સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અકસ્માતે મારું જીવન બદલી નાખ્યું

અકસ્માતે મારું જીવન બદલી નાખ્યું

અકસ્માતે મારું જીવન બદલી નાખ્યું

સ્ટેન્લી ઓમ્બેવાના કહ્યા પ્રમાણે

વર્ષ ૧૯૮૨માં મારો અકસ્માત થયો. એક ગાડી બહુ સ્પીડમાં જઈ રહી હતી, એમાં મારો અકસ્માત થયો. મને દવાખાને દાખલ કરવામાં આવ્યો. પરંતુ, જલદી જ હું સાજો થઈ ગયો અને મારા રોજના કામમાં લાગી ગયો. પરંતુ મારા ગળા અને છાતીની વચ્ચેનો મણકો ખસી જવાના લીધે અમુક વાર મને દુખાવો થતો હતો. તેમ છતાં, ૧૫ વર્ષ પછી મને મારા જીવનનો બહુ જ ખરાબ અનુભવ થયો.

હું મારા અકસ્માત પહેલાં અને કંઈક અંશે અકસ્માત પછી હંમેશાં કામમાં મચ્યો રહેતો. હું સપ્તાહઅંતે ૧૦થી ૧૩ કિલોમીટર દોડતો. તેમ જ સ્કવોશ રમતો અને સખત કામ કરતો. હું યહોવાહના સાક્ષીઓના કીંગડમ હૉલ બાંધવામાં તેમ જ મારા વતન નૈરોબીમાં સંમેલન હૉલ બાંધવામાં પણ મદદ કરતો.

ત્યાર પછી, ૧૯૯૭માં મને છાતીમાં સખત દુખાવો થવા લાગ્યો. તપાસ કરવાથી માલૂમ પડ્યું કે કરોડનો મણકો ખસી ગયો છે અને એનાથી મારી કરોડની એક નસ દબાઈ ગઈ હતી. આ મારા અકસ્માતના લીધે થયું હતું.

સેલ્સમેન તરીકે મારી ખૂબ સરસ નોકરી હતી. એમાં મારા આખા કુટુંબના સ્વાસ્થ્યનો વીમો પણ હતો. નોકરીની બાબતમાં મારું બહુ ઉજ્જવળ ભવિષ્ય હતું. પરંતુ, લગભગ ૧૯૯૮ના મધ્યમાં, મારી છાતીથી માંડી પગ સુધી સખત બહેરાશ મારી ગઈ. આમ, દિવસે દિવસે મારી હાલત કથળવા લાગી.

થોડા જ સમય પછી મારી નોકરી છૂટી ગઈ અને સાથે સાથે એમાંથી મળનારા લાભો પણ જતા રહ્યા. અમારી બે દીકરીઓ, સિલ્વા અને વિલ્હમીના ત્યારે ૧૩ અને ૧૦ વર્ષની હતી. મારી નોકરી છૂટી ગઈ હોવાથી, હવે મારી પત્ની જોઈસના પગાર પર અમારું ગાડું ચાલતું. અચાનક અમારી કમાણી ઓછી થઈ ગઈ હોવાથી, અમે ઘણી બાબતોમાં કાપ મૂક્યો, અને એકદમ સાદું જીવન જીવવા લાગ્યા.

હું ડિપ્રેસ થઈ ગયો

હું જેમ જેમ મારી કથળતી હાલત વિષે જાણતો ગયો તેમ, મારું જીવન નકામું લાગવા માંડ્યું. હું એકદમ ચીડિયલ અને સ્વાર્થી બની ગયો. અરે, અમુક વાર તો હું રાયનો પણ પહાડ બનાવી દેતો. હું લગભગ ડિપ્રેશનમાં જ રહેતો હતો. એના લીધે મારા આખા કુટુંબ પર ટૅન્શન રહેતું હતું. મારી પત્ની અને મારી છોકરીઓ, કદી જોઈ ન હોય એવી પરિસ્થિતિમાં આવી પડ્યા.

અમુક સમયે મને લાગતું કે હું જે વિચારું છું એ જ બરાબર છે. મારું વજન પણ વધતું હતું. મને સંડાસ જવામાં ઘણી તકલીફ પડતી હતી તેમ જ હું પેશાબ પર પણ કાબૂ રાખી શકતો ન હતો. એના લીધે મારે ઘણી વાર શરમાવું પડતું હતું. ઘણી વાર હું એકાંતમાં રડીને મારું દુઃખ હળવું કરતો. એવી પણ પરિસ્થિતિ આવતી કે હું મજાકની બાબતમાં પણ એકદમ ગુસ્સે થઈ જતો. હું જાણતો હતો કે હું મારી હાલત બરાબર હાથ ધરી શકતો નથી.

