સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વિશ્વ પર નજર

વિશ્વ પર નજર

વિશ્વ પર નજર

કૂંડામાં રોપેલા છોડનું મહત્ત્વ

લંડનના ધ ટાઈમ્સ નામના છાપામાં એક સંશોધકે આપેલા અહેવાલે બતાવ્યું કે, “જો ક્લાસ રૂમમાં કૂંડામાં રોપેલા છોડ રાખવામાં આવે તો, વિદ્યાર્થીઓ વધારે માર્ક મેળવી શકશે.” ઇંગ્લૅંડની રીડીંગ યુનિવર્સિટીના પ્રાધ્યાપક ડેરિક ક્લેમેન્ટ્‌સ-ક્રૂમેને જોવા મળ્યું કે કેટલાક ક્લાસરૂમ ભરચક થઈ ગયા હોય છે. વળી, રૂમોમાં તાજી હવાની આવ-જા માટે યોગ્ય વ્યવસ્થા હોતી નથી. એવા રૂમોમાં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ ૫૦૦ ટકા કરતાં વધારે હોય છે. એનાથી બાળકોની ધ્યાન આપવાની શક્તિને નુકસાન થઈ શકે અને તેઓની પ્રગતિ અટકી શકે. આવી સ્થિતિથી બાળકોની તબિયત બગડે છે. ઑફિસની સરખામણી કરતા બાળકો એક ક્લાસમાં ગીચોગીચ ભર્યા હોય છે. તેમ છતાં, પુરતુ ઑક્સીજન ન મળવાથી, ઑફિસમાં કામ કરનારાઓની તબિયત પણ બગડી શકે છે. હવા તાજી કરવા માટે કયા છોડનો ઉપયોગ કરી શકાય? અમેરિકાના એક અભ્યાસે બતાવ્યું કે એ માટે સ્પાઈડર પ્લાન્ટ્‌સ સૌથી સારા છે. ડ્રેગન ઝાડ, આઈવિ, રબરના છોડ, પીસ લીલી અને યક્કા નામના છોડોથી, હવામાંથી પ્રદૂષણ ઓછું થાય છે. ઘરમાં મૂકવામાં આવેલા કૂંડાઓ કાર્બન ડાયોક્સાઈડને ઑક્સિજનમાં ફેરવીને હવામાંથી કાર્બનનું પ્રમાણ ઘટાડી દે છે. (g 03 6/08)

“વાત કરતા” છોડ

જર્મનીની બોન યુનિવર્સિટીમાં ઇન્સ્ટિટ્યૂટ ફૉર અપ્લાયર્ડ ફિઝિક્સના સંશોધકોએ લેઝરથી ચાલતા માઇક્રોફોન બનાવ્યા છે કે જે છોડને “સાંભળી” શકે છે. છોડ તકલીફમાં હોય ત્યારે, તેઓમાંથી ઇથિલિન ગેસ નીકળે છે. માઇક્રોફોન આ ગેસના ધ્વનિને પકડી લે છે. બોન યુનિવર્સિટીના વૈજ્ઞાનિક ડૉ. ફ્રેન્ક કૂહનીમન કહે છે: “છોડને જેટલી વધારે તકલીફ હોય, એમ અમને માઇક્રોફોન પર વધારે અવાજ સંભળાય છે.” એક વાર મશીન પર જોવા મળ્યું કે એક તાજી કાકડી “જોર જોરથી બૂમો પાડી રહી હતી.” “ધ્યાનથી તપાસવાથી, જોવા મળ્યું કે એના પર ફૂગ આવી હતી કે જેની કોઈ નિશાની બહાર જોવા મળતી ન હતી.” વાસ્તવમાં, ફૂગ આઠથી નવ દિવસ પછી જ એક ટપકાંના રૂપમાં જોવા મળે છે. અને ત્યારે જ ખેડૂતને જોવા મળે છે કે તેના પાકને શું થયું છે. લંડનનું ધ ટાઈમ્સ છાપું બતાવે છે: “આ રીતે છોડને સાંભળીને, શરૂઆતથી જ એવી એલાર્મ સિસ્ટમ બનાવી શકાય કે જેનાથી ફૂગ અને રોગ લાગતા અટકી શકે. ફળ અને શાકભાજી કેટલી તકલીફમાં છે એની ખબર પડે તો, એને કેટલો સમય રાખી મૂકી શકાય અથવા એને ક્યારે વેચવા માટે કાઢી શકાય એ જાણવામાં મદદ મળી શકે.” (g 03 5/08)

