સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

તમે કેવો નિર્ણય લેશો?

તમે કેવો નિર્ણય લેશો?

બાઇબલ શું કહે છે

તમે કેવો નિર્ણય લેશો?

પરમેશ્વરે સૌ પ્રથમ માનવ જોડી, આદમ અને હવાને બનાવ્યા ત્યારે, તેઓને જાતે નિર્ણય લેવાનો હક્ક આપ્યો હતો. દાખલા તરીકે, તેમણે તેઓને એદન નામના સુંદર બાગમાં મૂકીને આદમને એ બાગની સંભાળ રાખવાનું કહ્યું હતું. આદમે પોતાની મરજી પ્રમાણે દરેક પ્રાણીઓને નામ આપવાનાં હતાં. (ઉત્પત્તિ ૨:૧૫, ૧૯) અરે, પરમેશ્વરનું કહ્યું માનવું કે નહિ, એ પણ આદમ અને હવાએ પોતે નક્કી કરવાનું હતું.—ઉત્પત્તિ ૨:૧૭, ૧૮.

ત્યારથી લઈને આજ સુધી મનુષ્યોએ મન ફાવે તેમ અસંખ્ય નિર્ણયો લીધા છે. એમાંના અમુક યોગ્ય હતા તો અમુક અયોગ્ય હતા. જ્યારે કેટલાક નિર્ણયો તો એકદમ ખરાબ હતા કે જેના ઘણા વિનાશક પરિણામો આવ્યાં છે. તોપણ, આપણી પસંદગીમાં પરમેશ્વર ક્યારેય દીવાલ બન્યા નથી. એના બદલે, તે એક પ્રેમાળ પિતાની જેમ આપણને બાઇબલમાંથી શીખવે છે કે કઈ રીતે આપણે સારા નિર્ણયો લઈ શકીએ. તે એ પણ બતાવે છે કે ખરાબ નિર્ણયો લેવાથી શું થશે. બાઇબલ કહે છે કે આપણે જે કંઈ વાવીશું એ જ લણીશું.—ગલાતી ૬:૭.

તમે જીવનમાં કેવા નિર્ણયો લો છો?

પરમેશ્વરે અમુક બાબતોમાં આપણને સ્પષ્ટ જણાવ્યું છે કે તેમને ખુશ કરવા આપણે શું કરવું જોઈએ. તેમ છતાં, જીવનની ઘણી બાબતોમાં બાઇબલ આપણને કોઈ નિયમ આપતું નથી. પરંતુ, ફક્ત સૂચનો આપે છે, જેથી આપણે કોઈ પણ કિસ્સામાં એના પર વિચારીને પોતાની મરજી પ્રમાણે નિર્ણય લઈ શકીએ. દાખલા તરીકે, મોજશોખ કરવા વિષે બાઇબલ શું કહે છે એને ધ્યાન આપો.

બાઇબલ કહે છે કે યહોવાહ “સુખી પરમેશ્વર [NW]” છે. (૧ તીમોથી ૧:૧૧) તેમ જ, બાઇબલ જણાવે છે કે ‘હસવાનો અને નાચવાનો સમય’ હોય છે. (સભાશિક્ષક ૩:૧,, IBSI) વળી, દાઊદ બીજાઓને ખુશ કરવા અને તેઓના ભલા માટે વીણા વગાડતા હતા. (૧ શમૂએલ ૧૬:૧૬-૧૮, ૨૩) એક લગ્‍નમાં દ્રાક્ષારસ ખૂટી ગયો ત્યારે, ઈસુએ પાણીનો દ્રાક્ષારસ બનાવ્યો. આમ સર્વ લોકો પ્રસંગમાં મજા માણી શક્યા.—યોહાન ૨:૧-૧૦.

