સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પરાગરજ અજોડ રચના કે માથાનો દુખાવો?

પરાગરજ અજોડ રચના કે માથાનો દુખાવો?

પરાગરજ અજોડ રચના કે માથાનો દુખાવો?

ઑસ્ટ્રેલિયાના સજાગ બનો!ના લેખક તરફથી

આઆ-હા છી! તમને જો છીંકો ઉપર છીંકો જ આવતી હોય, આંખ-નાકમાં ચળ આવતી હોય અને એમાંથી પાણી પડતું હોય તો સમજવું કે વસંતઋતુ આવી ગઈ છે. આજે કરોડો લોકો પરાગરજથી હેરાન-પરેશાન થઈ રહ્યા છે. હવામાં ફૂલ-છોડ અને વૃક્ષોની પુષ્કળ પરાગ રજ ઊડતી હોવાથી તેઓને એની એલર્જી હોય છે. બ્રિટીશ મેડિકલ જર્નલ મૅગેઝિનના જણાવ્યા પ્રમાણે ઉનાળામાં ઘણા દેશોમાં છમાંથી એક વ્યક્તિને પરાગની એલર્જી હોય છે. એ એલર્જી હેફિવર નામથી ઓળખાય છે. એ દેશોના ઉનાળામાં ફૂલ-ઝાડની પાર વગરની રજ હવામાં ઊડતી હોય છે. એનાથી લોકોને એલર્જી થાય છે એમાં કંઈ જ નવાઈ નથી.

વૈજ્ઞાનિકોનું માનવું છે કે દક્ષિણ સ્વીડનના પાઈન કે દેવદારના કુલ વૃક્ષોમાંથી ફક્ત ત્રીજા ભાગના વૃક્ષો જ દર વર્ષે લગભગ ૭પ,૦૦૦ ટન જેટલી પરાગ હવામાં છોડે છે. દાખલા તરીકે, ઉત્તર અમેરિકામાં રાગવિડ અથવા અમભ્રોશીયા નામનો છોડ થાય છે. એનો ફક્ત એક જ છોડ દરરોજ દસ લાખ પરાગ-રજ છોડે છે. એનાથી લોકોને હેફિવર થાય છે જેનાથી તેઓને જીવવું અઘરું બની જાય છે. તેમ જ તેની પુષ્પપરાગ જમીનથી ૩ કિલોમીટર ઉપર હવામાં મળી આવી છે. એટલું જ નહિ, એ વૃક્ષો જ્યાં હોય છે એનાથી ૬૦૦ કિલોમીટર દૂર દરિયા ઉપરની હવામાં પણ એની રજ મળી આવી છે.

પરંતુ શા કારણથી અમુક લોકોને પુષ્પપરાગ કે ફૂલોની રજથી એલર્જી થાય છે? એનો જવાબ આપીએ એ પહેલાં ચાલો આપણે જરા પુષ્પપરાગની અજોડ રચના ઝીણવટથી તપાસીએ.

રજમાંથી છોડ

પુષ્પપરાગ વિષે ધ એન્સાયક્લોપેડિયા બ્રિટાનીકા આમ કહે છે: “પુષ્પપરાગ વનસ્પતિના પુષ્પમાં આવેલા પુંકેસરની પરાગધાનીમાં બને છે. જે વૃક્ષ કે વનસ્પતિમાં બી થાય છે એ અનેક રીતે (પવન, પાણી, કે જંતુઓ દ્વારા) ફેલાય છે. અને એ વનસ્પતિના સ્ત્રીકેસરમાં કે ગર્ભકેસરમાં પહોંચે છે જ્યાં પરાગાધાન થાય છે.”

