સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું હું ટેટૂ કરાવી શકું?

શું હું ટેટૂ કરાવી શકું?

યુવાનો પૂછે છે . . .

શું હું ટેટૂ કરાવી શકું?

“લોકો ટેટૂ જોતા જ પ્રેમમાં પડી જાય છે. એ એટલા તો સુંદર છે કે તમે જોયા જ કરો.”—ઝાલીન. *

“હું બે વર્ષથી સપનું જોતી હતી કે ક્યારે પહેલું ટેટૂ કરાવું.”—મીશેલ.

આજે તો શરીર પર ટેટૂ અથવા છૂંદણું પડાવવું જાણે એક ફેશન બની ગઈ છે. સંગીત કલાકારો, ફેશન મોડેલો, સ્પોર્ટ્‌સ હીરો અને ફિલ્મી હીરો-હીરોઈન પોતાના શરીર પરના ટેટૂને ખુલ્લી રીતે બતાવતા હોય છે. તેથી, તેઓનું જોઈને યુવાનિયાઓ પણ તેઓની નકલ કરવા પોતાના શરીર પર ભાત ભાતના છૂંદણાં કે ડિઝાઈન કરાવે છે. તેઓ અભિમાનથી પોતાની બાહુઓ પર, હાથ, કમર અને પગની ઘૂંટીઓ પર એને ખુલ્લી રીતે બતાવતા ફરે છે. એન્ડ્રુનો જ વિચાર કરો. આ યુવાન દલીલ કરે છે: “ટેટૂ તો આજની ફેશન છે. એનાથી અમે મોર્ડન દેખાઈએ છીએ. ટેટૂ છૂંદાવવું કે નહિ, એ તો પોતાની મરજીની વાત છે.”

ટેટૂ કે છૂંદણાં વિષે ગુજરાતી વિશ્વકોશ કહે છે: ‘લગભગ કાયમી રીતે રહે એ રીતે શરીર ઉપર છૂંદીને પાડેલું અલંકારરૂપ ટપકું, ભાત કે આકૃતિ.’ એના વિષે બીજો એક વિશ્વકોશ કહે છે કે છૂંદણું પાડવાની ક્રિયામાં અણીવાળી સળી, હાડકું કે સોય જેવા હથિયારથી ચામડીને ટોચ્યા કરીને એમાં રંગો પૂરવામાં આવે છે.

આજે કેટલા લોકો ટેટૂ કરાવે છે એનો ખરો આંકડો આપવો સહેલું નથી. તોપણ, એક અંદાજ પ્રમાણે એકલા યુ.એસ.માં ૧૫-૨૫ વર્ષના ૨૫ ટકા યુવાનિયાઓએ ટેટૂ પડાવ્યું હોય છે. સેન્ડી નામની યુવતી કહે છે: “આજે તો બધા જ ટેટૂ કરાવે છે.” તેથી સવાલ થાય છે કે આજે કેમ આટલા બધા યુવાનો ટેટૂના પ્રેમમાં પડી ગયા છે?

એ કેમ પ્રખ્યાત છે?

અમુક પોતાને રોમૅન્ટિક બતાવવા છૂંદણું કરાવે છે. મીચેલ કહે છે: “મારા ભાઈએ તેના પગની ઘૂંટીએ તેની ગર્લફ્રેન્ડનું નામ છૂંદાવ્યું હતું.” પણ પછી તેને એ નડવા લાગ્યું. એનું શું કારણ હતું? “કેમ કે તેણે હવે એ ગર્લફ્રેન્ડને છોડી દીધી છે!” ટીન મૅગેઝિન અનુસાર, “ડૉક્ટરોના અંદાજ પ્રમાણે સર્જરીથી ટેટૂ દૂર કરાવવા આવનારાઓમાં ૩૦ ટકાથી વધારે તો છોકરીઓ હોય છે. આ છોકરીઓ પોતાના જૂના બોયફ્રેન્ડનું નામ કઢાવવા આવે છે.”

