સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મૅગ્‍ના કાર્ટા અને સ્વતંત્રતાની શોધ

મૅગ્‍ના કાર્ટા અને સ્વતંત્રતાની શોધ

મૅગ્‍ના કાર્ટા અને સ્વતંત્રતાની શોધ

બ્રિટનના સજાગ બનો!ના લેખક તરફથી

લંડનના દક્ષિણ-પશ્ચિમ તરફ સરી તાલુકો આવેલ છે. એ તાલુકામાંથી થેમ્સ નદી વહે છે. એનું દૃશ્ય એટલું તો મનોહર છે કે તમે જોતા જ રહી જાવ! એ નદી કિનારે આવેલા રનિમીડ નામના મેદાનમાં એક સ્મારક ભવન જોવા મળે છે. એના પર રાજાની મહોરવાળું એક લખાણ કોતરવામાં આવ્યું છે. એ શાની યાદ અપાવે છે? એ આપણને લગભગ ૧૦૦૦ વર્ષ પહેલાં બની ગયેલા એક યાદગાર બનાવ તરફ લઈ જાય છે. ઇંગ્લૅંડના રાજા જોન લાકલૅડે (૧૧૯૯-૧૨૧૬) દેશના અમીર જમીન દારો પર હદ ઉપરાંતનો કર નાખ્યો હતો. તેથી તેઓ ક્રોધે ભરાઈને વિન્ઝર મહેલ નજીકના રનિમીડ મેદાનમાં આવી પહોંચ્યા અને બાબતો થાળે પડે ત્યાં સુધી છાવણી નાખીને રહ્યા. તેઓએ રાજા પર સખત દબાણ કરીને તેમની પાસેથી અધિકાર પત્ર કે મહાન ખતપત્ર (જે મૅગ્‍ના કાર્ટાથી ઓળખાયું હતું) લખાવી લીધું. એમાં તેઓને ઘણા હક્કો આપવામાં આવ્યા હતા. એની યાદમાં રનિમીડ મેદાનમાં સ્મારક ભવન બાંધવામાં આવ્યું.

એ મૅગ્‍ના કાર્ટામાં શું લખ્યું હતું અને આજે આપણી સાથે એનો શું સંબંધ છે? શા માટે એમ કહેવામાં આવે છે કે, એવું લખાણ પશ્ચિમી દેશોના ઇતિહાસમાં પહેલાં કદી થયું નથી? ચાલો આપણે એના વિષે થોડી માહિતી તપાસીએ કે મનુષ્યએ સ્વતંત્રતાની શોધમાં શું કર્યું છે.

અમીર જમીનદારોનો હક્ક

એ સમયે પોપ ઇનોસન્ટ ત્રીજો કૅથલિક ચર્ચના વડો હતો. તેમણે ઇંગ્લૅંડમાંના કૅથલિક ચર્ચ માટે સ્ટીફન લેંગ્ટનને વડા તરીકે નીમ્યા હતા. રાજા જોનને એ જરાય પસંદ ન હોવાથી તેમણે એનો વિરોધ કર્યો. તેથી પોપે રાજા સાથેનો સંબંધ કાપી નાખ્યો હતો. તોપણ રાજાએ પોપની સાથે સમજૂતી કરવાનો પ્રયાસ કર્યો. તેથી, પોપે રાજા સાથે સોદો કર્યો કે તે કૅથલિક ચર્ચના ઇશારે ચાલે અને ચર્ચને કર ભરે તો જ તે ઇંગ્લૅંડ અને આયર્લૅન્ડ પર રાજ કરી શકે. આમ જોન પોપના હાથ નીચે તાબેદાર રાજા બન્યો.

રાજા પાસે પૈસા ન હોવાથી ચર્ચ સાથે તેનો સંબંધ બગડવા લાગ્યો. જોકે તેમણે ફક્ત સત્તર વર્ષ જ રાજ કર્યું હતું. તોપણ તેમણે અગિયાર વાર જમીનદારો પર કર વધાર્યો હતો. એક તો તેમનો ચર્ચ સાથે સંબંધ બગડ્યો હતો અને બીજી બાજુ, પૈસાની તકલીફ હોવાથી લોકોનો તેમના પરથી ભરોસો ઊઠી ગયો હતો. વળી, રાજાના સ્વભાવે બાબતો ઠંડી પાડવાને બદલે બળતામાં વધારે ઘી હોમ્યું.

