વિશ્વ પર નજર
વિશ્વ પર નજર
સારો ખોરાક પૂરો પાડતી “ટેલીમધર”
મડ્રિડ, સ્પેનના યુવાનોને સ્વાદિષ્ટ ખોરાક ભાવે છે. પરંતુ, સમયના અભાવે કે રાંધતા નહિ આવડતું હોવાથી આ યુવાનોએ એક નવો રસ્તો શોધી કાઢ્યો છે. સ્પેનનું એલ પાએસ નામનું છાપું કહે છે કે તેઓ ઇન્ટરનેટ દ્વારા “ટેલીમધર” ભાડે રાખે છે. અઠવાડિયામાં બે વાર આ મમ્મી તેઓ માટે ઘરે બનાવેલું સ્વાદિષ્ટ ભોજન ટેક્સીથી મોકલે છે. આ ખોરાક અમુક દિવસો સુધી ચાલે છે. ખોરાકમાં તેઓને માછલી, પાસ્તા, શાકભાજી, લેગ્યૂમ્, માંસ, ફળ અને દૂધની બનાવેલી વાનગીઓ પણ આપે છે. આ “ટેલીમધર” પોતાનાં આ બાળકોને હંમેશા ફોન કરતી રહે છે. જેથી, તેઓને શું જોઈએ છે અને હજુ કેટલો ખોરાક ફ્રીજમાં પડ્યો છે એ જાણી શકે. વળી, તેઓએ ચાર કે તેથી વધારે વ્યક્તિઓને, દરરોજ ઑફિસે પણ ખોરાક પહોંચાડવાની ગોઠવણ કરી છે. એ ઉપરાંત, શનિ-રવિનું મેનુ પણ હોય છે. (g 03 1/22)
“મગજ માટે મુશ્કેલ કાર્ય—જૂઠું બોલવું”
પેન્સીલ્વેનિયા યુનિવર્સિટીના સંશોધકોને જાણવા મળ્યું કે સાચું બોલવા કરતાં જૂઠું બોલવા માટે મગજે ઘણું જ મુશ્કેલ કાર્ય કરવું પડે છે. ડૉ. દાનીયેલ લાન્જલાબલે ફંક્શનલ મૅગ્નેટિક રીસોનન્સ ઈમેજીંગ (FMRI) મશીનનો ઉપયોગ કરીને શોધી કાઢ્યું કે જૂઠું બોલવા મગજને કયો ભાગ વધારે કસવો પડે છે. તેમણે કહ્યું કે, પ્રશ્નનો જવાબ આપતી વખતે મગજે સૌ પ્રથમ વિચાર કરવો પડે છે. ત્યાર પછી, મેક્સિકો શહેરનું ધ ન્યૂઝ કહે છે, “જૂઠું બોલનાર વ્યક્તિ સૌ પ્રથમ સાચો જવાબ વિચારશે અને ત્યાર પછી જૂઠો જવાબ વિચારશે.” લાન્જલાબલ કહે છે, “મગજને કસ્યા વગર તમે જવાબ મેળવી શકતા નથી. સાચું બોલવા કરતા જૂઠું બોલવું વધારે અટપટું છે જેના લીધે મગજને વધારે કામ કરવું પડે છે.” મગજને જે આ વધારે કામ કરવું પડે છે એને FMRI મશીનમાં અલગ અલગ લાઈટો દ્વારા જોઈ શકાય છે. છાપું બતાવે છે, “જૂઠું બોલવામાં ઍકસ્પર્ટ બનેલી વ્યક્તિઓના મગજે પણ જૂઠું બોલવા સખત કામ કરવું પડે છે.” (g 03 2/22)
દુનિયાના ૨૫ ટકા આંધળા લોકો ભારતમાં રહે છે
ભારતનું ડેક્કન હેરાલ્ડ કહે છે, “ભારતમાં લગભગ ૧.૨ કરોડ લોકો આંધળા છે. આખી દુનિયામાં અંધ લોકોની જે સંખ્યા છે એમાંથી ૨૫ ટકા તો ભારતમાં જ છે.” વર્ષ ૨૦૦૨માં યુથ વિઝને આખા ભારતના ૪૦ કરતાં વધારે શહેરોની કૉલેજો અને સ્કૂલોમાં સર્વે કર્યું. એના પરથી જાણવા મળ્યું કે “૫૦ ટકા કરતાં વધારે યુવાનોને આંખની સારવાર કરાવવાની જરૂર હતી. પરંતુ, એ વિષે તેઓને ખબર પણ ન હતી.” વળી સર્વેએ બતાવ્યું કે, દેશમાં મોટા ભાગના