સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પરીક્ષામાં ચોરી કરીએ તો શું ખોટું છે?

પરીક્ષામાં ચોરી કરીએ તો શું ખોટું છે?

યુવાનો પૂછે છે. . .

પરીક્ષામાં ચોરી કરીએ તો શું ખોટું છે?

“બધા જ જાણે છે કે પરીક્ષામાં ચોરી કરીને લખવું એ ખોટું છે, પણ એ બહુ જ સહેલું છે.”—સત્તર વર્ષનો જીમી.

પરીક્ષા વખતે શું તમે ક્યારેય તમારી બાજુમાં બેઠેલા વિદ્યાર્થીના પેપરમાંથી ચોરી કરીને લખ્યું છે? તમારો જવાબ જો હા હોય તો, એમ કરવામાં તમે એકલા જ નથી. બારમાં ધોરણમાં ભણતી જેના, તેની ક્લાસમાં મોટા ભાગના વિદ્યાર્થીઓને આરામથી ચોરી કરીને લખતા જૂએ છે. તે કહે છે: “તેઓ બહુ મોટું કામ કરતા હોય એમ છાતી ફુલાવીને ફરે છે. વળી, તમે ચોરી કરીને ન લખો તો, તેઓને ખૂબ જ નવાઈ લાગે છે!”

અમેરિકામાં એક સંસ્થાએ વિદ્યાર્થીઓમાં કેટલી સચ્ચાઈ છે એના પર સર્વે કર્યો. એના પરથી જાણવા મળ્યું કે “પહેલો નંબર” લાવતા ૮૦ ટકા વિદ્યાર્થીઓ ચોરી કરીને લખતા હોય છે અને એમાં ૯૫ ટકા કદી પકડાયા નથી. આમ, ૨૦,૦૦૦ સ્કૂલોનો સર્વે કર્યા બાદ આ સંસ્થાએ કહ્યું: “સચ્ચાઈમાં આજે દિવસેને દિવસે સડો થઈ રહ્યો છે.” અરે, ટીચરો પણ મોંમાં આંગળા નાખી જાય છે કે આજે કૉપી કરવી કેટલું સામાન્ય થઈ ગયું છે! એક સ્કૂલના ડાયરેક્ટર ગેરી જે. નીલ્સ તો ત્યાં સુધી કહે છે કે, “આજે પ્રમાણિક વિદ્યાર્થીઓ તો ગણ્યા ગાંઠ્યા જ રહી ગયા છે.”

મોટા ભાગે માબાપ ઇચ્છતા હોય છે કે તેઓનાં બાળકો સ્કૂલની બાબતે પ્રમાણિક હોય. પરંતુ, કેટલાક યુવાનોએ તો પ્રમાણિકતાને ઊંચે માળે ચઢાવી દીધી છે. તેથી, પ્રશ્ન એ થાય છે કે તેઓ કઈ નવી તરકીબોનો ઉપયોગ કરે છે? શા માટે તેઓ કૉપી કરે છે? તમારે શા માટે એનાથી દૂર રહેવું જોઈએ? ચાલો આપણે જોઈએ.

ચીટીંગ માટે ટૅકનોલોજીનો ઉપયોગ

આજે તો વિદ્યાર્થીઓ કૉપી કરવા માટે ટૅક્નોલોજીનો ઉપયોગ કરે છે. આ નવી નવી રીતો સામે, કાપલી બનાવવી કે બાજુમાં બેઠેલા વિદ્યાર્થીના પેપરમાં જરાક ડોકિયું કરી લેવું એ તો સાવ જૂની રીત થઈ ગઈ છે. હવે તો તેઓ પેજર દ્વારા એકબીજાને દૂરથી પણ પ્રશ્નોના જવાબો મોકલી આપે છે. તેમ જ, હવે તો એવા કૅલ્ક્યુલેટર પણ નીકળ્યા છે કે જેમાં તેઓ પોતે જવાબો ટાઇપ કરીને બીજાઓને મોકલી શકે છે. તે ઉપરાંત, નાના નાના કેમેરા પણ કપડાંની અંદર છૂપાવેલા હોય છે, જેથી દૂર બેઠેલાને તેઓ જવાબો બતાવી શકે. વળી, એનાથી ચઢિયાતું ઇંટરનેટ છે જેમાં કોઈ પણ વિષયના, જવાબો સાથે પરીક્ષા પેપર જોવા મળે છે. આજે આવી અનેક રીતોનો વિદ્યાર્થીઓ કૉપી કરવા ઉપયોગ કરે છે.