છેવટે, ઉત્તર ઇંગ્લૅંડના જમીનદારોએ કર ભરવાનો ઇનકાર કર્યો અને દેશમાં અશાંતિ ફેલાઈ ગઈ. આમ, રાજાનો વિરોધ કરવા તેઓ સરીમાં આવેલા રનિમીડમાં આવી પહોંચ્યા. રાજા સાથે બાબતો થાળે પડે ત્યાં સુધી તેઓ વિન્ઝર અને સ્ટેઇન્સ વચ્ચેના રનિમીડ મેદાનમાં છાવણી નાખીને રહ્યા. વિન્ઝરમાં આવેલા રાજાના મહેલમાં રાજા સાથે તેઓની ગરમાગરમ ચર્ચાઓ ચાલી. છેવટે સોમવાર, જૂન ૧૫, ૧૨૧૫ના રોજ રાજાએ ૪૯ કલમવાળા દસ્તાવેજ પર પોતાની મહોર લગાવી. એ રનિમીડ કરારની શરૂઆતમાં આમ લખેલું હતું: ‘અમીર જમીનદારોએ રાજા પાસે જે હક્કોની માંગ કરી એ તેઓને આપવામાં આવ્યા છે.’—“મહાન ખતપત્ર” બોક્સ જુઓ.

નિયમ હેઠળ સ્વતંત્રતા

તેમ છતાં, રાજાના વર્તન પરથી પ્રજાને દેખાઈ આવ્યું કે તેનો ભરોસો કરવા જેવો નથી. આમ તો રાજા અને પોપ બંને તેઓની આંખમાં કાંકરીની જેમ ખૂંચતા હતા. તેથી રાજાએ રોમમાં પોપની પાસે એલચીઓ મોકલ્યા. પોપે લખી આપ્યું કે રનિમીડનો કરાર હવે રદ કરવામાં આવ્યો છે. આમ, એ કરારને કારણે ઇંગ્લૅંડમાં લડાઈ ફાટી નીકળી અને એના બીજા વર્ષે રાજા જોનનું અચાનક અવસાન થયું. તેનો પુત્ર હેન્રી નવ વર્ષની ઉંમરે રાજા બન્યો.

હવે હેન્રીના પક્ષના લોકોએ માંગ કરી કે રનિમીડનો કરાર ફરી માન્ય કરવામાં આવે. એના વિષે મેગ્‍ના કાર્ટા પુસ્તક કહે છે કે જૂના નિયમમાં “ઉતાવળે સુધારા કરવામાં આવ્યા હતા. જેથી કોઈ [રાજાના] ઇશારે નાચીને પ્રજા પર જુલમ ન કરે.” જોકે, રાજા હેન્રીના રાજમાં ઘણી વાર એ કરાર રદ થયો હતો અને ફરી માન્ય કરવામાં આવ્યો હતો. એના પછી એડવર્ડ પહેલો રાજા બન્યો. તેમણે ફરી ઑક્ટોબર ૧૨, ૧૨૯૭ના રોજ એ મેગ્‍ના કાર્ટા પર મહોર લગાવીને સરકારી ઑફિસમાં રાખ્યો.

