સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું પરમેશ્વર આપણી નબળાઈઓ ચલાવી લેશે?

શું પરમેશ્વર આપણી નબળાઈઓ ચલાવી લેશે?

બાઇબલ શું કહે છે

શું પરમેશ્વર આપણી નબળાઈઓ ચલાવી લેશે?

‘મારા દિલમાં કોઈ પાપ નથી! મેં ખોટાં કામો છોડી દેવા બહુ મહેનત કરી છે, પણ છેલ્લી ઘડીએ હારી જાઉં છું!’

શુંતમને પણ એવું જ લાગ્યું છે? અથવા આવું વિચારતી કોઈ વ્યક્તિને તમે જાણો છો? ઘણાને લાગે છે કે અમુક કુટેવો છોડવી, એ લોઢાના ચણા ચાવવા જેવું છે. કેટલાક લોકો દારૂ, તમાકુ કે ડ્રગના બંધાણી છે. ઘણા લોભના ફાંદામાં ફસાયેલા છે. વળી, જે લોકો સેક્સની પાછળ પાગલ હોય, તેઓ કહેશે ‘આદતથી મજબૂર છીએ, શું કરીએ’?

બાઇબલમાં માત્થી ૨૬:૪૧માં ઈસુએ બતાવ્યું કે તે આપણી નબળાઈ સમજી શકે છે. * હકીકતમાં આખું બાઇબલ બતાવે છે કે યહોવાહ પરમેશ્વર અને ઈસુ ખ્રિસ્ત આપણા પ્રત્યે માયાળુ છે. (ગીતશાસ્ત્ર ૧૦૩:૮, ૯) પરંતુ, શું આપણે એવું ઇચ્છીએ છીએ કે પરમેશ્વર આપણી કુટેવો પણ ચલાવી લે?

મુસા અને દાઊદ

મુસાનો વિચાર કરો. તે ‘પૃથ્વીના સર્વ લોક કરતાં નમ્ર’ હતા. તેમણે એ જ પ્રમાણે જીવવાનો પ્રયત્ન કર્યો. (ગણના ૧૨:૩) ઈસ્રાએલી લોકો અરણ્યમાં મુસાફરી કરતી વખતે, વારંવાર આડા રસ્તે ચડી ગયા. તેઓએ પરમેશ્વર અને તેમના નીમેલા આગેવાનોને માન બતાવ્યું નહિ. તેમ છતાં, મુસા પરમેશ્વરના માર્ગદર્શનથી ડાબે કે જમણે ફંટાયા નહિ.—ગણના ૧૬:૧૨-૧૪, ૨૮-૩૦.

પરંતુ, આ થકવી નાખનારી લાંબી મુસાફરીના અંતે, મુસાએ બધાની સામે પિત્તો ગુમાવ્યો અને પરમેશ્વરની સૂચના પ્રમાણે કર્યું નહિ. પરમેશ્વરે તેમને માફ તો કર્યા, પણ શું તેમની ભૂલ ચલાવી લીધી? ના. તેમણે મુસાને કહ્યું: ‘તમે મારા પર વિશ્વાસ ન કર્યો . . . માટે જે દેશ મેં આ મંડળીને આપ્યો છે, તેમાં તમે તેઓને પહોંચાડશો નહિ.’ મુસા વચનના દેશમાં જવા ન પામ્યા. તેમણે એ અદ્‍ભુત અનુભવ માટે ૪૦ વર્ષ મહેનત કરી, પણ પછી મોટી ભૂલના લીધે એ આશીર્વાદ ગુમાવ્યો!—ગણના ૨૦:૭-૧૨.

રાજા દાઊદ પણ પરમેશ્વરનો ભય રાખનાર હતા. પરંતુ, તેમની પણ નબળાઈઓ હતી. એક પ્રસંગે તે બીજા માણસની પત્ની સાથે પ્રેમમાં પડ્યા. તેને પોતાના મહેલમાં બોલાવીને તેની સાથે સૂઈ ગયા. પછી પેલી સ્ત્રીના પતિને મારી નંખાવીને, આખી વાત ઢાંકી દેવાનો પ્રયત્ન કર્યો. (૨ શમૂએલ ૧૧:૨-૨૭) પછીથી તેમણે દિલથી પસ્તાવો કર્યો અને પરમેશ્વરે તેમને માફ કર્યા. પરંતુ દાઊદે પેલી સ્ત્રીના પતિ, ઉરીયાહના કુટુંબનો નાશ કર્યો હતો. એના લીધે આવનાર ભયંકર આફતોમાંથી યહોવાહે તેમનો બચાવ કર્યો નહિ. દાઊદનું બાળક માંદું પડ્યું અને દાઊદે તેના માટે કેટલી પ્રાર્થનાઓ કરી, છતાં પરમેશ્વરે મદદ કરી નહિ. આખરે, બાળક મરી ગયું. વળી, દાઊદના ઘરમાં એક પછી એક આફતો આવી. (૨ શમૂએલ ૧૨:૧૩-૧૮; ૧૮:૩૩) અનૈતિક નબળાઈના લીધે દાઊદે બહુ મોટી કિંમત ચૂકવવી પડી.

આ બતાવે છે કે પરમેશ્વર આપણને જવાબદાર ગણે છે, અને જેવું વાવીએ એવું લણવા દે છે. પરમેશ્વરની ખરા દિલથી ભક્તિ કરવા ચાહનારા દરેકે પોતાની નબળાઈઓ વિરુદ્ધ લડત આપીને, એક સારા ખ્રિસ્તી બનવું જોઈએ. પ્રથમ સદીમાં ઘણા લોકોએ એમ કર્યું. ચાલો કેટલાંક ઉદાહરણો જોઈને ઉત્તેજન મેળવીએ.