યહોવાહના સાક્ષીઓના ખ્રિસ્તી મંડળમાં એક વડીલ તરીકે હું સેવા કરતો હતો. મેં ઘણી વાર ભાઈબહેનોને ઉત્તેજન આપ્યું હતું કે કંઈ પણ દુઃખ સહન કરવું પડે તો એનો દોષ યહોવાહને આપવો જોઈએ નહિ. તોપણ, હું અવારનવાર યહોવાહને પૂછતો, ‘હે યહોવાહ, શા માટે મારા માથે આવું દુઃખ પડે છે?’ જોકે મેં ઘણી વાર બીજાઓને ઉત્તેજન આપવા ૧ કોરીંથી ૧૦:૧૩ જેવી કલમોનો ઉપયોગ કર્યો હતો. તોપણ, મને એવું લાગતું હતું કે મારી હદ બહારનું દુઃખ મારા પર આવી પડ્યું છે.

સારવારમાં ઊભી થયેલી તકલીફ

સારી સારવાર મેળવવી અઘરી હતી. હું એક જ દિવસમાં અનેક ડૉક્ટરોને મળતો, અને ઍક્યુપંક્ચર માટે પણ જતો. પણ તેઓની સારવારથી મને થોડી જ રાહત મળતી. મેં ઘણા ડૉક્ટરોની મુલાકાત લીધી હતી. હું હાડકાંના ડૉક્ટર અને મગજના ડૉક્ટરોને પણ મળવા જતો હતો. આ બધા જ ડૉક્ટરો એમ જ કહેતા: પીડામાંથી રાહત મેળવવા અને ખસી ગયેલી કરોડ કાઢી નાખવા ઑપરેશન કરવું જરૂરી છે. પરંતુ બાઇબલની આજ્ઞાને લીધે, મેં આ બધા જ ડૉક્ટરોને સ્પષ્ટ રીતે સમજાવ્યું કે કોઈ પણ સંજોગોમાં મને લોહી ન આપવું.—પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૨૮, ૨૯.

પહેલા સર્જને કહ્યું કે તે મારી પીઠ પર કાપો મૂકીને ઑપરેશન કરશે. મને સમજાવવામાં આવ્યું કે એ જોખમી પણ છે. તોપણ, આ ડૉક્ટરે ખાતરી ન આપી કે તે લોહી નહી જ આપે. તેથી, હું તેમને મળવા પાછો ગયો જ નહિ.

બીજા સર્જને મને કહ્યું કે તે ગળામાંથી ઑપરેશન કરશે. આ પ્રકારની સારવાર મને ખતરનાક લાગી. જોકે તેમને લોહી વગર સર્જરી કરવામાં કંઈ વાંધો ન હતો. પરંતુ તે મારું જેમ બને તેમ જલદી ઑપરેશન કરવા માંગતા હતા અને એ માટે તેમણે મને અમુક સૂચનો પણ આપ્યા. છેવટે મેં તેમની પાસે પણ જવાનું પડતું મૂક્યું.

છેવટે, હું યહોવાહના સાક્ષીઓની હૉસ્પિટલ લીએઝન કમિટીની મદદથી એક સારો ડૉક્ટર શોધી શક્યો. આ ત્રીજા ડૉક્ટરે જે રીતે ઑપરેશન કરવાનું કહ્યું એ બીજા ડૉક્ટરે કરેલી ભલામણ જેવી જ હતી; એમાં ગળામાં કાપો મૂકવાનો સમાવેશ થતો હતો. તેમણે સમજાવ્યું કે ઑપરેશન કરવામાં જોખમ રહેશે.

તે જે રીતે ઑપરેશન કરવાના હતા એ જાણીને જ હું ગભરાઈ ગયો. હૃદય અને ફેફસાં જેવા શરીરના નાજુક અવયવોની આજુબાજુ આ પ્રકારનું ઑપરેશન થશે એ જાણીને મને બહુ ડર લાગતો હતો. શું હું આ પ્રકારના ઑપરેશન પછી બચી જઈશ? આવી બધી ચિંતાઓને લીધે મારો ભય વધી ગયો.

નવેમ્બર ૨૫, ૧૯૯૮ના રોજ નૈરોબીની હૉસ્પિટલમાં મારું ચાર કલાકનું ઑપરેશન થયું. એ ઑપરેશન સફળ રહ્યું. આ ઑપરેશનમાં મારા પલ્વિસનું હાડકું પણ કાઢી નાખ્યું. એને ઘાટ આપવામાં આવ્યો અને ત્યાર પછી એની જગ્યાએ ધાતુની પ્લેટ સ્ક્રૂથી લગાવવામાં આવી. એનાથી રાહત થઈ. પરંતુ, એનાથી મારી બધી મુશ્કેલીઓ દૂર થઈ ગઈ નહિ. મારે બીજી ઘણી મુશ્કેલીઓ સહન કરવી પડી. મારું શરીર હજુ પણ બહેર મારેલું છે.

