સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું મને મોબાઇલ ફોનની જરૂર છે?

શું મને મોબાઇલ ફોનની જરૂર છે?

યુવાનો પૂછે છે . . .

શું મને મોબાઇલ ફોનની જરૂર છે?

“મોબાઇલ ફોન વગર મને ચાલે જ નહિ. એના વગર મારું એકેય કામ ન થાય.”—અંજના. *

ઘણા દેશોમાં જ્યાં જુઓ ત્યાં મોબાઇલ ફોન દેખાય. એ હોય તો ઘણો કામ આવે છે. તમે તમારા મિત્રો અને માબાપ સાથે ગમે ત્યારે અને ગમે ત્યાં વાતચીત કરી શકો છો. એના કેટલાક એવા મોડલ છે, જેમાં તમે ટૂંકા સંદેશાની આપ-લે પણ કરી શકો. લંડનનું એક છાપું, ધ ટાઈમ્સ કહે છે, કે “યુવાનો પોતાના મિત્રો સાથે વાતો કરવાના શોખીન હોય છે. આ તેઓનો શોખ પૂરો કરવાનું એક નવું સાધન છે.” એવા પણ મોબાઇલ ફોન છે કે જેમાં તમે ઇન્ટરનેટ, વેબ સાઈટ અને ઈ-મેલ પણ વાપરી શકો.

તમારી પાસે મોબાઇલ ફોન હશે અથવા તમે લેવાનો વિચાર પણ કરતા હોવ. પરંતુ જરા વિચાર કરો: “દરેક સિક્કાની બે બાજુ હોય છે.” મોબાઇલ ફોનના કેટલાક ફાયદાઓ છે. તેમ છતાં, એના ગેરફાયદાઓ પણ છે. તમે મોબાઇલ ફોન ખરીદવાનું નક્કી કરો, તો એના પર વિચાર કરવાથી ઘણી મદદ થશે.

‘ખરચ ગણો’

ઈસુએ એક સિદ્ધાંત આપ્યો હતો કે, આપણે કોઈ પણ મહત્ત્વનો નિર્ણય લેતા પહેલાં એનો ‘ખરચ ગણવો’ જોઈએ. (લુક ૧૪:૨૮) શું એ સિદ્ધાંત મોબાઇલ ફોન લેતી વખતે પણ લાગુ પડે છે? હા. એ સાચું છે કે તમે ફોન એકદમ સસ્તી કિંમતે કે મફત પણ મેળવી શકો. તેમ છતાં, ૧૭ વર્ષની હેના કહે છે: “ફોન બિલ ઘણું આવી શકે છે.” વળી, બીજી અનેક સર્વિસ કે વધારે મોંઘા મોડલ ખરીદવાની લાલચો ફસાવી શકે છે. કિરણ કહે છે: “હું પાર્ટ ટાઈમની નોકરી કરું છું અને દર વર્ષે નવું મોડલ ખરીદવા પૈસા ભેગા કરું છું.” ઘણા યુવાનો એમ જ કરે છે. *

ભલે તમારાં માબાપ ફોન બિલ ભરવાના હોય તોપણ, એનો ખર્ચો ધ્યાનમાં લેવો જ જોઈએ. જાપાનના એક પ્રવાસી નિરીક્ષકે કહ્યું: “બાળકો પાસે મોબાઇલ ફોન ન હોય તોપણ ચાલે. છતાં, કેટલીક માતાઓ બાળકોના મોબાઇલનું બિલ ભરવા વધારાનું કામ કરે છે.” માબાપ પર આવો બોજો નંખાય ખરો?

