સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વેશ્યાગીરીનું કારણ!

વેશ્યાગીરીનું કારણ!

વેશ્યાગીરીનું કારણ!

શતમે જાણો છો કે દુનિયાનો ત્રીજા નંબરનો ગેરકાનૂની ધંધો કયો છે? એ દેહ વેચવાનો ધંધો છે, જે ડ્રગ્સ અને હથિયારના વેપારને પણ ટપી જાય છે. યુનાઈટેડ નેશન્સ શિક્ષણ, વિજ્ઞાન અને સંસ્કૃતિ શીખવતી સંસ્થા પ્રમાણે દરેક પ્રકારની વેશ્યાગીરી દિવસે દિવસે ફૂલીફાલી રહી છે.

દક્ષિણ અમેરિકાના એક દેશમાં, વેશ્યાગીરી વિષે સંશોધન કરતી એક સંસ્થાના જણાવ્યા પ્રમાણે દેહનો સોદો કરવો એ ગુનો છે. તેમ છતાં ૫,૦૦,૦૦૦ કરતાં વધારે ફૂલ જેવી કુમળી છોકરીઓ પોતાનો દેહ વેચે છે.

બીજા દેશોમાં, ખાસ કરીને ડ્રગ્સનો વેપાર થતો હોય ત્યાં ૩,૦૦,૦૦૦ બાળકો વેશ્યાના ધંધામાં ફસાયા છે.

એક અહેવાલ બતાવે છે કે, એશિયામાં દસ લાખ છોકરીઓને ગુલામની જેમ વેશ્યાના ધંધામાં ધકેલવામાં આવી છે. કેટલાક દેશોમાં તો આ ધંધો ખૂબ જ ફૂલ્યોફાલ્યો છે.

આજે એઇડ્‌સ જેવા જાતીયતાથી ફેલાતા રોગો વધી રહ્યા હોવાથી, ગ્રાહકો બાળકો માટે મોં માગી કિંમત ચૂકવવા તૈયાર હોય છે. કેમ કે બાળકોને આ રોગ થવાની બહુ ઓછી શક્યતા હોય છે. બ્રાઝિલની ન્યાયાધીશ લૂઈસા નાશીબ એલુફ કહે છે: “એઇડ્‌સના ભયને કારણે પુરુષો નાના છોકરા છોકરીઓને વધારે પસંદ કરતા હોય છે અને એને લીધે પરિસ્થિતિ વધારે વણસે છે.” તેમણે એમ પણ કહ્યું: “બ્રાઝિલની ગરીબ સ્ત્રીઓમાં, છોકરીઓનું જાતીય શોષણ ત્યાંના સમાજની એક ગંભીર સમસ્યા છે.”

ગરીબી અને બાળ-વેશ્યાગીરી

ગરીબીમાં બાળ વેશ્યાગીરી પાંગરે છે. એક સરકારી અધિકારી અનુસાર, તેમના દેશમાં “કુટુંબમાં ભાગલા, ગરીબી અને ભૂખમરાને લીધે” બાળકોનું શોષણ થાય છે અને તેઓને વેશ્યા બનવા મજબૂર કરવામાં આવે છે. કેટલાક માબાપ કહે છે કે ગરીબીને લીધે તેઓએ પોતાનાં બાળકોના દેહ વેચવા પડે છે. આમ, રસ્તે રઝળતાં બાળકોએ મજબૂરીથી પોતાનાં શરીર વેચવાં પડે છે, કેમ કે એના પર તેઓનું જીવન ટકી રહે છે.

બ્રાઝિલનું એક છાપું સમજાવે છે કે અલગારી ગેંગમાં જોડાઈને છોકરીઓ છેવટે વેશ્યા બને છે. પેટ ભરવા પૈસા ન હોવાથી તેઓ કદાચ ચોરી કરશે અથવા અમુક સમયે પોતાનો દેહ પણ વેચશે. આમ, તેઓ ગ્રાહકો શોધતી થઈ જાય છે.

