સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

આખા જગતમાં જોવા મળતી મગફળી

આખા જગતમાં જોવા મળતી મગફળી

આખા જગતમાં જોવા મળતી મગફળી

શું તમને મગફળી ભાવે છે? હા, તમારી જેમ જ ઘણા લોકોને મગફળી ભાવે છે. ખરેખર મગફળી ખાવાની મઝા જ કંઈ ઓર હોય છે! ચીન અને ભારત, જ્યાં સૌથી વધુ વસ્તી છે એવા દેશોમાં મગફળીનો પાક પુષ્કળ થાય છે. આ બંને દેશોમાં મગફળીનું કુલ ૫૦ ટકા ઉત્પાદન થાય છે.

જોકે, ફક્ત અમેરિકામાં જ, દુનિયાની ૧૦ ટકા મગફળીનું ઉત્પાદન થાય છે. એ જ રીતે આર્જેન્ટિના, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, મલાવી, નાઇજીરિયા, સેનેગલ અને સુદાનમાં પણ મુખ્ય પાક મગફળી છે. પરંતુ, મગફળી કઈ રીતે આટલી બધી પ્રખ્યાત બની? વળી, શું મગફળી ખાવામાં કોઈ વાંધો છે?

મગફળીનો ઇતિહાસ

સૌથી પહેલાં મગફળી દક્ષિણ અમેરિકામાં જોવા મળી, એવું માનવામાં આવે છે. દાખલા તરીકે, કોલંબસ અમેરિકા ગયો એ પહેલાંની એક ફૂલદાની (વાઝ) મળી આવી હતી. આ ફૂલદાની પેરુની હતી. એનો આકાર પણ મગફળી જેવો હતો. એટલું જ નહિ, એના પર કોતરેલી ડિઝાઈન પણ મગફળીની જ હતી. એ જ બતાવે છે કે પહેલાના સમયમાં પણ લોકોને મગફળી બહુ ભાવતી હતી. તેમ જ, સ્પેનના મુસાફરોએ પણ મગફળી સૌ પ્રથમ દક્ષિણ અમેરિકામાં જોઈ. આ મગફળી ખાવામાં ઘણી જ પૌષ્ટિક હોવાથી આ મુસાફરોએ પોતાની મુસાફરી દરમિયાન એનો ઉપયોગ કર્યો. પછી તેઓ મગફળીને યુરોપમાં લાવ્યા. યુરોપના લોકો મગફળીનો બીજી રીતોએ પણ ઉપયોગ કરે છે. જેમ કે, તેઓ કૉફીના બીની જગ્યાએ મગફળી વાપરે છે.

ત્યાર પછી, પોર્ટુગલના લોકો આફ્રિકામાં મગફળી લઈ ગયા. જલદી જ આફ્રિકામાં મગફળી એક મુખ્ય ખોરાક બની ગઈ. અહીંની જમીનમાં બીજા પાક થવો મુશ્કેલ છે પણ મગફળી સહેલાઈથી ઊગે છે. હકીકતમાં જો જમીન ફળદ્રુપ ન હોય તો, મગફળીનો છોડ જમીનને જરૂરી નાઇટ્રોજન આપે છે. આફ્રિકાના ઘણા લોકોને ગુલામ બનાવીને ઉત્તર અમેરિકા લઈ જવામાં આવ્યા ત્યારે, તેઓ પોતાની સાથે મગફળીને પણ લઈ ગયા. આ રીતે, મગફળી આફ્રિકાથી ઉત્તર અમેરિકા સુધી પહોંચી.

પોર્ટુગલના રહેવાસીઓ મગફળીને ૧૫૩૦ના દાયકામાં ભારત અને મકાઉમાં લઈ ગયા. તેમ જ સ્પેનિશ લોકો એને ફિલિપાઈન્સમાં લઈ ગયા. આ દેશોમાંથી વેપારીઓ પછી એને ચીનમાં લઈ ગયા. ચીનમાં દુકાળ પડ્યો ત્યારે, મગફળીનો પાક લોકો માટે જીવતદાન બન્યો.