જોકે, આજે ટીચરો ચીટીંગ કે ચોરીને રોકવા બનતા બધા જ પ્રયત્નો કરી રહ્યા છે. પણ એ એટલું સહેલું નથી. કેમ કે ઘણા શિક્ષકો અને વિદ્યાર્થીઓ, પરીક્ષામાં ચીટીંગ કરવા વિષે અલગ અલગ વિચારે છે. દાખલા તરીકે, બધા સ્ટુડન્ટ્‌સ ભેગા મળીને કોઈ પ્રૉજેક્ટ પર કામ કરતા હોય ત્યારે, કોણ પ્રમાણિક છે અને કોણ ચીટીંગ કરે છે એ જોવું અઘરું હોય છે. વળી, ઘણા તો બીજા પર બધું કામ ઢોળી દેતા હોય છે, પોતે કાંઈ જ કરતા નથી. કૉલેજમાં ભણતો યુજી કહે છે: “આવા વિદ્યાર્થીઓ એકદમ આળસુ હોય છે, તેઓને કંઈ જ કરવું હોતું નથી! પરંતુ, તેઓના માર્ક્સ જુઓ તો બીજાઓના જેવા જ હોય છે. હું માનું છું કે આ પણ એક જાતની ચીટીંગ જ છે!”

તેઓ શા માટે ચીટીંગ કરે છે?

આજે શા માટે પરીક્ષામાં ચીટીંગ વધી રહી છે એનો એક સર્વે કરવામાં આવ્યો હતો. એના પરથી ખબર પડી કે એનું મુખ્ય કારણ, સ્ટુડન્ટ્‌સ એક્ઝામની બરાબર તૈયારી કરતા નથી. જ્યારે કે અમુક સ્ટુડન્ટ તો બીજાઓ કરતાં વધારે માર્ક્સ લાવવા માટે પણ કૉપી કરતા શીખે છે. વળી, બીજા વિદ્યાર્થીઓ તો માબાપના ઊંચા ઊંચા સપના સાકાર કરવા માટે કૉપી કરતા હોય છે. તેર વર્ષનો સેમ કહે છે, “મારા માબાપ માટે તો, હું સારા માર્ક્સ લાવું, ફક્ત એ જ મહત્ત્વનું છે. તેઓ મને પૂછે છે: ‘ગણિતમાં કેટલા માર્ક્સ આવ્યા? અંગ્રેજીમાં કેટલા માર્ક્સ આવ્યા?’ મને એવા પ્રશ્નો જરાય ગમતા નથી!”

ઘણા માબાપ પોતાનાં બાળકોને સારા માર્ક્સ લાવવા માટે ઘણું જ દબાણ કરતા હોય છે. એના કારણે પણ તેઓ ચીટીંગ કરતા થઈ જાય છે. અમેરિકન યુવાનો પરનું એક પુસ્તક કહે છે: “સારા માર્ક્સ લાવવા એટલું બધું દબાણ થાય છે કે, સ્ટુડન્ટ્‌સને ભણવામાંથી રસ ઊઠી જાય છે. આમ તેઓ કૉપી કરવા લાગે છે.” પછી ભલેને એ નાનો ટેસ્ટ હોય કે વાર્ષિક પરીક્ષા, કયો વિદ્યાર્થી નાપાસ થવા ચાહશે! જીમી કહે છે: “ઘણા વિદ્યાર્થીઓને નાપાસ થવાની એટલી બધી બીક લાગતી હોય છે કે તેઓ જવાબ જાણતા હોવા છતાં કૉપી કરીને ચેક કરી લે છે કે તેઓ સાચા છે કે નહિ.”

જે સચ્ચાઈને વળગી રહેતા નથી તેઓ માટે ચીટીંગ કરવામાં કોઈ જ વાંધો નથી. તેથી, તેઓ માને છે કે એનાથી તો લાભ થાય છે. વળી, ઘણા તો પોતાના મિત્રોને એમ કરતા જુએ છે, એટલે તેઓ પણ કૉપી કરવા માંડે છે. સત્તર વર્ષનો ગ્રેગ કહે છે, “ગઈકાલે અમારી પરીક્ષા હતી. મેં મારા ક્લાસમાં એક વિદ્યાર્થીને કૉપી કરતા જોયો. આજે અમને રીઝલ્ટ મળ્યું અને એ વિદ્યાર્થીના મારા કરતાં વધારે માર્ક્સ છે.” યુજી જણાવે છે: “ઘણા વિદ્યાર્થીઓ કહે છે, ‘જો બીજા કરતા હોય તો હું શા માટે ન કરું.’” પરંતુ, શું એમ કરવું જોઈએ?

