સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું નાત-જાતનો ભેદભાવ હોવો જોઈએ?

શું નાત-જાતનો ભેદભાવ હોવો જોઈએ?

બાઇબલ શું કહે છે

શું નાત-જાતનો ભેદભાવ હોવો જોઈએ?

કલ્પના કરો કે તમારી જાતિ કે કોમના લોકોને બીજાઓ ધિક્કારે છે. તો, તમને કેવું લાગશે! * તમે બીજી જાતિના હોવાથી તેઓ તમારો ભરોસો કરવા તૈયાર જ ન હોય. તેઓ માનવા લાગે કે તમે જંગલી, ક્રૂર, અને સાવ જ નકામા છો. તો તમને કેવું લાગશે? તમે કહેશો કે એ કોઈને ન ગમે, ખરું ને? પરંતુ જો એવું થાય તો કદાચ તમે ગુસ્સાથી સળગી ઊઠશો. પણ દુઃખની વાત છે કે આજે કરોડો લોકો અમુક કોમ કે જાતિના હોવાથી આવું જ અપમાન સહી રહ્યા છે. વધુમાં, ઇતિહાસ પણ પુરાવો આપે છે કે અમુક જાતિ કે દેશના હોવાને લીધે અગણિત લોકો પર ખૂબ જ જુલમ ગુજારવામાં આવ્યો છે. અરે, અમુકને તો એના લીધે મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. હા, આજે પણ અમુક નાત-જાતને લીધે લોહીની નદીઓ વહી રહી છે. પછી ભલે એ યુદ્ધ હોય કે દેશમાં અંદરોઅંદરની લડાઈ હોય. પણ નવાઈની વાત તો એ છે કે, આ રીતે હિંસાની આગ સળગાવે છે તેઓ બધા પરમેશ્વરમાં, અરે બાઇબલમાં માનવાનો દાવો કરે છે. એવા લોકો પણ છે જેઓ માને છે કે નાત-જાતના ઝઘડાઓ હંમેશાં રહેશે.

શું બાઇબલ નાત-જાતના ઝઘડાઓ પ્રત્યે આંખ-આડા કાન કરે છે? શું કોઈ પણ કારણે કોઈ જાતિ કે સમાજને ધિક્કારવા જોઈએ? શું કદી એવું બનશે જ્યારે લોકો નાતજાતને લીધે એકબીજાને ધિક્કારશે નહિ? બાઇબલ એ વિષે શું કહે છે?

તેઓના કાર્યોથી તેઓ દોષિત ઠર્યા

આપણે જો ઉપરછલ્લી રીતે ઇતિહાસ તપાસીશું તો એવું લાગશે કે પરમેશ્વર પક્ષપાતી છે, તેમણે પોતે જાતિ ધિક્કાર બતાવ્યો હતો. તમે કદાચ કહેશો કે, ‘શું બાઇબલ એવું બતાવતું નથી કે પરમેશ્વરે અમુક જાતિ અને દેશોનું નામનિશાન મિટાવી દીધું હતું?’ એ ખરું છે. તો તેમણે શા માટે એમ કર્યું હતું? કેમ કે એ લોકો યહોવાહ પરમેશ્વરના નિયમો પ્રમાણે ચાલતા ન હતા. તેમ જ તેઓનું જીવન અનૈતિક વર્તનથી ભરેલું હતું.

દાખલા તરીકે, કનાનીઓનો વિચાર કરો. તેઓ એકદમ જાતીય દુરાચારમાં ડૂબી ગયા હતા. તેમ જ તેઓની ધાર્મિક વિધિઓ પણ ક્રૂરતાથી ભરેલી હતી. અરે, તેઓ પોતાના જૂઠા દેવ-દેવીઓને બલિદાન ચઢાવવા બાળકોને અગ્‍નિમાં હોમી દેતા હતા! તેથી તેઓ યહોવાહની નજરમાં દોષિત હતા. (પુનર્નિયમ ૭:૫; ૧૮:૯-૧૨) જોકે, અમુક કિસ્સામાં કેટલાક કનાનીઓએ યહોવાહમાં શ્રદ્ધા મૂકીને ખરો પસ્તાવો કર્યો હતો. તેથી, યહોવાહે પણ દયા બતાવીને તેઓને જીવતદાન આપ્યું અને તેઓ પર આશીર્વાદ વરસાવ્યો. (યહોશુઆ ૯:૩, ૨૫-૨૭; હેબ્રી ૧૧:૩૧) જેમ કે, રાહાબ નામે એક કનાની સ્ત્રીએ યહોવાહમાં શ્રદ્ધા મૂકી હતી. તેથી યહોવાહે વચન આપેલા મસીહ, ઈસુ ખ્રિસ્તની તે પૂર્વજ પણ બની.—માત્થી ૧:૫.

