સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

“જો જો, છત્રી લેવાનું ભૂલતા નહિ!”

“જો જો, છત્રી લેવાનું ભૂલતા નહિ!”

“જો જો, છત્રી લેવાનું ભૂલતા નહિ!”

બ્રિટનના સજાગ બનો!ના લેખક તરફથી

બ્રિટનમાં લગભગ દરરોજ ઘણા લોકો છત્રી લઈને જ બહાર નીકળે છે. ત્યાં તમે ધાર્યું પણ ન હોય એવા સમયે વરસાદ તૂટી પડે છે. આપણે ઘરેથી બહાર નીકળીએ ત્યારે, હંમેશાં એકબીજાને કહીએ છીએ: “જો જો, તમારી છત્રી લેવાનું ભૂલતા નહિ!” પછી આપણે બેધ્યાન થઈને ટ્રેનમાં, બસમાં કે કોઈ શોપિંગ સેન્ટરમાં છત્રી ભૂલી આવીએ છીએ. હા, ઘણી વાર આપણે છત્રીને એટલું મહત્ત્વ આપતા નથી, કેમ કે એક ખોવાઈ જાય તો, આપણે તરત બીજી છત્રી ખરીદી શકીએ છીએ. પણ નવી નવી છત્રી નીકળી ત્યારે, લોકો એનું જીવની જેમ જતન કરતા હતા.

અજોડ છત્રીનો ઇતિહાસ

સૌથી પહેલાં જે છત્રીનો ઉપયોગ થતો હતો એને વરસાદ સાથે કોઈ લેવાદેવા ન હતી. શરૂઆતમાં તો એ ઊંચો હોદ્દો અને બહુમાનનું પ્રતીક હતી. મોટા મોટા લોકો જ એને રાખી શકતા હતા. આશ્શૂર, ઇજિપ્ત, ઈરાન અને ભારતમાંથી મળી આવેલી હજારો વર્ષ જૂની કલાકૃતિઓ અને ચિત્રોમાં, રાજા-મહારાજાઓને સૂર્યના તાપથી બચાવવા મોટી છત્રીઓ લઈને ઊભેલા સેવકો જોવા મળે છે. આશ્શૂરમાં તો રાજા સિવાય બીજું કોઈ છત્રી રાખી શકતું ન હતું.

ઇતિહાસ બતાવે છે કે હજારો વર્ષ સુધી છત્રી સત્તાને રજૂ કરતી આવી છે. એ ખાસ કરીને એશિયામાં વધારે જોવા મળ્યું. રાજાઓ પાસે જેટલી વધારે છત્રીઓ રહેતી એટલો તેઓનો મોભો વધી જતો. જેમ કે, બર્માના રાજા “ચોવીસ છત્રીઓના માલિક” તરીકે ઓળખાતા હતા. કેટલીક વાર તો રાજાઓ એકની પર એક એવા અનેક પડની છત્રી રાખવાને ખૂબ મહત્ત્વ આપતા હતા. આ છત્રીને ખોલીએ ત્યારે, એક પર એક અનેક છત્રીઓ લઈને ઊભા હોય એવી દેખાતી હતી. જેમ કે, ચીનના સમ્રાટ પાસે એવી ચાર પડની એક છત્રી હતી. જ્યારે થાઇલૅંડના રાજા પાસે સાત કે નવ પડની છત્રી હતી. પૂર્વના અમુક દેશોમાં અને આફ્રિકન દેશોમાં આજે પણ છત્રી સત્તાના પ્રતીક તરીકે આદરણીય સ્થાન ધરાવે છે.

ધર્મમાં વપરાતી છત્રી

શરૂઆતમાં છત્રી નીકળી ત્યારે, ખાસ કરીને ધર્મમાં એનો બહોળો ઉપયોગ થતો હતો. પ્રાચીન ઇજિપ્તમાં લોકો માનતા હતા કે નટ દેવી, છત્રીની જેમ પોતાના શરીરથી આખી પૃથ્વીનું રક્ષણ કરે છે. તેથી, લોકો પણ તેઓની નાની છત્રીઓ ખોલીને ચાલતા જેથી, દેવીનું રક્ષણ મેળવી શકે. ભારત અને ચીનના લોકો એમ માનતા કે ખુલ્લી છત્રી આકાશના ઘુંમટને બતાવે છે. શરૂઆતના બુદ્ધો, બુદ્ધના એક પ્રતીક તરીકે એનો ઉપયોગ કરતા હતા. અને તેઓના ધાર્મિક ભવનોની ટોચ પર ઘણી વાર છત્રી લહેરાતી જોવા મળતી. છત્રી હિંદુ ધર્મનો પણ એક ભાગ છે.

