સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ગુનેગારોના ચિત્રો

ગુનેગારોના ચિત્રો

ગુનેગારોના ચિત્રો

બ્રિટનના સજાગ બનો!ના લેખક તરફથી

તમે કદી કોઈનું ચિત્ર દોર્યું છે? ઘણું અઘરું છે ને! કલ્પના કરો કે તમને કોઈ અજાણ વ્યક્તિનું ચિત્ર દોરવાનું કહેવામાં આવે છે. તમે એ વ્યક્તિને ફક્ત બે જ મિનિટ જોઈ શકો. અધુરામાં પૂરું, તમારે તેને બરાબર યાદ રાખીને, ફ્કત ત્રીસ જ મિનિટમાં ચિત્ર દોરવાનું છે! વળી, બહાર રિપોર્ટર તમારી રંગબેરંગી પેન્સીલથી બનાવેલા ચિત્ર કે સ્કેચની રાહ જોઈ રહ્યા છે. અરે, એવો વિચાર કરતાની સાથે જ આપણે ઢીલા પડી જઈએ છીએ. તમે કહેશો કે ‘આવું કામ તો કોઈ ના કરી શકે!’

ખરું કે એનો વિચાર કરીને આપણો પરસેવો છૂટી જાય છે. પરંતુ, બ્રિટનમાં અમુક લોકો આવું કામ કરી રહ્યા છે. ચાલો આપણે જોઈએ કે આ કલાકારો કોણ છે અને તેઓ આ કામ કેવી રીતે કરે છે?

બ્રિટનની અદાલતોમાં

અનેક દેશોમાં, કોર્ટ કેસ ચાલતો હોય ત્યારે રિપોર્ટર ફોટો પાડી શકે છે. આવા રિપોર્ટ વાંચી કે ફોટો જોઈને, લાખો લોકોને લાગે કે જાણે તેઓ પોતે જ એ અદાલતમાં બેઠા ન હોય! પરંતુ, બ્રિટનમાં અદાલતની વ્યવસ્થા જ એકદમ જુદી છે. અહીં અદાલતમાં કેસ ચાલતો હોય ત્યારે, કોઈ પણ વ્યક્તિ જજ, જૂરી, ગુનેગાર કે સાક્ષીઓનો ફોટો પાડી શકતો નથી. * તેમ જ, અદાલતમાં તેઓ સ્કેચ પણ દોરી શકતા નથી. અરે, જો કોઈ એમ કરવા જાય, તો તરત જ પકડી લેવામાં આવે છે. તો પછી, લોકો કઈ રીતે જાણી શકે કે આ મુકદ્દ્‌મામાં કોણ-કોણ છે? વળી અપરાધી, જજ કે જૂરી કેવા છે? તેથી, લોકો માટે અમુક કુશળ ચિત્રકારોએ આ કામ હાથમાં લીધું છે.

આ ચિત્રકારો વિષે જાણવાની મને હોંશ જાગી. તેથી, હું લંડનમાં રાખવામાં આવેલા ચિત્રકારોના પ્રદર્શનમાં ગયો. ત્યાં હું બેથ નામની એક સ્ત્રીને મળ્યો. ઘણા લોકો તેને મળતા હતા. બેથ કોર્ટ કેસના ચિત્ર દોરવામાં એકદમ પાવરધી છે. મેં ઉત્સાહથી બેથને પૂછ્યું, “અદાલતમાં ગુનેગારનો દેખાવ યાદ રાખવા તમને કેટલો સમય મળે છે?”

કેટલા સમયમાં ચિત્ર દોરવું?

બેથે કહ્યું: “ગુનેગાર કોર્ટમાં પહેલી વાર આવે, ત્યારે તે ફક્ત બે કે ત્રણ જ મિનિટ બૉક્સમાં ઊભો હોય છે. બસ, એ જ મિનિટોમાં હું વ્યક્તિનું ધ્યાનથી નિરીક્ષણ કરી લઉં છું. દાખલા તરીકે, તેના વાળ ઓળવાની સ્ટાઈલ કેવી છે, દાઢી છે કે નહિ, તેમ જ ચશ્મા છે કે કેમ! આ રીતે, વ્યક્તિનો ચહેરો મારા મનમાં એકદમ ઠસી જાય છે. ત્યાર પછી જ હું પેન્સિલથી સ્કેચ દોરું છું.”

બેથ આગળ કહે છે: “જો બૉક્સમાં ફક્ત એક જ માણસ હોય, તો વાંધો નથી. પણ, જો એકથી વધારે હોય તો એ કામ સહેલું નથી. જેમ કે, એક વખત ૧૨ આરોપી બૉક્સમાં ઊભા હતા! જો કે તેઓ ૧૫ મિનિટ માટે કોર્ટમાં હતા, છતાં બારે બારના ચહેરા યાદ રાખવા ખૂબ જ અઘરા હતા. એ દિવસે મારે મારું મગજ ખૂબ જ કસવું પડ્યું હતું. એક કેમરાની જેમ મેં એ ગુનેગારોના દેખાવ મનમાં ઠસાવી દીધા. કોર્ટમાંથી બહાર આવ્યા પછી, મેં આંખો બંધ કરી એટલે મને બધું જ યાદ આવી ગયું. જો કે, આ આવડત આપોઆપ નથી આવી ગઈ, પણ એ માટે મેં વર્ષોથી મહેનત કરી છે.”

પછી મેં બેથને પૂછ્યું: “કોર્ટમાં જતા પહેલાં તમે ગુનેગાર વિષે કેટલી માહિતી ભેગી કરો છો? શું તમે એની પાછળ કલાકો કાઢો છો?”

