સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

તંદુરસ્ત રહેવાની છ રીતો

તંદુરસ્ત રહેવાની છ રીતો

તંદુરસ્ત રહેવાની છ રીતો

વિકાસશીલ દેશોમાં એમ કરવું સહેલું નથી

દુનિયામાં આજે ઘણા એવા દેશો છે જ્યાં ચોખ્ખું પાણી પણ સહેલાઈથી મળતું નથી. તેથી, નહાવા-ધોવાની વાત આવે છે ત્યારે લોકો માટે ચોખ્ખાઈ રાખવી મહા-મુશ્કેલ બની જાય છે. મોટા ભાગના લોકો પાસે તો બાથરૂમ કે ટોઇલેટની પણ સગવડ નથી. તોપણ, જેઓ ચોખ્ખાઈ રાખવા બનતું બધું જ કરે છે તેઓ ઘણા રોગોથી બચી જાય છે. છતાંય આંકડા બતાવે છે કે, બીમાર પડતા અને મરણ પામતા નાનાં બાળકોમાં પચાસ ટકાથી વધારેને ચેપ લાગ્યો હોય છે. કારણ કે તેઓ હાથ ધોયા વગર ખાતા હોવાથી, અથવા ગંદું પાણી પીતા હોવાથી રોગ ફેલાવતા જીવાણુઓ તેઓના શરીરમાં જઈને ચેપ ફેલાવે છે. તોપણ એનાથી બચી શકાય છે. નીચે આપેલા સૂચનોને પાળવાથી મરડા જેવી બીજી ઘણી બીમારીઓ ટાળી શકાય છે. આ સૂચનો સંયુક્ત રાષ્ટ્ર બાળ નિધિએ બહાર પાડેલા, જીવનનું માર્ગદર્શન (અંગ્રેજી) પ્રકાશનમાં આપેલા છે.

૧ મળમૂત્રનો યોગ્ય નિકાલ કરો

મળમાં અનેક રોગ ફેલાવતા જંતુઓ હોય છે. આ જંતુઓ સહેલાઈથી પાણી કે ખોરાકમાં ભળી જાય છે. અથવા, હાથ ધોયા વગર રસોઈ કરવાથી, રસોડું ગંદું હોવાથી પણ રોગો ફેલાય છે. તેમ જ ગંદા વાસણોમાં ખાવાનું પીરસવાથી પણ આપણા શરીરમાં જંતુઓ જઈ શકે છે. આમ, ગંદકીથી બીમારીઓ ફેલાય છે. તો તંદુરસ્ત રહેવા આપણે શું કરવું જોઈએ? આપણા મળમૂત્રનો યોગ્ય નિકાલ થવો જ જોઈએ. તેમ જ, હંમેશાં ટોઇલેટનો જ ઉપયોગ કરવો જોઈએ. એ ધ્યાન રાખવું જોઈએ કે બાળકો રમતા હોય ત્યાં ચોખ્ખાઈ હોય. એ ઉપરાંત, ઘરની આસપાસ રસ્તા પણ ચોખ્ખા રાખવા જોઈએ, એના પર કોઈ પશુ-પ્રાણીનું મળમૂત્ર ન હોવું જોઈએ.

પરંતુ, ટોઇલેટની સગવડ જ ન હોય તો શું? એવા કિસ્સામાં સંડાસે ગયા પછી મળને તરત જ દાટી દેવું જોઈએ. યાદ રાખો, બધા જ મળમૂત્રમાં બીમારી ફેલાવતા જંતુઓ હોય છે. તેથી, બાળકોના મળને પણ ટોઇલેટમાં નાંખવું જોઈએ, અથવા એને દાટી દેવું જોઈએ.

ટોઇલેટને હંમેશાં સાફ રાખો અને ટોઇલેટ પરનું ઢાંકણું અથવા દરવાજો બંધ રાખો.

૨ તમારા હાથ ધુઓ

હર વખતે યાદ રાખીને તમારા હાથ ધુઓ. ફક્ત નામ ખાતર હાથ ન ધુઓ. પણ સાબુ કે રાખથી તમારા હાથ બરાબર મસળીને ધુઓ. એમ કરવાથી રોગ ફેલાવતા જંતુઓ દૂર થશે.

શિશુ કે બાળક સંડાસ કરે ત્યારે, તેને ધોયા પછી સાબુથી હાથ ધોવા જ જોઈએ. એ ચોખ્ખાઈ રાખવી ખૂબ જરૂરી છે. એ ઉપરાંત, પશુ-પ્રાણીઓ સાથે રમ્યા પછી કે તેઓના છાણને સાફ કર્યા પછી પણ હાથ ધોવા જોઈએ. જમવાનું બનાવતા કે ખાતા પહેલાં, અને બાળકોને ખવડાવતા પહેલાં પણ હાથ ધોવાનું ભૂલશો નહિ.