પોપના નામની વસ્તુઓના વેચાણમાં ઘટાડો

ન્યૂઝવીક મૅગેઝિન અહેવાલ આપે છે, કે વર્ષોથી “[પોલૅન્ડમાં] કોઈ ધાર્મિક વસ્તુઓ વેચવામાં આવે તો એનાથી વેપારીઓને ઘણો લાભ થવાની ગેરન્ટી રહેતી હતી.” તેમ છતાં, હાલમાં જોવા મળ્યું છે કે ધાર્મિક મૂર્તિઓ વેચવામાં “બહુ મુશ્કેલી પડે” છે. વર્ષ ૨૦૦૨માં પોલૅન્ડમાં પોપ મુલાકાત લેવા આવવાના હતા ત્યારે, એની જોરશોરથી જાહેરાત કરવામાં આવી હતી. તોપણ, લોકોએ પરંપરાગત ધાર્મિક વસ્તુઓ, જેમ કે નેકલેસ અને ચિત્રોની કંઈ બહુ ખરીદી કરી ન હતી. “બજારમાં પ્લાસ્ટર ઑફ પેરિસ અને ધાતુના પૂતળાં, સાદડી, ચિત્રો અને નાના નાની મૂર્તિઓ” કે જે પોપના ફોટા સાથે ભરપૂર પ્રમાણમાં હતી, પરંતુ “ગ્રાહકો બહુ ચૂંધી રાખનારા બની ગયા છે.” તેમ છતાં, એક નવી વસ્તુ બજારમાં મૂકવામાં આવી છે જે ખૂબ જ પ્રખ્યાત બની ગઈ છે. એ ‘રોજરી કાર્ડથી’ ઓળખાય છે. એ પ્લાસ્ટિકના કાર્ડની એક બાજુ “પવિત્ર ચિત્રો” છે અને બીજી બાજુ, પ્લાસ્ટિકમાં સોનાના મણકા જડવામાં આવ્યા” છે. આ પ્રકારના “કાર્ડ” પોપની યાદમાં “સૌથી વધારે પ્રખ્યાત” છે, એમ પોલૅન્ડના સાપ્તાહિક વાપરોસ્ટે બતાવ્યું. (g 03 5/22)

ગર્ભાવસ્થા દરમિયાન સવારમાં આવતા ઊબકા

ઑસ્ટ્રેલિયાનું સન-હેરાલ્ડ છાપું જણાવે છે: “લગભગ ૭૦થી ૮૦ ટકા સગર્ભા સ્ત્રીઓને સવાર સવારમાં ઊબકા આવતા હોય છે.” શરૂઆતમાં સગર્ભા સ્ત્રીઓને સવારે ઊઠે ત્યારે ઊબકા આવતા હોય છે તેમ જ તેઓ સ્ફૂર્તિ અનુભવતી નથી. એનું કારણ એ હોય શકે કે ગર્ભાવસ્થા દરમિયાન પ્રોજેસ્ટેરોનના સ્તરમાં વધારો થાય છે કે જેના લીધે પેટમાં એસિડનું પ્રમાણ વધી જાય છે. વધુમાં, “તીવ્ર ગંધના લીધે સગર્ભા સ્ત્રીને ઊબકા આવતા હોય છે. તેમ જ તે તાણ અને થાક અનુભવે છે.” સવારે આવતા ઊબકા માટે કોઈ પણ દવા કામ કરતી નથી છતાં, છાપુ બતાવે છે કે ઊબકા આવે એવી જગ્યાઓએ જવાનું ટાળવું જોઈએ. કેમ કે ગરમીથી ઊબકા આવી શકે. થોડા થોડા સમયે આરામ લેવો જોઈએ તેમ જ પૂરતા પ્રમાણમાં ઊંઘ લેવી જોઈએ. વળી, લીંબુ કાપીને એની સુગંધ પણ લઈ શકાય. “પથારીમાંથી ઊભા થયા પહેલાં ખાખરા કે સૂકો નાસ્તો લઈ શકાય. હંમેશાં ધીમેથી પથારીમાંથી ઊઠવું જોઈએ,” એમ છાપાએ બતાવ્યું. વધુમાં, એ જણાવે છે કે “અવારનવાર પ્રોટીનવાળો નાસ્તો લેવો જોઈએ. સવારે આવતા ઊબકાથી ફાયદા પણ થાય છે. તાજેતરમાં કરવામાં આવેલા અભ્યાસોએ બતાવ્યું કે આવું અનુભવનાર માતાને કસુવાવડની બહુ ઓછી શક્યતા છે.” (g 03 4/22)

