સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

હું નફરતની જંજીરમાંથી છૂટ્યો

હું નફરતની જંજીરમાંથી છૂટ્યો

હું નફરતની જંજીરમાંથી છૂટ્યો

હોસા ગોમેઝના કહ્યા પ્રમાણે

મારો જન્મ ફ્રાંસની દક્ષિણે આવેલા રોન્યાકના એક નાના ગામમાં થયો હતો. અમારું કુટુંબ વણઝારા કોમમાંથી આવે છે. મારા માબાપ અને દાદા-દાદી બધા જ ઉત્તર આફ્રિકાના અલ્જેરિયા અને મોરોક્કોમાં જન્મ્યા હતા. વણઝારા સમાજમાં હોય છે તેમ, અમારો પરિવાર ખૂબ જ મોટો હતો.

મારા પપ્પા સ્વભાવે ઉગ્ર અને ગમે તેની પર હાથ ઉપાડી લેતા હતા. મને હજુ પણ યાદ છે કે હું નાનો હતો ત્યારે, તે ઘણી વાર મારી મમ્મીની મારપીટ કરતા હતા. છેવટે, મારી મમ્મીથી એ સહન થયું નહિ અને તેણે છૂટાછેડા લઈ લીધા. જોકે, વણઝારા સમાજમાં ભાગ્યે જ કોઈ છૂટાછેડા લેતું હતું. પછી મમ્મી મને, મારા નાના ભાઈને અને મારી મોટી બહેનને લઈને બેલ્જિયમ જતી રહી. ત્યાં અમે આઠ વર્ષ સુધી શાંતિથી રહ્યા.

સમય જતા, અમારા જીવનમાં એક ફેરફાર આવ્યો. હવે મારા પપ્પાને મળ્યાને ઘણાં વર્ષો વીતી ગયા હોવાથી, હું અને મારા ભાઈબહેનો તેમને મળવા માગતા હતા. તેથી, મમ્મી અમને ફ્રાંસ લઈ ગઈ અને અમે ફરીથી પપ્પા સાથે રહેવા લાગ્યા. હવે પપ્પા સાથે રહેવાથી ફરીથી તકલીફ ઊભી થઈ. બેલ્જિયમમાં અમે મમ્મી સાથે ગમે ત્યાં જઈ શકતા હતા. પરંતુ, મારા પપ્પાના કુટુંબમાં પુરુષો, પુરુષો સાથે જ હરતા ફરતા હતા. તેઓના મનમાં હતું કે પુરુષોને કંઈ પણ કરવાનો હક્ક છે જ્યારે, સ્ત્રીઓ બસ ઘરનું કામ અને પુરુષોની સેવા માટે જ બનેલી છે. દાખલા તરીકે, એક દિવસ એમ બન્યું કે જમ્યા પછી, મારા ફોઈ રસોડામાં કામ કરતા હતા. તેથી, હું તેમને મદદ કરવા ગયો. પરંતુ, મારા કાકાએ એ જોયું ત્યારે, તેમણે તરત જ મારા પર દોષ લગાવ્યો કે હું તો પુરુષો સાથે ગંદો સંબંધ રાખું છું. તેમના કુટુંબમાં રસોડાનું કોઈ પણ કામ કરવું એ ફક્ત સ્ત્રીઓની જ જવાબદારી હતી.

થોડા જ દિવસોમાં મારા પપ્પાએ ફરીથી તેમનો પરચો બતાવ્યો! તેમનો પિત્તો વારંવાર જવા લાગ્યો અને તે ફરીથી મારી મમ્મીને સટાક સટાક મારવા લાગ્યા. ઘણી વાર તો અમે મમ્મીને છોડાવવા વચ્ચે પણ પડતા. પણ પછી પપ્પા અમને મારવા ધસી આવતા ત્યારે, હું અને મારો ભાઈ બારીમાંથી કૂદીને ભાગી જતા. અરે, તે મારી બહેનને પણ મારતા હતા. ઘરમાં આવું વાતાવરણ હોવાથી, હું બની શકે એટલો ઘરથી બહાર રહેવા લાગ્યો. એ સમયે હું ફક્ત ૧૫ વર્ષનો જ હતો અને જીવનમાં શું કરવું એની કંઈ ખબર પડતી ન હતી. જેવો સંગ એવો રંગ, હા આવા વિચારોનો રંગ ધીરે ધીરે મને પણ લાગવા માંડ્યો.