જે વનસ્પતિમાં ફૂલો થાય છે એના પુષ્પપરાગના ત્રણ ભાગ હોય છે. જેમ કે બીજકોષના બે પડ હોય છે. બીજનું બાહ્ય પડ બહુ જ ટકાઉ હોય છે. તેથી એ સખત ગરમી કે જલદ એસિડ અથવા ક્ષારમાં પણ જલદી નાશ પામતું નથી. તેમ છતાં, મોટા ભાગના પુષ્પપરાગથી બીજનો અંકુર ફૂટવા લાગે છે, અને એ થોડા જ દિવસો કે અઠવાડિયાં ટકે છે. જોકે બીજનું પડ કઠણ હોવાથી એ હજારો વર્ષો સુધી ટકી શકે છે. તેથી આજે જમીનમાંથી પુષ્કળ પ્રમાણમાં પુષ્પપરાગ મળી આવે છે. વૈજ્ઞાનિકોએ જુદી જુદી જગ્યા અને ઊંડાણમાંથી માટી લઈને એનો અભ્યાસ કર્યો ત્યારે, એમાંથી તેઓને વનસ્પતિના ઇતિહાસ વિષે ઘણું શીખવા મળ્યું છે.

પુષ્પપરાગના પડ પર અજોડ ડિઝાઈન હોય છે અને એ એક સરખી હોતી નથી. તેથી આપણે વનસ્પતિનો ખરો ઇતિહાસ પારખી શકીએ છીએ. અમુક પુષ્પપરાગના પડ લીસા, કરચલીવાળા, અનેક ડિઝાઈનવાળા, અથવા કરોડ અને રૂવાંથી પણ ભરેલા હોય છે. એ પુષ્પપરાગ કેવી રીતે ઓળખી શકાય એ વિષે માનવ વિજ્ઞાનના પ્રોફેસર વૉન ભ્રાયઅટ જુનિયર આમ કહે છે: “જેવી રીતે દરેક વ્યક્તિના આંગળાંની છાપ અલગ હોય છે એ જ રીતે પુષ્પપરાગ પણ અલગ-અલગ હોય છે.”

પરાગાધાન કઈ રીતે થાય છે?

ફૂલમાં અલગ અલગ ભાગો હોય છે. જેમ કે પુંકેસર, સ્ત્રીકેસર, બીજકોષ અને બીજાશય વગેરે. એક વાર પરાગ કે રજ સ્ત્રીકેસર કે બીજકોષમાં પહોંચે ત્યારે એનું અંકુરણ થાય છે. એનાથી એ રજ ફૂલે છે અને બીજકોષ સુધી પરાગનલિકા ઊગે છે. પછી એ રજનો બીજકોષ નલિકામાં થઈને બીજાશયમાં જાય છે અને ત્યાં ફળદ્રુપ થાય છે. પછી એમાંથી વિકાસ પામીને પૂર્ણ બીજ બને છે જેને યોગ્ય જગ્યાએ રોપો એટલે એમાંથી ફણગો, અંકુર કે ફૂલની કળી ખીલી નીકળે છે.

જોકે મોટા ભાગની વનસ્પતિમાં નર અને માદા પુષ્પ બંને હોય છે, ફક્ત અમુકમાં જ એવું હોતું નથી. જે વનસ્પતિમાં બંને પુષ્પ હોય છે એને દ્વીલિંગી વનસ્પતિ કહેવાય છે. એમાં સહેલાઈથી પરાગનયન થાય છે. જ્યારે કે બીજા ફૂલ-વૃક્ષ એક જ જાતિના બીજા પુષ્પ સાથે પરાગનયન કરે તો જ એને અંકુર અથવા ફૂલને કળી લાગે છે. આવા પ્રકારની વનસ્પતિ “કોઈ રીતે પોતાના જ પુષ્પ સાથે પરાગનયન કરતી નથી. એ માટે વનસ્પતિની સ્ત્રીકેસર પરિપક્વ ન હોય ત્યારે જ એ પરાગરજ ઉત્પન્‍ન કરે છે,” એવું એન્સાયક્લોપેડિયા બ્રિટાનીકા કહે છે. અમુક વનસ્પતિમાં એવા કેમિકલ હોય છે જેનાથી એ પોતાના જ પુષ્પને અને પોતાની જાતિના બીજા પુષ્પને પારખી શકે છે. એ પોતાના જ પુષ્પને ઓળખી કાઢે ત્યારે સ્ત્રીકેસરમાં જતી પરાગનલિકા ઊગતી જ નથી.