પરંતુ, મોજશોખ કરતી વખતે બાઇબલ આ સલાહ પણ આપે છે: “તું જ્ઞાની પુરુષોની સંગત કરશે, તો તું જ્ઞાની થશે, પણ જે મૂર્ખનો સાથી છે તેને નુકસાન થશે.” (નીતિવચનો ૧૩:૨૦) ગંદી બોલી અને લંપટ કામોથી પરમેશ્વર એકદમ નારાજ થાય છે. એનાથી તેમની સાથેના આપણા સંબંધમાં મોટી ખાઈ ઊભી થઈ શકે. (એફેસી ૫:૩-૫) કોઈ પણ પ્રસંગે વધારે શરાબ પીવાથી ઘણી મુશ્કેલીઓ ઊભી થાય છે. (નીતિવચનો ૨૩:૨૯-૩૫; યશાયાહ ૫:૧૧, ૧૨) ફક્ત મોજમજા માટે આપણે કોઈ પણ હિંસક બાબતો જોઈએ કે કરીએ તો, યહોવાહ એને પણ ધિક્કારે છે.—ગીતશાસ્ત્ર ૧૧:૫; નીતિવચનો ૩:૩૧.

આ બાઇબલ કલમો આપણને જણાવે છે કે મોજશોખ માટે આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. તેથી, આપણે મોજમજાની પસંદગી કરીએ ત્યારે, બાઇબલને ધ્યાન આપવું જોઈએ. ખરેખર, તમે જેવી પસંદગી કરશો, એવાં જ એના સારાં કે ખરાબ પરિણામો આવશે.—ગલાતી ૬:૭-૧૦.

તેથી, તમે કોઈ પણ પસંદગી કરો ત્યારે, બાઇબલની સલાહને ધ્યાનમાં રાખીને કરો. જેમ કે, તમે લગ્‍ન કરવાના હોવ, માબાપ બનવા માંગતા હોવ, કેવી નોકરી કે ધંધો કરશો કે કેવાં કપડાં ખરીદશો. જોકે, અમુક એવી બાબતો છે કે જેના વિષે બાઇબલ વધુ કંઈ જણાવતું નથી. તોપણ, બાઇબલમાં જે સલાહ-સૂચનો આપ્યાં છે એ તમને સારો નિર્ણય લેવામાં મદદ કરશે. (રૂમીઓને પત્ર ૨:૧૪, ૧૫) તમે બાઇબલની આ સલાહને હંમેશાં તમારા જીવનમાં લાગુ પાડો: “તમે ખાઓ, કે પીઓ, કે જે કંઈ કરો તે સર્વ દેવના મહિમાને અર્થે કરો.”—૧ કોરીંથી ૧૦:૩૧.

વધુમાં, બાઇબલ કહે છે કે તમારે ‘પોતપોતાનાં જ કામ કરવાનો’ નિર્ણય લેવો જોઈએ. તેથી, તમે બીજા કોઈના જીવનમાં માથું ન મારો. (૧ થેસ્સાલોનીકી ૪:૧૧) કોઈ પણ બાબતમાં આપણી પસંદગી બીજાઓ કરતાં અલગ હોય શકે. ઘણી વાર એમ બની શકે કે બંને નિર્ણયો પરમેશ્વરની નજરે ખોટા ન હોય. તોપણ, જો આપણે બીજાઓની પસંદગી વિષે કચકચ કરવા લાગીએ અને વાંધો ઉઠાવીએ તો, એનાથી પરમેશ્વર નારાજ થાય છે. (યાકૂબ ૪:૧૧, ૧૨) બાઇબલ સલાહ આપે છે: “બીજાઓના ધંધામાં દખલગીરી કરનાર તરીકે તમારામાંના કોઈને સજા થવી જોઈએ નહિ.”—૧ પીતર ૪:૧૫, પ્રેમસંદેશ.