વનસ્પતિના સ્કોલરોએ ૧૭૦૦ના દાયકામાં મગફળીનો અભ્યાસ કરી, એને જમીનમાં થતા બી કહ્યા. તેઓને લાગ્યું કે ભૂંડો માટે એ સૌથી સારો ખોરાક બની શકે. લગભગ ૧૮૦૦ના દાયકાની શરૂઆત સુધીમાં તો, અમેરિકાના દક્ષિણ કૅરોલાઇનામાં મગફળીનો વેપાર શરૂ થઈ ગયો હતો. વર્ષ ૧૮૬૧માં શરૂ થયેલા અમેરિકન નાગરિક યુદ્ધ દરમિયાન, બંને શહેરોના સૈનિકોને મગફળી ખોરાક તરીકે આપવામાં આવી.

એક સમયે લોકો એવું વિચારતા હતા કે મગફળી એ ગરીબ લોકોનો ખોરાક છે. તેથી, અમેરિકાના ખેડૂતો એ સમય દરમિયાન બધા માટે મગફળીની ખેતી કરતા ન હતા. વધુમાં, ૧૯૦૦ની સાલમાં આધુનિક સાધનોની શોધખોળ થઈ એ પહેલાં મગફળીની ખેતી માટે ઘણી મહેનત કરવી પડતી અને એ મોંઘી પણ પડતી હતી.

પરંતુ, ૧૯૦૩માં અમેરિકાના ખેડૂત જ્યોર્જ વૉશિંગ્ટન કારવેરે, મગફળીના છોડનો બીજી કઈ જુદી જુદી રીતે ઉપયોગ થઈ શકે, એ વિષે શોધખોળ શરૂ કરી. આમ, તેણે એમાંથી ૩૦૦ કરતાં વધારે વસ્તુઓ બનાવી. દાખલા તરીકે દારૂ, કોસ્મેટિક સાધનો, ડાય, દવાઓ, કપડાં ધોવાનો સાબુ, જંતુનાશક દવા અને પ્રિન્ટીંગ સહી જેવી વસ્તુઓ બનાવી. કારવેરે ખેડૂતોને ફક્ત કપાસ જ નહિ, પરંતુ સાથે સાથે મગફળીની ખેતી કરવા માટે પણ ઉત્તેજન આપ્યું. કેમ કે બોલ વીવલ નામની જીવાત કપાસના પાકને નુકસાન કરતી હતી. તેથી, ઘણા ખેડૂતોને કારવેરની સલાહ યોગ્ય લાગી. પરંતુ, શું એનાથી કોઈ લાભ થયો? હા, મગફળીના પાકમાં એટલી સફળતા મળી કે અમેરિકાના દક્ષિણ ભાગમાં એ તેઓનો મુખ્ય પાક બની ગયો. એટલા માટે આજે પણ ઍલાબૅમા ડૉથનમાં, કારવેરનું પૂતળું યાદગીરી માટે મૂકવામાં આવ્યું છે. વળી, ઍલાબૅમાના એન્ટરપ્રાઈઝ શહેરમાં આ બોલ વીવલ જીવાતનું સ્મારક પણ બનાવવામાં આવ્યું છે. કેમ કે આ જીવાતના લીધે જ ખેડૂતો મગફળીની ખેતી તરફ વળ્યા હતા.

મગફળીનો છોડ

મગફળી હકીકતમાં મગફળીના છોડના બી છે. છોડ જેમ જેમ મોટો થાય છે તેમ, એમાં પીળા રંગના ફૂલો આવે છે, કે જેનું એની જાતે જ ફલન થાય છે.

આમ, ફલન થયા પછી આ છોડની નાની નાની શિંગો જમીનમાં પેસી બીજી મગફળીઓ ઊગવામાં મદદ કરે છે. આ શિંગોના છેડે બીજકોષ હોય છે. એ બીજકોષ જમીનમાં ઊતરી ફેલાઈ જાય છે અને જમીનમાં જ ફૂટી નીકળીને મગફળી બને છે. આ રીતે, એક જ છોડ પર લગભગ ૪૦ જેટલી મગફળીઓ ઊગે છે.