છેવટે મારું મગજ પણ મારા પપ્પા જેવું જ ઉગ્ર થઈ ગયું. હું ગુંડાઓની એક ગેંગમાં જોડાઈ ગયો. મને દાદાગીરી કરવાની ખૂબ મજા આવતી. ઘણી વાર તો હું બીજા યુવાનિયાઓને સામેથી ખીજવતો હતો. તેઓમાંથી ભાગ્યે જ કોઈ મારી સામે થતું. ક્યાંથી થાય, હું હંમેશાં મારી પાસે ચપ્પુ કે ચેઈન રાખતો હતો! થોડા જ સમયમાં હું વાહનચોર બની ગયો. હું એને ચોરીને પછી વેચી મારતો. ઘણી વાર તો હું ચોરેલા વાહનને સળગાવી દેતો. ફાયર બ્રિગેડના માણસોને એને હોલવતા જોઈને મને ખૂબ મજા પડતી! પછી મેં દુકાનો અને ગોદામોમાં ચોરી કરવાનું શરૂ કર્યું. બેથી ત્રણ વાર તો મને પોલીસે પકડ્યો પણ ખરો. તેઓ જ્યારે પણ મને પકડી લેતા ત્યારે, હું મદદ માટે ઈશ્વરને પ્રાર્થના કરતો!

હા, તમને નવાઈ લાગતી હશે પણ હું ખરેખર પરમેશ્વરમાં માનતો હતો. અમે બેલ્જિયમમાં હતા ત્યારે, હું ધાર્મિક સ્કૂલમાં પણ ગયો હતો. તેથી, મને ખબર હતી કે હું જે કંઈ કરી રહ્યો છું એ ખોટું છે. તોપણ, હું જરાય બદલાયો નહિ. હું એમ જ માનતો હતો કે હું પરમેશ્વર પાસે મારાં પાપોની માફી માંગીશ ત્યારે, તે મને માફ કરી દેશે.

વર્ષ ૧૯૮૪માં મને ચોરી બદલ ૧૧ મહિના જેલની સજા થઈ હતી. મને માર્સેલીઝની બોમેટ જેલમાં પૂરી દેવામાં આવ્યો. ત્યાં મેં મારા શરીર પર ઘણાં છૂંદણાં પડાવ્યાં. એક છૂંદણામાં તો મેં આવું લખાણ કોતરાવ્યું કે “નફરત અને વેર.” ત્યાં હું સુધરવાને બદલે વધારે બગડતો ગયો. જેલના અધિકારીઓ અને બહારના સમાજ પ્રત્યે મારા દિલમાં નફરતની આગ ભભૂકી ઊઠી. જેલમાં ફક્ત ત્રણ મહિના રહીને હું છૂટ્યો ત્યારે, મારી રગેરગમાં નફરત ભરેલી હતી. પછી એક એવો કરુણ બનાવ બન્યો કે જેણે મારા જીવનની સિકલ બદલી નાખી.

હું વેર વાળવા અધીરો બન્યો

મારા કુટુંબને બીજા એક વણઝારા કુટુંબ સાથે ઝઘડો થયો હતો. મારા બંને કાકા સાથે હું ઝઘડો થાળે પાડવા ગયો. હવે અમારાં બંને કુટુંબો પાસે બંદૂકો હતી. પછી ઝઘડો થાળે પડવાને બદલે વધુ ફાટી નીકળ્યો ત્યારે, તેઓએ મારા બંને કાકાને ત્યાંને ત્યાં જ ગોળીએ મારી નાખ્યા. એનાથી હું તો લાલપીળો થઈ ગયો અને ગાંડાની જેમ મારો કાબૂ ગુમાવી દીધો. મેં હાથમાં બંદૂક લીધી અને રસ્તામાં બૂમાબૂમ કરી મૂકી. છેવટે મારા એક કાકાએ મારા હાથમાંથી બંદૂક છીનવી લઈને સંતાડી દીધી.

પ્યેર કાકા મારે મન મારા પપ્પા જેવા જ હતા. તેમને ગુમાવીને મને ખૂબ આઘાત લાગ્યો હતો. એનાથી હું ઊંડા શોકમાં ડૂબી ગયો. મેં અમારા વણઝારા સમાજના રિવાજ પ્રમાણે શોક પણ પાળ્યો. ઘણા દિવસો સુધી મેં દાઢી પણ કરી ન હતી અને મીટ ખાવાનું બંધ કરી દીધું હતું. મેં ટીવી જોવાનું કે કોઈ સંગીત સાંભળવાનું પણ બંધ કરી દીધું. મેં મારા કાકાના ખૂનનો બદલો લેવાના સોગંદ ખાધા હતા. પણ મારા સગાઓ કોઈ પણ રીતે મને બંદૂક મેળવવા દેતા ન હતા.