કેટલાક યુવાનોને વેશ્યા તરીકે કામ કરવા બીજા દેશોમાં મોકલવામાં આવે છે. યુનાઈટેડ નેશન્સ શિક્ષણ, વિજ્ઞાન અને સંસ્કૃતિ શીખવતી સંસ્થા કહે છે: “વિદેશમાં કામ કરતી વેશ્યાઓ એશિયા કે આફ્રિકામાં પોતાના ઘરે થોડા પૈસા મોકલે છે એ તેઓના કુટુંબને મોટી રકમ લાગે છે.” આ દેશોમાં વેશ્યાના ધંધા માટે ઉશ્કેરવામાં આવે છે, કારણ કે ધનવાન દેશોમાંથી પ્રવાસીઓ આ યુવાન બાળકો દ્વારા આપવામાં આવતી ‘સેવાનો’ લાભ લેવા આવે છે.”

દક્ષિણ અમેરિકામાં વેશ્યાગીરી કરવા રઝળતાં બાળકોએ સામનો કરવા પડતા જોખમ વિષે ટાઈમ મૅગેઝિન અહેવાલ આપે છે: “કેટલીક વેશ્યાઓ તો ફક્ત ૧૨ વર્ષની જ હોય છે. કુટુંબ વેરણ-છેરણ થઈ ગયું હોવાથી દિવસ દરમિયાન તેઓને જ્યાં જગ્યા મળે ત્યાં સૂઈ જાય છે અને ડિસ્કોમાં ગ્રાહક શોધી રાત પસાર કરતી હોય છે.”

સામાન્ય રીતે, ડ્રગ્સના નશામાં બાળકો ન કરવા જેવું કરી બેસે છે. દાખલા તરીકે, વૅઝા મૅગેઝિન અનુસાર, એક ડૉક્ટરે ટેપ કરેલી ૯૨ વિડિયો કૅસેટો પોલીસને મળી. એ કૅસેટોમાં ૫૦ સ્ત્રીઓ પર ગુજારેલા અત્યાચાર વિષે રેકોર્ડ કરેલું હતું કે જેમાંની કેટલીક તો કાચી ઉંમરની હતી.

એવું સાંભળીને શરીર કંપી ઊઠે છે છતાં, એક યુવાન વેશ્યાએ કહ્યું: “જો હું નોકરી શોધું તો, મારી પાસે કોઈ આવડત નહિ હોવાથી હું એક ટંકનું ખાવાનું પણ ન મેળવી શકું. હું શું કરું છું એ વિષે મારું કુટુંબ સારી રીતે જાણે છે. હું મારું આ જીવન છોડવા માંગતી નથી. મારું શરીર છે, હું મન ફાવે તેમ એને વાપરી શકું છું.”

તોપણ, આ છોકરીઓએ હાથે કરીને કૂવામાં પડવાનું વિચાર્યું હોતું નથી. એક સમાજ સેવિકા અનુસાર, ઘણી યુવાન વેશ્યાઓ “પોતાનું ઘર માંડવા ઇચ્છતી હોય છે.” આથી, તેઓ પોતાના સ્વપ્નના “રાજકુમારને” શોધતી હોય છે. પરંતુ સંજોગોને વશ થઈને તેઓ વેશ્યા બની જાય છે. પરંતુ એક સંશોધિકા દાવો કરે છે: “સૌથી ચોંકાવનારી બાબત તો એ છે કે મોટા ભાગના બાળકો પર પોતાના ઘરમાંથી જ કોઈએ બળાત્કાર કર્યો હોય છે.”

શું બાળ-વેશ્યાગીરીનો અંત આવશે?

તેમ છતાં, આ અભાગા બાળકો માટે આશા છે. કોઈ પણ વયની વેશ્યાઓ પોતાનું જીવન બદલે છે. (“લોકો સુધર્યા છે” પાન ૭ પરનું બૉક્સ જુઓ.) જગતવ્યાપી લાખો લોકોને બાઇબલે એક સારા નાગરિક અને કુટુંબના સારા સભ્ય બનવામાં મદદ કરી છે. એક સમયે વ્યભિચારી, લંપટ, ચોર, લોભી અને છાટકા હતા એવા લોકો વિષે આપણે વાંચીએ છીએ: “તમારામાંના કેટલાએક એવા હતા; પણ તમે પ્રભુ ઈસુને નામે તથા આપણા દેવના આત્માથી શુદ્ધ થયા, અને પવિત્રીકરણ તથા ન્યાયીકરણ પામ્યા.”—૧ કોરીંથી ૬:૯-૧૧.