ઈસવી સન પૂર્વે ૫૦૦માં છત્રીનો મહિમા ગ્રીસ સુધી પહોંચ્યો હતો. ત્યાં લોકો ઉત્સવ કે તહેવારોના પ્રસંગે દેવ-દેવીઓની પ્રતિમાને છત્રીની છાયામાં રાખતા હતા. ઍથેન્સની સ્ત્રીઓ બહાર નીકળતી ત્યારે, તેઓના નોકર તેઓને છત્રીની છાયામાં રાખતા, જેથી તાપ ન લાગે. પરંતુ ત્યાં ગણ્યા-ગાંઠ્યા પુરુષો જ આવી છત્રી વાપરતા. પછી આ રિવાજ ગ્રીસથી રોમ સુધી પહોંચ્યો.

રોમન કૅથલિક ચર્ચે પણ તેઓના તહેવારોમાં છત્રીનો સમાવેશ કર્યો હતો. પછી તો પોપ પણ લાલ અને પીળા ચટાપટાવાળી સિલ્કની છત્રીની છાયામાં જોવા મળ્યા. જ્યારે કાર્ડિનાલ અને બીશપ આછો જાંબલી અને લીલા ચટાપટાવાળી છત્રી રાખતા. આજે પણ પોપ માટે એક ખાસ ખુરશી છે, જેની ઉપર તેમનો મોભો બતાવતી રંગબેરંગી છત્રી રાખવામાં આવી છે. એ ઓમ્બ્રેલોન નામથી ઓળખાય છે. પોપનું મરણ થાય અને બીજા પોપ ચૂંટાય ત્યાં સુધી એ ગાદી કાર્ડિનાલથી ઓળખાતા પાદરી સંભાળે છે. તેમની પાસે પણ તેમની પોતાની છત્રીવાળી ખુરશી હોય છે, જે તેમની પદવી બતાવે છે.

તાપ-વરસાદથી રક્ષણ

વરસાદથી રક્ષણ આપતી છત્રી કોણે બનાવી? એવું લાગે છે કે સદીઓ પહેલાં ચીન કે રોમની સ્ત્રીઓએ બનાવી હતી. તેઓ છત્રીના કાપડ પર તેલ કે મીણ લગાવતા, જેથી વરસાદમાં રક્ષણ મળે. તેમ છતાં, ૧૬મી સદી સુધી યુરોપ એ વાત ભૂલી ગયું હતું કે વરસાદ કે તાપમાં છત્રીથી રક્ષણ મળી શકે છે. છેક ૧૬મી સદીમાં ફરીથી ઈટાલીયન અને પછી ફ્રેન્ચ લોકો છત્રીનો ઉપયોગ કરવા લાગ્યા.

પછી ૧૮મી સદીમાં બ્રિટનની સ્ત્રીઓ છત્રી લઈને ફરવા લાગી. જોકે, ત્યાંના પુરુષોને છત્રી વાપરવામાં નાનમ લાગતી હતી. તેઓ એમ માનતા કે એ ફક્ત સ્ત્રીઓ માટે છે. તેમ છતાં, કૉફી વેચતા હોટલના માલિકો છત્રીનો ખુલ્લેઆમ ઉપયોગ કરતા. એમ કરવાથી તેઓને જ લાભ થતો. કેમ કે ઘોડાગાડીમાંથી ગ્રાહકો નીકળીને કૉફી પીવા આવે ત્યારે તેઓ પલળી ન જાય એ માટે હોટલમાં કામ કરતા માણસો છત્રી વાપરતા. એવી જ રીતે પાદરીઓ પણ કબ્રસ્તાનમાં દફનવિધિ કરતી વખતે વરસાદમાં છત્રી વાપરતા, જેથી પોતે ભીંજાય ન જાય.

પરંતુ એના થોડા જ સમય પછી ઇંગ્લૅંડમાં એક માણસે છત્રીનો ઇતિહાસ બદલી નાખ્યો. તે દેશ-પરદેશમાં મુસાફરી કરતો હાન્વે નામનો મહાન દાનવીર હતો. કહેવામાં આવે છે કે તે હિંમતથી લંડનની શેરીઓમાં છત્રી લઈને ફરતો. હાન્વે શેરીઓમાં છત્રી લઈને નીકળતો ત્યારે, તેની મશ્કરી કરવા ઘોડાગાડીના ચાલકો જાણીજોઈને ગંદા પાણીમાં ગાડી દોડાવતા, જેથી હાન્વેના કપડાં બગડી જાય. તોપણ તે હિંમત ન હાર્યો. તે જાહેરમાં આ રીતે ૩૦ વર્ષ સુધી છત્રીનો ઉપયોગ કરતો રહ્યો. પછી ૧૭૮૬માં તે મરણ પામ્યો ત્યાં સુધીમાં તો, સ્ત્રીઓ અને પુરુષો પણ ખુશીથી છત્રીનો ઉપયોગ કરવા લાગ્યા.