એક વિસ્તારમાં જ્યાં અનેક વનસ્પતિ ઊગતી હોય છે ત્યાં હવામાં પરાગની ખીચડી બની જાય છે. આવા કિસ્સામાં વનસ્પતિ કઈ રીતે પોતાને યોગ્ય પરાગ પસંદ કરે છે? અમુક વનસ્પતિના પુષ્પ અજોડ રીતે હવામાં ઊડીને આવે છે. દાખલા તરીકે, ચીડ કે દેવદાર વૃક્ષનો વિચાર કરો.

પવનમાં ઊડે છે

નર ચીડ કે દેવદાર વૃક્ષ પર શંકુના ઝૂમખાંઓ હોય છે. એ શંકુઓ પુખ્ત થાય ત્યારે, હવામાં ઢગલેબંધ પુષ્પપરાગ છોડે છે. વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું છે કે માદા દેવદારના પાંદડાંમાં કાંટા હોય છે. પવનથી એના પાંદડાં ખૂલે છે, જેથી હવામાં ખેંચાઈ આવેલા પરાગ સ્ત્રીકેસર તરફ પડે. એ પહેલાં શંકુના શલ્ક કે એની પાંખો નજીવી ખૂલે છે જેથી પરાગ પ્રવેશી શકે.

વનસ્પતિ પર સંશોધન કરનાર કાર્લ નિકલસે દેવદારના શંકુની રચના વિષે ઊંડો અભ્યાસ કર્યો હતો. તેમણે એના વિષે સાયન્ટિફીક અમેરિકન મૅગેઝિનમાં આમ લખ્યું: “એના અભ્યાસમાં અમને જાણવા મળ્યું કે દરેક જાતિના શંકુનો અજોડ આકાર હોય છે. તેથી એ પવનની દિશા પ્રમાણે અજોડ રીતે ઊડે છે. . . . જેમ કે ફૂલ-ઝાડની જાત પ્રમાણે પરાગનું એક સરખું કદ, આકાર અને જાડાઈ હોય છે. તેથી અજોડ રીતે પરાગ કે રજ પવનમાં ઊડે છે.” એ કેટલી અસરકારક છે? એ વિષે નિકલસ કહે છે: “મોટા ભાગે અમે જેટલા શંકુનો અભ્યાસ કર્યો એમાંથી જોવા મળ્યું કે હવામાંથી દરેક શંકુ પોતાની જાતના જ પરાગ શોધી લે છે.”

એ ખરું છે કે બધા જ ફૂલ-ઝાડનું પરાગનયન પવનથી થતું નથી. એમાં પ્રાણીઓ પણ ભાગ લે છે. એની તમને એલર્જી હોય તો કદાચ આ જાણીને તમને શાંતિ થશે!

મધુરસથી લલચાય છે

પક્ષીઓ, નાના પ્રાણીઓ અને જીવજંતુઓ વનસ્પતિમાં ફરતાં હોય છે ત્યારે, ફૂલની પરાગ-રજ તેઓના વાળને ચોંટી જાય છે અને એ રીતે તેઓ દ્વારા પરાગનયન થાય છે. આ પરાગરજ સામાન્ય રીતે ગોળ, ચીકણી, કંટકીય કે રોમયુક્ત હોવાથી, સહેલાઈથી જીવજંતુઓના પગને ચોંટી જાય છે. દાખલા તરીકે, ભમરો કે મધમાખી એક ફૂલથી બીજા ફૂલ પર પુષ્પરસ-મકરંદની શોધમાં ફરે છે ત્યારે, એના વાળમાં એક સાથે લગભગ ૧૫,૦૦૦ પુષ્પપરાગ ચોંટી જાય છે!

