તમારા સગાંઓ તમારા ધર્મમાં માનતા ન હોય ત્યારે શું?
બાઇબલ શું કહે છે
તમારા સગાંઓ તમારા ધર્મમાં માનતા ન હોય ત્યારે શું?
એક અંદાજ પ્રમાણે, આજે દુનિયામાં ૧૦,૦૦૦ કરતાં વધારે ધર્મો અને પંથો છે. એક દેશમાં તો આશરે ૧૬ ટકા લોકોએ જીવનમાં કોઈને કોઈ સમયે પોતાનો ધર્મ બદલ્યો છે. તેથી, ધાર્મિક માન્યતાઓ વિષે આપણા દોસ્તો કે સગાંઓના વિચારો મેળ ન ખાતા હોય એમાં કોઈ નવાઈ નથી. ઘણી વાર એના લીધે સંબંધોમાં તિરાડ પડી જાય છે. તેથી, સવાલ થાય છે કે સગાંવહાલાં અથવા મિત્રો કોઈ બીજો ધર્મ પાળતા હોય ત્યારે, યહોવાહના સાક્ષીઓએ તેઓ સાથે કેવો વર્તાવ રાખવો જોઈએ?
ખાસ સંબંધ
હવે જરા વિચારો કે માબાપ અને બાળકો વચ્ચેના ખાસ સંબંધ વિષે બાઇબલ શું કહે છે. નિર્ગમન ૨૦:૧૨માં બાઇબલ આજ્ઞા આપે છે: “તારા બાપનું તથા તારી માનું તું સન્માન રાખ.” આ આજ્ઞા એ જમાનામાં અને આજે પણ આપણને લાગુ પડે છે. માત્થી ૧૫:૪-૬માં ઈસુ આ જ આજ્ઞાની ચર્ચા કરી રહ્યા હતા. ઈસુએ એના પર ભાર મૂકીને જણાવ્યું કે ભલે બાળકો મોટા થઈ જાય, તેઓએ હજુ તેમના માબાપને માન આપવું જ જોઈએ.
બાઇબલ માબાપનો અનાદર કરવા સામે ચેતવણી આપે નીતિવચનો ૨૩:૨૨ સલાહ આપે છે: “તારા પોતાના બાપનું કહેવું સાંભળ, અને તારી મા વૃદ્ધ થાય ત્યારે તેને તુચ્છ ન ગણ.” નીતિવચનો ૧૯:૨૬ વધારે ભાર આપતા કહે છે: “જે પોતાના બાપને લૂંટે છે, અને પોતાની માને નસાડી મૂકે છે, તે ફજેતી કરાવનાર તથા બટ્ટો લગાડનાર દીકરો છે.”
છે.તો પછી, બાઇબલ પ્રમાણે એ કેટલું દેખીતું છે કે આપણે ક્યારેય માબાપને અવગણવા ન જોઈએ. ભલે આપણા માબાપ આપણા ધર્મમાં માનતા ન હોય, પણ એનાથી કંઈ તેમની સાથેનો સંબંધ પૂરો થઈ જતો નથી. આપણે ઉપર જોઈ ગયા એ બાઇબલ સિદ્ધાંતો, બધા સગાંવહાલાંને તેમ જ તમારા જીવનસાથીને પણ લાગુ પડે છે. આ જ કારણે ખ્રિસ્તીઓ પોતાના માબાપ કે સગાંવહાલાંને ભૂલી જતા નથી, પણ તેઓને ખૂબ ચાહે છે. કેમ કે એમ કરીને તેઓ બાઇબલની આજ્ઞા પાળે છે.
યોગ્ય રીતે સંબંધ જાળવવો ખૂબ મહત્ત્વનું
જોકે, બાઇબલ ખરાબ સંગત ન કરવા વિષે પણ ચેતવણી આપે છે. અને એની અસર આપણા પોતાના સગાંઓ તરફથી પણ આવી શકે છે. (૧ કોરીંથી ૧૫:૩૩) જૂના જમાનામાં પરમેશ્વરના એવા ઘણા ભક્તો હતા જેઓ ખરું કરવા માટે પોતાના માબાપની વિરુદ્ધમાં ગયા હતા. કોરાહના દીકરાઓનો કિસ્સો એ બતાવી આપે છે. (ગણના ૧૬:૩૨, ૩૩; ૨૬:૧૦, ૧૧) સાચા ખ્રિસ્તીઓ બીજાઓને કે પોતાના માબાપને પણ રાજી કરવા ક્યારેય પોતાના ધર્મ સાથે તડજોડ કરતા નથી.—પ્રેરિતોનાં કૃત્યો ૫:૨૯.