મગફળીને હૂંફાળું અને તાપવાળું વાતાવરણ માફક આવે છે. વળી, એને ઝાઝો વરસાદ પણ જોઈતો નથી. વાવણીથી માંડીને કાપણી માટે ૧૨૦થી ૧૬૦ દિવસો લાગી શકે. પણ એ કયા પ્રકારની મગફળી છે અને કેવું વાતાવરણ છે, એના પર આધાર રાખે છે. મગફળીની કાપણી કરવા માટે, ખેડૂતે છોડના મૂળની અંદર સુધી ખોદીને તેને ઉપર નીચે ફેરવીને સૂકાવા દેવા જોઈએ. જેથી એને કોઠારોમાં ભરી શકાય અને એને કોવાણ પણ ન લાગે. આજે, ઘણા ખેડૂતો આધુનિક સાધનોનો ઉપયોગ કરે છે જેનાથી વેલા ઉખાડવા, એની પર ચોંટેલી માટી કાઢવી અને એને ઉપર નીચે ફેરવવા, એમ બધું એક જ પ્રક્રિયામાં થઈ શકે છે.

મગફળીના ઉપયોગો

મગફળીમાંથી ભરપૂર પ્રમાણમાં પોષણ મળે છે. તેમ જ એમાં ઘણા રેસા હોય છે. વળી એમાં ૧૩ પ્રકારના વિટામીન અને ૨૬ પ્રકારના મીનરલ્સ મળે છે કે જે આજકાલના ખોરાકમાં નથી મળતા. બ્રિટાનીકા વિશ્વકોશ કહે છે: “કલેજી કરતાં મગફળીમાં વધારે પ્રમાણમાં પ્રોટીન, મીનરલ્સ અને વિટામીન હોય છે.” પરંતુ જો જો, પોતાનું વજન વધી ન જાય એની કાળજી રાખનારાઓ જરા ધ્યાન રાખજો! કેમ કે મગફળીમાં “ક્રિમ કરતાં પણ વધારે પ્રમાણમાં ચરબી” અને “ખાંડ કરતાં વધારે પ્રમાણમાં કૅલરી હોય” છે.

મગફળીનો સ્વાદ ઘણો જ મજેદાર હોય છે. તેથી, ઘણા દેશોમાં એનો ઉપયોગ વાનગી બનાવવામાં થાય છે. જુદી જુદી વાનગીની રીતો લખનાર, એન્યા વોન બ્રેમઝેન નોંધે છે: “મગફળીનો સ્વાદ એટલો મજેદાર હોય છે કે, કોઈ પણ વાનગીમાં એનો ઉપયોગ કરવાથી એનો સ્વાદ તરત જ ખબર પડી જાય છે. તેથી, ઈન્ડોનેશિયાનો પીનટ સૉસ, પશ્ચિમ આફ્રિકાનો સૂપ, ચાઈનીઝ નુડલ્સ, પેરુની એક પ્રકારની વાનગી અને પીનટ બટરની બનેલી સેન્ડવીચનો સ્વાદ સરખો જ હશે.”

આખા જગતમાં મગફળીને આચર-કૂચર તરીકે પણ ખાવામાં આવે છે. અરે, ભારતનો જ વિચાર કરો! મગફળીના દાણાને ચણા-બીયા સાથે મિક્સ કરીને વેચવામાં આવે છે. કેટલાક દેશોમાં તો સેન્ડવીચ પર પીનટ બટર લગાવી ખાવી સામાન્ય છે. ધ ગ્રેટ અમેરિકન પીનટ્‌સ મૅગેઝિન પ્રમાણે, “[યુ.એસ.એ.]ના સેન્ટ લુઈસના ડૉક્ટરે લગભગ ૧૮૯૦માં પીનટ બટરની શોધ કરી હતી કે જે વૃદ્ધ વ્યક્તિઓની તંદુરસ્તી માટે ખૂબ સારો ખોરાક છે.”

મગફળીનો ઉપયોગ ફક્ત રસોઈમાં જ નહિ, પણ બીજી ઘણી રીતોએ કરવામાં આવે છે. આખા એશિયામાં, રાંધવા માટે મગફળીના તેલનો છૂટથી ઉપયોગ કરાય છે. મગફળીના તેલને ખૂબ ગરમ કરી, રાંધ્યા પછી પણ, એ વસ્તુનો સ્વાદ જરાય મારી લેતું નથી.

બ્રાઝિલમાં મગફળીમાંથી તેલ કાઢી લીધા પછીના માવાને પ્રાણીઓના ખોરાક માટે ઉપયોગમાં લેવામાં આવે છે. રોજના વપરાશમાં પણ મગફળીનો ઉપયોગ જોવા મળે છે.—ઉપરનું બૉક્સ જુઓ.