જોકે, એ દિવસોમાં વરસાદની છત્રી લઈને નીકળવું સહેલું ન હતું. એ છત્રીઓ ખૂબ જ ભારે, મોટી તેમ જ દેખાવમાં પણ એટલી સુંદર ન હતી. એના સિલ્ક કે કૅન્વસના કવરને ઓઈલથી વોટરપ્રૂફ કરવામાં આવતું. તેમ જ છત્રીનો દાંડો અને સળિયા વાંસમાંથી કે વહેલ માછલીના હાડકાંમાંથી બનાવવામાં આવતા. તેથી વરસાદમાં એને સહેલાઈથી ખોલી ન શકાતી અને અંદર પાણી પણ ગળતું. તોપણ, દિવસે દિવસે વધુને વધુ લોકો એનો ઉપયોગ કરવા લાગ્યા. કેમ કે, વરસાદમાં ગાડી ભાડે કરવા કરતાં છત્રી ખરીદવી સસ્તી પડતી હતી. આમ, છત્રીનો ઉદ્યોગ ખૂબ ફૂલ્યો-ફાલ્યો. તેમ જ છત્રીઓ બનાવનારા પણ અવનવી ડિઝાઈનોવાળી અને રાખવામાં સુગમ પડે એવી છત્રી બનાવવા લાગ્યા. પછી ૧૯મી સદીની મધ્યમાં શેમ્યુઅલ ફોક્સે પોતાને નામે, હળવી ફૂલ અને બધાને ગમી જાય એવી છત્રીની શોધ કરી. એની ફ્રેમ વજનમાં હલકી પણ મજબૂત સ્ટીલની બનેલી હતી. એમાં ભારેખમ અને વિશાળ જગ્યા રોકતા કૅન્વસના કવરને બદલે, સિલ્ક, કોટન કે મીણના ઢોળવાળું વજનમાં હલકું કાપડ વાપરવામાં આવ્યું. હવે હળવીફૂલ અને બધાને ગમી જાય એવી છત્રીની શોધ થઈ ચૂકી હતી.

ફેશનેબલ છત્રી

મન હરી લે એવી નવી નવી છત્રીઓએ ઇંગ્લૅંડની ફેશનેબલ સ્ત્રીઓ માટે ફેશનનું એક નવું દ્વાર ખોલી નાખ્યું. એનાથી તો છત્રીઓ ખૂબ જ પ્રખ્યાત બની. ફેશન બદલાતી ગઈ તેમ, આ નાજુક છત્રીની સાઈઝ પણ નાની-મોટી થતી ગઈ. એમાં પણ અવનવા કલરમાં ચળકતા રેશમી કાપડે છત્રીની શોભામાં ચાર ચાંદ લગાવી દીધા. એનાથી સ્ત્રીઓ પોતાના કપડાંને મેચ થાય એવી છત્રીઓ વાપરવા લાગી. વધુમાં, આ છત્રીની કોર સરસ ડિઝાઈનમાં ગૂંથેલી, ઝાલરવાળી, રિબીન, અવનવી ગાંઠ કે પીછાંઓથી શણગારેલી બનાવવામાં આવી. વીસમી સદીમાં તો ઠેર ઠેર નાજુક-નમણી સ્ત્રીઓ છત્રી વગર ઘરની બહાર પગ પણ મૂકતી ન હતી.

પરંતુ, ૧૯૨૦ના દાયકામાં પાછો છત્રીના લગાવમાં ઉતાર આવ્યો. હવે સ્ત્રીઓને સૂર્યના તાપમાં કાળા થવાનો મોહ લાગ્યો. એનાથી ધીમે ધીમે છત્રી અદૃશ્ય થવા લાગી. હવે શહેરના વેપારીઓનો યુગ શરૂ થયો. તેઓ મોટો કાળો ટોપો પહેરીને સાથે બંધ કાળી છત્રી રાખવા લાગ્યા. એ તેઓની એક સ્ટાઈલ હતી. તેઓ બહાર નીકળતા ત્યારે, સ્ટાઈલમાં ડંગોરાની જેમ બંધ છત્રી લઈને ચાલતા.