ખરાબ આદત

ચાલો આપણે ચીટીંગને, ચોરી કરવા સાથે સરખાવીએ. કોઈ તમારા પૈસા ચોરી લે તો શું તમે એમ કહેશો કે, કંઈ વાંધો નહિ, એ તો ચાલે! કદી નહિ. એ જ રીતે, તમે પરીક્ષામાં કોઈનામાંથી કૉપી કરો તોપણ, તમે જાણે કોઈકની વસ્તુ જે તમારી નથી, એ ચોરી લો છો. કદાચ તે વ્યક્તિ પ્રમાણિક પણ હોય શકે. (એફેસી ૪:૨૮) ટૉમી જણાવે છે: “તમે કહો છો કે મને આ વિષય તો મોઢે છે, પણ હકીકતમાં તમે એ વિષે જરાય જાણતા નથી. તેથી તમે જૂઠું બોલો છો. એ બરાબર નથી.” આ વિષે કોલોસી ૩:૯માં ચોખ્ખું જ કહે છે: “એકબીજાની સાથે જૂઠું ન બોલો.”

એક વાર જો ચીટીંગની આદત પડી જાય તો એને છોડવી બહુ જ અઘરી છે. જેના કહે છે: “જેઓ કૉપી કરે છે તેઓને પાસ થવા માટે જરાય મહેનત કરવી પડતી નથી. તેઓ તો બસ આ રીતે ચીટીંગ કરવામાં જ સમજે છે. પરંતુ તેઓને જીવનમાં સચ્ચાઈનો સામનો કરવાનો આવશે ત્યારે તેઓ કંઈ નહિ કરી શકે.”

ખરેખર, ગલાતી ૬:૭માં બતાવેલો નિયમ ઘણો જ સરસ છે: “માણસ જે કંઈ વાવે તેજ તે લણશે.” સ્કૂલમાં ચીટીંગ કરવાથી તમે ઘણાં બધાં દુઃખો તમારા પોતાના પર લાવો છો. જેમ કે, ચીટીંગ કરવાથી દિલ ડંખે છે. તમારા મિત્રને ખબર પડે કે તમે પરીક્ષામાં ચોરી કરો છો તો, તમારા પરથી તેનો ભરોસો ઊઠી જશે. તેમ જ, બરાબર ભણતા ન હોવાને કારણે તમારામાં જે નવું શીખવાની આવડત છે એ પણ તમે ગુમાવી બેસશો. જેમ કૅન્સર આખા શરીરમાં ફેલાઈ જાય છે, એમ ચીટીંગની ખોટી આદત તમારા આખા જીવનમાં ફેલાઈ જાય છે. એનાથી લોકો સાથેના તમારા સંબંધમાં તિરાડ પડે છે. ખાસ કરીને તો એ યહોવાહ પરમેશ્વર સાથેનો સંબંધ બગાડે છે, કેમ કે તે આવી ખરાબ આદતોને ધિક્કારે છે.—નીતિવચનો ૧૧:૧.

જેઓ ચીટીંગ કરે છે તેઓ ફક્ત પોતાને જ છેતરે છે. (નીતિવચનો ૧૨:૧૯) તેઓ પ્રાચીન યરૂશાલેમ શહેરના અધિકારીઓ જેવા છે, જેમણે કહ્યું: “અમે જૂઠાણાનો આશ્રય પકડ્યો છે, અને અસત્યતામાં સંતાઈ રહેલા છીએ.” (યશાયાહ ૨૮:૧૫) પરંતુ, હકીકત તો એ છે કે આ લોકો યહોવાહથી કંઈ જ છુપાવી શકશે નહિ.—હેબ્રી ૪:૧૩.

છેતરશો નહિ!

ઘણા સ્ટુડન્ટ્‌સ પરીક્ષામાં ચોરી કરવા માટે જેટલી મહેનત કરે છે અને ચતુરાઈ વાપરે છે, એટલી જ જો ભણવામાં વાપરે તો તેઓ પ્રમાણિક રીતે પાસ થઈ શકશે. અઢાર વર્ષની એબી કહે છે: “ચીટીંગ કરવાને બદલે જો તેઓ ભણવામાં વધારે ધ્યાન આપે તો, તેઓ સારામાં સારા માર્ક્સ લાવી શકે છે.”