“ટાઈમ બગાડે છે”

જો કે ઘણા શરૂઆતમાં ફોન સાચવીને વાપરે છે છતાં, તેઓને માલૂમ પડ્યું છે કે એ ધાર્યા કરતાં વધારે ટાઈમ બગાડે છે. એના લીધે જરૂરી કામ રહી જાય છે. સોનિયા જમવાના સમયે કુટુંબ સાથે મજેથી ટાઈમ કાઢતી. તે કહે છે: “હવે તો ખાધા પછી તરત જ અમે અમારા [મોબાઇલ ફોન] સાથે પોતાના રૂમમાં જતા રહીએ છીએ.”

લંડનનું છાપું ધ ગાર્ડિયન કહે છે કે, “સોળથી વીસ વર્ષની ઉંમરના ત્રીજા ભાગના યુવાનો કોઈ પત્ર લખવા કરતાં, મોબાઇલ પર મેસેજ મોકલવાનું વધારે પસંદ કરે છે.” મેસેજ મોકલવું વધારે સસ્તું હોય શકે છતાં, ફોન પર મેસેજ ટાઈપ કરવામાં વધારે ટાઈમ લાગે છે. મીના કબૂલે છે: “જો કોઈ મને ‘ગુડ નાઇટનો’ મેસેજ મોકલે, તો હું પણ ‘ગુડ નાઇટનો’ મેસેજ મોકલતી. પછી, અમે કલાક સુધી નકામા મેસેજ મોકલ્યા કરીએ.”

જો કોઈ મહિનાને અંતે બેસીને જુએ કે, તેમણે મોબાઇલ ફોન પર કેટલો ટાઈમ કાઢ્યો છે, તો ચોંકી જશે! ઓગણીસ વર્ષની તેજલ કબૂલે છે: “ઘણા માટે મોબાઇલ ફોન, ટાઈમ બચાવનાર નહિ પણ બગાડનાર છે.” જો કે મોબાઇલ ફોન રાખવાના યોગ્ય કારણો હોય છતાં, એમાં વપરાતા ટાઈમ પર નજર રાખવી જોઈએ.

મારથા નામની એક ખ્રિસ્તી છોકરીએ જોયું કે, “સંમેલનોમાં પણ ઘણા યુવાનો બસ આમ જ મેસેજ મોકલતા હોય છે!” પ્રચારમાં પણ ઘણા યુવાનો એવું જ કરે છે. બાઇબલ શીખવે છે કે આપણે સમયનો સારો ઉપયોગ કરીએ. યહોવાહના મિત્ર બનવામાં વધારે ટાઈમ વાપરીએ. (એફેસી ૫:૧૬) એ માટેનો ટાઈમ ફોન બગાડીને આપણે અમૂલ્ય તક ગુમાવીશું!

છાની-છૂપી દોસ્તી

મોનીકા બીજા એક ફાંદા વિષે બતાવે છે: “ફોન કૉલ ઘરે નહિ, પરંતુ મોબાઇલમાં સીધો જ આવે છે. તેથી, માબાપ જાણતા નથી કે બાળકો કોની સાથે વાત કરે છે.” કેટલાક યુવાનો છોકરા કે છોકરી સાથે છાના-છૂપા સંબંધ બાંધવા પણ મોબાઇલ વાપરતા હોય છે. કેટલાક યુવાનો બેશરમ બનીને છૂટથી મોબાઇલ પર વાત કરતા હોય છે. કેવી રીતે?

લંડનનું છાપું ધ ડેઈલી ટેલીગ્રાફ કહે છે કે, “મેસેજ મોકલવાથી, કોઈ નજર રાખી શકતું નથી કે તેઓ [યુવાનો] શું કરી રહ્યા છે.” સામેની વ્યક્તિને જોઈ કે સાંભળી ન શકવાની અસર કંઈક જુદી જ છે. દિલીપ જણાવે છે કે, “કેટલાકને મેસેજથી વાત કરવાનું આસાન લાગે છે. કેટલાકને જે મોં પર કહેવામાં સંકોચ લાગતો હોય, એ મેસેજથી કહેવામાં બહાદુરી સમજે છે.”

