સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ડાયાબિટીસના દર્દીને બાઇબલ કેવી રીતે મદદ કરી શકે?

ડાયાબિટીસના દર્દીને બાઇબલ કેવી રીતે મદદ કરી શકે?

ડાયાબિટીસના દર્દીને બાઇબલ કેવી રીતે મદદ કરી શકે?

ડાયાબિટીસના દર્દીઓ પોતાના પર અંકુશ રાખે અને આશાવાદી રહે એ તેઓની તબિયત માટે ખૂબ અગત્યનું છે. તેઓ એમ કરી શકે એ માટે કુટુંબીજનોએ હંમેશાં સાથ આપવો જોઈએ. કુટુંબ અને મિત્રોએ યાદ રાખવું જોઈએ કે, તેઓ માટે જે યોગ્ય નથી એ દબાણ કરીને ખવડાવવું ન જોઈએ. એમ પણ ન કહેવું જોઈએ કે, ‘એટલાથી કંઈ થશે નહિ, ખાઈ લે.’ હૅરીને હૃદયની બીમારી અને ટાઈપ-ટુ ડાયાબિટીસ છે. તે કહે છે: “મારી પત્ની મને પૂરો સાથ આપે છે. મારે ન ખાવું જોઈએ એવું તે મારી સામે રાખતી જ નથી. પરંતુ બધા જ મારી પત્નીની જેમ સમજતા નથી. તેથી ખાવાની પરેજી પાળવી બહુ જ અઘરી છે.”

તમે ડાયાબિટીસના દર્દી સાથે વધારે સમય પસાર કરતા હોવ તો, બાઇબલમાં આપેલા આ બે મહત્ત્વના સિદ્ધાંતો ભૂલશો નહિ: “કોઈએ માત્ર પોતાનું જ નહિ, પણ દરેકે બીજાનું હિત જોવું. પ્રીતિ સહનશીલ તથા પરોપકારી છે.” “પ્રીતિ . . . પોતાનું જ હિત જોતી નથી.”—૧ કોરીંથી ૧૦:૨૪; ૧૩:૪, ૫.

આપણે તંદુરસ્ત રહેવું હોય તો કદી હદ ઉપરાંત ખાવું ન જોઈએ. પછી ભલેને ડાયાબિટીસ હોય કે ન હોય. બાઇબલ પોતાની ઇચ્છાને અંકુશમાં રાખવા મદદ કરી શકે છે. શું તમે દિલમાં ગાંઠ વાળી લીધી છે કે ખાનપાન વિષે હંમેશાં સંયમ રાખશો? (ગલાતી ૫:૨૨, ૨૩) જોકે સંયમ રાખવા વિષે બાઇબલમાં ઘણા અનુભવો મળી આવે છે. જેમ કે પ્રેષિત પાઊલે પણ સંયમ રાખવા વિષે સુંદર ઉદાહરણ બેસાડ્યું છે. ડાયાબિટીસથી પીડાતી એક સ્ત્રી પાઊલ વિષે આમ કહે છે: ‘તેમને તો દેહમાં કાંટો આપવામાં આવ્યો હતો. તેમ છતાં તેમણે પૂરા દિલથી ઈશ્વરની ભક્તિ કરી હતી. તો હું પણ કરી શકું.’

હા, પાઊલ પોતાની એ બીમારી દૂર કરી શક્યા ન હતા. તેમ છતાં, તે મન મૂકીને મિશનરી સેવામાં લાગુ રહ્યા હતા. (૨ કોરીંથી ૧૨:૭-૯) ડસ્ટીન ૧૮ વર્ષનો છે, અને તે જન્મથી અંધ છે. તે ૧૨ વર્ષનો હતો ત્યારથી તેને ડાયાબિટીસ છે. તે લખે છે: “મને ખબર છે કે આ દુનિયામાં એવું કોઈ નથી જેને સો ટકા સારું હોય. હું નવી દુનિયાની ઝંખના રાખું છું જ્યારે મને પણ ડાયાબિટીસ નહિ હોય. મારા માટે એ થોડા સમય પૂરતું જ છે. જોકે, શરદી કે તાવની જેમ એને મટતા થોડો સમય લાગશે એટલું જ ને! છેવટે તો એનો અંત આવશે જ.”

ડસ્ટીને બાઇબલમાં આપેલી આશા મનમાં રાખીને ઉપર મુજબ કહ્યું હતું. બાઇબલ જણાવે છે કે ઈશ્વરનું રાજ પૃથ્વી પર આવશે ત્યારે કોઈ જાતની માંદગી હશે જ નહિ. (પ્રકટી. ૨૧:૩, ૪) ઈશ્વરનું વરદાન છે કે તેમનું રાજ્ય આવશે ત્યારે, “હું માંદો છું, એવું કોઈ પણ રહેવાસી કહેશે નહિ.” (યશા. ૩૩:૨૪; માત્થી ૬:૯, ૧૦) બાઇબલમાં ઈશ્વરે બીજાં કયાં વરદાન આપ્યાં છે એ વિષે શું તમને જાણવું નહિ ગમે? તમને વધુ માહિતી જોઈતી હોય તો, તમારી નજીકમાં રહેતા યહોવાહના સાક્ષીઓનો સંપર્ક કરો, અથવા આ મૅગેઝિનના પાંચમા પાન પર આપેલા નજીકના સરનામે પ્રકાશકોને લખો. (g03 5/08)

[પાન ૧૨ પર ચિત્ર]

સંયમ રાખો અને આશાવાદી રહો