કલ્પવૃક્ષ
કલ્પવૃક્ષ
એક “ફળ” કે જે આખા જગતમાં ફરીને આવ્યું છે. એ ખોરાક અને પાણી બંને પૂરા પાડે છે. એ ફળનાં વૃક્ષો દેખાવમાં પણ સુંદર હોય છે. ગરમ ટાપુઓમાં ચારે બાજુ આપણને આ વૃક્ષો જોવા મળે છે. આપણે આ કયા ફળની વાત કરી રહ્યા છીએ? એ નાળિયેર છે કે જે એક ઉપયોગી ફળ છે. *
રજાઓમાં ગરમ દેશોમાં ફરવા જનારાઓ માટે, નાળિયેર ફક્ત એક યાદગીરી જ રહે છે. પરંતુ, ગરમ પ્રદેશમાં રહેતા લોકો માટે, આ વૃક્ષ ઘણું જ મૂલ્યવાન છે. ઇંડોનેશિયામાં નાળિયેરનો દરરોજ ઉપયોગ કરવામાં આવે છે. ફિલિપાઈન્સમાં એના વિષે એમ કહેવામાં આવ્યું છે: “જે નાળિયેર વાવે છે એ તેમના પોતાના માટે જ નહિ પરંતુ તેમનાં બાળકોને પણ ઉપયોગી થાય છે. હા, તેઓ નાળિયેરમાંથી રોટી, કપડાં, મકાન મેળવી શકે છે.”
આમ કહેવું એ કંઈ ખોટું નથી. જીવનનું વૃક્ષ—નાળિયેર (અંગ્રેજી) પુસ્તકના કહેવા પ્રમાણે, નાળિયેરી, “ફક્ત
ખોરાક, પાણી અને રાંધવાનું તેલ જ નથી આપતું, પરંતુ એના પાંદડામાંથી છાપરાં બનાવી શકાય છે. દોરડાં અને સાદડી બનાવાય છે. એની કાચલીમાંથી વાસણો અને સજાવટની વસ્તુઓ બનાવી શકાય છે. એના ફૂલના રસમાંથી ખાંડ અને દારૂ પણ બનાવવામાં આવે છે.” આ પુસ્તક એમ પણ બતાવે છે: “જો એના લાકડાંને કાળજીથી કાપવામાં આવે તો, એનો પણ ઉપયોગ કરી શકાય.” જોકે, હિંદ મહાસાગરના માલદીવ ટાપુ પર રહેતા લોકોએ નાળિયેરીમાંથી હોળીઓ બનાવી અરેબિયાથી ફિલિપાઈન્સ સુધી મુસાફરી કરી. હા, નાળિયેરી દરિયામાં લાંબી સવારી કરીને ઘણી જગ્યાએ ફેલાય છે.દરિયામાં તરીને જમીન પર ફેલાતું બી
વરસાદ બરોબર આવે તો નાળિયેર ગરમ પ્રદેશના દરિયા કિનારે ઉગે છે. જોકે ત્યાંના લોકો આ નાળિયેરને વાવી શકે છે, પરંતુ એ તરતું તરતું દૂર દૂરના દેશો અને ટાપુઓમાં આપમેળે ઉગે છે. દરેક પ્રકારનાં બી ઘણી રીતોએ ફેલાય છે, પરંતુ નાળિયેરી પોતાના બી ફેલાવવા દરિયાનો ઉપયોગ કરે છે. આમ, એ આરામથી આખી દુનિયામાં ફેલાય છે.
પાકું નાળિયેર, જમીન પર પડે છે. અમુક વાર, આ નાળિયેર ગબડતું ગબડતું દરિયામાં જાય છે. દરિયામાં ભરતી આવે છે ત્યારે પાણીના મોજાં નાળિયેરને દરિયામાં ઘસેડી જાય છે. નાળિયેરના છોતરાં પોલાં હોય છે. એમાં હવા પણ ભરેલી હોય છે. તેથી, નાળિયેર પાણીમાં તરતું રહે છે. જો નાળિયેર પૅસિફિક ટાપુને કિનારે પડે તો એ ફક્ત ત્યાં જ ઉગે છે. પરંતુ, જો એ જમીન પર પડીને દરિયામાં ગબડી પડે તો, એ દૂર દૂર સુધી જઈ શકે છે.
સમુદ્રના ખારા પાણીમાં બીજા બધા બી જલદી સડી જાય છે જ્યારે કે નાળિયેરને સડતા વાર લાગે છે. નાળિયેર ઓછામાં ઓછા ત્રણ મહિના સમુદ્રના પાણીમાં રહી શકે છે. જ્યારે એ કોઈ દરિયા કિનારે પહોંચે છે ત્યારે એ સારી રીતે ઉગી શકે છે. આ રીતે દુનિયાના ગરમ દેશોના કિનારે વધારે પ્રમાણમાં નાળિયેરી જોવા મળે છે.
આ ફળનો સ્વાદ
એશિયાના દક્ષિણ ભાગમાં જઈએ તો નાળિયેરીના વિવિધ ઉપયોગ જોવા મળે છે. પેસિફિક અને દક્ષિણ એશિયાની વાનગી (અંગ્રેજી) પુસ્તક અનુસાર, “હવાઈથી માંડીને બૅન્ગકોક સુધીના દેશો, વિસ્તારો અને ટાપુઓ પરની જાતજાતની વાનગીના મસાલામાં નાળિયેર તો હોય જ.” પુસ્તક એમ પણ બતાવે છે કે “નાળિયેર તેઓ માટે મહત્ત્વનું છે કેમ કે તેઓ એમાંથી પોષણ મેળવે છે. . . . એમાંથી તેઓ મોઢામાં પાણી આવી જાય એવી અનેક વાનગીઓ બનાવે છે.” જે લોકો ઠંડા દેશોમાં રહેતા હોય તેઓ નાળિયેરનો ઉપયોગ ફક્ત પીપર અને બિસ્કિટ બનાવવા માટે કરે છે.