ઑગસ્ટ, ૧૯૮૪માં હું ફોજમાં જોડાયો. પછી હું ૨૦ વર્ષનો થયો ત્યારે, લેબેનનમાં યુએનના શાંતિરક્ષક દળમાં જોડાયો. ત્યાં પણ અમારો જીવ જોખમમાં હતો. એ સમયે હું ભરપૂર ગાંજો પીતો હતો. એમ નશો કરીને હું માનતો હતો કે કોઈ મારો એક વાળ પણ વાંકો નહિ કરી શકે.

લેબેનનમાં કોઈ પણ શસ્ત્રો મેળવવાં રમત વાત હતી. તેથી, મેં બંદૂકો ખરીદીને ફ્રાંસમાં મોકલવાનું નક્કી કર્યું જેથી, હું મારા કાકાના મોતનો બદલો લઈ શકું. મેં બે પિસ્તોલ અને ગોળીઓ ખરીદી. પછી પિસ્તોલના ભાગો છૂટા પાડીને બે રેડિયોમાં સંતાડી દીધા. પછી મેં એને મારા ઘરે પાર્સલ કરી દીધા.

મારે લશ્કરમાંથી છૂટા થવાને બે જ અઠવાડિયાં બાકી હતા. એક દિવસ હું અને બીજા ત્રણ સાથીઓ કોઈની રજા લીધા વગર, વેકેશન પર ભાગી ગયા. પરંતુ અમે પાછા આવ્યા ત્યારે, અમને જેલમાં પૂરવામાં આવ્યા. એક દિવસ જેલના એક ગાર્ડે મારું અપમાન કરીને મને ઉતારી પાડ્યો ત્યારે, મારો ક્રોધ ભભૂકી ઊઠ્યો. તેથી હું તેના પર તૂટી પડ્યો. મને થયું કે મારું અપમાન કરવાની તેની હિંમત જ કેમ ચાલી. એના બીજા જ દિવસે જેલના બીજા એક અધિકારી સાથે મેં મારામારી કરી. તેથી, મારા મિલિટરી સર્વિસના બાકીના દિવસો મારે લીયોનની મોન્ટ્‌લુક જેલમાં પૂરા કરવા પડ્યા.

આઝાદી—એ પણ જેલમાં!

મોન્ટ્‌લુક જેલમાં પહેલાં જ દિવસે એક હસમુખા યુવાને મારો આવકાર કર્યો. પછી મને ખબર પડી કે તે યહોવાહનો એક સેવક હતો. તેને અને બીજા ઘણા યહોવાહના સેવકોને જેલમાં પૂરવામાં આવ્યા હતા. કારણ કે તેઓને કોઈ પણ જાતની લડાઈમાં જોડાવું ન હતું. આ શિક્ષણ તેઓને બાઇબલમાંથી મળ્યું હતું. એનાથી મને ખૂબ નવાઈ લાગી. તેથી, હું તેઓ વિષે વધારે જાણવા આતુર બન્યો.

પછી જલદી જ મને ખબર પડી કે યહોવાહના સાક્ષીઓ પરમેશ્વરની સાચા હૃદયથી ઉપાસના કરે છે. તેઓનાં નૈતિક ધોરણો જોઈને હું મોંમાં આંગળા નાખી ગયો. જોકે, મારા મનમાં ઘણા પ્રશ્નો ઊભા થયા હતા. ખાસ કરીને મારે એ જાણવું હતું કે શું મૂએલાઓ ખરેખર આપણી સાથે સપનામાં વાત કરી શકે કે કેમ. કારણ કે ઘણા વણઝારાઓ એમ માનતા હતા. ઝોં-પોલ નામના એક યહોવાહના સાક્ષી ભાઈ, મને બાઇબલમાંથી શીખવવા તૈયાર થયા. તે મારી સાથે તમે પારાદેશ પૃથ્વી પર હંમેશ માટે જીવી શકો છો પુસ્તકમાંથી અભ્યાસ કરતા હતા. *

મને એ પુસ્તકમાં એટલો તો રસ પડ્યો કે એક જ રાતમાં મેં એને વાંચી નાખ્યું. મેં જે વાંચ્યું એ મને ખૂબ જ ગમી ગયું. હા, જેલમાં હોવા છતાં મને ખરી આઝાદી મળી! પછી જેલમાંથી છૂટ્યો ત્યારે, હું ટ્રેનમાં, મારી સાથે બાઇબલ વિશે શીખવતાં પુસ્તકોની આખી બેગ ભરીને ઘરે લઈ ગયો.

