ડાયાબિટીસ—“છૂપો ખૂની”
ડાયાબિટીસ—“છૂપો ખૂની”
કૅન એકવીસ વર્ષનો થયો ત્યારે સહી ન શકાય એવી તેને તરસ લાગતી. તેમ જ તેને થોડી થોડી વારે પેશાબ કરવા જવું પડતું. થોડા સમય પછી તેનું શરીર થાંભલા જેવું ભારે થઈ ગયું. તેનામાં જરાય શક્તિ જ ન હતી, અને તેની નજર ઝાંખી થઈ ગઈ હતી.
હા, કૅનને વાઇરસ થયો હતો અને એનાથી તેના જીવનમાં વળાંક આવ્યો. ડૉક્ટર પાસે જવાથી ખબર પડી કે તેને ખાલી વાઇરસ જ નહિ, પણ ટાઈપ વન ડાયાબિટીસ મેલાઈટસ થયો છે. એ ટૂંકમાં ડાયાબિટીસ નામથી ઓળખાય છે. એના કારણે શરીર બધા જ રસાયણો બરાબર પચાવી શકતું નથી. ખાસ કરીને આ રોગમાં શરીર ગ્લુકોઝનું પાચન કરી શકતું નથી અને લોહીમાં એનું પ્રમાણ વધારી દે છે. તેથી, કૅનને લોહીમાં સાકરના પ્રમાણનું નિયમન કરવા માટે હૉસ્પિટલમાં છ અઠવાડિયાં રહેવું પડ્યું.
એ તો આજથી પચાસેક વર્ષ પહેલાંની વાત છે. જોકે ત્યારથી આજ સુધી તબીબી સારવારમાં પુષ્કળ પ્રગતિ થઈ છે. તેમ છતાં, આજે પણ કૅન ડાયાબિટીસથી પીડાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના તાજેતરના આંકડા જણાવે છે કે આજની તારીખે દુનિયામાં ૧૪ કરોડથી વધારે લોકો ડાયાબિટીસથી પીડાય છે. અંદાજ પ્રમાણે વર્ષ ૨૦૨૫ સુધીમાં એ આંકડો બમણો થઈ જશે. તેથી સમજી શકાય કે એ જાણવાથી ડૉક્ટરો કેમ ચોંકી ગયા છે. યુનાઈટેડ સ્ટેટ્સમાં ડાયાબિટીસનાં દર્દીઓને સારવાર આપતી હૉસ્પિટલની એક ડાઇરેક્ટર, ડૉ. રાબિન એસ. ગૉલેડે કહ્યું: “ડાયાબિટીસના કેસો વધતા જોવાથી એવું લાગે છે કે એ ઝડપથી ફેલાઈ રહ્યો છે.”
ડાયાબિટીસ વિષે દુનિયાનો અહેવાલ જુઓ.
ઑસ્ટ્રેલિયા: ઑસ્ટ્રેલિયામાં ડાયાબિટીસના દર્દીઓને સારવાર આપતી સંસ્થાના જણાવ્યા પ્રમાણે: “આજે ૨૧મી સદીમાં પણ ડાયાબિટીસના દર્દીઓને સારવાર આપતા દમ નીકળી જાય છે.”
ભારત: આશરે ત્રણ કરોડ લોકો ડાયાબિટીસથી પીડાય છે. એક ડૉક્ટર કહે છે: “પંદર વર્ષ પહેલાં ભાગ્યે જ અમારી પાસે ૪૦થી નાની વયનો ડાયાબિટીસનો કોઈ દર્દી આવતો. પરંતુ આજે ૪૦થી નાની વયના દર્દીઓમાં બેમાંથી એક ડાયાબિટીસનો દર્દી હોય છે.”
સિંગાપુર: લગભગ ૩૦-૬૯ વર્ષના લોકોમાંથી ત્રીજા ભાગના લોકોને ડાયાબિટીસ છે. એટલું જ નહિ, ઘણાં દસ વર્ષનાં બાળકોને પણ ડાયાબિટીસ થયો જોવા મળે છે.
યુનાઈટેડ સ્ટેટ્સ: આશરે ૧.૬ કરોડ લોકોને ડાયાબિટીસ થયો છે. અને દર વર્ષે ૮,૦૦,૦૦૦થી વધારે નવા લોકો એ બીમારીનો ભોગ બને છે. બીજા લાખો લોકોને પણ ડાયાબિટીસ છે, પણ એની તેઓને ખબર નથી.
ડાયાબિટીસના દર્દીને સારવાર આપવી મહામુશ્કેલ છે. કેમ કે એના દર્દીને પણ લાંબા સમય પછી ખબર પડે છે કે પોતાને ડાયાબિટીસ છે. એના વિષે એશિયાવીક મૅગેઝિન કહે છે: “શરૂઆતમાં ડાયાબિટીસના બહુ જ સાધારણ લક્ષણો હોવાથી વરસો સુધી કોઈને જલદી ખબર પડતી નથી.” એ કારણથી ડાયાબિટીસ છૂપો ખૂની તરીકે ઓળખાય છે.
ડાયાબિટીસનું પ્રમાણ ભયજનક હદે કૂદકે ને ભૂસકે વધી રહ્યું હોવાથી, હવે પછીના લેખો નીચેના પ્રશ્નોના જવાબ આપશે:
• શાનાથી ડાયાબિટીસ થાય છે?
• જેઓને ડાયાબિટીસ થયો છે તેઓ શું કરી શકે? (g03 5/08)
[પાન ૪ પર બોક્સ/ચિત્ર]
એનું નામ કઈ રીતે પડ્યું?
ડાયાબિટીસનું તબીબી ભાષામાં આખું નામ છે, “ડાયાબિટીસ મેલાઈટસ.” એ ગુજરાતીમાં “મધુપ્રમેહ” નામથી ઓળખાય છે. આમ, નામ પ્રમાણે એની ખરી સમજણ મળે છે. ડાયાબિટીસનો દર્દી પાણી પીવે ત્યારે, એ પેશાબ વાટે બહાર નીકળી જાય છે. એ ઉપરાંત, પેશાબમાં સાકર હોવાથી એ મધ જેવો મીઠો હોય છે. વ્યક્તિને ડાયાબિટીસ છે કે નહિ એ તપાસવા આજે તો ઘણી રીતો નીકળી છે. પરંતુ, પહેલાંના સમયમાં વ્યક્તિને ડાયાબિટીસ છે કે નહિ એ તપાસવા લોકો શું કરતા? લોકો દર્દીનો પેશાબ કીડીના રાફડા પાસે ઢોળતા. એમ કરવાથી જો કીડીઓ પેશાબ પીવા આવે તો એ સાબિત થતું કે એમાં સાકર છે.