કે, “હમણાં હમણાં સંત જૂડ થાડિયસ, નિષ્ફળતાનો હિમાયતી; સંત રીતા, નિરાદારોને બચાવનારી; સંત હાતવિક દેવાદારોની રક્ષા કરનારી, અને સંત એક્સપેડિટ્સ ચપટીમાં મુશ્કેલીનો હલ કરનાર તરીકે જાણીતા છે.” હવે બ્રાઝિલના કૅથલિકોમાં સૌથી લોકપ્રિય સંત છે, ‘મુશ્કેલીનો હલ કરતી સંત.’ આ અસાધારણ નામ ઑગ્જબર્ગ, જર્મનીના એક દેવળમાં ટાંગવામાં આવેલા ફોટામાંથી મળ્યું. એમાં કુંવારી મરિયમને એક રીબીનમાંથી સમસ્યાઓ હલ કરતી બતાવવામાં આવી છે. ન્યૂઝવાળાએ એની વાહ વાહ કરી અને આમ, ‘મુશ્કેલીનો હલ કરતી એક સંતની’ ભક્તિમાં વધારો થયો છે. ભક્તો પોતાની તંદુરસ્તી, લગ્ન અને સમસ્યાઓના હલ કરવા મદદ માટે આવે છે. એની સાથે સાથે આ સંતના મૅડલ, રોઝરી, મૂર્તિઓ અને કારમાં લગાવવા સ્ટીકરો વેચીને ખાસો એવો નફો કરી રહ્યા છે. પરંતુ, બ્રાઝિલના સૌથી મોટા કૅથલિક ચર્ચાના વહીવટકર્તા ડારસી નિખોલી માને છે કે “‘હલ કરવામાં’ કંઈ ખોટું નથી, પરંતુ આ લાંબો સમય નહિ ચાલે.” (g02 11/22)
અવકાશમાં સુસમાચાર
વૈજ્ઞાનિકો હજુ પણ એની દલીલો કરી રહ્યા છે કે અવકાશમાં જીવન છે કે નહિ. પરંતુ, બરલીનર મોરગેન પોસ્ટ છાપું બતાવે છે કે વેટિકનમાંની અવકાશની પ્રયોગશાળામાં ગયેલા કેટલાક પાદરીઓએ જણાવ્યું કે, “ફક્ત પૃથ્વી પર જ પરમેશ્વરની સૃષ્ટિ નથી. પરમેશ્વરે બીજા ગ્રહો પર પણ રહેવાસીઓ બનાવ્યા છે.” પ્રયોગશાળાના નિર્દેશક જ્યોર્જ કોઈન બતાવે છે, “આટલા મોટા વિશ્વમાં આપણે એકલા હોઈએ, એવી કલ્પના પણ કરી શકતા નથી.” બીજી દુનિયાના આ રહેવાસીઓ સુધી સુસમાચાર પહોંચાડવા માટે ચર્ચના કેટલાક સાધુઓ નવો કરાર ખાસ સંદેશાથી અંતરિક્ષમાં મોકલી રહ્યા છે. છાપું જણાવે છે કે, હવે વેટિકનને એ પણ જાણવું છે કે, “ઈસુ ખ્રિસ્ત બીજા કોઈ ગ્રહ પર પ્રગટ થયા છે કે નહિ.” કોઈન ઉમેરે છે, બીજા ગ્રહના “રહેવાસીઓનો ઈસુ ખ્રિસ્તે ઉદ્ધાર કર્યો છે કે નહિ.” (g02 11/22)
થરમોમીટરમાંથી આવતું ઝેર
નેશનલ જીઓગ્રાફિક મેગેઝિન બતાવે છે કે, “ફક્ત એક થરમોમીટરની મરક્યુરી ૪.૫ હૅક્ટરના તળાવને પ્રદૂષિત કરે છે. તેમ જ, તૂટેલા થરમોમીટરના લીધે અમેરિકામાં કંઈક ૧૭ ટન મરક્યુરીનો ઉમેરો કરે છે.” માછલાં મરક્યુરી લે છે અને મચ્છી ખાનારા લોકો, એ ધાતુ પેટમાં પધરાવે છે જેના લીધે જ્ઞાન તંતુઓને નુકસાન થઈ શકે છે. અમેરિકાના બોસ્ટન શહેર સહિત અસંખ્ય શહેરોએ મરક્યુરીના થરમોમીટરને બાળી નાખ્યા છે. જ્યારે કે કેટલીક દુકાનોએ મરક્યુરી થરમોમીટરને ડીજીટલ થરમોમીટર અને બીજા ઓછા નુકસાન કરતા સાધનો સાથે બદલી આપે છે. (g02 10/08)
સૌથી ઝડપી રોલર કોસ્ટર
જાપાનનું આઈએચટી ઓશઓહી શીમ્બુન છાપું અહેવાલ આપે છે, “આખી દુનિયાની સૌથી ઝડપી રોલર કોસ્ટર ફ્યુજીક્યુ હાયલૅન્ડ એમ્યુઝમેન્ટ બાગમાં શરૂ કરવામાં આવી છે. શરૂઆતથી બે સેકન્ડમાં જ કલાકની ૧૭૨ કિલોમીટરની ઝડપે પહોંચે છે. ડરપોક વ્યક્તિઓનું એમાં કંઈ કામ નહિ. એ રોકેટમાંથી છોડેલા અગ્નિ જેવું છે. એમાં બેસનારા લડાયક વિમાનના પાયલોટની જેમ ગુરુત્વાકર્ષણનું દબાણ અનુભવી શકે છે.” આ રાઈડ બનાવનાર કંપનીના પ્રોજેક્ટ નિર્દેશક હીથ રોર્બટસને કહ્યું: “જ્યારે વિમાન ચડે છે ત્યારે ૨.૫ [ગુરુત્વાકર્ષણના ૨.૫] સમયનું દબાણ હોય છે. જ્યારે કે અહીં ૩.૬ જીએસ છે.” આ રોલર કોસ્ટર રાઈડમાં “વિમાન જેવા નાના પૈડાં છે,” અને એને ત્રણ એર કોમ્પ્રેસર દ્વારા વીજળી આપવામાં આવે છે કે જે ૫૦,૦૦૦ હૉર્સ પાવર ઉત્પન્ન કરે છે. એને “નાના રોકેટ સાથે સરખાવી શકાય” છે. (g02 09/22)