બીજા વિશ્વયુદ્ધ પછી, નવી ટેક્નૉલૉજીએ છત્રીના રંગ-રૂપ બદલી નાખ્યા. હવે માર્કેટમાં બટન દબાવતા જ ખૂલી જાય એવી ફોલ્ડિંગ છત્રીઓ આવવા લાગી. એના કવરમાં વોટરપ્રૂફ નાયલોન, પોલીસ્ટર અને પ્લાસ્ટિકનો ઉપયોગ થવા લાગ્યો. જોકે, હજુ પણ એવી ઘણી દુકાનો છે જ્યાં લોકો હાથેથી સુંદર છત્રીઓ બનાવે છે, અને એ ખૂબ મોંઘી પણ હોય છે. પરંતુ આજે તો મોટી મોટી કંપનીઓ રંગબેરંગી, નાની-મોટી સાઈઝમાં મોટા પ્રમાણમાં છત્રીઓ બનાવી રહી છે, જેના લીધે એ ખૂબ સસ્તામાં મળી રહે છે. હવે તો ગાર્ડનમાં આખા ડાઈનિંગ ટેબલને પણ કવર કરે એવી મોટી મોટી છત્રીઓ માર્કેટમાં મળે છે. એ ઉપરાંત, તમારી હૅન્ડબૅગમાં સહેલાઈથી આવી જાય એવી વેંત જેવડી ફોલ્ડિંગ છત્રીઓ પણ મળે છે.

એક સમયે ફક્ત અમીર લોકો જ છત્રી રાખી શકતા હતા. પરંતુ આજે તો બધા જ એ રાખી શકે છે. તેથી, આજે સૌથી વધારે ખોવાઈ જતી વસ્તુઓની યાદીમાં છત્રીનો નંબર પણ આગળ પડતો છે. એ દુનિયાના કોઈ પણ ખૂણામાં તાપ અને વરસાદ સામે ખૂબ ઉપયોગી છે. સૂર્યનો ધગધગતો તાપ ત્વચા માટે સારો નથી એ જાણીને, અગાઉની જેમ હવે ફરીથી કેટલાક દેશોમાં તાપમાં રક્ષણ માટે છત્રીનો ઉપયોગ વધી રહ્યો છે. તેથી, આજે ઘરમાંથી બહાર નીકળો ત્યારે, કદાચ તમને પણ કોઈક અંદરથી બૂમ પાડશે કે, “જો જો, છત્રી લેવાનું ભૂલતા નહિ!” (g03 7/22)

[પાન ૨૦ પર બોક્સ/ચિત્ર]

છત્રીની ખરીદી અ એની સંભાળ

કેવી છત્રી સારી આવે છે, એ લેનાર પર આધાર રાખે છે. બટન દબાવતા જ ખૂલી જાય અને હૅન્ડબૅગમાં આવી જાય એવી ફૉલ્ડીંગ છત્રીઓ સસ્તી હોય છે. પણ એમાં ઓછા તાર હોવાથી ભારે પવનમાં એ કાગડો થઈ શકે, અથવા ફ્રેમના તાર કવર ફાડી શકે. પરંતુ ડંગોરા જેવી છત્રી ઘણાં વર્ષો ટકે છે. ભલે એ થોડી મોંઘી હોય, પણ એ વરસાદ કે ભારે પવનમાં લાંબો સમય ટકી રહે છે. છત્રી તો સૌ સૌની પસંદગી છે. પરંતુ, વરસાદમાંથી આવ્યા પછી છત્રી કોરી કરવા ખુલ્લી રાખવી જોઈએ, જેથી એમાં ડાઘ ન પડે અને સડી ન જાય. તેમ જ છત્રીને એના કવરમાં રાખવાથી એમાં ધૂળ નહિ લાગે.

[પાન ૧૯ પર ચિત્ર]

આશ્શૂરના રાજા પર છત્રીનો છાંયો કરીને સેવક ઊભો છે

પ્રાચીન ગ્રીસમાં એક સ્ત્રી છત્રી લઈને બેઠી છે

[ક્રેડીટ લાઈન]

ચિત્રો: The Complete Encyclopedia of Illustration/J. G. Heck

[પાન ૨૦ પર ચિત્ર]

વર્ષ ૧૯૦૦ની આસપાસ જોવા મળતી છત્રી

[ક્રેડીટ લાઈન]

Culver Pictures