યહોવાહ પર ભરોસો રાખવો

અગાઉ જણાવ્યું તેમ, હું લાંબો સમય ડિપ્રેશનમાં હતો. પરંતુ, મારા માનવામાં નથી આવતું કે ઘણા ડૉક્ટરો મારા સારા વિચારો અને આશાવાદી વલણના વખાણ કરતા હતા. શા માટે? તેઓ જોઈ શક્યા કે મને ખૂબ પીડા થઈ રહી હોવા છતાં, હું તેઓને પરમેશ્વર વિષે જણાવતો હતો.

જોકે, હું અમુક સમયે મારી હાલતના લીધે ગુસ્સે થઈ જતો કે ચિડાઈ જતો. પરંતુ, હું યહોવાહ પર ભરોસો રાખતો હતો. હું માની પણ ન શકું એટલી તેમણે મને મદદ કરી છે. મેં બાઇબલ વાંચવાનો અને એના પર મનન કરવાનો મક્કમ નિર્ણય કર્યો. મને ખબર હતી કે આ કલમોથી મને જરૂર દિલાસો મળશે:

પ્રકટીકરણ ૨૧:૪: [પરમેશ્વર] તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે; મરણ ફરીથી થનાર નથી; તેમજ શોક કે રૂદન કે દુઃખ ફરીથી થનાર નથી.” નવી દુનિયામાં દુઃખના કોઈ આંસુ નહિ વહે. એ બાઇબલના વચન પર મનન કરવાથી મને ખૂબ દિલાસો મળ્યો.

હેબ્રી ૬:૧૦: “દેવ તમારા કામને તથા તેના નામ પ્રત્યે તમે જે પ્રીતિ દેખાડી છે, . . . તેને વિસરે એવો અન્યાયી નથી.” જોકે હું શારીરિક રીતે અશક્ત બની ગયો હતો છતાં, હું જાણતો હતો કે મેં તેમની સેવા કરવા મારાથી બનતા જે પ્રયત્નો કર્યા છે એને તે ભૂલી જશે નહિ.

યાકૂબ ૧:૧૩: “કોઈનું પરીક્ષણ થયું હોય તો દેવે મારૂં પરીક્ષણ કર્યું છે, એમ તેણે ન કહેવું; કેમકે દુષ્ટતાથી દેવનું પરીક્ષણ થતું નથી, અને તે કોઈને પરીક્ષણમાં નાખતો પણ નથી.” કેટલું સાચું છે! મારા પર દુઃખ આવ્યું એના માટે કંઈ યહોવાહ જવાબદાર ન હતા.

ફિલિપી ૪:૬, ૭: “કશાની ચિંતા ન કરો; પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે ઉપકારસ્તુતિસહિત તમારી અરજો દેવને જણાવો. અને દેવની શાંતિ જે સર્વ સમજશક્તિની બહાર છે, તે ખ્રિસ્ત ઈસુમાં તમારાં હૃદયોની તથા મનોની સંભાળ રાખશે.” પ્રાર્થનાથી મને ખરેખર શાંતિ મળી. એનાથી હું મારી ખરાબ હાલતનો સામનો કરી શક્યો.

મેં બીજાઓને ઉત્તેજન આપવા આ કલમોનો ઉપયોગ કર્યો હતો અને એનાથી તેઓને ખરેખર મદદ મળી હતી! તેમ છતાં, મને ખબર પડી કે હું પોતે એ કલમોનું મૂલ્ય સમજ્યો નથી. મારે આ બીમાર હાલતમાં નમ્ર બનવાનું હતું. પછી હું યહોવાહમાં પૂરો ભરોસો રાખવાનું શીખ્યો.

ભાઈબહેનો પાસેથી ઉત્તેજન મળ્યું

ઘણા લોકો માને છે કે, ખ્રિસ્તીઓ એકબીજાને મુશ્કેલીના સમયમાં મદદ કરે છે. તોપણ, આપણે અમુક સમયે આપણા ભાઈબહેનોને સામાન્ય ગણી લઈએ છીએ. તેઓ આપણને મદદ કરવા બનતું બધું જ કરવા તૈયાર છે. મારા કિસ્સામાં પણ એમ જ બન્યું. હું હૉસ્પિટલમાં હતો ત્યારે ભાઈબહેનો હંમેશાં મારી સાથે રહેતા, અરે અમુક સમયે તો તેઓ વહેલી સવારે આવી જતા. તેઓએ પૈસા ભેગા કરીને મારું બિલ પણ ચૂકવ્યું. મારી મુશ્કેલીના સમયમાં મને મદદ કરનાર સર્વ ભાઈબહેનોનો હું ખૂબ જ આભાર માનું છું.