યહોવાહે ઈસ્રાએલીઓને જે નિયમ આપ્યો હતો એમાંથી જોવા મળે છે કે તે પક્ષપાતી નથી. એના બદલે, તે તો બધા લોકોનું ભલું ચાહે છે. લેવીય ૧૯:૩૩, ૩૪માં યહોવાહે ઈસ્રાએલીઓને જે આજ્ઞા આપી એનાથી જોવા મળે છે કે યહોવાહ કેટલા દયાળુ છે: “જો કોઈ પરદેશી તમારા દેશમાં તારી સાથે પ્રવાસ કરતો હોય, તો તેને તમે નાહક ન કનડો [કનડગત ન કરો]. તમારી મધ્યે પ્રવાસ કરતા પરદેશીને તમારે વતનીના જેવો ગણવો, ને તારે પોતાના જેવી જ પ્રીતિ તેના પર કરવી; કેમકે તમે મિસર દેશમાં પ્રવાસી હતા; હું યહોવાહ તમારો દેવ છું.” નિર્ગમન અને પુનર્નિયમના પુસ્તકમાં પણ આવી જ આજ્ઞા જોવા મળે છે. એ સ્પષ્ટ બતાવે છે કે યહોવાહ નાત-જાતના ભેદભાવ કે ઝઘડાને બિલકુલ ચલાવી લેતા નથી. તે તો ઇચ્છે છે કે બધા જ લોકો હળીમળીને રહે.

ઈસુએ સર્વને પ્રેમથી રહેવા ઉત્તેજન આપ્યું

ઈસુ પૃથ્વી પર હતા ત્યારે જુદી જુદી જાતિના લોકો એકબીજાને ધિક્કારતા હતા. જેમ કે યહુદીઓ અને સમરૂનીઓ. એક પ્રસંગે સમરૂનીઓએ ઈસુને પોતાના ગામમાં આવકાર આપ્યો ન હતો. કેમ કે ઈસુ યહુદી હતા અને યરુશાલેમ તરફ જઈ રહ્યા હતા. એવા સંજોગોમાં તમે શું કરત? ઈસુના શિષ્યોએ જે કહ્યું એનાથી લાગે છે કે તેઓ ઈંટનો જવાબ પથ્થરથી આપવા માંગતા હતા. તેમણે ઈસુને કહ્યું: “પ્રભુ, શું, તારી એવી ઈચ્છા છે કે અમે આજ્ઞા કરીએ કે આકાશથી આગ પડીને તેઓનો નાશ કરે?” (લુક ૯:૫૧-૫૬) હા, ઈસુના શિષ્યો પણ પૂર્વગ્રહથી પીડાતા હતા. શું ઈસુએ તેઓને સાથ આપ્યો? જરાય નહિ! એના બદલે, ઈસુએ શિષ્યોને ધમકાવ્યા. પછી તેઓ શાંતિથી બીજે ગામ જઈને રહ્યા. આ ઘટનાને થોડા જ સમય પછી ઈસુએ ભલા સમરૂનીની એક વાર્તા કહી. એનાથી ઈસુએ બોધ આપ્યો કે નાત-જાતના કોઈ ભાગલા ન હોવા જોઈએ. એ બતાવે છે કે ભલેને સામેની વ્યક્તિ ગમે એ જાતિમાંથી આવતી હોય છતાં એ દુશ્મન બની જતી નથી. હકીકતમાં તે આપણા સૌથી સારા પડોશી બની શકે!