હાથ ધોવાથી બીમારી ફેલાવતા જંતુઓથી આપણને રક્ષણ મળે છે. આ નાના જંતુઓને આપણે નરી આંખે જોઈ શકતા નથી. એ ફક્ત માઈક્રોસ્કોપથી જ જોઈ શકાય છે. આ જંતુઓ મળ-મૂત્રમાં, જમીન કે પાણીમાં અને બરાબર ન રાંધેલા કે કાચા માંસમાં રહે છે. તેથી, જંતુઓને શરીરમાં પ્રવેશતા અટકાવવા હોય તો, આપણે હાથ ધોવા જ જોઈએ. એ ઉપરાંત, આપણે ટોઇલેટમાં જતા હોઈએ કે એની આસપાસ હોઈએ ત્યારે પણ ચંપલ પહેરવાં જ જોઈએ. કેમ કે ત્યાં રહેલાં નાના જંતુઓ આપણા પગની ચામડી મારફતે શરીરમાં પ્રવેશી શકે છે.

નાનાં બાળકો વારંવાર પોતાના હાથ મોંમાં નાખતાં હોય છે. તેથી, વારંવાર તેઓના હાથ ધુઓ. ખાસ કરીને તેઓ સંડાસ કરે પછી અને ખાવા બેસે એ પહેલાં બરાબર તેઓના હાથ ધોવડાવવા જોઈએ. તેમ જ તેઓને જાતે હાથ ધોતાં શીખવો. તેઓને એ પણ શીખવો કે ટોઇલેટ અથવા ગંદકીથી દૂર રમે.

૩ દરરોજ ચહેરો ધુઓ

તમારી આંખોને ચેપી રોગ ન લાગે એ માટે, ચહેરાને રોજ સાબુ અને પાણીથી ધુઓ. તેમ જ બાળકોના ચહેરાને પણ સાબુથી ધોવા જ જોઈએ. જો એમ નહિ કરો તો, માખીઓ ઊડીને ત્યાં જ આવશે. આ માખીઓ ઘણાં જંતુઓ લઈને ફરતી હોય છે. એનાથી તમારી આંખોને ચેપી રોગ લાગી શકે, અને તમે આંધળા પણ થઈ શકો.

તમારા બાળકોની આંખો નિયમિત તપાસતા રહો. તંદુરસ્ત આંખો સહેજ ભીની અને ચમકતી હોવી જોઈએ. જો તેઓની આંખો સૂકી, લાલ કે સૂજેલી હોય, અથવા એમાંથી કોઈ પ્રવાહી નીકળતું હોય તો, તેને ચેપ લાગ્યો હોય શકે. આવા કિસ્સામાં બાળકને તરત જ ડૉક્ટર પાસે તપાસ કરાવવા લઈ જાઓ.

૪ ફક્ત ચોખ્ખું પાણી વાપરો

કુટુંબો ચોખ્ખું પાણી વાપરે છે ત્યારે તેઓ ભાગ્યે જ બીમાર પડે છે. તમારે ત્યાં જો સારી પાઇપ લાઈનથી અથવા ચોખ્ખા કૂવામાંથી કે ઝરામાંથી પાણી આવતું હોય તો, કદાચ ચિંતા કરવા જેવું નથી. પરંતુ, તળાવ, નદી, ખુલ્લી ટાંકીઓ કે ખુલ્લા કૂવામાંથી પાણી આવતું હોય તો એ ચોખ્ખું હોતું નથી. તેથી એને ઉકાળીને અને ગાળીને પીવું જોઈએ.

પાણીના કૂવાને હંમેશાં ઢાંકીને રાખવો જોઈએ. પાણી ભરવા અને સંગ્રહ કરવા તમે જે ડોલ, દોરડાં કે માટલું વાપરો એને નિયમિત ધોવા જોઈએ. તેમ જ એને જમીન પર નહિ, પણ કોઈ ચોખ્ખી જગ્યાએ મૂકવા જોઈએ. પશુ-પ્રાણીને હંમેશાં ઘરની બહાર અને પીવાના પાણીથી દૂર રાખવા જોઈએ. પાણી રાખ્યું હોય એની આસપાસ કોઈ પણ કેમિકલ કે જંતુનાશક દવા ન રાખવી તેમ જ વાપરવી પણ નહિ.

ઘરમાં હંમેશાં પીવાના પાણીને ચોખ્ખા વાસણમાં ઢાંકીને રાખવું જોઈએ. તેમ જ, જો નળવાળી પવાલી કે માટલું હોય તો એ સૌથી સારું છે. જો ન હોય તો, વાસણમાંથી ચોખ્ખા ડોયા કે લોટાથી જ પાણી કાઢવું જોઈએ. કોઈને પણ પીવાના પાણીમાં હાથ ન નાખવા દો. તેમ જ પાણી કાઢવાના ડોયા કે લોટામાં કદી પાણી પીવા ન આપો.