લોકોને મોતિયાને કારણે અંધાપો આવી જાય છે. પરંતુ, ભારતમાં “પૂરતા પ્રમાણમાં આંખોના ડૉક્ટર ન હોવાથી” અને પોતાને જોવામાં મુશ્કેલી પડે છે “એવું જાણતા ન હોવાથી” આ તકલીફ વધતી જ જઈ રહી છે. લેખ એ પણ બતાવે છે: “હૂ (WHO) સંસ્થાના જણાવ્યા પ્રમાણે ભારતમાં ૪૦,૦૦૦ આંખના ડૉક્ટર હોવા જોઈએ એના બદલે ફક્ત ૫,૦૦૦ છે.” (g 03 1/08)
ઈન્યુટો માટે બાઇબલ પૂરું થયું
કૅનેડાની બાઇબલ સોસાયટીએ ઈન્યુટ લોકોની ભાષા, ઇનુક્ટીટુટમાં બાઇબલ ભાષાંતર પૂરું કર્યું. આ ભાષાંતર પૂરું કરવામાં ૨૩ વર્ષ લાગ્યાં. જોકે ભાષાંતર કરવું એ લોઢાના ચણા ચાવવા જેવું કામ હતું. કૅનેડાની બાઇબલ સોસાયટીના નિર્દેશક હાર્ટ વિન્સે કહ્યું, “અહીં લોકો ઘેટા, ઊંટો અને ગધેડા તેમ જ ખજૂરીનાં વૃક્ષો શું છે એ જાણતા નથી. તેથી, તેઓ સમજી શકે એમ સીલ, વૉલરસ પ્રાણીઓ અને થોડાં જ વૃક્ષોનું ભાષાંતર કરવું બહુ જ અઘરું થઈ પડ્યું. દાખલા તરીકે ખજૂરીના વૃક્ષ માટે બાઇબલમાં ઘણા શબ્દો છે. પરંતુ, ન્યુનાવ્યુટ [કૅનેડાના પશ્ચિમ ભાગના વિસ્તાર]માં તો વૃક્ષો જ નથી. એના લીધે ખજૂરીનું વૃક્ષ શું છે એ સમજાવવું, ખૂબ જ અઘરું હતું.” કૅનેડાના લગભગ ૨૮,૦૦૦ રહેવાસીઓની માતૃભાષા ઇનુક્ટીટુટ છે. પરંતુ નેશનલ પોસ્ટ કહે છે, “હવે બાઇબલ ૨,૨૮૫ કરતાં વધારે ભાષાઓમાં મળે છે.” (g 03 1/08)
ચર્ચો ઘટી રહ્યાં છે
મૉંટ્રિઑલના ધ ગેઝેટ છાપાએ કહ્યું, “માર્ક ટ્વીને વર્ષ ૧૮૮૧માં મૉંટ્રિઑલની મુલાકાત લીધી ત્યારે, તેમને ચારેબાજુ ચર્ચ જ જોવા મળ્યા. પરંતુ, હવે ચર્ચને બદલે બધે એપાર્ટમેન્ટ થઈ ગયા છે.” જોકે, એ શહેરમાં હજુ પણ ૬૦૦ ધર્મિક સ્થળો છે. તેમ છતાં, છાપું કહે છે કે આવતા વર્ષોમાં લગભગ ૧૦૦ કરતાં વધારે કૅથલિક ચર્ચો વેચાશે. “મૉંટ્રિઑલના બિશપ અનુસાર, ૧૯૬૦થી લગભગ ૨૫ કૅથલિક ચર્ચો બંધ થઈ ગયાં છે.” જ્યારે કે કૅનેડામાં વર્ષ ૧૮૭૧માં લગભગ ૧૫ લાખ કૅથલિકની વસ્તીમાં વધારો થઈને, ૧૯૭૧માં લગભગ ૧ કરોડની થઈ છે. તેમ છતાં, ગેઝેટ બતાવે છે, “ક્યુબેકમાં ચર્ચમાં જનારાઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે.” મૉંટ્રિઑલ ચર્ચના પાદરીના મુખ્ય અધિકારી બર્નાડ ફોરટાને કહ્યું, વર્ષ ૧૯૭૦માં ચર્ચમાં જનારાઓની સંખ્યા ૭૫ ટકા હતી જે હવે ઘટીને લગભગ ૮ ટકાની થઈ ગઈ છે. (g 03 2/22)
લોહીની આપ-લેથી ફેફસાંને થતું નુકસાન
