દરિયામાંની આફતથી—જમીન પર નુકસાન
દરિયામાંની આફતથી—જમીન પર નુકસાન
સ્પૅનમાંના સજાગ બનો!ના ખબરપત્રી તરફથી
નવેમ્બર ૧૩, ૨૦૦૨માં પ્રેસ્ટિજ નામની સ્ટીમર ખનીજ તેલ લઈને જતી હતી. ત્યારે દરિયામાં ખૂબ જ તોફાન આવ્યું હોવાથી એમાં કાણું પડી ગયું અને તેલ નીકળવા લાગ્યું. તેથી પર્યાવરણને નુકસાન કરે અને આર્થિક ખોટ જાય એવી અણધારી આફત થરૂ થઈ. સ્ટીમરને બચાવવા બધા જ પ્રયત્નો કરવામાં આવ્યા, છતાં એને બચાવી ન શકાઈ. છ દિવસ પછી એના બે ટૂકડા થઈ ગયા અને એ ડૂબી ગઈ. એમાંથી લગભગ ૨૦,૦૦૦ ટન તેલ દરિયામાં ઢોળાઈ ગયું. એને કારણે પર્યાવરણ પર જાણે કાળાં વાદળો છવાઈ ગયા. સ્પેનનો લગભગ ૨૦૦ કિલોમીટર સુધીનો દરિયાકાંઠો તેલથી લદબદ થઈ ગયો.
સ્ટીમર ડૂબી ગઈ ત્યારે એમાં હજી ૫૦,૦૦૦ ટનથી વધુ તેલ હતું. એમાંથી દરરોજ લગભગ ૧૨૫ ટન જેટલું તેલ નીકળ્યા કરતું હતું. દરિયાની સપાટી પર તેલ છવાઈ ગયું અને ભયજનક રીતે દરિયાકાંઠા તરફ આગળ વધવા લાગ્યું. એ ભારે તેલ એકદમ ચીકણું અને ઝેરી હોવાથી પર્યાવરણને ભારે નુકસાન પહોંચ્યું.
એ જોઈને અનેક લોકો પોતાની મરજીથી દરિયાકાંઠાને સાફ કરવા દોડી આવ્યા. પરંતુ એની તીવ્ર ગંધથી તેઓ બીમાર પડી ગયા અને કામ બંધ થઈ ગયું. આ કાળા તેલના ડામરની જેમ પડ જામી ગયા હતા અને ખડકો પર કાળી ચીંગમની જેમ ચોંટી ગયા હતા. દરિયાઈ અકસ્માતથી થતા પ્રદૂષણ પર સંશોધન કરતી સંસ્થાના ડાયરેક્ટર, મીશેલ ગીરે નિસાસા નાખતાં કહ્યું: “તેલ ઢોળાવાના અત્યાર સુધીના બનાવોમાં આ સૌથી ખરાબ બનાવ છે.”
તનતોડ મહેનત
સેંકડો માછીમારો અઠવાડિયાઓ સુધી આ તેલને દૂર કરવા મંડી પડ્યા. કેમ કે એ જ દરિયામાંથી માછલીઓ પકડીને તેઓ પોતાનું ગુજરાન ચલાવતા હતા. એ કિનારો સૌથી સારા દરિયાકિનારાઓમાંનો એક હતો. ઢોળાયેલું તેલ એને કાળોભમ્મર બનાવીને નાશ કરી દે એ પહેલાં આ માછીમારોએ તેલ ભેગું કરી લેવા જબરી લડત આપી. અમુક લોકો તો પાણીમાંથી એ ચીકણા રગડાને ખોબા ભરી ભરીને બહાર કાઢવા લાગ્યા હતા. એન્ટોનિયો ત્યાંનો એક માછીમાર છે, જેણે એ તેલ સાફ કરવામાં ભાગ લીધો હતો. તે કહે છે: “એ તો કમર તૂટી જાય એવું કામ હતું, પરંતુ અમે નાના હોડીઓવાળા માટે એમ કર્યા વગર છૂટકો ન હતો.”
દરિયામાં ફેલાયેલું આ તેલ કાઢી લેવા માછીમારો તનતોડ
મહેનત કરતા હતા. એ જોઈને સ્પેનમાંથી હજારો લોકો દરિયાકિનારો સાફ કરવા ઊમટી પડ્યા હતા. વાપરીને ફેંકી દઈ શકાય એવા સફેદ કપડામાં સજ્જ બનીને અને મોઢે માસ્ક પહેરીને, તેઓ ઝેરી ગેસ સામે લડવા નીકળેલા સૈનિકો જેવા લાગતા હતા. તેઓ ડોલોમાં તેલ ભરવા સખત મહેનત કરતા હતા. જેથી એને દૂર ફેંકી દઈ શકાય. માછીમારોની જેમ કેટલાક સ્વયંસેવકો પણ ઢોળાયેલા તેલને ખોબાઓ ભરીને કાઢતા હતા.ભયંકર અસરો
રાફાએલ મોઉઝો ઉત્તર ગેલેસીયાના, કૉક્યુબા ગામના મેયર છે. તે કહે છે: “મેં તેલના કાળા મોજાંઓ બંદર પર અફળાતા જોયા ત્યારે મને લાગ્યું કે હું એના આઘાતથી જ મરી જઈશ, ઢોળાયેલા તેલે અમારા શહેરના ઘણા લોકોની આજીવિકા પર ખરાબ અસર કરી છે.”