મગફળીની ઍલર્જીથી ચેતો!

મગફળીને લાંબો સમય રાખવા ફ્રીજની જરૂર પડતી નથી. તેમ છતાં, કાળજી રાખવી જરૂરી છે. સડી ગયેલી મગફળી એફલાટોક્સીન નામનું ઝેર બની જાય છે, જેનાથી કૅન્સર પણ થઈ શકે. વળી, કેટલીક વ્યક્તિઓને મગફળીની ઍલર્જી હોય છે. પ્રીવેન્શન મૅગેઝિન બતાવે છે કે, ઍલર્જીના લીધે “ભયંકર શરદી થઈ શકે, શરીર પર ફોલ્લાઓ પડી શકે અથવા તો એકદમ જ બ્લડ પ્રેશર ઘટી જાય અને શ્વાસ રુંધાવા લાગે છે.” ઘણા અભ્યાસો પરથી જાણવા મળ્યું છે કે, નાના બાળકોને મગફળીના લીધે ઝડપથી ઍલર્જી થાય છે.

જે બાળકના માબાપને અસ્થમા, ખરજવું અથવા બીજી કોઈ ગંભીર બીમારી હોય, એવા બાળકને મગફળીથી જલદી ઍલર્જી થઈ શકે છે, એમ પ્રીવેન્શન મૅગેઝિને અહેવાલ આપ્યો.

જે માને ઍલર્જી હોય એના દૂધ પીતા બાળકને પણ પહેલા વર્ષમાં ઍલર્જી થઈ શકે છે. તેથી, યુ.એસ.એ.ની એક મેડિકલ યુનિવર્સિટીના ડૉ. હ્યુ સેમસન કહે છે: “બાળક ઓછામાં ઓછું ત્રણ વર્ષનું ન થાય ત્યાં સુધી તેને પીનટ બટર ન આપવામાં આવે એ વધારે સારું છે.”

ભલે તમને મગફળી ભાવતી હોય કે ન ભાવતી હોય. પરંતુ આખી દુનિયામાં પ્રખ્યાત મગફળી અને એના ઉપયોગો વિષે જાણીને તમને ચોક્કસ આનંદ થયો હશે. (g 03 4/22)

[પાન ૨૮ પર બોક્સ/ચિત્ર]

મગફળીના માવામાંથી બનતી અનેક વસ્તુઓ

• ભીંત પર લગાવવાનું બૉર્ડ

• ચૂલામાં નાખવાના લાકડાં

• પાલતું પ્રાણીઓ માટે ટોઇલેટ જવાનું સાધન

• પૅપર

• ડિટ્‌રજન્ટ

• મલમ

• ધાતુ પર કરવાની પૉલિશ

• બ્લીચ

• સહી

• ધરીમાં લગાવવાની ગ્રીસ

• દાઢી કરવાની ક્રીમ

• મોં પર લગાવવાની ક્રીમ

• સાબુ

• કંતાન

• રબર

• કોસ્મેટિક વસ્તુઓ

• રંગ

• વિસ્ફોટક પદાર્થ

• શેમ્પુ

• દવા

[ક્રેડીટ લાઈન]

Source: The Great American Peanut

[ડાયગ્રામ/પાન ૨૬ પર ચિત્ર]

(લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ)

પાંદડાં

શિંગો

જમીનનું સ્તર |

મૂળિયા મગફળી

[ક્રેડીટ લાઈન]

The Peanut Farmer magazine

[પાન ૨૬ પર ચિત્ર]

જ્યોર્જ વૉશિંગ્ટન કારવેરનું પુતળું

[પાન ૨૭ પર ચિત્ર]

અમેરિકા

[પાન ૨૭ પર ચિત્ર]

આફ્રિકા

[પાન ૨૭ પર ચિત્ર]

એશિયા

[ક્રેડીટ લાઈન]

FAO photo/R. Faidutti

[પાન ૨૭ પર ચિત્ર]

મગફળીમાંથી બનેલો કેટલોક નાસ્તો

[પાન ૨૮ પર ચિત્ર]

પીનટ બટર કેટલાક દેશોનો મુખ્ય ખોરાક છે