હું સાક્ષીઓને મળી શકું એ માટે, માર્ટિગ ગામમાં તેઓના રાજ્યગૃહમાં ગયો. પછી મેં પૂરા સમયની સેવા આપતા એરિકભાઈ સાથે બાઇબલ વિષે શીખવાનું ચાલુ રાખ્યું. થોડા જ દિવસોમાં મેં સિગારેટ પીવાનું છોડી દીધું અને ગુંડાગીરી કરતા દોસ્તોને પણ મળવાનું બંધ કરી દીધું. બસ, હવે હું નીતિવચનો ૨૭:૧૧ પ્રમાણે ચાલવા માગતો હતો જે કહે છે: “મારા દીકરા, જ્ઞાની થા, અને મારા હૃદયને આનંદ પમાડ, કે મને મહેણાં મારનારને હું ઉત્તર આપું.” ખરેખર, હું યહોવાહને એક પ્રેમાળ પરમેશ્વર તરીકે માનતો હતો અને દરેક રીતે તે જે શીખવતા એ કરવા તૈયાર હતો.

મારા માટે જીવનમાં ફેરફાર કરવા અઘરા હતા

જોકે, મારા માટે બાઇબલનાં ધોરણો પ્રમાણે જીવવું સહેલું ન હતું. દાખલા તરીકે, હું ડ્રગ્સનો એટલો તો બંધાણી થઈ ગયો હતો કે, એક વાર છોડ્યા પછી પાછો હું એની લતે ચઢી ગયો. પછી ઘણાં અઠવાડિયાં સુધી હું એ નશો કરતો રહ્યો. પરંતુ, મારા માટે સૌથી મોટી મુશ્કેલી, બદલાની આગને મનમાંથી ઠારી નાખવાની હતી. હું એરિકની જાણ બહાર, હંમેશાં મારી સાથે પિસ્તોલ રાખતો, જેથી મોકો મળે ત્યારે મારા કાકાનું ખૂન કરનારાઓનો બદલો લઈ શકું. મેં દુશ્મનોને શોધવા રાતોની રાતો ગુજારી હતી.

પછી મેં એરિકને એના વિષે વાત કરી ત્યારે, તેણે મને ચોખ્ખું સમજાવ્યું કે જો હું હથિયાર સાથે રાખીને બદલો લેવા તડપતો રહીશ તો, હું પરમેશ્વરની ઉપાસના કરી શકીશ નહિ. છેવટે મારે શું કરવું જોઈએ એનો નિર્ણય લેવાનો હતો. મેં પાઊલની આ સલાહ પર ખૂબ વિચાર કર્યો: “ઓ વહાલાઓ, તમે સામું વૈર ન વાળો, પણ દેવના કોપને સારૂ માર્ગ મૂકો.” (રૂમીઓને પત્ર ૧૨:૧૯) આ ઉત્તેજન સાથે, મેં મદદ માટે પરમેશ્વર આગળ પ્રાર્થનામાં દિલ ઠાલવી દીધું અને એનાથી હું મારી વેર વાળવાની આગને કાબૂમાં રાખી શક્યો. (ગીતશાસ્ત્ર ૫૫:૨૨) આખરે મેં મારા હથિયારોને ફેંકી દીધા. એક વર્ષ સુધી બાઇબલ વિષે શીખ્યા પછી, મેં ડિસેમ્બર ૨૬, ૧૯૮૬માં યહોવાહને મારું સમર્પણ કરીને બાપ્તિસ્મા લીધું.

મારું કુટુંબ મારી સાથે હતું

હવે હું ઘણો બદલાઈ ગયો હોવાથી, મારા માબાપને પણ બાઇબલમાંથી શીખવા માટે ઘણું ઉત્તેજન મળ્યું. તેમણે ફરીથી એકબીજા સાથે લગ્‍ન કર્યા અને મારી મમ્મીએ જુલાઈ ૧૯૮૯માં બાપ્તિસ્મા લીધું. સમય જતા, મારા કુટુંબમાં બીજા ઘણાને બાઇબલ સંદેશમાં રસ પડ્યો અને તેઓ પણ યહોવાહના સાક્ષી બન્યા.