૫ ખોરાકને જંતુથી સાચવીને રાખો

ખોરાકને બરાબર રાંધવાથી જીવ-જંતુઓ મરી જાય છે. ખાસ કરીને કોઈ પણ જાતના માંસને બરાબર રાંધવું જોઈએ. હૂંફાળા ખોરાકમાં બૅક્ટેરિયા કે જીવાણુઓ મિનિટોમાં બમણાં થઈ જાય છે. તેથી, રસોઈ કર્યા પછી બને એટલા જલદી ખાઈ લેવું જોઈએ. જો તમે બે-ત્રણ કલાક પછી ખાવાના હોવ તો, ખોરાકને ફ્રીજમાં રાખો, અથવા એને ગરમ રાખો. તેમ જ, જો તમે ખોરાકને બીજા કોઈ સમયે ખાવાના હોવ તો, એને ઢાંકીને રાખો. એનાથી, માખીઓ અને જીવ-જંતુઓ ખોરાકને બગાડશે નહિ. પરંતુ, એને ખાતા પહેલાં જરૂર ગરમ કરો.

ધાવણાં બાળક માટે માતાનું દૂધ સૌથી સારો ખોરાક છે. પરંતુ જો તમે બાળકને ગાય-ભેંસ જેવા પ્રાણીનું દૂધ આપવાના હો તો, એ તાજું ઉકાળેલું, અથવા ડેરીનું પૅસ્ટરાઈઝ્ડ હોવું જોઈએ. તે કાચા દૂધ કરતાં ઘણું સલામત છે. બાળકોને દૂધ કે બીજા પ્રવાહી આપવા પ્લાસ્ટિક કે રબરની નીપલવાળી બોટલ વાપરશો નહિ. જો વાપરવી જ હોય તો, દરેક સમયે એને ઉકળતા પાણીમાં સાફ કર્યા પછી જ બાળકને આપવી જોઈએ. કેમ કે આવી બોટલમાં ઘણી વાર પુષ્કળ જીવાણુઓ હોય છે. એનાથી બાળકને મરડા જેવી ગંભીર બીમારી થાય છે. તેથી, બાળક માટે માનું દૂધ જ સૌથી સારું છે. અથવા, જો તેને બહારનું દૂધ, પાણી કે બીજું કોઈ પ્રવાહી આપવું હોય તો, નીપલ વગરના ચોખ્ખા કપમાંથી પિવડાવો.

ફળો અને શાકભાજીને ચોખ્ખા પાણીમાં ધુઓ. ખાસ કરીને તમે બાળકોને ફળ આપતા હો તો, ધોઈને આપવું ખૂબ મહત્ત્વનું છે.

૬ ઘરના કચરાને દાટો અથવા બાળી નાખો

માખી, વાંદા, ઉંદર અને છછુંદર પણ જ્યાંને ત્યાં જીવ-જંતુઓ ફેલાવે છે. કેમ કે તેઓ કચરા પર જ નભતા હોય છે. તેથી, તમારે રોજ કચરો કાઢી નાખવો જોઈએ. તમે રહેતા હોવ ત્યાં કચરાના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોય તો શું? આવા કિસ્સામાં રોજ તમારા કચરાને ઘરથી દૂર ખાડો કરીને દાટી દો અથવા એને બાળી નાખો. તમારું ઘર કચરો અને ગંદા પાણીથી સ્વચ્છ રાખો, તેમ જ ઘરની આજુબાજુ ગંદકી પણ થવા ન દો.

જો તમે આ સૂચનો તમારા જીવનમાં નિયમિત લાગુ પાડશો તો, તમને એનાથી ઘણા જ લાભો થશે. એમ કરવું કંઈ મુશ્કેલ નથી. એ કરવા માટે તમારે વધારે પૈસા પણ ખર્ચવા નહિ પડે. વધુમાં, એનાથી તમારું જ કુટુંબ સારી તંદુરસ્તીમાં રહેશે. (g 03 9/22)

[પાન ૧૧ પર ચિત્ર]

જો ટોઇલેટ ન હોય તો, સંડાસે ગયા પછી મળને તરત જ દાટી દેવું જોઈએ

[પાન ૧૧ પર ચિત્ર]

નિયમિત તમારા હાથ

[પાન ૧૨ પર ચિત્ર]

ગંદકીથી દૂર રહીને ચોખ્ખું પાણી વાપરશો તો તમે ભાગ્યે જ બીમાર પડશો

[પાન ૧૨ પર ચિત્ર]

રોજ તમારો ચહેરો સાબુ અને પાણીથી ધુઓ

[પાન ૧૩ પર ચિત્ર]

જો તમે બીજા કોઈ સમયે રાંધેલો ખોરાક ખાવાના હો તો, એને ઢાંકીને રાખો

[પાન ૧૩ પર ચિત્ર]

ઘરના કચરાને દરરોજ ઘરથી દૂર દાટી દેવો જોઈએ અથવા બાળી નાખવો જોઈએ