સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વિશ્વ પર નજર

વિશ્વ પર નજર

વિશ્વ પર નજર

હાથીને ભગાવતી મધમાખીઓ

કેન્યામાં હાથીઓ દિવસે દિવસે વધી રહ્યા છે. પરંતુ, એનાથી ઘણી પરેશાની ઊભી થઈ છે. ખોરાકની શોધમાં આમતેમ ભટકતા હાથીઓ, વૃક્ષો અને પાકનો ખુડદો બોલાવી દે છે. તેમ જ, હાથીઓ દર બે અઠવાડિયે આશરે એકાદ વ્યક્તિને કચડીને મારી નાખે છે. જોકે, ઑક્સફર્ડ યુનિવર્સિટીના ફ્રીટ્‌સ વોલરાથ નામના જીવવિજ્ઞાનીએ એનો એક ઇલાજ શોધી કાઢ્યો છે. તે કહે છે: “હાથીઓ વૃક્ષો પાસે જાય છે ત્યારે, તેઓ અજાણે એના પર રહેલા મધપૂડાને છંછેડી નાખે છે.” પછી, મધમાખીઓથી બચવા હાથી નાસી છૂટે છે. પણ મધમાખીઓ અનેક કિલોમીટર સુધી તેઓની પાછળ પડે છે. આ માખીઓ હાથીના કોમળ ભાગ પર ડંખ મારે છે. જેમ કે, આંખની આસપાસ, કાનની પાછળ, સૂંઢમાં અને પેટ પર ડંખ મારે છે. તેથી, મધમાખીઓ જોઈને હાથીના હાંજા ગગડી જાય છે. હાથીઓ વારંવાર આવજા કરતા હોય એવા જંગલમાં વોલરાથે એક પ્રયોગ કર્યો. તેમણે આફ્રિકન મધમાખીઓના અમુક ખાલી મધપૂડા અને અમુક મધમાખી સાથેના પૂડાને કેટલાક વૃક્ષો પર લટકાવી દીધા. ન્યૂ સાઇન્ટિસ્ટ રિપૉર્ટ આપે છે કે જે વૃક્ષો પર મધપૂડો હોય ત્યાં હાથીઓ જતા જ નથી. તેમ જ જે વૃક્ષો પર ખાલી મધપૂડા હતા ત્યાં ફક્ત ત્રીજા ભાગના વૃક્ષો પાસે હાથીઓ જતા. પરંતુ જે વૃક્ષો પર મધપૂડો ન હતો એવા દસમાંથી નવ વૃક્ષો પર તેઓ હલ્લો બોલાવતા. તેમને એ પણ જાણવા મળ્યું કે હાથીઓ, એકદમ ગુસ્સે થયેલી મધમાખીઓના અવાજથી પણ દૂર ભાગે છે. એ અવાજ લાઉડ સ્પીકર પરથી વગાડવામાં આવે તોપણ હાથીઓ નજીક ફરકતા નથી. (g 03 7/08)

ભારતમાં વધી રહેલો ડાયાબિટીસ

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન કહે છે કે આખી દુનિયામાં ૧૭ કરોડથી વધારે લોકોને ડાયાબિટીસ છે. ભારતનું ડેક્કન હેરાલ્ડ છાપું જણાવે છે કે, દુનિયાના બીજા બધા દેશો કરતાં ડાયાબિટીસની બીમારી ભારતમાં વધારે છે. એટલે કે લગભગ ૩.૨ કરોડ લોકો એનાથી પીડાય થાય છે. તેમ જ ૨૦૦૫ સુધીમાં એ વધીને ૫.૭ કરોડ લોકોને આંબી જશે. એશિયાના દેશોએ ડાયાબિટીસ વિષે શ્રીલંકામાં એક મોટી સભા ભરી હતી. ત્યાં ઘણા અનુભવી ડૉક્ટરોએ જણાવ્યું કે લોકોને ડાયાબિટીસ થવા પાછળ ઘણાં કારણો છે. જેમ કે, ખોરાક અને જીવન ઢબને કારણે તેઓમાં વધારે ડાયાબિટીસની બીમારી જોવા મળે છે. એ ઉપરાંત, સ્ટ્રેસ કે ચિંતાઓને લીધે અને વારસાગત પણ ડાયાબિટીસ થાય છે. નવાં જન્મેલાં બાળકનું ઓછું વજન હોવાથી, તેમ જ તેને વધારે પડતું ખવડાવવાથી પણ ડાયાબિટીસ થાય છે. ભારતમાં ડાયાબિટીસનો ઇલાજ કરાવવો બહુ જ સસ્તું છે. તોપણ લોકો એના વિષે અજ્ઞાની હોવાથી, અને સમયસર એ પારખી ન શકતા હોવાથી તેઓને યોગ્ય સારવાર આપવામાં આવતી નથી. તેથી ઘણા લોકો એના કારણે મરણ પામે છે. ભારતના મોટા શહેરોમાં મોટી ઉંમરના લોકોમાં સર્વે કરવામાં આવ્યો હતો. એનાથી જાણવા મળ્યું કે પુખ્ત વયના ૧૨ ટકા લોકોને ડાયાબિટીસની બીમારી છે. તેમ જ ૧૪ ટકા લોકોનું શરીર ગ્લુકોઝનું પાચન કરી શકતું નથી. જેઓને ડાયાબિટીસ થયો છે તેઓમાં એ પહેલું ચિહ્‍ન જોવા મળે છે. (g 03 7/22)

શું આપણામાં બે જ્ઞાનતંત્ર છે?