કેટલાક યુવાનો ટેટૂને કળા માને છે. બીજાઓ ટેટૂ પડાવીને એમ બતાવવા માંગે છે કે ‘હું મારા મનનો માલિક છું.’ જોઝી નામની એક યુવતી કહે છે કે, “હું જ મારા જીવનની માલિક છું, હું જે ચાહું એ કરી શકું છું.” તે એમ પણ કહે છે કે, ‘ટેટૂ પડાવવું કે નહિ એ મારા જીવનનો સૌથી મોટો નિર્ણય હતો. પણ હવે એ નિર્ણય મેં લઈ લીધો છે.’ ઘણા યુવાનો માને છે કે છૂંદણું કરાવવાથી પોતે સુંદર દેખાય છે. એ ઉપરાંત પોતે દિલના રાજા છે. છૂંદણું કરાવીને તેઓ એમ બતાવવા માગે છે કે “અમે સમાજના સંસ્કાર પ્રમાણે જીવવા રાજી નથી.” ઘણાં છૂંદણાં કે ટેટૂમાં, ગાળ કે અશ્લીલ ચિત્રો પણ જોવા મળે છે. અથવા બીજાઓને ઉશ્કેરે એવા સૂત્રો જોવા મળે છે.

પરંતુ મોટા ભાગના યુવાનો દેખાદેખીમાં છૂંદણું કરાવતા હોય છે. બધાનું જોઈને શું તમારે પણ છૂંદણું પડાવવું જોઈએ?

છૂંદણાની શરૂઆત

જોકે, છૂંદણું કરાવવું એ કંઈ આજકાલનો શોખ નથી. ઈસુ થઈ ગયા એની સદીઓ પહેલાં લોકો છૂંદણું કરાવતા હતા. એની સાબિતી આપણને ઇજિપ્ત અને લીબિયામાંથી મળી આવેલા હજારો વર્ષ જૂના, મરી-મસાલા ભરીને દફનાવેલા માનવ શબો પરથી જોવા મળે છે. તેઓએ પોતાના શરીરો પર છૂંદણાં છૂંદાવ્યાં હતાં. આવા છૂંદણાંવાળા લોકોનાં શબ દક્ષિણ આફ્રિકામાંથી પણ મળી આવ્યાં છે. મોટા ભાગે જોવા મળ્યું છે કે તેઓ જે દેવ-દેવીઓની પૂજા કરતા, તેઓનું ચિત્ર છૂંદાવતા હતા. સંશોધક સ્ટીવ ગિલ્બર્ટ કહે છે: “ઇજિપ્તમાં મળી આવેલા સૌથી જૂના છૂંદણામાં બીઝ દેવનું રૂપ જોવા મળે છે. તેમ જ ઇજિપ્તની પૌરાણિક વાર્તાઓ બતાવે છે કે બીઝ આનંદપ્રમોદનો દેવ હતો.”

પરંતુ નોંધ કરો કે, મુસાના નિયમશાસ્ત્રએ પરમેશ્વરના લોકોને શરીર પર કોઈ પણ છૂંદણું પડાવવાની મના કરી હતી. લેવીય ૧૯:૨૮ કહે છે: “મૃત્યુ પામેલાંઓને માટે તમારા શરીર ઉપર કોઈ પણ જાતના ઘા ન કરો, તેમજ કોઈ જાતના છૂંદણાં ન છૂંદાવો; હું પ્રભુ [યહોવાહ] છું,” IBSI. ઇજિપ્ત અને બીજા દેશોના મૂર્તિપૂજકો, તેઓની છાતી કે બાહુઓ પર તેઓના દેવ-દેવીઓનું નામ કે ચિત્ર છૂંદાવતાં હતાં. તેથી, ઈસ્રાએલીઓએ યહોવાહની આજ્ઞા પાળીને પોતાના શરીર પર કોઈ પ્રકારનું છૂંદણું પડાવવાનું ન હતું. આમ, તેઓ બીજા દેશોના લોકોથી અલગ તરી આવતા હતા.—પુનર્નિયમ ૧૪:૧, ૨.

જોકે આજે ખ્રિસ્તીઓને મુસાનો નિયમ લાગુ પડતો નથી. તોપણ, છૂંદણું પડાવવાની જે મના કરવામાં આવી હતી એ સિદ્ધાંત આજે આપણને પણ લાગુ પડે છે. (એફેસી ૨:૧૫; કોલોસી ૨:૧૪, ૧૫) જો તમે યહોવાહના એક સેવક હોવ તો, તમારે પોતાના શરીર પર મૂર્તિપૂજા કે જૂઠી ઉપાસનાની યાદ અપાવતું હોય એવું કોઈ પણ જાતનું છૂંદણું અથવા લખાણ કરાવવું ન જોઈએ. તેમ જ, એને લગતા કાચી સહીવાળા ચિત્રો કે ટેટૂ સ્ટિકર્સ પણ ન લગાવવા જોઈએ.—૨ કોરીંથી ૬:૧૫-૧૮.