જોકે એ એટલું સહેલું નથી, કારણ કે ચીટીંગની લાલચ ઘણી જ હોય છે. પણ તમારે એની જાળમાંથી બહાર નીકળવાનું છે. (નીતિવચનો ૨:૧૦-૧૫) પરંતુ, કઈ રીતે? સૌથી પહેલું, યાદ રાખો કે તમે સ્કૂલમાં ભણવા માટે જાવ છો. ભલે તમને લાગે કે હું જે ભણું છું એ બધું જ મને કામ લાગવાનું નથી. પરંતુ, ચીટીંગ કરીને આ બાબતે આંખ આડા કાન કરવાથી, તમે તમારી શીખવાની આવડતને રૂંધી નાખશો. વળી, તમે જે શીખો છો એનો કદી પણ ઉપયોગ કરી શકશો નહિ. જેમ કંઈક મેળવવા મહેનત કરવી પડે છે, એ જ રીતે ભણવામાં પણ સખત મહેનત કરવી પડે છે. બાઇબલ કહે છે: “સત્ય ખરીદ, અને તેને વેચી ન દે; હા, જ્ઞાન, શિખામણ તથા બુદ્ધિ પણ વેચી ન દે.” (નીતિવચનો ૨૩:૨૩) તેથી, તમારે મન લગાડીને ભણવું જોઈએ. જીમી કહે છે, “જો તમે મન લગાડીને તૈયારી કરશો તો, તમારામાં વિશ્વાસ જાગશે કે મારો જવાબ સાચો જ છે.”

કોઈક વાર એવું બની શકે કે, તમે બધા જ જવાબો ન જાણતા હોવ અને ઓછા માર્ક્સ આવે. તેમ છતાં, જો તમે ચીટીંગ કે કૉપી નહિ કરો તો તમને ખ્યાલ આવશે કે તમારે હજુ ક્યાં વધારે મહેનત કરવાની જરૂર છે.—નીતિવચનો ૨૧:૫.

યુજી યહોવાહનો સાક્ષી છે. કોઈ વિદ્યાર્થી તેના પર દબાણ કરે કે, મને તારામાંથી કૉપી કરવા દે ત્યારે તે શું કરે છે? તે કહે છે: “સૌ પ્રથમ તો હું તેઓને જણાવું છું કે હું યહોવાહનો સાક્ષી છું. એનાથી મને ઘણો જ લાભ થયો છે, કારણ કે તેઓ જાણે છે કે યહોવાહના સાક્ષીઓ પ્રમાણિક હોય છે. તેમ જ, પરીક્ષા વખતે કોઈ કહે કે મને બતાવ તો હું ઘસીને ના પાડી દઉં છું. પછી પેપર પૂરું થઈ જાય ત્યારે હું તેઓને જણાવું છું કે મેં કેમ તેઓને કૉપી ન કરવા દીધું.”

પ્રેષિત પાઊલે જે કહ્યું એને યુજી બરાબર ધ્યાનમાં રાખે છે: “અમે સઘળી બાબતોમાં પ્રામાણિકપણે વર્તવાની ઇચ્છા રાખીએ છીએ.” (હેબ્રી ૧૩:૧૮) તેથી, પ્રમાણિકતાને વળગી રહીશું અને ચીટીંગ કરવાની ચોખ્ખી ના પાડી દઈશું તો, જે માર્ક્સ મળશે એ ખરી મહેનતના હશે. વળી, ચોરી કરીને વધુ માર્ક્સ લાવવા કરતાં તમે સચ્ચાઈના માર્ગ પર ચાલો, એ તમારા માબાપ માટે વધારે ખુશી લાવશે. (૩ યોહાન ૪) એમ કરવાથી તમારું દિલ નહિ ડંખે અને તમે યહોવાહ પરમેશ્વરનું દિલ પણ ખુશ કરશો.—નીતિવચનો ૨૭:૧૧.

તેથી, ભલે આજે પરીક્ષામાં ચીટીંગ કે કૉપી કરવું એકદમ સામાન્ય થઈ ગયું હોય, પણ તમે એનાથી દૂર જ રહો. એમ કરવાથી તમે બીજાની સાથે સારા સંબંધો જાળવી શકશો. સૌથી મહત્ત્વનું તો એ છે કે, યહોવાહ સાથેના તમારા સંબંધમાં પણ જરાય આંચ નહિ આવે.—ગીતશાસ્ત્ર ૧૧:૭; ૩૧:૫. (g 03 1/22)

[પાન ૧૪ પર બ્લર્બ]

ઘણા વિદ્યાર્થીઓ ભૂલી જાય છે કે ચીટીંગ, ચોરી કરવા બરાબર છે

[પાન ૧૪ પર બ્લર્બ]

નાની નાની બાબતોમાં ચીટીંગ કર્યા પછી, વ્યક્તિ મોટી બાબતોમાં પણ ચીટીંગ કરવા લાગે છે

[પાન ૧૪ પર બ્લર્બ]

ચીટીંગ કરનારાઓ યહોવાહથી કંઈ પણ છુપાવી શકશે નહિ

[પાન ૧૯ પર ચિત્ર]

પરીક્ષા પહેલાં પૂરતો અભ્યાસ કરવાથી તમારામાં વિશ્વાસ જાગશે