સત્તર વર્ષની નિતાએ મોબાઇલ ફોન મળ્યો ત્યારે, તેણે પોતાની ઘણી બહેનપણીઓને ફોન નંબર આપ્યા. જલદી જ તેણે મંડળના એક છોકરા સાથે રોજ મેસેજની આપ-લે ચાલુ કરી. નિતા કહે છે: “શરૂઆતમાં અમે ફક્ત સામાન્ય વાતો કરતા હતા. પરંતુ પછી અમે એકબીજાના પ્રોબ્લમની વાતો પણ કરવા માંડ્યા. અમારા મોબાઇલ ફોન દ્વારા અમારી પોતાની જ દુનિયા ઊભી કરી.”

જો કે વાત આગળ વધે, એ પહેલાં નિતાએ પોતાનાં માબાપ અને ખ્રિસ્તી વડીલોની મદદ મેળવી. હવે તે સ્વીકારે છે: “મને મોબાઇલ ફોન આપ્યા પહેલાં, મારા મમ્મી-પપ્પાએ મને સમજાવી હતી કે મારે છોકરાઓ સાથે મેસેજની વધારે પડતી આપે-લે ન કરવી. તેમ છતાં હું રોજ એ છોકરાને મેસેજ મોકલતી, એ ખરેખર અયોગ્ય હતું.” *

બાઇબલ આપણને ‘શુદ્ધ અંતઃકરણ રાખવાની’ સલાહ આપે છે. (૧ પીતર ૩:૧૬) ભલે તમે મોબાઇલ ફોન વાપરતા હોવ, છતાં કમલ જે કહે છે, એ સાંભળો: “કોઈ તમારો મેસેજ વાંચે કે સાંભળે તો, શરમ આવે એવું કંઈ ન હોવું જોઈએ.” હંમેશા યાદ રાખો કે યહોવાહની નજરમાં કંઈ ખાનગી નથી. બાઇબલ કહે છે: “તેની આગળ કોઈ પણ સૃષ્ટ વસ્તુ ગુપ્ત નથી; પણ જેની સાથે આપણને કામ છે, તેની દૃષ્ટિમાં સઘળાં નાગાં તથા ઉઘાડાં છે.” (હેબ્રી ૪:૧૩) તો પછી, શા માટે છાની-છૂપી દોસ્તી કરવી જોઈએ?

એને તમારા કાબૂમાં રાખો

ફરીથી વિચારો: શું મને મોબાઇલ ફોનની ખરેખર જરૂર છે? તમારાં માબાપ સાથે એની ચર્ચા કરો. કેટલાકને નીલા જેવું લાગે છે: “મોબાઇલ ફોન યુવાનો માટે બહુ મોટી જવાબદારી છે.”

તોપણ, તમે મોબાઇલ ફોન રાખવાના હોવ તો, એનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. એ કેવી રીતે? એના પર તમે કાબૂ રાખો. દાખલા તરીકે, તમે ફોનમાં કેટલી સગવડો રાખવા ચાહો છો અને કેટલો સમય અને પૈસા વાપરવા ચાહો છો, એ નક્કી કરો. મોટા ભાગની ફોન કંપનીઓ બિલની વિગતો પૂરી પાડે છે. તેથી, તમે એ બિલ તમારાં માબાપ સાથે બેસીને તપાસી શકો. કેટલાકને ફોનની જરૂર હોય ત્યારે જ વાપરે છે, એટલે તેઓને અગાઉથી પૈસા ભરીને ફોનનું કાર્ડ ખરીદવું વધારે યોગ્ય લાગે છે.