ઓગસ્ટ, ૧૯૮૮માં મેં પાયોનિયર સેવા કરવાનું નક્કી કર્યું. પછી અમારા મંડળની એક યુવાન બહેન, કાત્યા સાથે હું પ્રેમમાં પડ્યો. અમે જૂન ૧૦, ૧૮૮૯માં લગ્‍ન કર્યા. જોકે, અમારા લગ્‍ન જીવનનું પહેલું વર્ષ કંઈ સહેલું ન હતું. કેમ કે મારે હજુ પણ એ શીખવાનું હતું કે સ્ત્રીઓ પ્રત્યે કેવી રીતે વર્તવું જોઈએ. મને ૧ પીતર ૩:૭ની સલાહને લાગુ પાડવી મુશ્કેલ લાગતું હતું, જેમાં પત્નીઓને માન આપવા પતિઓને ઉત્તેજન આપવામાં આવ્યું છે. મેં ઘણી વાર યહોવાહને પ્રાર્થના કરી કે તે મારું અભિમાન ઉતારવા અને મારા વિચારોને બદલવા મદદ કરે. ધીમે ધીમે મારામાં ઘણો સુધારો આવ્યો.

જોકે, હું હજુ મારા કાકાના મોતના ગમમાંથી બહાર આવ્યો ન હતો. જ્યારે પણ હું તેમના વિષે વિચારતો ત્યારે, ઘણી વાર હું રડી પડતો. એનાથી, મને તેમનું ખૂન થયું હતું એ દિવસ યાદ આવી જતો. અરે, મારા બાપ્તિસ્માને વર્ષો થયા પછી પણ, હું ઘણી વાર એવા વિચારોથી ડરી જતો કે અમારા કુટુંબના દુશ્મનોમાંનું કોઈ મારી સામે ભટકાઈ જશે તો હું શું કરીશ. જો તેઓ મારા પર હુમલો કરે તો હું શું કરીશ? શું મારે તેઓ પર તૂટી પડવું જોઈએ? શું હું પાછો પહેલાના જેવો બની જઈશ?

એક દિવસ હું એક મંડળમાં જાહેર પ્રવચન આપવા ગયો હતો. ત્યાં મેં પેપેયને જોઈ, તે મારા કાકાના ખૂનીઓના કુટુંબની જ હતી. ખરેખર, એ દિવસે મારી ખરી કસોટી થઈ હતી કે હું બાઇબલ ધોરણોને સાચે જ જીવનમાં લાગુ પાડી રહ્યો છું કે કેમ. પણ આ વખતે મેં મનમાં એવું કંઈ પણ આવવા દીધું નહિ કે તે મારી દુશ્મન છે. પછી પેપેયના બાપ્તિસ્માના દિવસે મેં તેને પ્રેમથી ભેટીને યહોવાહની સેવા કરવાનો નિર્ણય લેવા બદલ અભિનંદન આપ્યા. ભલે પહેલાં ગમે તે થયું હોય, હવે તો તે યહોવાહની સેવામાં મારી એક બહેન હતી.

હવે હું દરરોજ યહોવાહનો આભાર માનું છું કે તેમણે મને નફરતની આગમાંથી બહાર આવવામાં મદદ કરી. જો યહોવાહે મારા પર દયા ન બતાવી હોત તો હું આજે ક્યાંયનો રહ્યો ન હોત. યહોવાહ, તમારો ખૂબ આભાર, આજે મારું કુટુંબ ખરેખર ખૂબ સુખી છે. હવે મને સુંદર ભવિષ્યની આશા છે કે જ્યારે કોઈ વેરભાવ કે ધિક્કાર નહિ હોય. હા, મને પૂરો ભરોસો છે કે પરમેશ્વરે આપેલું આ વચન જરૂર પૂરું થશે: “તેઓ સર્વ પોતપોતાના દ્રાક્ષાવેલા તળે તથા પોતપોતાની અંજીરી તળે બેસશે; અને કોઈ તેમને બીવડાવશે નહિ; કેમકે સૈન્યોના યહોવાહના મુખમાંથી એ વચન નીકળ્યું છે.”—મીખાહ ૪:૪. (g 03 1/08)

[ફુટનોટ્‌સ]

^ યહોવાહના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.

[પાન ૧૫ પર ચિત્ર]

વર્ષ ૧૯૮૫માં યુએનના શાંતિરક્ષક દળ સાથે લેબેનનમાં

[પાન ૧૬ પર ચિત્ર]

કાત્યા અને મારાં બાળકો પીઅર અને ટીમીઓ સાથે