ભારતમાં મીડિયાનો ફેલાવો વધી રહ્યો છે

નેશનલ રીડરશીપ સ્ટડીઝ કાઉન્સીલ દ્વારા કરવામાં આવેલા સર્વે અનુસાર, ભારતમાં છાપા વાંચનારાઓની સંખ્યામાં વધારો થયો છે. વર્ષ ૧૯૯૯થી ૨૦૦૨ના ત્રણ વર્ષના ગાળામાં ૧૩.૧ કરોડથી વધીને ૧૫.૧ કરોડ લોકો છાપું વાંચવા લાગ્યા છે. છાપા, મૅગેઝિન અને બીજી પત્રિકાઓને ભેગા કરીએ તો, કુલ ૧૮ કરોડ લોકો એને વાંચે છે. તેમ છતાં, ભારતની ૬૫ ટકા વસ્તી ભણેલી છે, આથી હજુ વાંચનારાઓની સંખ્યામાં વધારો થવાની શક્યતા છે. ટીવી જોનારાઓની સંખ્યા ૩૮.૩૬ કરોડની છે જ્યારે ૬૮.૦૬ કરોડ લોકો રેડિયો સાંભળે છે. વર્ષ ૧૯૯૯માં ૧૪ લાખ લોકો પાસે ઇન્ટરનેટ હતા જે હવે ૬૦ લાખ કરતાં વધારે લોકો પાસે છે. ભારતમાં ૫૦ ટકા જેટલા લોકો કેબલ કનેક્શન તેમ જ સેટેલાઈટનું લવાજમ ભરે છે. એમાં પણ ત્રણ વર્ષમાં ૩૧ ટકાનો વધારો છે. (g 03 5/08)

રોઝરીમાં થયેલો ફેરફાર

ન્યૂઝવીક રિપોર્ટ આપે છે: “લગભગ ૫૦૦ વર્ષોથી રોમન કૅથલિક ભક્તો અવર ફાધર અને હેલ મેરી નામના મંત્રો રોઝરીમાં બોલતા આવ્યા છે. આ રોઝરીથી તેઓ ઈસુ અને તેમની માતા મરિયમના જીવનમાં બનેલા “રહસ્યો” અથવા ૧૫ મુખ્ય ઘટનાઓ પર મનન કરી શકે છે. ગયા [ઑક્ટોબરમાં] પોપ જોન પોલ બીજાએ એક પત્ર લખ્યો જેણે આ રોઝરીના મંત્રોમાં ચોથી વિધિનો ઉમેરો કર્યો.” એ પત્ર ઈસુના સેવાકાર્ય પર આધારિત છે. એમાં ઈસુના બાપ્તિસ્માથી લઈને છેલ્લા ભોજન સુધીની વિગત છે. મૅગેઝિન આગળ બતાવે છે, “પોપનો હેતુ એ છે કે લોકો રોઝરીનો ઉપયોગ કરવાનું પાછું શરૂ કરે, કેમ કે એનું મહત્ત્વ ઘટી ગયું હતું.” પોપે કહ્યું કે એનાથી આશા રાખવામાં આવે છે કે “ખ્રિસ્તીઓ પર પૂર્વના ધર્મની ધ્યાન-યોગની પરંપરાઓની અસર પડે ત્યારે,” રોઝરીની આ આદત તેઓને મનન કરવા મદદ કરશે. (g 03 6/08)