વળી, ક્યારે અને કઈ રીતે કોલ અને મેસેજનો જવાબ આપવો, એ નક્કી કરીને એમ જ કરો. તમે પોતે એ કઈ રીતે અને ક્યારે વાપરશો એ અગાઉથી નક્કી કરો. સુરેશ પોતે બનાવેલા નિયમ વિષે સમજાવે છે: “હું દિવસમાં ફ્કત એક જ વાર મારા મેસેજ ચેક કરું છું. કોઈ મહત્ત્વના હોય તો જ એનો જવાબ આપું છું. તેથી, મારા મિત્રોએ નકામા મેસેજ મોકલવાનું બંધ કર્યું છે. જરૂર હોય તો, આમેય તેઓ મને ફોન કરવાના જ છે.” વળી, ખાસ તો એ નક્કી કરવું જોઈએ કે, કોની સાથે વાતચીત કરવી. બીજાને તમારો ફોન નંબર આપતા પહેલાં વિચાર કરો. સારા મિત્રોની સંગતનો સિદ્ધાંત અહીં પણ જરૂર લાગુ પડે છે.—૧ કોરીંથી ૧૫:૩૩.

બાઇબલ કહે છે: ‘દરેક બાબતને માટે વખત હોય છે, ચૂપ રહેવાનો વખત અને બોલવાનો વખત.’ (સભાશિક્ષક ૩:૧,) મોબાઇલ ફોનને પણ “ચૂપ રહેવાનો” વખત છે. આપણી મિટિંગો અને પ્રચાર કાર્ય પરમેશ્વરની ઉપાસના કરવા ‘માટેનો વખત’ છે. એ મોબાઇલ ફોનનો વખત નથી. રેસ્ટોરન્ટ અને થિએટરના અમુક મેનેજરો, ઘરાકોને મોબાઇલ ફોન બંધ રાખવાનું કહેતા હોય છે. લોકો તેમની વિનંતીને માન આપે છે. તો પછી, શું આખા વિશ્વના પરમેશ્વર એનાથી વધારે માનને યોગ્ય નથી?

ઘણા લોકો જરૂરી કૉલની રાહ જોતા ન હોય તો, ફોન બંધ કરી દે છે અથવા સાયલન્ટ મોડ પર રાખે છે. કેટલાક ફોન દૂર રાખતા હોય છે, કેમ કે મોટા ભાગના મેસેજના જવાબ પછી પણ આપી શકાય છે.

ખરેખર, મોબાઇલ ફોનને તમારા કાબૂમાં રાખો, તમે એના કાબૂમાં ન રહો. તમારા મોબાઇલ ફોન મહત્ત્વના કામોમાં તમને કે બીજાને ખલેલ ન કરે, એનું ધ્યાન રાખો. બાઇબલ આપણને ઉત્તેજન આપે છે: “તમારી સહનશીલતા સર્વ માણસોના જાણવામાં આવે.” (ફિલિપી ૪:૫) જો તમે મોબાઇલ ફોન રાખો તો, એવી રીતે વાપરો કે તમારી સહનશીલતા દેખાઈ આવે. (g02 10/22)

[ફુટનોટ્‌સ]

^ કેટલાંક નામો બદલવામાં આવ્યાં છે.

^ સ્કૂલ પછી નોકરી કરવાની ચર્ચા માટે, “યુવાનો પૂછે છે—પૈસા કમાવામાં શું ખોટું છે?” ઑક્ટોબર ૮, ૧૯૯૭ના સજાગ બનો!માં આવેલો લેખ જુઓ.

^ છોકરા-છોકરીઓ એકબીજા સાથે વધારે પડતી વાતો કરતા રહે કે મેસેજ મોકલતા રહે તો, પ્રેમમાં પડી શકે છે. “યુવાનો પૂછે છે—એકબીજા સાથે વાત કરવામાં શું ખોટું છે?” ઑગસ્ટ ૨૨, ૧૯૯૨ના અંગ્રેજી સજાગ બનો!નો લેખ જુઓ.

[પાન ૧૬ પર ચિત્ર]

ઘણા યુવાનો મોબાઇલ ફોનથી છાની-છૂપી દોસ્તી બાંધે છે