ખ્રિસ્તી મંડળમાં સર્વ જાતિના લોકો

એ ખરું છે કે ઈસુ પૃથ્વી પર હતા ત્યારે, તેમણે ખાસ કરીને તેમની જ જાતિના લોકોમાંથી શિષ્યો બનાવવા પર ધ્યાન આપ્યું હતું. તેમ છતાં, તેમણે એમ પણ જણાવ્યું હતું કે, સર્વ દેશના લોકો તેમના શિષ્યો બનશે. (માત્થી ૨૮:૧૯) શું એનો એવો અર્થ થાય કે સર્વ જાતિના લોકોને ઈસુ તેમના શિષ્યો તરીકે સ્વીકારશે? હા! પ્રેષિત પીતરે પણ એ સ્વીકારતા લખ્યું: “હવે હું ખચીત સમજું છું કે દેવ પક્ષપાતી નથી; પણ દરેક દેશમાં જે કોઈ તેની બીક રાખે છે, ને ન્યાયીપણું કરે છે, તે તેને માન્ય છે.” (પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૩૪, ૩૫) પછીથી પ્રેષિત પાઊલે પણ આ વિચારને ટેકો આપ્યો હતો. તેમણે સ્પષ્ટ લખ્યું કે ખ્રિસ્તી મંડળમાં સર્વ લોકો એક સમાન છે, નહિ કે કોઈ જાતિ એક-બીજાથી ચડિયાતી છે.—કોલોસી ૩:૧૧.

બાઇબલમાં પ્રકટીકરણનું પુસ્તક બતાવે છે કે પરમેશ્વર સર્વ લોકોને સ્વીકારે છે. એ વિષે પ્રેષિત યોહાને એવું પણ સંદર્શન જોયું કે જેમાં ‘સર્વ દેશોના, કુળના, તથા ભાષાના લોકોની એક મોટી સભા’ પરમેશ્વર પાસેથી તારણ પામતી હતી. (પ્રકટીકરણ ૭:૯, ૧૦) આ મોટી સભા નવી દુનિયામાં મહત્ત્વનો ભાગ ભજવશે. ત્યાં બધી જાતિના લોકો યહોવાહની ભક્તિ માટેના પ્રેમથી દોરાઈને હળીમળીને રહેશે.

આપણે યહોવાહના સેવકો હોવાથી નાત-જાતનો કોઈ ભેદભાવ રાખવો ન જોઈએ. જો આપણે યહોવાહની જેમ બધાને પ્રેમ બતાવીશું તો જગતના લોકોથી અલગ થઈશું. એમ કરવાથી આપણે વ્યક્તિને તેનો રંગ કે જાતિથી નહિ પણ તેના ગુણોથી ઓળખીશું. શું તમે પણ એ રીતે પોતાને ઓળખાવાનું પસંદ નહિ કરો? ઈસુએ આપણને સરસ સલાહ આપી છે: “માટે જે જે તમે ચાહો છો કે બીજા માણસ તમને કરે, તે તે તમે પણ તેઓને કરો.” (માત્થી ૭:૧૨) જો આજે બધા જ ભેદભાવ કે ધિક્કાર વગર રહેતા હોય તો કેવું સારું! આપણે હળીમળીને રહીએ તો, એનાથી આપણને બધાને અનેરો આનંદ મળે છે. એનાથી આપણે બીજાઓ સાથે શાંતિથી રહી શકીએ અને મનની ખરી શાંતિ અનુભવીએ છીએ. એ ઉપરાંત, સૌથી મહત્ત્વનું તો આપણે યહોવાહ પરમેશ્વર જેવા ગુણો કેળવીએ છીએ. તો ચાલો, આપણા મનમાં કોઈ જાતિ માટે ધિક્કાર પણ ન આવે એ માટે બધું જ કરીએ અને હળીમળીને રહીએ! (g 03 8/8)

[ફુટનોટ]

^ આ લેખમાં, “જાતિ કે સમૂહ” જેવા શબ્દો એવા લોકોને દર્શાવે છે જેઓ મૂળ એક જ જાતિ, દેશ કે સંસ્કૃતિના હોય.