અમુક સંજોગોમાં માબાપ કે બીજા સગાંવહાલાં આવેશમાં આવી જઈને આપણી ધાર્મિક માન્યતાઓનો વિરોધ કરતા હોય છે. અરે, કેટલાક તો યહોવાહ સામે પણ વિરોધમાં જાય છે. આવા કિસ્સામાં ખ્રિસ્તીઓ યહોવાહ સાથેના તેઓના સંબંધને જાળવી રાખવા સમજી વિચારીને યોગ્ય પગલાં લે છે. ઈસુએ યોગ્ય રીતે જ કહ્યું હતું: “માણસના વૈરી તેના ઘરમાંના જ થશે. મારા કરતાં જે બાપ અથવા મા પર વત્તી પ્રીતિ કરે છે તે મારે યોગ્ય નથી; અને દીકરા કે દીકરી પર જે મારા કરતાં વત્તી પ્રીતિ કરે છે, તે મારે યોગ્ય નથી.”—માત્થી ૧૦:૩૬, ૩૭.
જોકે, મોટા ભાગના કિસ્સાઓમાં ખ્રિસ્તીઓને તેઓના સગાં-વહાલાંઓ તરફથી એટલો સખત વિરોધ સહન કરવો પડતો નથી. તેઓના સગાંઓ બસ આમ જ તેઓના બાઇબલ શિક્ષણને સ્વીકારતા નથી. બાઇબલ ખ્રિસ્તીઓને ઉત્તેજન આપે છે કે તેઓએ બીજો ધર્મ પાળનારા સાથે “નમ્રતાથી અને આદરભાવથી” વર્તવું જોઈએ. (૨ તીમોથી ૨:૨૫; ૧ પીતર ૩:૧૫, પ્રેમસંદેશ) વળી, બાઇબલ સલાહ આપે છે: ‘પ્રભુના દાસે વિખવાદ કરવો નહિ, પણ તે સર્વ માણસો પ્રત્યે માયાળુ’ હોવો જોઈએ. (૨ તીમોથી ૨:૨૪) પ્રેષિત પાઊલે પણ ખ્રિસ્તીઓને સલાહ આપી: “કોઈની નિંદા ન કરવી, ટંટાખોર નહિ, પણ નમ્ર રહીને સર્વ માણસોની સાથે પૂરેપૂરા વિનયથી વર્તવું.”—તીતસ ૩:૨.
તેઓને મળતા રહો અને પ્યાર બતાવો
પહેલો પીતર ૨:૧૨ ખ્રિસ્તીઓને સરસ ઉત્તેજન આપે છે: “વિદેશી લોકોમાં [વિધર્મી લોકોમાં] તમે તમારાં આચરણ સારાં રાખો; જેથી . . . તેઓ તમારાં રૂડાં કામ જોઈને ન્યાયકરણને દિવસે દેવની સ્તુતિ કરે.” ઘણી વાર આપણા વિધર્મી સગાંઓ જુએ છે કે આપણે બાઇબલ સિદ્ધાંતોને અમલમાં મૂકીને જીવનમાં કેવા ફેરફારો કર્યા છે. યાદ રાખો કે, જેઓને બાઇબલ સત્યમાં જરાય રસ ન હતો અથવા એનો વિરોધ કરતા હતા, તેઓએ પણ પોતાનું મન બદલાવ્યું છે. તેઓએ ઘણાં વર્ષોથી પોતાનાં બાળકો કે પછી જીવન સાથીના સારા ચાલચલન ધ્યાનથી જોયા હશે. કદાચ તેઓની સારી વર્તણૂક માટેનું ખરું કારણ જાણવા તપાસ પણ કરી હોય શકે. તેથી, ચાલો આપણે હંમેશાં આપણા સગાંવહાલાંઓ સાથે પ્યારભર્યો વ્યવહાર રાખીએ. આપણે તેઓની કોઈ પણ રીતે ઉપેક્ષા ન કરીએ કે જેના કારણે તેઓ બાઇબલ સત્ય ન સ્વીકારે.
જોકે આજે જમાનો બદલાતો જાય છે તેમ, કેટલાક ખ્રિસ્તી પોતાના માબાપથી ઘણે દૂર રહેતા હોય છે. તેથી, તમારી ઇચ્છા હોય તોપણ, કદાચ તમે અમુક સમયે જ તેઓને મળવા જઈ શકતા હશો. ચિંતા ન કરો, એવા સમયે તમે તેઓને પત્રો લખી શકો છો અથવા, ફોન પર વાત કરી શકો. એનાથી તેઓને ખાતરી થશે કે આપણે ખરેખર તેઓને ચાહીએ છીએ, અને તેઓની ચિંતા કરીએ છીએ. આજે ઘણા લોકો યહોવાહના સાક્ષીઓ નથી, તેમ છતાં તેઓ પોતાના માબાપ કે સગાંવહાલાંઓને ચાહે છે, નિયમિત મળવા જાય છે, પછી ભલે તેઓ ગમે તે ધર્મ પાળતા હોય. તો પછી, સાચા ખ્રિસ્તીઓ તરીકે આપણે હંમેશાં સગાંવહાલાંઓના ખબરઅંતર પૂછતા રહીએ એ કેટલું મહત્ત્વનું છે! (g03 11/08)
[પાન ૨૦ પર ચિત્ર]
તમારા સગાંઓના ખબરઅંતર પૂછતા રહો, એનાથી તેઓને ખાતરી થશે કે તમે તેઓને ચાહો છો