મારા મંડળના ભાઈબહેનો જાણે છે કે હવે હું પહેલાંની જેમ બહુ કામ કરી શકતો નથી. હાલમાં હું પ્રમુખ નિરીક્ષક તરીકે સેવા કરું છું. અને ખ્રિસ્તી વડીલો પણ પૂરો સાથ આપે છે. હું મારા પ્રચાર કામમાં પણ કદી ઢીલો પડ્યો નથી. મારી હાલત એકદમ ખરાબ હતી ત્યારે પણ, મેં બે વ્યક્તિઓને યહોવાહના સેવક બનવા મદદ કરી. એમાંના એક ભાઈ, નૈરોબી મંડળમાં સેવકાઈ ચાકર તરીકે સેવા આપે છે.

મારી પત્ની મુશ્કેલીના સમયમાં હંમેશાં મારી પડખે રહી હતી. તેનો આભાર હું શબ્દોમાં વ્યક્ત કરી શકતો નથી. તેણે મારો ગુસ્સો, મારો મૂડ, મારા જીદ્દી વલણ તેમ જ ડીપ્રેશનના સમયમાં ઘણું સહન કર્યું છે. હું જ્યારે પણ રડતો ત્યારે તે મને દિલાસો આપતી. તે મને જે રીતે દિલાસો આપતી હતી એનાથી મને હજુ પણ આશ્ચર્ય થાય છે. તે સર્વ સમયે મને સાથ આપતી હતી.—નીતિવચનો ૧૭:૧૭.

અરે, મારી દીકરીઓ પણ મારી હાલત પ્રમાણે રહેતા શીખી છે. તેઓ મને શાની જરૂર છે એ તરત જ સમજીને મદદ કરતી. તેમ જ, તેમની મમ્મી મારી પાસે ન હોય ત્યારે મને દિલાસો આપતી. સિલ્વા તો મારી “લાકડી” બની. હું બહુ નબળો હતો ત્યારે તે મને ઘરમાં આંટાફેરા કરવા મદદ કરતી.

મારી નાની દીકરી મીના વિષે શું? મને એ સમય હજુ પણ યાદ છે કે જ્યારે હું ઘરમાં પડી ગયો હતો અને ઊભો થઈ શકતો ન હતો. એ સમયે, તે એકલી જ ઘરમાં હતી. પોતાની બધી જ શક્તિનો ઉપયોગ કરીને તેણે મને ઊઠવા મદદ કરી અને ધીમે ધીમે ખાટલા પાસે લઈ ગઈ. તેને હજુ પણ એ યાદ નથી કે તેણે કઈ રીતે મને મદદ કરી. તેણે કરેલી એ મદદને હું ક્યારેય ભૂલીશ નહિ.

મને થયેલી ઈજાના કારણે મારે જીવનની સૌથી કપરી લડત આપવી પડી. મારે હજુ પણ એ સહન કરવાની છે. કોઈ પણ બાબતે આટલી હદ સુધી મારા વિશ્વાસની કસોટી કરી નથી. હું નમ્રતા વિષે ઘણું શીખ્યો છું. તેમ જ, કઈ રીતે સમજી-વિચારીને વર્તવું એ વિષે પણ ઘણું બધું શીખ્યો છું. યહોવાહે મને આ મુસીબતનો સામનો કરવા મદદ કરી છે.

મને પ્રેષિત પાઊલના શબ્દોનું મૂલ્ય સમજાયું છે: “અમારી પાસે આ ખજાનો માટીનાં પાત્રોમાં રહેલો છે, કે જેથી પરાક્રમની અધિકતા દેવથી છે અને અમારામાંથી નથી એ જાણવામાં આવે.” (૨ કોરીંથી ૪:૭) “નવાં આકાશ તથા નવી પૃથ્વી” વિષે પરમેશ્વરે આપેલા વચનમાંથી મને ખૂબ જ દિલાસો મળે છે. (૨ પીતર ૩:૧૩) હું હજુ પણ નબળો છું અને મારી પોતાની શક્તિથી કંઈ કરી શકતો નથી. તેથી, હું પ્રાર્થના કરું છું કે નવી દુનિયા આવે ત્યાં સુધી યહોવાહ મને ટકાવી રાખે. (g 03 4/22)

[પાન ૨૨ પર ચિત્ર]

મારા કુટુંબ સાથે ખ્રિસ્તી સેવામાં લાગુ રહેવાથી મને દુઃખ સહન કરવામાં ઘણી મદદ મળી છે