પહેલી સદીના લોકોની જેમ આજે પણ, લોકો સારું જીવન બનાવવા માટે ફેરફાર કરે છે. તેમ છતાં જાતીય શોષણ અટકાવવા કંઈક વધારે કરવાની જરૂર છે. કેટલીક સરકારો અને સંગઠનો જાતિય શોષણ અને બાળ વેશ્યાગીરી વિરુદ્ધ લડત આપી રહી છે. પરંતુ, વાસ્તવિક રીતે જોઈએ તો માણસો ગરીબી દૂર કરવા કંઈ કરી શકતા નથી. કાયદા ઘડનારાઓ વ્યક્તિના મનમાંથી ગંદા વિચારો અને ખરાબ વલણો જડમૂળથી કાઢી શકે એમ નથી!

હા, માણસો નહિ પરંતુ પરમેશ્વરનું રાજ્ય સર્વ મુશ્કેલીઓને દૂર કરશે. એ બાબત, હવે પછીનો લેખ બતાવશે. (g 03 2/08)

[પાન ૬ પર બ્લર્બ]

ગરીબીના કારણે વેશ્યાગીરી શરૂ થાય છે

[પાન ૬ પર બોક્સ]

કડવો અનુભવ

ડમૂને કડવો અનુભવ થયો. તે ફક્ત છ વર્ષની હતી ત્યારે તેના એક ભાઈએ તેના પર બળાત્કાર કર્યો. પછી, તે ૧૪ વર્ષની થઈ ત્યાં સુધી તેની સાથે રહી. ત્યાર પછી, તેણે નાઇટક્લબમાં કામ કરવાનું શરૂ કર્યું. થોડા દિવસો પછી, ડમૂ બીમાર પડી. તે સાજી થઈ ત્યારે, ક્લબના માલિકે કહ્યું કે સારી સારવાર પાછળ મને ઘણો ખર્ચ થયો છે, એ વાળી આપવા તારે વેશ્યા બનવું જ પડશે. એના લગભગ એક વર્ષ પછી પણ, તેનું દેવું ઊતર્યું ન હતું. તેને એમ લાગતું હતું કે તેનું દેવું ક્યારેય નહિ ઊતરે. તેમ છતાં, એક નાવિકે તેનું દેવું ચૂકતે કર્યું અને તેને બીજા શહેરમાં લઈ ગયો. તે તેને ગુલામની જેમ રાખવા લાગ્યો. સમય જતાં ડમૂ તેને છોડીને બીજા એક માણસ સાથે ગઈ. તે તેની સાથે ત્રણ વર્ષ રહી. છેવટે બંનેએ લગ્‍ન કર્યા. તેના લગ્‍નજીવનમાં ઘણી મુશ્કેલીઓને લીધે તેણે ત્રણ વાર આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો.

છેવટે, તેણે અને તેના પતિએ બાઇબલ અભ્યાસ શરૂ કર્યો. પરંતુ ડમૂ પોતાને યહોવાહની સાક્ષી બનવાને લાયક સમજતી ન હતી. પછી તેને બાઇબલમાંથી બતાવવામાં આવ્યું કે યહોવાહ પોતાનામાં જરૂરી ફેરફાર કરનારને સ્વીકારે છે. ત્યાર પછી, સમય જતા, તેણે પોતાનું સમર્પણ કર્યું. ડમૂએ યહોવાહને ખુશ કરતી સાચી બાબતો કરવા ઘણા પ્રયત્નો કરવા પડતા. પરંતુ, હજુ પણ તેને ઘણી લડત આપવી પડતી હતી અને ઘણી વાર તે નિરાશામાં ડૂબી જતી હતી. તેને બાળ વેશ્યાગીરી અને જાતીય અત્યાચારનો ભોગ બનવાથી ઘણો માનસિક આઘાત લાગ્યો હતો. તેમ છતાં, આનંદની વાત છે કે તે મદદ સ્વીકારીને એમાંથી બહાર નીકળી શકી. આમ, તે માનસિક સ્વસ્થતા મેળવી શકી.