હકીકતમાં આ રીતે ફૂલનું પરાગનયન

કરવામાં ભમરો કે મધમાખી મુખ્ય ભાગ ભજવે છે. એમ કરવાથી મધમાખીને સુધા કે મધુરસ પીવા મળે છે અને પરાગ ખાવા મળે છે. તેમ જ એને પરાગમાંથી પ્રોટીન, વિટામિન, ચરબી અને બીજા જરૂરી તત્ત્વો પણ મળે છે. દાખલા તરીકે, તે કદાચ એક જ મુસાફરીમાં ૧૦૦થી વધારે એક જ જાતના ફૂલો પરથી પરાગ, મધુરસ અથવા બંને એક સાથે લઈ આવશે. એને જોઈતો પરાગ મળી જાય અથવા ખૂટી જાય ત્યાં સુધી તેઓ એક જ જાતની વનસ્પતિમાંથી ભેગું કરશે. તેઓ આમ ફરતી હોવાથી સારી રીતે બધી જ બાજુ પરાગનયન થતું હોય છે.

છેતરતું ફૂલ

અમુક એવા ફૂલ-ઝાડ હોય છે જેમાં પુષ્પ હોતું નથી. તોપણ, એ એવું દેખાય કે એમાં પુષ્કળ મધુરસ છે. તેથી, મધમાખી એ રસ પીવા આવે ત્યારે છેતરાઈ જાય છે અને એના શરીરને પરાગ ચોંટી જાય છે. દાખલા તરીકે, પશ્ચિમ ઑસ્ટ્રેલિયામાં થતા હૅમર ઑર્કિડ નામના ફૂલનો વિચાર કરો. એ ફૂલની નીચેની પાંખડી તમે જુઓ તો એવું જ લાગે કે જાડી માદા મધમાખી બેઠી છે. એ ફૂલની વચમાં પાતળો તાંતણો હોય છે અને એના છેડામાં જાણે માદા મધમાખી બેઠી હોય એવું નર માખીને દેખાય છે. તેમ જ એ ફૂલ નારી મધમાખી જેવી, નર માખીની જાતીય વૃત્તિ ઉશ્કેરતી સુગંધ છોડે છે, જેથી નરમાખી એની પાસે આવે! પરંતુ એ મધમાખી નહિ પણ પરાગરજની થેલી હોય છે.

એમાંથી માદા મધમાખીની સુગંધ આવતી હોવાથી નર મધમાખી એને પકડવા જાય છે, પણ એ છેતરાઈને પરાગની થેલીમાં પડી જાય છે. પછી એને ખબર પડે કે પોતે છેતરાઈ ગયું છે ત્યારે, એ પાંખડી છોડીને ઊડવા જાય છે અને ફરી એમાં પડે છે. પછી એમાંથી ઊડીને માખી બીજા ફૂલમાં જાય છે ત્યારે પણ એ જ રીતે છેતરાઈને અંદર પડે છે. પરંતુ આ વખતે માખી એ જ જાતિના ફૂલના સ્ત્રીકેસરમાં પડે છે અને ઓર્કિડનું પરાગનયન થાય છે.

પરંતુ જો ફૂલ પર માદા મધમાખી હોય તો, નર માખી એને પકડે છે અને ફૂલની પાંખડી બંધ થઈ જાય છે. પછી પ્યૂપામાંથી માદા બહાર આવે એના અમુક અઠવાડિયાં પહેલાં ઑર્કિડ ખીલે છે. આ રીતે બંનેને લાભ થાય છે.

એલર્જી કેમ થાય છે?

તો પરાગથી અમુક લોકોને એલર્જી કેમ થાય છે? એનું કારણ એ છે કે પરાગરજ નાકમાં જાય છે ત્યારે, એ નાકની અંદરની ચીકણી સપાટી પર ચોંટી જાય છે. પછી એ ગળામાં જાય છે, અને મોટા ભાગે એને ગળી જવાય છે. પરંતુ એનાથી કોઈ અવળી અસરો થતી નથી. આ રીતે પરાગ શરીરમાં જવાથી અમુક વાર રોગપ્રતિકાર તંત્ર ઉશ્કેરાઈ જાય છે.

પરાગમાં જે પ્રોટીન હોય છે એના લીધે અમુક લોકોને એની એલર્જી હોય છે. કોઈક કારણથી તેઓના રોગપ્રતિકાર તંત્રને એવું લાગે છે કે એ પ્રોટીન દુશ્મન છે. તેથી તેઓના શરીરમાં રિઍક્શન આવવાથી માસ્ટ સેલ્સ અથવા પેટ કોશિકા હદ ઉપરાંત હિસ્ટેમિન વધારવા લાગે છે. હિસ્ટેમિનના કારણે રક્તવાહિની વધારે ખુલે છે. એટલું નહિ પરંતુ એમાંથી લોહી સાથે એવું પ્રવાહી વહેવા લાગે છે જેમાં પુષ્કળ રોગપ્રતિકારક કોષો હોય છે. હકીકતમાં કોઈને વાગી ગયું હોય કે ઇન્ફેક્શન થયું હોય ત્યારે જ રોગપ્રતિકારક તંત્ર દુશ્મનનો નાશ કરવા જાય છે. પરંતુ જેઓને પરાગથી એલર્જી હોય છે તેઓના શરીરમાં એવો સંદેશો પહોંચે છે કે દુશ્મનો આવી ગયા છે. તેથી, તેઓના નાક-આંખમાંથી પાણી પડવા લાગે છે અને એ સૂજી જાય છે.

સંશોધકોનું માનવું છે કે લોકોને વારસામાં એલર્જી આવે છે. પરંતુ એનો એવો અર્થ નથી કે તેને કોઈક એક પ્રકારની એલર્જી થશે. કદાચ પરાગની એલર્જીમાં પ્રદૂષણ પણ ભાગ ભજવતું હોય શકે. બ્રિટીશ મેડિકલ જર્નલ કહે છે: “જાપાનમાં પ્રાણી પર ટૅસ્ટ કરવામાં આવ્યો હતો કે, તેઓ પર પરાગ અને પ્રદૂષણની શું અસર થાય છે. એમાં જાણવા મળ્યું કે પ્રદૂષણના કારણે એલર્જી થવાની વધારે શક્યતા રહેલી છે.”

જેઓને પરાગની એલર્જી છે તેઓ માટે એક ખુશખબર છે! ખુશખબર એ છે કે, એની એલર્જી માટે હવે એન્ટીહિસ્ટેમિન દવા મળી શકે છે. * શરીરમાં વધુ પડતું હિસ્ટેમિનનું ઉત્પાદન ન થાય એ માટે એન્ટીહિસ્ટેમિન લેવામાં આવે છે. ખરું કે પરાગથી અમુક લોકોને એલર્જી થાય છે. તેમ છતાં, એની રચના અને જે રીતે એનું પરાગનયન થાય છે એ આપણને મુગ્ધ બનાવી દે છે. જો એમ ન થતું હોત તો આજે આ પૃથ્વી ખરેખર ઉજ્જડ જ હોત. (g 03 7/22)

[ફુટનોટ]

^ અમુક વર્ષો પહેલાં એન્ટીહિસ્ટેમિન દવા લેવાથી મોં સુકાઈ જતું અને ઘેન ચડતું હતું. પરંતુ હવે નવી દવાથી આડી અસરો ઓછી થાય છે.

[પાન ૨૪, ૨૫ પર ડાયગ્રામ]

(લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ)

પુંકેસર

પરાગઘર

પરાગ રજ

ફૂલની પાંખડી

બીજકોશ

સ્ત્રીકેસર

પરાગ નલિકા

બીજાશય

સ્ત્રીકેસર

[ક્રેડીટ લાઈન]

NED SEIDLER/NGS Image Collection

[પાન ૨૫ પર ચિત્ર]

માઇક્રોસ્કૉપમાં જોવા મળતા અલગ અલગ પરાગ

[ક્રેડીટ લાઈન]

પરાગની રજ: © PSU Entomology/PHOTO RESEARCHERS, INC.

[પાન ૨૬ પર ચિત્ર]

હૅમર ઑર્કિડ ફૂલનો અમુક ભાગ માદા મધમાખી જેવો દેખાય છે

[ક્રેડીટ લાઈન]

હૅમર ઑર્કિડ ફૂલ: © BERT & BABS WELLS/OSF

[પાન ૨૪ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

પરાગની રજ: © PSU Entomology/PHOTO RESEARCHERS, INC.

[પાન ૨૬ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

પરાગ રજ: © PSU Entomology/PHOTO RESEARCHERS, INC.