એનાથી શરીરને હાનિ પહોંચશે

ટેટૂ કરાવવાથી શરીર પર શું અસર થશે એ પ્રથમ વિચારવું જોઈએ. ડૉક્ટર રોબર્ટ ટોમસીક પોતે ત્વચાશાસ્ત્રના પ્રોફેસર છે. તે ચેતવણી આપે છે: “છૂંદણું કરાવવામાં તમે ચામડીમાં કાણાં કરીને છૂંદી નાખો છો. પછી એ ચામડીમાં જૂદા જૂદા રંગો પણ પૂરો છો. પછી ભલેને અણીવાળા હથિયારથી તમારી ત્વચા નજીવી જ છેદાતી હોય, તોપણ તમે ત્વચામાં કાણું પાડો છો એનાથી ચેપ લાગવાની વધારે શક્યતા રહેલી છે. હું માનું છું કે [છૂંદણું કરાવવું] એ એક જોખમી શોખ છે. . . . એક વાર ચામડીમાં રંગ ગયા પછી, ભલે કોઈ ચેપ ન લાગે તોપણ હંમેશાં કોઈને કોઈ એલર્જી થવાની શક્યતા રહેલી છે. એનાથી તમને ચામડીનો સોજો આવી શકે અથવા એલર્જીક રિએક્શન પણ થઈ શકે. તેથી, તમારી ચામડીમાં લાલાશ પડતો ડાઘ અથવા ખરજવું પણ થઈ શકે.”

એક વાર છૂંદણું કર્યા પછી, એ હંમેશ માટે રહે છે. એને કાઢવું એટલું સહેલું નથી. તોપણ, લોકો એને કાઢવા અનેક રીતો અજમાવે છે. જેમ કે, તેઓ લેઝર સર્જરીથી બાળીને, શસ્ત્રક્રિયા કરીને, વાયરના બ્રશથી ચામડી ઘસીને, બાળી નાખે એવા કૉસ્ટિક પદાર્થનો ઉપયોગ કરીને, અથવા તેજાબી દ્રાવણથી ચાઠાં પાડીને છૂંદણું કઢાવે છે. જોકે, આ રીતો ખૂબ જ મોંઘી અને પીડાકારક છે. ટીન મૅગેઝિન કહે છે: “છૂંદણું છૂંદાવવામાં થતી પીડા કરતાં, લેઝરથી એ કઢાવવા વધારે પીડા સહેવી પડે છે.”

બીજાઓ શું વિચારશે?

આજે ઘણા લોકો છૂંદણાંવાળી વ્યક્તિને સારી નજરે જોતા નથી. તેથી, તમારે પણ વિચારવું જોઈએ કે છૂંદણું કરાવવાથી બીજાઓ પર કેવી અસર થશે. (૧ કોરીંથી ૧૦:૨૯-૩૩) તાઈવાનની લી નામની યુવતીનો વિચાર કરો. તે ૧૬ વર્ષની હતી ત્યારે તેને અચાનક છૂંદણું કરાવવાનો શોખ જાગ્યો. તેણે વિચાર્યા વગર છૂંદણું કરાવી નાખ્યું. હવે તે ૨૧ વર્ષની છે અને ઑફિસમાં નોકરી કરે છે. તે કબૂલે છે: “ઑફિસમાં બધા મારા છૂંદણાને તાકી તાકીને જોયા કરે છે એ મને જરાય ગમતું નથી.” બ્રિટનની માનસિક આરોગ્ય સંસ્થા સાથે કામ કરનાર, થિઓડોર ડાલરેમ્પલ કહે છે: ઘણા લોકો છૂંદણું ‘જોઈને જ ઓળખી કાઢે છે કે તે કેવી વ્યક્તિ છે. જેમ કે, તે હિંસક, ક્રૂર, સમાજ વિરોધી અને ગુંડાગીરી કરનાર છે.’