મનુષ્યોને જન્મથી જ જ્ઞાનેન્દ્રિયની ભેટ મળી હોય છે. આપણે કોઈ પણ ચીજને સ્પર્શીએ છીએ ત્યારે, મગજમાં એની તરત ખબર પડે છે. તેમ જ, જ્ઞાનતંત્રમાં પ્રેમ અને કોમળ વસ્તુઓ પારખવાની શક્તિ પણ હોય છે, એવું બીલ્ડ ડેર વિસેન્ચકાફ્ટન નામનું જર્મન છાપું કહે છે. સ્વીડનના વૈજ્ઞાનિકોને એક સ્ત્રી વિષે જાણવા મળ્યું કે જેણે પોતાની સ્પર્શ-શક્તિ મોટા ભાગે ગુમાવી દીધી હતી. પણ તેઓ માટે નવાઈની વાત એ હતી કે, તે સ્ત્રી પર જ્યારે હલકા હાથે પીંછી ફેરવવામાં આવતી ત્યારે, તે સુખદ સ્પર્શનો ઝણઝણાટ અનુભવતી હતી. તેને એ ઝણઝણાટની કેવી રીતે ખબર પડતી હતી? ડૉક્ટરોએ શોધી કાઢ્યું કે, ત્વચામાં રહેલા બીજા જ્ઞાનતંતુને કારણે એ સ્પર્શ અનુભવાય છે. આપણા શરીરમાં ટેક્ટાઈલ સી નામના તંતુઓ હોય છે, જેનાથી કોમળ સ્પર્શનો ઝણઝણાટ પારખી શકાય છે. એમાંથી મગજમાં ધીમે ધીમે લાગણી અનુભવતો સંદેશો પહોંચે છે. આમ, આપણામાં બે પ્રકારના જ્ઞાનતંતુઓ હોય શકે. એ વિષે ઇન્ટરનેશનલ હેરલ્ડ ટ્રિબ્યુન કહે છે: “મગજને ધીમે-ધીમે સંદેશો પહોંચાડતા તંતુઓ ખરેખર તો માના ગર્ભમાં વિકાસ પામવા લાગે ત્યારથી જ કામ કરવા માંડે છે. જ્યારે કે મગજમાં ઝડપથી સંદેશો પહોંચાડતા તંતુઓ જન્મ પછી ધીમે ધીમે કામ કરતા થાય છે. તેથી, નવા જન્મેલા બાળકો પોતે સ્પર્શ અનુભવવા લાગે એ પહેલાં, તેઓ પોતાના માબાપનો પ્રેમ અનુભવતા હોય શકે.” (g 03 7/22)

મચ્છરોથી રક્ષણ પામો

“આજે આખી પૃથ્વી પર આશરે ૨,૫૦૦થી વધારે મચ્છરની જાતો છે,” એવું મૅક્સિકોનું એક મૅગેઝિન જણાવે છે. નર અને માદા બન્‍ને મચ્છરો ફૂલોમાંથી રસ ચૂસે છે. પરંતુ ફક્ત માદા જ કરડતું હોય છે. તેથી, તેઓ મલેરિયા, ડેંગ્યુ અને વેસ્ટ નાઈલ વાયરસ જેવી બીમારી ફેલાવે છે. તમે કઈ રીતે મચ્છરથી પોતાનું રક્ષણ કરી શકો? એક રિપોર્ટ અમુક સૂચનો આપે છે: (૧) મોડી સાંજે કે રાતે બહાર નીકળવાનું ટાળો, કેમ કે આ સમયે મચ્છરો વધારે હોય છે. (૨) મચ્છરદાનીનો ઉપયોગ કરો અથવા જંતુનાશકમાં બોળીને મચ્છરદાની વાપરો. (૩) ખુલતા કે મોટા અને હાથ-પગ ઢંકાઈ જાય એવાં કપડાં પહેરો. જો જરૂરી હોય તો, આખું માથું ઢંકાઈ જાય એવી જાળીવાળી ટોપી પહેરો. (૪) શરીરના ખુલ્લા ભાગ પર જંતુનાશક ક્રીમ લગાવો. (૫) દરરોજ વિટામિન બી-૧ની, ૩૦૦ મિલિગ્રામની ગોળી લો. એનાથી અમુક લોકોને એવો પરસેવો છૂટશે, જેનાથી મચ્છરો નજીક નહિ આવે. (૬) તમે જો કાદવવાળી જગ્યામાં રહેતા હોવ અને રક્ષણ માટે એવી કોઈ વસ્તુઓ ન હોય તો, ચહેરા પર માટી લગાવી શકાય, જેથી મચ્છરો ન કરડે. જો તમને મચ્છર કરડી ગયું હોય તો, એને ખંજોળશો નહિ. કેમ કે એનાથી લોહી નીકળશે અને ચેપ પણ લાગી શકે છે. એના બદલે, કોઈ યોગ્ય મલમ લગાવો. (g 03 8/08)