ભારતમાં તમાકુથી થતા હૃદય રોગ
મુંબઈનું ન્યૂઝલાઈન ટીકા આપે છે, “[ભારતમાં] સિનિયર કાર્ડિયોલોજિસ્ટ કહે છે કે હૃદયની ધમનીના રોગના પ્રમાણમાં વધારો થયો છે. જસલોક હોસ્પિટલમાં કાર્ડિયોલોજીના ડાયરેક્ટર ડૉ. અશ્વિન મહેતા અનુસાર, ભારતીયોમાં હૃદય રોગની બીમારી વારસાગત આવે છે.” ખાસ ચિંતાનું કારણ એ છે કે યુવાનોમાં “વધતા જતા ધૂમ્રપાનના કારણે હૃદયની બીમારી”નું પ્રમાણ વધ્યું છે. ડૉ. પી. એલ. તિવારીએ બોમ્બે હૉસ્પિટલના કાર્ડિયોલોજિસ્ટ સાથે ચર્ચા કરી. તેઓ માને છે કે જો મોટા ફેરફારો કરવામાં નહિ આવે તો, ભારત એક દિવસે દુનિયાને હૃદયના દર્દીઓથી ભરી દેશે. ધ ટાઈમ્સ ઑફ ઇન્ડિયા કહે છે કે પડોશી દેશ બાંગ્લાદેશમાં, ૩૫-૪૯ વર્ષના ૭૦ ટકા ધૂમ્રપાન કરે છે અને “જેમ આવકમાં ઘટાડો થતો જાય છે તેમ ધૂમ્રપાનમાં વધારો થતો જાય છે.” દરેક ધૂમ્રપાન કરનાર વ્યક્તિ સરેરાશ “કપડાં, ઘર, આરોગ્ય અને શિક્ષણના કુલ રકમ કરતાં સીગારેટ પાછળ બમણો ખર્ચ કરે છે.” એવો અંદાજ કાઢવામાં આવ્યો છે કે આ ગરીબ દેશોમાં ૧.૫ કરોડ અપૂરતું પોષણ મેળવતા લોકો, જો ધૂમ્રપાનના બદલે એ પૈસા ખોરાક પાછળ ખર્ચે તો પૂરતું પોષણ મેળવી શકે. (g02 09/22)
ઊંચી ઇમારતોની માંગ
યુ.એસ.ન્યૂઝ ઍન્ડ વર્લ્ડ રીપોર્ટ બતાવે છે કે, “ટ્વીન ટાવરો તૂટી પડવાથી આર્કિટેક અને ઇજનેરોને જાણે શૉક લાગ્યો છે. તેમ છતાં, જિદ્દી વ્યક્તિઓ ઊંચી ઇમારતોની માંગ કરે છે.” એક કારણ એ છે કે અમુક શહેરોમાં જમીનની અછત છે. બીજું એ બહુ મોંઘી હોય છે. વળી, શહેરોને એવું કંઈક જોઈએ છે, જેના લીધે તેઓ બડાઈ મારી શકે. મેસચ્યુસિટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅકનોલોજી શાળાના બાંધકામ અને યોજનાના ડીન વિલ્યમ મિચલ કહે છે, વધારે પડતી ઊંચી ઇમારતો બનાવીને, “એ જગ્યાનું ગૌરવ અથવા એની સિદ્ધિ વધારવા ઇચ્છે છે અને આધુનિક ટેકનોલોજી સાથે રહેવાનું ઇચ્છે છે.” તેમ છતાં, ઇમારતને કઈ રીતે સલામત બનાવવી એ વિષે આર્કિટેકો ચર્ચા કરી રહ્યા છે. ઇમારત કોઈ પણ પ્રકારના વિસ્ફોટક હુમલા સામે ટકી શકે એવી દિવાલો અને બારીઓ બનાવી શકાય. પરંતુ, એનાથી વજન વધી શકે અને એ ઘણી ખર્ચાળ બની શકે. ચીનમાં, મકાન બાંધવાના નિયમોમાં દરેક ૧૫ માળ પછી, ખુલ્લો, ખાલી “સલામતીનો માળ” જરૂરી છે. બીજી જગ્યાઓના બાંધકામના નિયમમાં સૌથી ઉપરના માળ સુધી જવા માટે લિફ્ટ હોવી જોઈએ, જે ખાસ કરીને આગ હોલવવા માટે બનાવાયી હોય અને એવા પગથિયાં હોવા જોઈએ જે હવાના દબાણથી ધુમાડો બહાર કાઢી શકે. દુનિયાની સૌથી ઊંચી ઇમારત બનાવનાર શાંગહાનિ વર્લ્ડ ફાઇનાન્સિયલ સેન્ટરના બાંધકામ કરનારાઓ પોતાની ડિઝાઈનમાં વધારે સાવધાની રાખી રહ્યા છે. (g02 09/22)