લગ્‍ન તોડતી ઍજન્સી

જાપાનમાં પોતાના લગ્‍નથી ત્રાસી ગયેલાઓ લગ્‍ન તોડવા માટે ઍજન્સી પાસે જાય છે એમ ટોકિયોના આઈએચટી અશાહી શીમ્બૂ છાપાએ બતાવ્યું. જો પતિને છૂટાછેડા લેવા હોય પરંતુ છૂટાછેડા આપવાનું કોઈ કારણ ન હોય તો, તે લગ્‍ન તોડતી ઍજન્સી પાસે જાય છે. પતિ તરફથી આ ઍજન્સી કોઈ દેખાવડા માણસને તેમની પત્ની પાસે મોકલશે અને તે માણસ તેની સાથે લફરું કરશે. પછી બહુ જલદી જ પત્ની છૂટાછેડા આપવા તૈયાર થઈ જશે. આમ, પોતાનું કામ થઈ જવાથી આ ભાડે રાખેલો પ્રેમી તે પતિની પત્નીને છોડીને જતો રહે છે. એવી જ રીતે, કોઈ પત્ની પોતાના પતિને છૂટાછેડા આપવા ઇચ્છતી હોય છે ત્યારે, આ ઍજન્સી સુંદર યુવાન સ્ત્રીને તેના પતિ પાસે મોકલશે. તે યુવતી તેને અનૈતિકતાની જાળમાં ફસાવશે. એક ૨૪ વર્ષની યુવતીએ કહ્યું કે, તે ગમે તે પુરુષને “આસાનીથી ફસાવી શકતી. મને ૮૫થી ૯૦ ટકા સફળતા મળતી.” છાપાએ બતાવ્યું કે એક ઍજન્સીના પ્રમુખ, પાંચમાંથી ત્રણ વાર નિષ્ફળ જનાર કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકે છે. તે કહે છે: “તેઓએ સફળતા મેળવવી જ જોઈએ. આ તો વેપાર છે.” (g 03 6/22)

શા માટે બાળકો રસ્તે રખડે છે?

બ્રાઝિલનું એક છાપું ઓ એસ્ટાડો ડી એસ. પાઊલો બતાવે છે, “ઘરમાં થતી ધમાલને લીધે બાળકો અને યુવાનિયાઓ ઘર છોડીને રસ્તા પર રહે છે.” રીઓ ડી જાનેરોના બાળકો અને યુવાનિયાઓ માટેની સંસ્થાએ રસ્તા પર રહેતા ૧,૦૦૦ બાળકોનો સર્વે કર્યો. એનાથી જોવા મળ્યું કે ૩૯ ટકા બાળકો સાથે ખરાબ વ્યવહાર કરવામાં આવ્યો હોય છે અથવા તેઓએ ઘરમાં થતા રોજના ઝગડા જોયા હોય છે. સમાજશાસ્ત્રી લેને શ્મેસ્તસએ કહ્યું, “આ બાળકોને પોતાનું સ્વમાન જોઈતું હોય છે. અને તેઓ ધારે છે કે આ સ્વમાન તેઓને રસ્તા પર મળી આવશે.” અભ્યાસે એ પણ બતાવ્યું કે રસ્તે રખડતા, ૩૪ ટકા બાળકો અમુક સમયે હલકું કામ કરતાં હોય છે કે ભીખ માંગતા હોય છે. વળી, ૧૦ ટકા લોકો ડ્રગ્સના લીધે રસ્તે આવ્યા હોય છે. જ્યારે ૧૪ ટકા બાળકો પોતાની મરજીથી રસ્તે રહેવા આવે છે. સંશોધક અનુસાર, પોતાની મરજીથી આવેલા બાળકો ઘણી વાર ઘરમાં થતા જાતીય અત્યાચાર જેવા કારણોને છુપાવતા હોય છે. લગભગ ૭૧ ટકા લોકો બીજા બાળકો સાથે રહેતા હોય છે. તેઓ “પોતાની ઓળખ ઊભી કરીને, રસ્તા પરના બીજા બાળકોને ભાઈ, અંકલ, પિતા કે માતા બનાવતા હોય છે,” એમ શ્મેસ્તસએ કહ્યું. (g 03 6/22)