નાળિયેરમાંથી પાણી, દૂધ અને તેલ મળતું હોવાથી ગરમ પ્રદેશના લોકો વાનગીઓ બનાવવામાં એનો ભરપૂર ઉપયોગ કરતા હોય છે. લીલા નાળિયેરમાં સરસ મજાનું મીઠું પાણી હોય છે. આવાં લીલા નાળિયરો એના પાણી માટે ગરમ પ્રદેશના રસ્તાઓ પર વેચવામાં આવે છે. તાજા નાળિયેરના છીણને પાણી સાથે મિક્સ કરવામાં આવે છે. પછી, એનું પાણી કાઢીને નાળિયેરનું દૂધ તૈયાર કરવામાં આવે છે. નાળિયેરના આ દૂધનું સ્વાદિષ્ટ સૂપ બનાવવામાં આવે છે. એ દૂધથી મસાલેદાર રસો પણ થાય છે. અરે, લોટ બાંધવામાં પણ એનો ઉપયોગ કરવામાં આવે છે.
નાળિયેરમાંથી રાંધવાનું તેલ કાઢવા માટે, ખેડૂત પાકા નાળિયેરને તોડીને એને તડકામાં સૂકવવા મૂકે છે. એ સૂકાઈ જાય પછી, કાચલામાંથી કોપરું કાઢીને એમાંથી તેલ કાઢવામાં આવે છે. ગરમ પ્રદેશોમાં, રાંધવા માટે નાળિયેરના તેલનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે કે પશ્ચિમના દેશોમાં એનાથી માખણ, આઇસક્રીમ અને બિસ્કિટ બનાવવામાં આવે છે.
નાળિયેરને ઝાડમાંથી તોડવા એ કંઈ નાનીસૂની વાત નથી. કાપણી કરનારાઓએ ઝાડ પર ચઢીને નાળિયેર તોડવા પડે છે. બીજા દેશોમાં એક મોટા વાંસ સાથે છરી બાંધીને નાળિયેર તોડવામાં આવે છે. ઇન્ડોનેશિયામાં વાંદરાઓને નાળિયેરને તોડવાની તાલીમ આપવામાં આવે છે. પરંતુ, સૌથી સારી રીત એ છે કે નાળિયેરને પાકી ગયા પછી એની જાતે જ નીચે પડવા દેવા. પાકા નાળિયેરની કાપણી કરવા માંગતા હોય તેઓ માટે આ સૌથી સારી રીત છે.
ભલે ગમે તે રીતે કાપણી કરવામાં આવતી હોય, પરંતુ નાળિયેરના વિવિધ ઉપયોગો છે. એમાંથી લોકો પૈસા પણ કમાય છે. તેમ જ ઘણા લોકો એને ખોરાક માટે ઉપયોગમાં લે છે. તેથી, હવે પછી તમે નાળિયેરીને ચિત્રમાં કે ખરેખર જુઓ તો યાદ કરજો કે એ ગરમ પ્રદેશની ફક્ત શોભા જ નથી. તમે તો એક સૌથી ઉપયોગી ઝાડને જોઈ રહ્યા છો કે જેના પર ઉપયોગી “ફળ” થાય છે. (g 03 3/22)
[ફુટનોટ્સ]
^ ઘણા સાહિત્યમાં એને ફળ તરીકે બતાવે છે પરંતુ ઘણા દેશોમાં નાળિયેરને નટ પણ કહેવામાં આવે છે.
[પાન ૨૪ પર બોક્સ/ચિત્ર]
નાળિયેર વિષે જાણવા જેવું
નાળિયેર કરચલો. ફક્ત માનવીઓ જ નાળિયેરનો આનંદ માણતા નથી. નાળિયેર કરચલો આખો દિવસ જમીનમાં ભરાય રહે છે અને રાત્રે નાળિયેરની મોજ માણવા બહાર આવે છે. જોકે, માણસોને નાળિયેર તોડવા માટે ધારિયાની જરૂર પડી શકે. પરંતુ આ કરચલા એ નાળિયેર પરથી છાલ કાઢવા માટે કંઈક અંશે કામ કરવું પડે છે. કરચલો નાળિયેર ખુલે નહિ ત્યાં સુધી એને પથ્થર પર પછાડે છે. આ કરચલાનો મુખ્ય ખોરાક નાળિયેર છે. એના પર જ તે ૩૦થી વધારે વર્ષ જીવે છે!
સૌંદર્ય વધારવામાં નાળિયેર. નાળિયેરનું તેલ ચામડી માટે સારુ હોવાથી, લિપસ્ટિક અને તાપમાં ચામડી ન બળે માટે એના ક્રીમનો ઉપયોગ કરવામાં આવે છે. અને જો તમે ભરપૂર ફીણ થતા સાબુ કે શેમ્પુનો ઉપયોગ કરતા હોવ તો, એના ઉત્પાદનમાં નાળિયેરનું તેલ સૌથી મહત્ત્વનો ઘટક છે.
[ચિત્ર]
દરિયાઈ સફરમાં નાળિયેર ટકી શકે છે
નાળિયેર કરચલો
નાળિયેરી
[ક્રેડીટ લાઈન]
Godo-Foto
[પાન ૨૩ પર ચિત્રની ક્રેડીટ લાઈન]
Top right inset: Godo-Foto