એ કરારથી હવે પ્રજાની જેમ રાજાના પણ હાથ બંધાયેલા હતા. વીસમી સદીમાં થઈ ગયેલા ઇંગ્લૅંડના વડાપ્રધાન, વિન્સ્ટન ચર્ચિલના કહેવા પ્રમાણે મૅગ્‍ના કાર્ટા “રાજાના ઉપરીઓને અંકુશમાં રાખતા, જેથી કોઈ એક વ્યક્તિના હાથમાં બધી જ સત્તા આવી ન જાય અને એનો ખોટો ઉપયોગ ન કરે.” જોકે, એ સારી ભાવના હતી! પરંતુ એ કરારમાં જે લખવામાં આવ્યું હતું એનાથી સામાન્ય વ્યક્તિને શું લાભ થયો હતો? એ સમયે તેઓને એનાથી નજીવો જ લાભ થયો હતો. એનાથી ફક્ત સ્વતંત્ર અને મધ્યવર્ગના અમીર લોકોને જ લાભ થતો હતો. એવા તો અમુક જ લોકો હતા. *

મૅગ્‍ના કાર્ટા વિષે એન્સાયક્લોપેડિયા બ્રિટાનીકા આમ કહે છે: “એ કરાર લખાયો ત્યારથી લોકો એની વાહવાહ કરવા લાગ્યા હતા. એ કાયદો બહાર પડ્યા પછી દર પેઢી ધ્યાનથી એને વાંચતી, જેથી કોઈ તેઓનો ફાયદો ન ઉઠાવે.” એ કાયદો લોકો માટે ખૂબ જ મહત્ત્વનો હતો. પછી જ્યારે પણ ઇંગ્લૅંડમાં પાર્લમેન્ટ બેસતી ત્યારે પ્રથમ એ “મહાન ખતપત્ર” વાંચવામાં આવતો.

સત્તરમી સદીમાં ઇંગ્લૅંડમાં ગુનેગારોને અદાલતમાં દોષિત ઠરાવતાં પહેલાં, વકીલો એ મેગ્‍ના કાર્ટા કે ‘મહાન ખતપત્રમાંથી’ કલમો ટાંકતા. જેથી બધાને ઇન્સાફ મળે. એથી તેઓએ એને હેબિયસ કૉર્પસ * નામ આપ્યું. એનાથી કોઈની પણ અન્યાયી રીતે ધરપકડ કરવામાં આવતી નહિ. તેમ જ, કર વધારવાની પાર્લમેન્ટમાં ચર્ચા થઈ ન હોય તો, સરકાર વધારે કરની માંગ પણ ન કરી શકતી.

માનવ સ્વતંત્રતાની શોધ ચાલુ જ છે

“જોકે ઇતિહાસ પુરાવો આપે છે કે ‘મહાન ખતપત્રમાં’ જે અધિકારો આપવામાં આવ્યા છે એમ હંમેશાં બન્યું નથી,” આમ લૉર્ડ બિંગ્હામે કહ્યું જે ઇંગ્લૅંડ અને વેલ્સના ૧૯૯૬-૨૦૦૦ સુધી મુખ્ય ન્યાયમંત્રી હતા. તેમ છતાં, એ કરારમાં સ્વતંત્રતા કે આઝાદી વિષે જે વિચારો હતા એ વર્ષો પછી અંગ્રેજી જગતમાં ફેલાઈ ગયા હતા.

જેમ કે ૧૬૨૦માં લોકો ઇંગ્લૅંડથી અમેરિકા જવા લાગ્યા ત્યારે, તેઓ પોતાની સાથે એ મૅગ્‍ના કાર્ટાની નકલ લઈ ગયા હતા. ત્યારે અમેરિકામાં રહેતા અંગ્રેજો ઇંગ્લૅંડના રાજ હેઠળ હતા. એ પ્રજા માટે પાર્લમેન્ટમાં કોઈ પ્રતિનિધિ ન હતું, તોપણ બ્રિટિશ સરકારે ૧૭૭૫માં તેઓ પર કર નાખ્યો હતો. તેથી, આજે જ્યાં મેસચ્યુસિટ્‌સ રાજ્ય આવેલું છે ત્યાં તેઓની કમિટીએ એનો વિરોધ કર્યો. કેમ કે મૅગ્‍ના કાર્ટાના બંધારણ પ્રમાણે આ રીતે કર નાખવો એ ગેરકાનૂની હતું. એ સમયે મૅસચ્યુસિટ્‌સ રાજ્યની સરકારી મહોર પર માણસની છાપ હતી. એમાં તેના એક હાથમાં તલવાર અને બીજા હાથમાં મૅગ્‍ના કાર્ટા જોવા મળતું હતું.

