સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ગરુડની જોરદાર આંખો

ગરુડની જોરદાર આંખો

ગરુડની જોરદાર આંખો

સ્પેનના સજાગ બનો!ના લેખક તરફથી

ગરુડ વિષે સ્પેન અને જર્મન લોકોની એક કહેવત છે: “હોશિયાર લોકોની આંખો ગરુડ જેવી હોય છે.” શા માટે? કેમ કે હોશિયાર લોકો કોઈ પણ બાબતને દૂરથી અથવા સહેલાઈથી પારખી શકે છે. પરંતુ, શું ગરુડની આંખો એટલી જોરદાર છે? હા, એના વિષે અયૂબે લગભગ ૩૦૦૦ વર્ષ પહેલાં કહ્યું હતું: ‘તેની આંખો શિકારને દૂરથી જુએ છે.’—અયૂબ ૩૯:૨૭, ૨૯.

ગરુડ શિકારને કેટલા દૂરથી જોઈ શકે છે? ગીનીસ બુક ઓફ એનીમલ રેકોર્ડ્‌સ કહે છે: “જો સારો દિવસ હોય તો, સુવર્ણ ગરુડ સહેલાઈથી સસલાંને બે કિલોમીટર દૂરથી જોઈ શકે છે.” અમુક નિષ્ણાત કહે છે કે ગરુડ એનાથી પણ દૂર જોઈ શકે છે!

શા માટે આ ગરુડની આંખો એટલી જોરદાર છે? કેમ કે તેની મોટી મોટી બે આંખો હોય છે. અરે, એનું માથું તમારી મુઠ્ઠીથી પણ નાનું હોય છે, પણ એમાં એની આંખો જ ઘણી જગ્યા લઈ લે છે. બ્રિટનના પંખી વિષે એક પુસ્તક કહે છે કે, “જો ગરુડની આંખો છેક મોટી હોય તો, એનું માથું વધારે ભારે થઈ જવાથી સરખી રીતે ઊડી જ ન શકે.”

આપણી અને ગરુડની આંખોમાં શું બીજો કોઈ ફરક છે? હા, આપણી આંખની અંદર કેમરાની ફિલ્મ જેવી પટલ છે. આના પર કોઈ પણ વસ્તુની છબી પડે છે. આ પટલમાં ફક્ત રાઈ જેટલી જગ્યામાં લગભગ ૨,૦૦,૦૦૦ પ્રકાશ પકડતા શંકુ કોષ (કૉન) હોય છે. દિવસના એ વધુ કામ કરે છે, પણ રાત્રે સળી જેવા કોષ (રૉડ્‌સ) વધુ ચાલે છે. પરંતુ, ગરુડની આંખમાં એ જ સરખી જગ્યામાં લગભગ ૧૦,૦૦,૦૦૦ કૉન્સ હોય છે. હા, પાંચ ગણા વધારે! આ કૉનના આશરે એક એક ન્યુરૉન કોષ હોય છે. દરેક કૉન, ન્યુરૉનને છબી વિષે માહિતી મોકલે છે. આ લાખો સંદેશાઓ એક નસમાં (ઑપ્ટિક નર્વ) ભેગા થઈને મગજ તરફ ચાલ્યા જાય છે. એ નર્વ હજારો-હજાર પાતળા રેસાઓથી બનેલી છે. ગરુડની ઑપ્ટિક નર્વ આપણાથી બમણા રેસાઓથી બનેલી હોય છે. આ કારણોને લીધે ગરુડ દૂરની વસ્તુને સુપર કલરમાં જોઈ શકે છે! વળી, આપણે કોઈ પણ વસ્તુ નજીકથી જોવી હોય તો, બિલોરી કાચ વાપરવો પડે છે. તેમ જ દૂરની વસ્તુ માટે દૂરબીન જોઈએ. પરંતુ, ગરુડ અને એના જેવા માંસાહારી પંખીની આંખો ખૂબ જોરદાર છે. એની લેન્સ જેવી આંખો સૌથી નજીકની અને ખૂબ દૂરની વસ્તુને પણ તરત જ જોઈ શકે છે. એની આંખો ખરેખર જોરદાર છે!

જોવામાં ગરુડ દિવસમાં પહેલો નંબર લઈ જાય છે. પરંતુ, રાતના ઘુવડ જેવા શિકારી પંખીઓ બાજી જીતી લે છે. કેમ કે એની આંખોમાં ખૂબ વધારે રૉડ્‌સ હોય છે. વળી, એના લેન્સ પણ ખૂબ મોટા હોય છે. જેમ દિવસના આપણે બધું ચોખ્ખું જોઈ શકીએ છીએ, તેમ રાતના ઘુવડ એકદમ ચોખ્ખું જોઈ શકે છે. પરંતુ, કાળી અંધારી રાત હોય ત્યારે, ઘુવડ પણ બહુ જોઈ શકતું નથી. ત્યારે એ પોતાના કાનોથી સાંભળીને શિકાર કરે છે.

આ પંખીની આવી આંખને કોણે બનાવી? ઈશ્વરે અયૂબને પૂછ્યું: “શું ગરુડ તારા હુકમથી ઊંચે ચઢે છે?” ના, અયૂબે પોતે કહ્યું: ‘હે યહોવાહ, હું જાણું છું કે તમે ધારો તે બધું કરી શકો છો. તમને કોઈ અટકાવી શકે તેમ નથી.’ (અયૂબ ૩૯:૨૭; ૪૨:૧, ૨) હા, આ આપણું કામ નથી. ખરેખર, યહોવાહની બુદ્ધિનો કોઈ પાર જ નથી! (g 02 12/22)

[પાન ૨૯ પર ચિત્ર]

સુવર્ણ ગરુડ

[પાન ૨૯ પર ચિત્ર]

સફેદ ઘુવડ