[પાન ૭ પર બોક્સ]

લોકો સુધર્યા છે

ઈસુ પૃથ્વી પર હતા ત્યારે, તેમને દુઃખી અને પાપી લોકો પ્રત્યે દયા આવી. તે સમજ્યા કે ભલે વેશ્યાઓ ગમે તે ઉંમરની હોય પરંતુ તેઓ પોતાનું જીવન બદલી શકે છે. ઈસુએ ધર્મગુરુઓને કહ્યું: “જકાતકારો અને વેશ્યાઓ તમારી અગાઉ ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરશે.” (માત્થી ૨૧:૩૧, IBSI) ભલે તેઓની જીવન ઢબને લીધે તેઓને ધિક્કારવામાં આવતી હોય પરંતુ, આવી નમ્ર હૃદયની વ્યક્તિઓ પરમેશ્વરના પુત્રમાં વિશ્વાસ કરવાને કારણે માફી મેળવે છે. પસ્તાવો કરનાર પાપી, પરમેશ્વરના રાજ્યના આશીર્વાદો મેળવવા વેશ્યાગીરીનો માર્ગ છોડવા તૈયાર હતા. ત્યાર પછી, તેઓ પરમેશ્વરનાં ધોરણો પ્રમાણે જીવન જીવ્યાં. આજે પણ સર્વ પ્રકારના લોકો બાઇબલમાંથી સત્ય સ્વીકારે છે અને તેમના જીવનનો માર્ગ સુધારે છે.

શરૂઆતના લેખમાં ઉલ્લેખવામાં આવેલી મીના, કાજલ અને ઈન્દિરાનું શું થયું એ જુઓ. મારિયાની મમ્મી તેને વેશ્યાનો ધંધો ચાલુ રાખવા દબાણ કરતી હતી. આ ઉપરાંત તેણે ડ્રગ્સ છોડવા પણ સખત લડત આપવી પડતી હતી. તે કહે છે: “વેશ્યાનું જીવન જીવવાને લીધે હું નકામી છું એવી લાગણી દબાવવા ડ્રગ્સ લેતી હતી.” મારીયાને યહોવાહના સાક્ષીઓના મંડળમાં જે રીતે આવકારવામાં આવી એ વિષે તે કહે છે: “મંડળના ભાઈબહેનોએ મારા પ્રત્યે જે પ્રેમ બતાવ્યો એનાથી હું ચકિત થઈ ગઈ. નાના મોટા સર્વ મારી સાથે માનથી વાત કરતા હતા. મેં એ પણ જોયું કે પરણેલા ભાઈઓ પોતાની પત્નીને વફાદાર હતા. તેઓએ મને તેઓની મિત્ર ગણી એથી મારો આનંદ સમાતો નથી.”

કાજલ ૧૭ વર્ષની હતી ત્યારે યહોવાહના સાક્ષીઓ તેને મળ્યા. તેણે બાઇબલ અભ્યાસ કરવાનું શરૂ કર્યું. તેમ છતાં, તરત જ તેણે પોતાનો ધંધો છોડી દીધો નહિ, સમય જતાં તે બાઇબલ શિક્ષણ પોતાના દિલમાં ઉતારવા લાગી. પછી એ ધંધો છોડવા માટે તે બીજા શહેરમાં રહેવા ગઈ અને ત્યાં જરૂરી સુધારો કરીને પોતે એક યહોવાહની સાક્ષી બની.

ઈન્દિરાનું જીવન પણ ઘણું ખરાબ હતું. તે વેશ્યાગીરી, મોજશોખ અને છાટકી તરીકે જીવન જીવતી હતી. તેને બાઇબલમાં રસ પડ્યો. તેમ છતાં, તે એવું માનતી હતી કે પરમેશ્વર તેને કદી માફ નહીં કરે. પરંતુ સમય જતા તેને ખબર પડી કે પસ્તાવો કરનારને પરમેશ્વર જરૂર માફ કરે છે. હવે તે એક યહોવાહની સાક્ષી છે. તેના લગ્‍ન થઈ ગયા છે અને તેને ત્રણ બાળકો પણ છે. તે કહે છે: “હું ખૂબ ખુશ છું. તેમ જ યહોવાહની આભારી છું કારણ કે તેમણે મને કાદવમાંથી બહાર કાઢીને તેમના શુદ્ધ સંગઠનમાં આવકારી છે.”

આ અનુભવો બતાવી આપે છે કે યહોવાહ પરમેશ્વર માનવોને કેટલો પ્રેમ કરે છે. બાઇબલ એના વિષે આમ કહે છે: “સઘળાં માણસો તારણ પામે, ને તેમને સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય એવી તેની [પરમેશ્વરની] ઇચ્છા છે.”—૧ તીમોથી ૨:૪.

[પાન ૭ પર ચિત્ર]

બાળ વેશ્યાઓ ઘણી વાર ડ્રગ્સના ચક્કરમાં ફસાય છે

[પાન ૫ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

© Jan Banning/Panos Pictures, 1997