પછી અમેરિકાના પ્રતિનિધિઓ પોતાના દેશ માટે કાયદા-કાનૂન ઘડવા ભેગા થયા ત્યારે, તેઓએ એ મૅગ્‍ના કાર્ટાના સિદ્ધાંતો મંજૂર કર્યા હતા. એના પરથી અમેરિકાના માનવ હક્કો ઊતરી આવે છે. એના માનમાં અમેરિકન બાર એસોસિએશનથી ઓળખાતી વકીલોની સંસ્થાએ ૧૯૫૭માં રનિમીડના મેદાનમાં સ્મારક ભવન બાંધ્યું છે. એના શિલાલેખ પર આમ લખવામાં આવ્યું છે: “મૅગ્‍ના કાર્ટાના માનમાં—એના કારણે નિયમ હેઠળ સ્વતંત્રતા મળે છે.”

વર્ષ ૧૯૪૮માં, અમેરિકન મંત્રી ઈલનોર રોઝવેલ્ટે યુનાઇટેડ નેશન્સ યુનિવર્સલ ડિક્લેરેશન ઑફ હ્યુમન રાઇટ્‌સના નિયમો લખવા મદદ કરી હતી. તેમને આશા હતી કે એ ‘નિયમો બધે જ વપરાશે અને દરેકને માનવ હક્કો મળશે.’ મૅગ્‍ના કાર્ટાનો ઇતિહાસ બતાવે છે એમ થયું નથી. એના પરથી જોવા મળે છે કે મનુષ્યને સ્વતંત્રતાની કેટલી જરૂર છે. જોકે, ઘણાની ઇચ્છા હતી કે સર્વને સ્વતંત્રતા મળે. તેમ છતાં, આજે ઘણા દેશોમાં લોકો પાસે સ્વતંત્રતા જ નથી. હમણાં સુધી એવી કોઈ સરકાર નીકળી નથી કે જે બધાને સ્વતંત્રતા આપી શકી હોય. તેથી, લાખો યહોવાહના સાક્ષીઓ એવા રાજ્યની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. શું એવું કોઈ રાજ્ય છે જે બધાને સ્વતંત્રતા આપી શકે? હા, છે. તેઓ ઈશ્વરના રાજ્યની રાહ જોઈ રહ્યા છે, જે દરેકને પૂરેપૂરી સ્વતંત્રતા આપશે!

બાઇબલ ઈશ્વર વિષે અજોડ સત્ય જણાવે છે: “જ્યાં પ્રભુનો [યહોવાહનો] આત્મા છે, ત્યાં સ્વતંત્રતા છે.” (૨ કોરીંથી ૩:૧૭) શું તમે જાણો છો કે યહોવાહ પરમેશ્વરનું રાજ્ય આપણા માટે કેવા આશીર્વાદો લાવશે? તમારે એના વિષે વધારે જાણવું હોય તો, બીજી વાર તમે યહોવાહના સાક્ષીઓને મળો ત્યારે તેઓ સાથે વાત કરવાનું ભૂલશો નહિ. તેઓ પાસેથી તમે જે શીખશો એનાથી તમારું જીવન રંગીન બની જશે! (g 02 12/22)

[ફુટનોટ્‌સ]

^ “જોકે ૧૨૧૫માં બહુ જ થોડા લોકો સ્વતંત્ર કે આઝાદ હતા. જ્યારે કે સત્તરમી સદી પછી મોટા ભાગે બધા જ સ્વતંત્ર કે આઝાદ હોવાથી એનો લાભ લેવા લાગ્યા.”—પશ્ચિમ સંસ્કૃતિનો ઇતિહાસ (અંગ્રેજી).

^ હેબિયસ કૉર્પસ એક આજ્ઞાપત્ર છે. કોઈની પણ ધરપકડ કરવામાં આવે ત્યારે, તેણે શું ગુનો કર્યો છે એની તપાસ કરવાનો આ આજ્ઞાપત્રથી આદેશ આપવામાં આવે છે.