અમેરિકન ડેમોગ્રાફિક્સ મૅગેઝિનનો એક લેખ પણ આવી જ નોંધ કરે છે: “મોટા ભાગના અમેરિકનો માને છે કે બધા સહેલાઈથી જોઈ શકે એવી જગ્યાએ છૂંદણું કરાવવું ન જોઈએ. ‘સહેલાઈથી દેખાઈ આવે એવી જગ્યાએ છૂંદણું કરાવનારે ભૂલવું ન જોઈએ કે એનાથી નોકરી-ધંધામાં ઘણી અડચણો આવી શકે. તેમ જ મિત્રો બનાવવા પણ અઘરું બની શકે.’ આ વિધાન સાથે ૮૫ ટકા [યુવાનો] સહમત થાય છે.”

આપણે યહોવાહના સેવક હોવાથી એ પણ વિચારવું જોઈએ કે છૂંદણું કરાવવાથી શું આપણું માન વધશે કે કેમ? કે પછી ‘બીજાઓને ઠોકર ખાવાનું કારણ’ બનશે? (૨ કોરીંથી ૬:૩) ખરું કે, ઘણા યુવાનો શરીરના એવા ભાગ પર છૂંદણું કરાવે છે જે કપડાં પહેરેલાં હોય ત્યારે કોઈ જોઈ શકતું નથી. અરે, અમુકનાં માબાપ પણ એના વિષે અજાણ હોય શકે. પણ પોતાને હોશિયાર ન માનતા! ધારો કે તમને ઇમર્જન્સીમાં ડૉક્ટર પાસે જવાનું થયું, અથવા સ્કૂલમાં રમ્યા પછી છોકરા-છોકરાઓ અને છોકરી-છોકરીઓ સ્નાન કરતી વખતે તમારી પોલ ખુલ્લી પડી શકે! એવું ન થાય એ માટે, શું આપણે ‘સઘળી બાબતોમાં પ્રામાણિક’ ન રહેવું જોઈએ?—હેબ્રી ૧૩:૧૮.

આજે અનેક ફેશનનો સૂરજ ઊગે છે ને કાલે આથમી જાય છે. તેમ જ, તમે આજે જે છૂંદણું કરાવો એની સામે કાલે કોઈ નજર કરશે કે નહિ એની શું ખાતરી? દાખલા તરીકે, તમારા કપડાંનો જ વિચાર કરો. કદાચ તમારી પાસે મનગમતું જીન્સ, શર્ટ, ડ્રેસ, બૂટ કે સેન્ડલ પણ હશે જે તમને ખૂબ ગમતાં હોય. તોપણ, શું તમે આખી જિંદગી એને પહેર્યા કરશો? જરાય નહિ! કપડાંની સ્ટાઈલ અને કલરની ફેશન તો રોજ બદલાતી રહે છે. કપડાં તો આપણે ચપટી વારમાં બદલી શકીએ એમ છીએ. પણ છૂંદણું કાઢવું એટલું સહેલું નથી. બીજું કે, ૧૬ વર્ષની વયે તમે જે મનગમતું છૂંદણું કરાવ્યું હોય એ, ૩૦ વર્ષના થાવ ત્યારે પણ તમને ગમશે જ એવી કોઈ ગૅરન્ટી નથી.

ઘણાં લોકો આ રીતે છૂંદણું કે ડિઝાઈન કરાવ્યા પછી ખૂબ જ પસ્તાય છે. ઍમી એ વિષે કહે છે: “હું યહોવાહ વિષે શીખવા લાગી એ પહેલાં જ મેં ટેટૂ કરાવ્યું હતું. એને કોઈ જુએ નહિ એવી હું હંમેશાં તકેદારી રાખું છું. તોપણ મંડળમાં કોઈ એ જોઈ જાય તો, શરમથી મારું મોં પડી જાય છે.” તો એમાંથી આપણે શું શીખ્યા? છૂંદણું કરાવતા પહેલાં સો વાર વિચાર કરો. ઉતાવળે એવો કોઈ નિર્ણય ન લો કે જેના લીધે પાછળથી તમારે પસ્તાવું પડે. (g 03 9/22)

[ફુટનોટ]

^ કેટલાક નામો બદલવામાં આવ્યા છે.

[પાન ૨૨ પર ચિત્ર]

ટેટૂ કરાવવાથી તમે હિંસક અથવા ક્રૂર હોવ એવું બતાવો છો

[પાન ૨૨ પર ચિત્ર]

ટેટૂ કરાવ્યા પછી, સમય જતા ઘણા લોકો પસ્તાયા છે

[પાન ૨૩ પર ચિત્ર]

ટેટૂ કરાવતા પહેલાં સો વાર વિચાર કરો