પરમેશ્વરની ભક્તિ કરવાનો નિર્ણય

બાઇબલ જણાવે છે કે પરમેશ્વરનું કહ્યું માનવાથી આપણને ઘણા લાભો થાય છે. પરંતુ, પરમેશ્વર ક્યારેય પોતાની ભક્તિ કરવા માટે કોઈને બળજબરી કરતા નથી. એના બદલે, તે આપણને તેમના ભક્ત બનવા સામેથી બોલાવે છે. દાખલા તરીકે, બાઇબલ કહે છે: “આવો, તેને ભજીએ તથા નમીએ; આપણા કર્તા યહોવાહની આગળ ઘુંટણીએ પડીએ.”—ગીતશાસ્ત્ર ૯૫:૬.

આવું આમંત્રણ ઈસ્રાએલીઓને પણ આપવામાં આવ્યું હતું. લગભગ ૩,૫૦૦ વર્ષ પહેલાં લાખો ઈસ્રાએલીઓ સિનાઈ પર્વત પાસે હતા ત્યારે, પરમેશ્વરે તેઓને મુસા દ્વારા નિયમો જણાવ્યા. હવે તેઓએ પસંદ કરવાનું હતું કે પરમેશ્વરની ભક્તિ કરવી કે નહિ. તેઓએ કયો નિર્ણય લીધો? બધાએ એક સાથે પોકાર કર્યો કે “યહોવાહે જે કહ્યું છે તે બધું અમે કરીશું ને પાળીશું.” (નિર્ગમન ૨૪:૭) આમ, યહોવાહની ભક્તિ કરવાનો નિર્ણય તેઓનો પોતાનો જ હતો.

પહેલી સદીમાં ઈસુએ પણ કોઈને પોતાના કામમાં જોડાવા બળજબરી કરી ન હતી. (માત્થી ૪:૧૭; ૨૪:૧૪) તેમણે પરમેશ્વરના રાજ્યની ખુશખબરી જણાવવાનું શરૂ કર્યું ત્યારે, બીજાઓને આમ કહી આમંત્રણ આપ્યું: “મને અનુસર.” (માર્ક ૨:૧૪; ૧૦:૨૧) ઘણા લોકોએ પોતાની મરજીથી તેમની સાથે પ્રચાર કરવાનું શરૂ કર્યું. (લુક ૧૦:૧-૯) પરંતુ, થોડા સમય પછી અમુક જણાએ ઈસુને છોડી દીધા. જેમ કે યહુદાએ જાણી જોઈને ઈસુનો વિશ્વાસઘાત કર્યો હતો. (યોહાન ૬:૬૬; પ્રેરિતોનાં કૃત્યો ૧:૨૫) પછી, ઈસુના શિષ્યોનું સાંભળીને ઘણા લોકો ઈસુને પગલે ચાલવા લાગ્યા. તેઓએ બળજબરીથી નહિ પણ પોતાની મરજીથી એમ કર્યું હતું. આમ, તેઓએ ઈસુમાં “વિશ્વાસ” રાખ્યો અને “જીવન માટે પસંદ કરાયેલા” બન્યા. (પ્રેરિતોનાં કૃત્યો ૧૩:૪૮, પ્રેમસંદેશ; ૧૭:૩૪) આજે પણ સાચા ખ્રિસ્તીઓ પોતાની મરજીથી બાઇબલની સલાહ પાળીને ઈસુને પગલે ચાલે છે.

ખરેખર, યહોવાહ ઇચ્છે છે કે આપણે બધા જીવનમાં સારા નિર્ણયો લઈએ. એટલે તે બાઇબલ દ્વારા આપણને માર્ગદર્શન આપે છે. (ગીતશાસ્ત્ર ૨૫:૧૨) તો પછી, ચાલો આપણે કોઈ પણ નિર્ણય લેવાનો હોય ત્યારે, પરમેશ્વરે આપેલા સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીએ. ફક્ત આમ કરીને જ આપણે તેમની “બુદ્ધિપૂર્વક સેવા” કરી શકીશું.—રૂમીઓને પત્ર ૧૨:૧. (g 03 3/08)