એટલાન્ટિક મહાસાગરમાં સ્પેનના લાસ એસલાસ ટાપુઓનો બનેલો સુંદર મઝાનો નેશનલ પાર્ક હતો. પણ દુઃખની વાત છે કે આ તેલ અકસ્માતમાં એનો સત્યાનાશ વળી ગયો. ગેલીસી નજીક આવેલા આ પાંચ ટાપુઓ પર પહેલાં દરિયાઈ પક્ષીઓના ટોળેટોળા વસતાં હતા. તેમ જ પુષ્કળ પ્રમાણમાં દરિયાઈ પ્રાણીઓ રહેતાં હતાં. પણ તેલથી તરબોળ થઈ ગયા પછી, આ ટાપુઓ સાવ ઉજ્જડ થઈ ગયા છે.
ડિસેમ્બરની શરૂઆતથી, ૯૫ ટકા પાર્કનો કિનારો આ તેલથી બગડી ગયો હતો. પક્ષીય વિજ્ઞાનીઓએ ગણતરી કરી કે લગભગ એક લાખ પક્ષીઓને એની અસર થશે. સાગરમાં શોધખોળ કરતા મરજીવાઓએ દરિયાના ઊંડાણમાં બાઝી ગએલા તેલના ગઠ્ઠા જોયા જેમાંથી પરપોટા નીકળતા હતા. એનાથી દરિયાઈ પર્યાવરણ પર ઊંડી અસર થઈ રહી હતી.
જય હોલકોમે એ અકસ્માતમાં અસર પામેલાં પક્ષીઓને બચાવવાનું કેન્દ્ર ખોલ્યું હતું. તે કહે છે: “મોટા ભાગે પક્ષીઓ ડૂબી જઈને અથવા ઠંડીથી મરી જતા હોય છે. તેલ તેઓનાં પીછાંઓમાં ભરાઈ જવાથી તેઓને હૂંફ મળતી નથી. તેમ જ તેલના ભારથી તેઓ સહેલાઈથી પાણીમાં ડૂબી જાય છે. . . . ભલે અમે ઘણા પક્ષીઓને બચાવી ન શક્યા. તેમ છતાં થોડાં બચાવી શકાયા એનાથી અમને ખૂબ જ સંતોષ થયો.”
અકસ્માત તો થવાનો જ હતો
આજે દુનિયા ઊર્જા માટે તેલ પર નભે છે. પરંતુ સસ્તામાં એકથી બીજી જગ્યાએ તેલ પહોંચાડવા માટે લોકો ઘણી વાર જોખમકારક અને જૂનાં વહાણોનો ઉપયોગ કરતા હોય છે. એના વિષે ધ ન્યૂ યોર્ક ટાઇમ્સએ આમ કહ્યું: “અકસ્માત તો થવાનો જ હતો.”
છેલ્લા ૨૬ વર્ષોમાં ગલેસીયાના કિનારે તેલની ત્રણ સ્ટીમરો ડૂબી ગઈ છે, એમાંની પ્રેસ્ટિજ ત્રીજી છે. લગભગ ૧૦ વર્ષ પહેલાં ઉત્તર ગલેસીયાના દરિયાકિનારે આવેલ લા કોરુન્યા નજીક એજીન સી નામની સ્ટીમર ડૂબી ગઈ હતી. એમાંથી ૪૦,૦૦૦ ટન જેટલું ડામર જેવું કાળું તેલ દરિયામાં ઢોળાયું અને છેક દરિયાકિનારા સુધી ફેલાયું. એની અસર આજે પણ અમુક ભાગ પર વર્તાય છે. વર્ષ ૧૯૭૬માં, અરગ્વીકોલા એ જ ખાડીમાં ડૂબી ગયું હતું. એમાંથી ૧,૦૦,૦૦૦ ટનથી વધુ તેલ ઢોળાયું હતું.
પ્રેસ્ટિજ સ્ટીમર ડૂબી ગયા પછી, હાલમાં જ યુરોપિયન યુનિયને ડબલ પડ ન હોય એવી બધી જ તેલની હેરાફેરી કરતી સ્ટીમરો પર પ્રતિબંધ મૂકી દીધો. પરંતુ જોવાનું એ રહે છે કે યુરોપના દરિયાકાંઠાને સલામત રાખવા શું એટલું જ પૂરતું છે?
સાચું કહીએ તો કોઈ માનવ સરકાર એવી ખાતરી આપી શકતી નથી કે હવેથી પ્રદૂષણ નહિ થાય. ભલે પછી એ તેલ લઈ જતી સ્ટીમર હોય કે ઝેરી કચરો હોય કે હવામાં કોઈ પ્રદૂષણ હોય. પરંતુ ખ્રિસ્તીઓ એવા સમયની રાહ જુએ છે જ્યારે પરમેશ્વરના રાજ્યમાં આખી પૃથ્વી સુંદર બગીચા જેવી બનશે. પછી કોