સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મેં બે માલિકની સેવા કરવાનો પ્રયત્ન કર્યો

મેં બે માલિકની સેવા કરવાનો પ્રયત્ન કર્યો

મેં બે માલિકની સેવા કરવાનો પ્રયત્ન કર્યો

કેન પાનના કહ્યા પ્રમાણે

મારો જન્મ ૧૯૩૮માં થયો હતો. મારા મમ્મી-પપ્પા ન્યૂ મૅક્સિકો, અમેરિકામાં રહેતા હતા. તેઓ મારા દાદાની વાડી ચલાવતા હતા. તેથી, મારો ઉછેર પણ ત્યાં જ થયો. એની ચારેકોર તમે નજર કરો તો લીલુંછમ મેદાન, પહાડીઓ અને ઝરણાં ઝરણાં જ તમને જોવા મળે. તેમ જ ખેતીનાં ઢોરઢાંકનો, ઘોડા, ઘેટાં અને ઘોડેસવાર કે કાઉબૉયના બૂટની એડીમાં લગાવેલી ચક્કરડીનો અવાજ મને હજુ પણ યાદ છે. અમુક વાર તો ઘાસમાં પવનના સુસવાટા સામે ટીટોડી જેવા પંખીની તીણી ચીસ પણ સંભળાતી હતી. મોટા ભાગે એ પાણીની ટાંકીની આસપાસ જ ઊડ્યા કરતી.

આપણે બચપણમાં જે વાતાવરણમાં મોટા થયા હોઈએ એની આપણા જીવન પર ઊંડી અસર પડે છે. હું મારા દાદા સાથે ઘણો સમય કાઢતો. તે મને એમના સમયની ઘણી વાતો કહેતા. મારા દાદા તેમના જમાનાના બીલી ધ કીડ નામના પ્રખ્યાત લુટારાના દોસ્તોને પણ ઓળખતા હતા. તે એક વાર લૂંટ કરવા ગયો ત્યારે અનેક લોકોને ઉડાવી દીધા હતા. એ ૧૮૮૧માં બન્યું હતું. એમાં એ લૂંટારો પણ એકવીસ વર્ષની ઉંમરે માર્યો ગયો.

હું જનમ્યો ત્યારે મારા મમ્મી-પપ્પા યહોવાહના સાક્ષીઓ હતા. તેથી, તેઓ મને પણ હાન્ડો વેલીમાં આવેલ છૂટી-છવાઈ વાડીમાં પ્રચાર કરવા લઈ જતા. ત્યારે તેઓ ઘણી વાર જોસફ એફ. રધરફર્ડના ગ્રામોફોન રૅકોડ્‌ર્સ પર ઉતારેલા પ્રવચનો લોકોને સંભળાવતા હતા. એ અનુભવો મારા મગજમાં એકદમ ગૂંથાઈ ગયા છે. * અમે વાડીઓમાં બધા જ લોકોને એ પ્રવચનો સંભળાવતા. જેમ કે, મૅક્સિકન ખેડૂતો, અમેરિકન ઇન્ડીયનની જુદી-જુદી જાતિઓને પણ સંભળાવતા. જોકે એ સમયમાં બીજું વિશ્વયુદ્ધ પણ ચાલતું હતું. તેમ છતાં, અમે રસ્તા પર પ્રચાર કરીને લોકોને આપણા મૅગેઝિનો આપતા. એ મને ખૂબ જ ગમતું, કેમ કે હું નાનો હોવાથી મોટા ભાગે બધા જ લોકો મારી પાસેથી મૅગેઝિનો લઈ લેતા.

મને બચપણથી જ સત્ય શીખવવામાં આવ્યું હતું. તેમ છતાં, મેં ઈસુની ચેતવણીને જરાય ધ્યાન આપ્યું નહોતું. તેમણે કહ્યું હતું: “કોઈથી બે ધણીની ચાકરી કરાય નહિ; કેમકે તે એક પર દ્વેષ કરશે, ને બીજા પર પ્રીતિ કરશે; અથવા તે એકના પક્ષનો થશે, ને બીજાનો તિરસ્કાર કરશે; દેવની તથા દ્રવ્યની સેવા તમારાથી કરાય નહિ.” (માત્થી ૬:૨૪) આજે હું વિચારું છું કે જો મેં યહોવાહ પરમેશ્વરના પ્રચારમાં પૂરો સમય આપ્યો હોત તો કેવું સારું થાત! મેં કેમ એમ ન કર્યું? એનું કારણ એ હતું કે હું ત્રણ વર્ષનો હતો ત્યારે મારા પર બીજું કોઈ રાજ કરવા માંડ્યું હતું. શું થયું હતું?

મને પાઇલટ બનવું હતું

અમારી પાસે વાડીમાં ઘણાં ઘેટાં હતાં. તેથી, વારંવાર જંગલી કૂતરાઓ આવીને તેઓને ફાડી ખાતા. એવું ન થાય એ માટે અમે એક શિકારી રાખ્યો હતો. વર્ષ ૧૯૪૧માં એક દિવસ તેણે પોતાનું નાનું વિમાન અમારી વાડીમાં આવેલ ઘરની પાસે ઉતાર્યું. ત્યારે હું ત્રણ વર્ષનો હતો, અને વિમાન જોઈને જ એના મોહમાં પડી ગયો. ત્યારથી હું મનોમન પાઇલટ બનવાના સપના જોવા લાગ્યો. પછી હું ૧૭ વર્ષનો થયો ત્યારે, ન્યૂં મૅક્સિકોના હૉબશ શહેરમાં રહેવા ગયો અને ત્યાંના એરપોર્ટમાં નોકરી કરવા લાગ્યો. મારી પાઇલટ બનવાની ભૂખને સંતોષવા હું એની ગેરેજો અને વિમાનો સાફસૂફ કરવા લાગ્યો, જેથી પગારના સાટામાં હું વિમાન ઉડાવતા શીખી શકું. એમ કરવાથી મેં પ્રચારમાં અને સભાઓમાં જવાનું ઓછું કરી દીધું હતું.

પછી હું ૧૮ વર્ષનો થયો ત્યારે લગ્‍ન કર્યા અને ત્રણ બાળકોનો બાપ બન્યો. તમે કદાચ વિચારશો કે હું કુટુંબનું ભરણ-પોષણ કેવી રીતે કરી શક્યો? હું નાના વિમાનથી વાડીઓમાં દવા છાંટતો, એકથી બીજી જગ્યાએ પૅસેન્જરો લઈ જતો, ઢોરઢાંકનું રક્ષણ કરવા જંગલી પશુ-પ્રાણીઓનો શિકાર કરતો અને બીજાઓને વિમાન ઉડાવવાના ટ્યુશન આપતો. આ રીતે છ વર્ષ કામ કર્યા પછી, એ છોડીને હું ટૅક્સસની ઇન્ટરનેશનલ ઍરલાઇન્સ માટે કામ કરવા લાગ્યો. ત્યારે હું ટૅક્સસથી ડૅલસ પૅસેન્જર વિમાન ચલાવતો હતો. એ નોકરીથી હું ફરી સામાન્ય જીવન જીવવા લાગ્યો અને પછી ડેનટન મંડળમાં એક વડીલ તરીકે સેવા આપવા લાગ્યો. ત્યારે હું ઘણા લોકો સાથે બાઇબલ અભ્યાસ પણ કરતો હતો. એમાંના એક ઍરલાઇન્સના કેપ્ટન અને તેમના કુટુંબની મેં સ્ટડી લીધી હતી. તેઓ બધા આજે યહોવાહના સાક્ષીઓ છે.

આ રીતે હું આગળ વધતો ગયો અને પછી ડીસી-૩ નામથી ઓળખાતું વિમાન પણ ઉડાવવા લાગ્યો. મેં એ વિમાન ત્રણ વર્ષ સુધી ઉડાવ્યું હતું. વર્ષ ૧૯૭૩માં ઍરલાઇન્સે એ વિમાન ઉડાવવાનું બંધ કર્યું ત્યારે, વિમાન ચલાવવાનો મારો મોહ ઓછો થઈ ગયો. જોકે, હું સાચું કહું તો મારું મન ન્યૂ મૅક્સિકોમાં જ ચોંટેલું હતું. પણ જો હું મારી નોકરી છોડી દઉં તો ગુજારો કેવી રીતે કરું?

કલાકૃતિનો મોહ જાગ્યો

મને પેઇન્ટિંગ અને શિલ્પકળાનો ખૂબ શોખ હતો. હું ૧૯૬૧થી અમેરિકાના પ્રાચીન સમાજના ચિત્રો અને શિલ્પ કૃતિઓ બનાવતો હતો. એમાં અમેરિકન વેસ્ટના સીન પરથી એ બનાવતો. લોકો પણ એને હોંશે હોંશે ખરીદી લેતા હતા. તેથી, ૧૯૭૩ પછી પાઇલટની નોકરીમાંથી ધીરે ધીરે મારો રસ ઊઠી ગયો, અને મેં એમાં રાજીનામું આપી દીધું. હું મારા સુંદર વતન, ન્યૂ મૅક્સિકો પાછો રહેવા ગયો. તેમ છતાં, હું સમતોલ જીવન જીવતો ન હતો. મને કલા-કૃતિ પર પ્રેમ હોવાથી હું એમાં ખૂબ જ ડૂબી ગયો હતો. એ સમયે હું ચિત્રો પેઇન્ટિંગ કરતો અને શિલ્પ પણ બનાવતો. તેમ જ પાર્ટ ટાઈમ વિમાન પણ ચલાવતો હતો. એનાથી મારી પાસે સમય રહેતો જ નહિ. હું દરરોજ ૧૨-૧૮ કલાક કામ કરતો. તેથી હું મારા કુટુંબને કે ઈશ્વરને જરાય સમય આપી શક્યો નહિ. પછી શું થયું?

દુઃખની વાત છે કે અમારો સંસાર પડી ભાંગ્યો અને અમે છૂટાછેડા લઈ લીધા. પછી હું અમેરિકાના મૉન્ટૅના શહેરમાં રહેવા ગયો અને ગમ ભૂલાવવા શરાબ પીવા લાગ્યો. આ રીતે મને મળેલા ખ્રિસ્તી સંસ્કારો હું ભૂલી ગયો અને ઈસુના દૃષ્ટાંતમાંના ઉડાઉ દીકરા જેવો બની ગયો. (લુક ૧૫:૧૧-૩૨) પછી તો મારો કહી શકાય એવો કોઈ મિત્ર પણ ન હતો. હું જ્યારે દુખિયારાઓને મળતો ત્યારે તેઓને કહેતો: “યહોવાહના સાક્ષીઓને શોધો, તેઓ તમને જરૂર મદદ કરશે.” સામેથી તેઓ કહેતા: “તો તું કેમ સાક્ષી બન્યો નથી?” હું તેઓને શું કહું? દુનિયાની જેમ હું રહેતો હોવાથી પોતાને કેવી રીતે યહોવાહના સાક્ષી તરીકે ઓળખાવી શકું?

છેવટે ૧૯૭૮માં હું પાછો ન્યૂ મૅક્સિકોમાં રહેવા આવ્યો અને ત્યાંના મંડળની સભાઓમાં જવા લાગ્યો. કેમ કે ત્યાં ઘણા ભાઈ-બહેનો મને ઓળખતા હતા. ઘણાં વર્ષો પછી હું ફરીથી પહેલી વાર કિંગ્ડમ હૉલમાં ગયો. ત્યાં મારાથી રડી જ પડાયું. ખરેખર, યહોવાહે મારા પર ખૂબ દયા બતાવી છે. તેમ જ મંડળના મિત્રોએ પણ મને ખૂબ પ્રેમ બતાવ્યો અને ફરી યહોવાહના માર્ગમાં ચાલવા મદદ આપી.

નવો સંસાર નવી શરૂઆત

પછી હું કારનના પ્રેમમાં પડ્યો, જે યહોવાહની સાક્ષી છે. જોકે હું તેને ઘણાં વર્ષોથી ઓળખતો હતો. તે બહુ જ રૂપાળી છે. અમે પછી ૧૯૮૦માં લગ્‍ન કર્યા. કારનને તેના પહેલાં લગ્‍નથી બે દીકરાઓ થયા હતા. એમાંનો એક જેશન અને બીજો યોનાથાન છે. કારનને યહોવાહ પરમેશ્વરની સેવા માટે ઊંડો પ્રેમ હતો. એ કારણે અમારું કુટુંબ સ્થિર વહાણની જેમ સારી રીતે તરવા લાગ્યું. તેમ જ અમને બે સુંદર બાળકો પણ થયા. એકનું નામ બૅન અને બીજાનું ફિલિપ. પરંતુ એનો એવો અર્થ નથી કે અમારા જીવનમાં કદી દુઃખ જ નહોતું. ખરું કહું તો, અમુક વર્ષો પછી અમારા જીવનમાં એક ક્રૂર ઘટના બની હતી.

મેં પશુ-પ્રાણી અને મનુષ્યના શરીરનો અભ્યાસ કરવા ઘણો સમય કાઢ્યો હતો. એમાંથી ખાસ કરીને ઘોડાનો વધારે અભ્યાસ કર્યો હતો. એનાથી હું પ્રાચીન સમયના દૃશ્યો બતાવતા કાઉબૉય, ઘોડેસવારી કરતા અમેરિકન ઇન્ડીયનો, તેમ જ ઘોડા પર કે ઘોડાગાડીમાં મુસાફરી કરતા ડૉક્ટરોના ચિત્રો અને પ્રતિમા બનાવી શકતો હતો. એ ધંધો દિવસે દિવસે ફૂલ્યો-ફાલ્યો. તેથી એના વેચાણ માટે અમે દુકાન ખોલવાનો નિર્ણય કર્યો, અને કારને એનું માઉન્ટન ટ્રેઇલઝ ગૅલેરી નામ આપ્યું.

પછી ૧૯૮૭માં, ઍરિઝૉનામાં આવેલ સીડૉના શહેરમાં અમે એ નામની દુકાન ખોલી. કારન દુકાન ચલાવતી અને હું ઘરે બાળકોનું ધ્યાન રાખતો અને કામ કરતો. તેમ છતાં, બાળકો બીમાર પડ્યા અને મારા ચિત્રો તથા શિલ્પકૃતિઓનું બહુ વેચાણ પણ થતું ન હતું. તેથી અમે વિચાર્યું કે કારન ઘરે બાળકોની સંભાળ રાખે ને હું દુકાનમાં બેસું અને ત્યાંથી કામ કરું. એમ કરવા હું બધો જ સામાન દુકાને લઈ ગયો અને ઘરાકની આગળ જ માટીની જુદી જુદી શિલ્પકૃતિઓ બનાવવા લાગ્યો. આ રીતે ધંધો ખરેખર ફાલવા લાગ્યો!

હું દુકાનમાં માટીના બીબામાં કાંસુ ઢાળીને જુદી જુદી શિલ્પકૃતિઓ બનાવતો એના વિષે લોકો મને પૂછવા લાગ્યા. તેથી હું તેઓને મારું કામ સમજાવવા લાગ્યો કે હું જે જુદી જુદી પ્રતિમા બનાવું છું એ પ્રાચીન સમયના દૃશ્યો અને બનાવો પરથી લેવામાં આવી છે. એ વિષે વાંચવાથી મને શું શીખવા મળ્યું એ પણ હું તેઓને કહેતો. તેથી, હું જે શિલ્પકૃતિ બનાવતો હતો એમાં લોકોને રસ જાગ્યો, અને એ લેવા માટે તેઓ ડિપૉઝિટ આપી જતા હતા. આ રીતે મારો ધંધો દિવસે દિવસે એ હદ સુધી વધ્યો કે મેં ત્રણ દુકાનો ખોલી અને મોટું કારખાનું નાખ્યું. એ બધું ચલાવવા મારી પાસે ૩૨ કામદારો હતા. પરંતુ એ બધું મારો મોટા ભાગનો સમય અને શક્તિ લઈ લેતું હતું! તેથી હું અને કારન હંમેશાં એ જંજાળમાંથી છૂટવાનું શોધતા હતા. એ માટે અમે હંમેશાં પ્રાર્થના કરતા. ત્યારે હું મંડળમાં એક વડીલ હતો અને મને ખબર હતી કે મારે યહોવાહની સેવામાં વધારે સમય આપવો જોઈએ.

ફરી ખરા માલિકની સેવામાં

એક સરકીટ નિરીક્ષક ૧૯૯૬માં અમારા મંડળની મુલાકાતે આવ્યા. ત્યારે તેમણે અમને બપોરે જમવા બોલાવ્યા હતા. અમે જમવા લાગ્યા એ પહેલાં તેમણે અણધાર્યો સવાલ કર્યો જેનાથી અમને નવાઈ પામ્યા. તેમણે પૂછ્યું કે ‘તમે ન્યૂ મૅક્સિકોમાં આવેલ નવાજોમાં રહેતા અમેરિકન ઇન્ડીયનોને પ્રચાર કરવા અને ચીનલીમાં નવું મંડળ શરૂ કરવા તમે મદદ આપવા જશો?’ એમ કરવું એ રમત વાત ન હતી! જોકે, એ વિસ્તાર અમારા મંડળથી સખત દૂર હોવાથી ત્યાં અમે અમુક વાર પહેલાં પ્રચાર કરવા ગયા હતા. અમારા જીવનમાં કંઈક નવું કરવા, પૈસાની મોહ-માયા છોડવા અને યહોવાહ વિષે લોકોને પ્રચાર કરવા અમારા માટે આ સુંદર મોકો હતો. અમે ફરી ખરા માલિકની સેવા કરવા લાગ્યા!

ભાઈ કારીશશૅટાઝનું કુટુંબ અમારા કુટુંબ સાથે ખૂબ હળી-મળી ગયું હતું. તે પણ અમારા મંડળમાં વડીલ તરીકે સેવા આપતા હતા. તેઓને પણ અમારી જેમ ઉત્તેજન આપવામાં આવ્યું હતું. તેથી, અમે બંને જણે અમારા મોટા ઘરો વેચી દીધા અને બે મોબાઈલ ઘરો બનાવવાનો ઑર્ડર આપ્યો. જેથી અમે નવાજો વિસ્તારમાં રહીને પ્રચાર કરી શકીએ. એમ કરવા મેં મારી દુકાનો અને છેવટે શિલ્પકૃતિઓ બનાવવાનું કારખાનું પણ વેચી દીધું. આ રીતે અમે અમારું જીવન સાદું બનાવ્યું, જેથી અમે યહોવાહની સેવામાં અમારાથી બનતું બધું જ કરી શકીએ.

ઑક્ટોબર, ૧૯૯૬માં અમારા ચીનલી મંડળની સૌથી પહેલી સભા ભરાઈ હતી. ત્યાર પછી, ઘણા નવાજો ઇન્ડીયન યહોવાહના સેવકો બન્યા અને નવાજો ભાષા બોલતા અમુક જણ પૂરો સમય પ્રચારમાં ભાગ લઈ રહ્યા છે. અમે પણ ધીમે-ધીમે તેઓની ભાષા શીખી રહ્યા છીએ, જેથી અમે તેઓની જેમ બોલી શકીએ. તેમ જ અમે નવાજો ઇન્ડીયન અધિકારીઓ પાસેથી જમીનનો પ્લૉટ લઈને ત્યાં સભા માટેનો કિંગ્ડમ હૉલ બાંધી શક્યા છીએ. એ હૉલનું આ વર્ષના જૂનમાં સમર્પણ કરવામાં આવ્યું હતું.

મોટું દુઃખ આવ્યું!

ડિસેમ્બર, ૧૯૯૬ના વેકેશનમાં, મારી પત્ની કારન છોકરાઓને લઈને ન્યૂ મૅક્સિકોના રૂઇડુંસોમાં ગઈ. તેઓ ત્યાં બરફ પર સ્કેટીંગની મઝા માણવા ગયા હતા. અને હું વળી ઘરે જ રહ્યો હતો. સ્કેટીંગ કરતા કરતા અચાનક અમારો ૧૪ વર્ષનો બૅન, ખડક સાથે ટકરાયો અને ગુજરી ગયો. અમને કેવો આઘાત લાગ્યો હશે એની કલ્પના કરો! એનાથી અમારું કુટુંબ હચમચી ગયું. પણ અમે અગાઉ બાઇબલમાંથી શીખ્યા હતા કે જેઓ ગુજરી ગયા છે તેઓને સજીવન કરવામાં આવશે. એ આશાથી જ અમે એ કપરા સંજોગોમાં ટકી રહ્યા અને અમારી શ્રદ્ધા જરાય ડગમગી નહિ. તેમ જ આપણા ખ્રિસ્તી ભાઈ-બહેનોએ પણ અમારું દુઃખ સહન કરવામાં ખૂબ જ સાથ આપ્યો. પછી અમે બૅનની દફન વિધિ ઍરિઝૉનાના શીડૉના શહેરમાં, કિંગ્ડમ હૉલમાં રાખી. આ શહેરમાં અમે અમુક વર્ષો પહેલાં રહ્યા હતા. ત્યારે અમારા દુઃખમાં ભાગ લેવા ૩૦૦ કિલોમીટર દૂર નવાજોથી ખ્રિસ્તી ભાઈ-બહેનો દોડી આવ્યા. અમારા અગાઉના પડોશીઓએ પોતાના જીવનમાં પહેલી વાર આટલા બધા નવાજો ઇન્ડીયનને જોયા હતા.

બૅનનો નાનો ભાઈ ફિલિપ, યહોવાહની સેવામાં બહુ જ સારી પ્રગતિ કરી રહ્યો છે. એ જોઈને અમને ખૂબ જ આનંદ થાય છે. તેણે ઘણા લોકો સાથે બાઇબલ અભ્યાસ ચલાવ્યો છે. એમાંના એક તો તેના શિક્ષક પણ હતા. તેમ છતાં, યહોવાહના વરદાન પ્રમાણે તેમની ન્યાયી નવી દુનિયામાં અમે બૅનને જોવાની કાગડોળે રાહ જોઈ રહ્યા છીએ.—અયૂબ ૧૪:૧૪, ૧૫; યોહાન ૫:૨૮, ૨૯; પ્રકટીકરણ ૨૧:૧-૪.

અમારા કુટુંબમાં પ્રેમ, એકતા અને સહારો છે એ માટે અમે બહુ જ ખુશ છીએ. કારનનો આગલા ઘરનો દીકરો યોનાથાન અને તેની પત્ની કૅના પૂરા જોશથી યહોવાહની સેવા કરી રહ્યા છે. તેમ જ મારા આગલા ઘરનો દીકરો ક્રિસ પણ તેની પત્ની લૉરી સાથે પૂરા ઉમંગથી યહોવાહની સેવા કરી રહ્યો છે. એ ઉપરાંત, અમારા પૌત્રો, વૂડરૉ અને યૂના દેવશાહી સેવા શાળામાં ટોક આપે છે. મારા પપ્પા ૧૯૮૭માં ગુજરી ગયા. પરંતુ, મારી મમ્મી આજે પણ ૮૪ વર્ષની વયે યહોવાહની સેવામાં લાગુ રહે છે. તેમ જ મારો ભાઈ જૉન અને તેની પત્ની ચૅરી પણ ઉત્સાહથી યહોવાહની સેવા કરે છે.

હું મારા અનુભવથી શીખ્યો કે ઈસુએ ખરું જ કહ્યું હતું: ‘કોઈથી બે ધણીની ચાકરી કરાય નહિ; દેવની તથા દ્રવ્યની સેવા તમારાથી કરાય નહિ.’ આજે પણ જો હું મારા કલા-કૃતિના શોખને વધારે ધ્યાન આપું તો, એ મારા પર રાજ કરી બેસે. તેથી હું શીખ્યો છું કે મારે એના વિષે ખૂબ જ સમતોલ રહેવું જોઈએ, જેથી એ મારા પર બેસીને રાજ કરવા ન લાગે. એવું ન થાય એ માટે હું પ્રેષિત પાઊલની આ સલાહ યાદ રાખું છું: “મારા પ્રિય ભાઈઓ, તમે સ્થિર તથા દૃઢ થાઓ, અને પ્રભુના કામમાં સદા મચ્યા રહો, કેમકે તમારૂં કામ પ્રભુમાં નિરર્થક નથી એ તમે જાણો છો.”—૧ કોરીંથી ૧૫:૫૮. (g 03 7/8)

[ફુટનોટ્‌સ]

^ જોસફ એફ. રધરફર્ડ ૧૯૪૨માં ગુજરી ગયા ત્યાં સુધી તે યહોવાહના સાક્ષીઓના પ્રચારમાં આગેવાની લેતા હતા.

[પાન ૧૪, ૧૫ પર ચિત્ર]

ચીનલીમાં ૧૯૯૬માં મારું વિમાન

[પાન ૧૫ પર ચિત્ર]

“સમય બગાડવાની જરૂર નથી” નામની કાંસાની શિલ્પકૃતિ

[પાન ૧૭ પર ચિત્ર]

કિંગ્ડમ હૉલ બંધાયો છે ત્યાં પહેલાં અમે સભાઓ માટે મળતા

[પાન ૧૭ પર ચિત્ર]

મારી પત્ની કારન સાથે

[પાન ૧૭ પર ચિત્ર]

નવાજોમાં પ્રચાર કારતા