પાપી વલણ વિરુદ્ધ લડત

પ્રેષિત પાઊલ એક ખ્રિસ્તી તરીકે સરસ નમૂનો આપે છે. પરંતુ શું તમને ખબર છે કે તેમણે પોતાની નબળાઈઓ સામે હાર માની ન હતી? રૂમીઓને પત્ર ૭:૧૮-૨૫ આ લડતનું વર્ણન કરે છે. પાઊલ લડત આપવામાં પાછા પડ્યા નહિ, કેમ કે તે જાણતા હતા કે પાપ અથવા કુટેવો તરત જ જતી નથી.—૧ કોરીંથી ૯:૨૬, ૨૭.

અગાઉના કોરીંથના ખ્રિસ્તી મંડળના સભ્યો પહેલાં ખોટાં કામ કરનારા હતા. બાઇબલ બતાવે છે કે તેઓ “વ્યભિચારીઓ, મૂર્તિપૂજકો, લંપટો, વિષયીઓ, પુંમૈથુનીઓ, ચોરો, લોભીઓ, છાકટા” હતા. પરંતુ બાઇબલ એ પણ બતાવે છે કે પછી તેઓ “શુદ્ધ થયા.” (૧ કોરીંથી ૬:૯-૧૧) કઈ રીતે? તેઓ ખરા જ્ઞાન, ખ્રિસ્તી સંગતથી દૃઢ થયા અને પરમેશ્વરના પવિત્ર આત્માથી તેઓ ખરાબ કામો છોડી શક્યા. છેવટે, પરમેશ્વરે તેઓને ખ્રિસ્તના નામમાં ન્યાયી જાહેર કર્યા. હા, યહોવાહે તેઓને શુદ્ધ અંત:કરણ આપીને માફ કર્યા.—પ્રેરિતોનાં કૃત્યો ૨:૩૮; ૩:૧૯.

પાઊલ અને કોરીંથના ખ્રિસ્તીઓએ પોતાના પાપી વલણને ચલાવી લીધું નહિ. તેઓ જરાય હિંમત ન હાર્યા અને પરમેશ્વરની મદદથી એમાં સફળ પણ થયા. એ પ્રથમ સદીના ઉપાસકો, આસપાસના ખરાબ વાતાવરણ અને પોતાની નબળાઈઓ છતાં, પરમેશ્વરની નજરે પ્રશંસાને યોગ્ય બન્યા. આપણા વિષે શું?

આપણે નબળાઈઓ સામે લડવું જ જોઈએ

કઈ રીતે નબળાઈઓનો સામનો કરી શકાય? આપણે એને જડમૂળથી દૂર કરી ન પણ શકીએ. અપૂર્ણતા આપણો દુશ્મન છે, જેની સામે લડત આપી શકીએ છીએ, પણ એનો નાશ કરી શકતા નથી. અપૂર્ણતાના કારણે નબળાઈ આવે છે, જેના પર કાબૂ મેળવવો અઘરો હોય શકે, પણ અશક્ય નથી. તેથી, આપણે એની આગળ નમી જવું જોઈએ નહિ. (ગીતશાસ્ત્ર ૧૧૯:૧૧) શા માટે એ મહત્ત્વનું છે?

આપણે ખરાબ કામોનો ટોપલો અપૂર્ણતાના માથે ઢોળી દઈએ, એને યહોવાહ ચલાવી લેશે નહિ. (યહુદા ૪) યહોવાહ ઇચ્છે છે કે આપણે શુદ્ધ જીવન જીવીએ. બાઇબલ કહે છે: “ભૂંડું છે તેને ધિક્કારો.” (રૂમીઓને પત્ર ૧૨:૯) શા માટે પરમેશ્વર આવી રીતે મક્કમ રહેવાનું કહે છે?

નબળાઈઓ આપણું જ નુકસાન કરે છે. વળી, બાઇબલ પણ ગલાતી ૬:૭માં કહે છે, “કોઈ માણસ જે કંઈ વાવે તેજ તે લણશે.” વ્યસનની લતે ચડનાર, લોભ અને ખોટાં કામ કરનારાનાં જીવનમાં માઠાં પરિણામ આવે છે. પરંતુ એના કરતાં પણ બીજું એક મહત્ત્વનું કારણ છે.

આપણે ખોટું કરીએ છીએ, એનાથી પરમેશ્વરને દુઃખ થાય છે. આપણી અને યહોવાહ પરમેશ્વરની વચ્ચે “ભિન્‍નતા” આવે છે. (યશાયાહ ૫૯:૨) પાપીઓ પરમેશ્વરની કૃપા મેળવી શકતા નથી, આથી તે આવી વ્યક્તિઓને સલાહ આપે છે: “સ્નાન કરો, શુદ્ધ થાઓ; . . . ભૂંડું કરવું મૂકી દો.”—યશાયાહ ૧:૧૬.

આપણા પરમેશ્વર યહોવાહ દયાળુ અને માયાળુ છે: “કોઈનો નાશ ન થાય પણ સઘળાં પશ્ચાત્તાપ કરે, એવું ઈચ્છીને પ્રભુ તમારે વિષે ધીરજ રાખે છે.” (૨ પીતર ૩:૯) નબળાઈઓ સામે નમી જવાથી, આપણે પસ્તાવો કરી શકતા નથી અને એ પરમેશ્વરની કૃપા મેળવતા અટકાવે છે. પરમેશ્વર આપણી નબળાઈઓ અથવા કુટેવોને ચલાવી લેતા નથી, અને આપણે પણ ચલાવી લેવી જોઈએ નહિ. (g02 11/08)

[ફુટનોટ્‌સ]

^ ઈસુએ કહ્યું: ‘આત્મા તત્પર છે ખરો, પણ દેહ નબળો છે.’