[પાન ૨૭ પર બોક્સ/ચિત્ર]

મહાન ખતપત્ર

મૅગ્‍ના કાર્ટા લૅટિન નામ છે. એનો અર્થ ‘મહાન ખતપત્ર’ કે ‘અધિકાર પત્ર’ થાય છે. એની શરૂઆતમાં આવું લખાણ છે: “અમીર જમીનદારોના હક્ક.” પહેલા એ નિયમો લખાયા ત્યારે એમાં ૪૯ કલમો હતી. એના પર રાજા જોને પોતાની મહોર લગાવી હતી. એના અમુક દિવસો પછી કુલ ૬૩ કલમો થઈ, જેના પર રાજાએ ફરી મહોર મારી. એ પહેલી વાર રદ થઈ ગયા પછી, ૧૨૧૭માં ફરી એને અમલમાં લાવવામાં આવ્યું ત્યારે, એમાં જંગલો વિષે અમુક બીજી કલમો ઉમેરવામાં આવી હતી. એ પછી એને મૅગ્‍ના કાર્ટા કહેવામાં આવ્યું.

એની ૬૩ કલમોના નવ ભાગ પાડવામાં આવ્યા હતા. એમાંના અમુક જમીનદારોની ફરિયાદો વિષેના હતા. તેમ જ કાયદા-કાનૂન સુધારવા વિષે અને ખ્રિસ્તીઓ ખુલ્લી રીતે પોતાનો ધર્મ પાળી શકે એ માટે અમુક નિયમો પણ હતા. કલમ ૩૯માં, બ્રિટિશ રાજ્ય હેઠળની પ્રજાને આવો હક્ક આપવામાં આવ્યો હતો: “કોઈની પણ અન્યાયી રીતે ધરપકડ કરવી નહીં, કોઈનો હક્ક કે મિલકત ઝૂંટવી લેવા નહિ, કોઈને પણ કાયદાના રક્ષણથી વંચિત કરવા નહિ કે દેશનિકાલ કરવા નહિ, અથવા કોઈ પણ રીતે કોઈની શાખ કે નામ બદનામ કરવું નહિ. તેમ જ અમે તમારા પર જુલમ કરીશું નહિ અને બીજાઓ દ્વારા તમારા પર કરાવીશું પણ નહિ, સિવાય કે કાયદા દ્વારા નક્કી થયું હોય અથવા દેશના નિયમનો ભંગ થયો હોય તો જ તમને શિક્ષા કરવામાં આવશે.”

[ચિત્ર]

પાછળના ભાગમ: ત્રીજી વાર મૅગ્‍ના કાર્ટા લખાયું

[ક્રેડીટ લાઈન]

By permission of the British Library, 46144 Exemplification of King Henry III’s ૧૨૨૫માં મૅગ્‍ના કાર્ટા ફરી બહાર પાડવામાં આવ્યું

[પાન ૨૬ પર ચિત્ર]

રાજા જોન

[ક્રેડીટ લાઈન]

From the book Illustrated Notes on English Church History (Vols. I and II)

[પાન ૨૬ પર ચિત્ર]

રાજા જોન પોતાનો મુગટ પોપના પગ પાસે મૂકીને શરણાગતિ સ્વીકારે છે

[ક્રેડીટ લાઈન]

From the book The History of Protestantism (Vol. I)

[પાન ૨૭ પર ચિત્ર]

રાજા જોન ૧૨૧૫માં અમીર જમીનદારોને મળે છે અને મૅગ્‍ના કાર્ટા પર મહોર લગાવે છે

[ક્રેડીટ લાઈન]

From the book The Story of Liberty, 1878

[પાન ૨૮ પર ચિત્ર]

ઇંગ્લૅંડના રનિમીડમાં આવેલું મૅગ્‍ના કાર્ટા સ્મારક ભવન

[ક્રેડીટ લાઈન]

ABAJ/Stephen Hyde

[પાન ૨૬ પર ચિત્ર]

ઉપરનું ઝાંખું લખાણ: By permission of the British Library, Cotton Augustus II 106 Exemplification of King John’s Magna Carta 1215; King John’s Seal: Public Record Office, London