બેથે કહ્યું: “હું આરોપી વિષે કંઈ જ વાંચતી નથી.” એ સાંભળીને હું માની જ ન શક્યો! બેથે આગળ કહ્યું: “કોર્ટમાં જતા પહેલાં હું ગુનેગાર વિષે કોઈ જ માહિતી લેતી નથી. કોર્ટમાં પહેલી વખતે વ્યક્તિને જોવ, ત્યારે જ મને ખબર પડે કે તે કેવી દેખાય છે. બસ, એ જ દેખાવ મારા મનમાં રહી જાય છે, પછી હું તેનું ચિત્ર દોરું છું. પરંતુ, હું ખૂબ જ ધ્યાન રાખું છું કે સ્કેચ દોરતી વખતે, હું આરોપીના ચહેરામાં કોઈ ફેરફારો ન કરું. એનું કારણ જો એમ થઈ જાય તો, હું ભૂલથી આરોપીને ખોટી રીતે રજૂ કરી રહી છું. દાખલા તરીકે, જો હું ચહેરા પર દુઃખ બતાવું તો, કદાચ જૂરી ટીવી કે છાપામાં ચિત્ર જોશે તો તેના પર દયા બતાવશે. જો હું પથ્થર દિલ જેવો ચહેરો દોરું તો જૂરીને લાગશે કે ‘આરોપી તો ક્રૂર છે, તેને સજા આપવામાં કંઈ વાંધો નથી.’ પણ જો હું આમ જ કોઈની તસવીર દોરતી હોવ તો, મન ફાવે તેમ ફેરફારો કરી શકું છું.”

“એ જ ઘડી!”

પછી મેં બેથને પૂછ્યું: “તમે કઈ રીતે જાણે જીવતું-જાગતુ જ હોય, એવું ચિત્ર દોરો છો?” બેથે કહ્યું: “હું હંમેશા ‘એ ઘડીની’ રાહ જોવ છું, જ્યાં આરોપીનો ચહેરો બધુ જ કહી નાખે છે. દાખલા તરીકે, એક ગુનેગારે માથે હાથ દઈને નિસાસો નાખ્યો, ત્યારે એ જ ઘડીએ બતાવી આપ્યું કે તે પકડાઈ ગયો છે. બીજા કિસ્સામાં, એક માને પૂછવામાં આવ્યું કે “શું તમારામાં મમતા છે?” ત્યારે તેના ચહેરાએ જ બતાવી આપ્યું કે તે ખૂબ સારી મા હતી. બીજા કેસમાં, એક વ્યક્તિ કોર્ટમાં તેના આંસુ લૂછી રહ્યો હતો, ત્યારે ‘એ ઘડીએ’ બતાવી આપ્યું કે તે ખરેખર નિર્દોષ હતો.”

બેથે આગળ કહ્યું: “ચિત્રકારો આખા કોર્ટ રૂમને મનમાં બરાબર ઠસાવી દે છે. જેમ કે, તેઓ જજ, જુરી, વકીલ અને બીજા લોકોને પણ યાદ રાખે છે. અરે, તેઓને એ પણ ખબર છે કે ટ્યુબલાઈટનો પ્રકાશ ક્યાં ક્યાં પડે છે. તેમ જ, કયું ફરનીચર ક્યાં ગોઠવેલું છે અને ટેબલ પર કેટલી પુસ્તકો પડી છે. તેથી, ચિત્ર દોરતી વખતે આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખવી જરૂરી છે. ત્યાર પછી, હું બહાર એકાંતમાં જઈને ચિત્ર દોરવા લાગી જવ છું. કોઇક વાર હું પ્રેસ રૂમમાં બેસુ છું, પણ મોટા ભાગે હું પગથિયાં પર બેસીને ચિત્ર દોરું છું. અમુક વખતે એમ પણ બન્યું છે કે સ્કેચ અડધો મૂકીને, કોર્ટરૂમમાં પાછું દોડવું પડે છે. કેમ કે, એ જ કેસમાં કોઈ નવો સાક્ષી આવ્યો હોય કે પછી આરોપીનો વકીલ દલીલ કરવા માંડે. હવે એ નવો ચહેરો યાદ રાખીને, કાચું સ્કેચને પૂરો કરવો પડે છે.” બેથ આનંદથી કહે છે: “મારા દોરેલાં ઘણા સ્કેચ વકીલોની ઑફિસમાં પણ જોવા મળે છે.”

બેથ સાથે વાત પૂરી કર્યા પછી, તેણે દોરેલા સ્કેચ હું જોવા માંડ્યો. અમુક ચિત્રો જાણીતા ગુનેગારોના હતા. એ જોઈને મને તેઓનો આખો કેસ યાદ આવી ગયો. આ બધા ચિત્રો જોતા-જોતા લગભગ દસેક મિનિટ થઈ ગઈ. હું જઈ જ રહ્યો હતો અને બેથે મને એકદમ રોક્યો. તેણે મને રંગબેરંગી પેન્સિલથી દોરેલો એક સ્કેચ આપ્યો. અરે! એ તો મારો સ્કેચ હતું! (g 03 4/8)

[ફુટનોટ્‌સ]

^ આ નિયમ સ્કોટલૅન્ડમાં નથી ચાલતો

[પાન ૨૪, ૨૫ પર ચિત્ર]

કોર્ટરૂમનો એક સ્કેચ, અને પેપરમાં છાપ્યા બાદ (ડાબી બાજુ)

[ક્રેડીટ લાઈન]

© The Guardian