અમેરિકાનું ખોરાક અને દવાની પ્રયોગશાળાનું FDA કન્ઝયુમર મૅગેઝિન બતાવે છે, “લોહીના ઘટકો એમાંય ખાસ કરીને પ્લાઝમા ધરાવતા ઉત્પાદનનો ઉપયોગ કરનારા લોકોને, લોહીની આપ-લેથી ફેફસાંને ભયંકર રોગ થઈ શકે.” આ રોગને તપાસ કરીને સારવાર કરવામાં ન આવે તો, મરી પણ શકે છે. “લોહી આપનારના શ્વેતકણો, લોહી લેનારના શ્વેતકણો પર ખોટી અસર કરે ત્યારે, ફેફસાંની માંશપેશીઓમાં ફેરફાર થવાથી પ્રવાહી અંદર જાય છે. જે સ્ત્રીને બે કરતાં વધારે બાળકો હોય, એ લોહી આપે અથવા જેઓએ ઘણી વખત લોહીની આપે-લે કરી હોય એવી વ્યક્તિઓમાં આ મુશ્કેલી ઊભી થાય છે.” એની ખબર ત્યારે પડે છે જ્યારે, “તાવ આવે, શ્વાસ ચઢે અને લોહીનું દબાણ નીચું થઈ જાય. એક્સરેમાં લોહી [લેનાર] વ્યક્તિના ફેફસાં એકદમ સફેદ જોવા મળે છે.” (g 03 3/08)
પ્રદૂષણ ઘટાડતાં વૃક્ષો
લંડનનું ધ સન્ડે ટાઈમ્સ અહેવાલ આપે છે, “પહેલી વાર નિષ્ણાતોને જાણવા મળ્યું કે અમુક પ્રકારનાં વૃક્ષો પ્રદૂષણ ઘટાડે છે.” ઇંગ્લૅંડ અને સ્કૉટલૅન્ડના વૈજ્ઞાનિકોએ વેસ્ટ મીડલૅન્ડ્સ વિસ્તારમાં ત્રણ વર્ષ અભ્યાસ કર્યો. તેઓએ લગભગ ૩૨,૦૦૦ વૃક્ષોની આસપાસથી અમુક માટી લીધી અને કયું વૃક્ષ પ્રદૂષણ શોષે છે એ જોયું. સંશોધકોએ વાતાવરણ અને ઓઝોન સ્તરમાંના તત્વો પણ જોયા. તેઓને જોવા મળ્યું કે રાખોડી રંગનું વૃક્ષ (ash), શંકુ આકારનું એક ઝાડ (larch), સ્કોટ્સ પાઇન નામનાં વૃક્ષો સૌથી વધારે પ્રદૂષણ શોષે છે. જ્યારે કે ઓક, નેતરનું વૃક્ષ અને પૉપલર નામનું વૃક્ષ એકદમ ઓછું પ્રદૂષણ શોષે છે. વળી, એ અભ્યાસે બતાવ્યું કે, “ઘાસ કરતા વૃક્ષો ત્રણ ગણું પ્રદૂષણ ઘટાડે છે.” ખરેખર, કૉમ્પ્યુટર પર કરવામાં આવેલા અખતરાથી જાણવા મળ્યું કે, વેસ્ટ મીડલૅન્ડ્સના ફક્ત અડધા ભાગમાં વૃક્ષો રોપવામાં આવે તો, હવાના પ્રદૂષણમાં ૨૦ ટકાનો ઘટાડો થઈ શકે છે. (g 03 3/22)
ધર્મ અને યુદ્ધ
યુએસએ ટુડે નામનું છાપું બતાવે છે, “ધર્મના કારણે . . . આજે આખી દુનિયા ભડકે બળી રહી છે.” વળી, તેઓ વચ્ચે શાંતિ લાવવી પણ ખૂબ જ મુશ્કેલ છે. વળી, છાપું આગળ બતાવે છે, “ખાસ કરીને જ્યારે બંને પક્ષો દાવો કરે કે દેવ અમારા પક્ષમાં છે ત્યારે તેઓમાં શાંતિ કરાવવી લોઢાના ચણા ચાવવા જેટલું અઘરું બની જાય છે. ઘણી વાર ધર્મો સીધેસીધા જમીન કે સત્તા માટે ઝગડતા નથી, પણ એઓ જરૂર આગમાં ઘી હોમે છે.” ધર્મના લીધે ઘણી વાર બંને પક્ષમાં શાંતિ કરાવવી મુશ્કેલી બની જાય છે. એનું એક ઉદાહરણ કોસોવામાં થયેલા યુદ્ધમાં જોવા મળે છે. ઇસ્ટર દરમિયાન યુદ્ધ થોડું ઠંડું પાડવાનું નક્કી કરવામાં આવ્યું. પરંતુ, તેઓએ એમ ન કર્યું કારણ કે કૅથલિક અને ઑર્થોડોક્સ ખ્રિસ્તીઓ જુદા જુદા દિવસે ઈસ્ટર ઉજવે છે. “તેથી લડાઈ ચાલુ જ રહી,” યુએસ ટુડે કહે છે. (g 03 3/22)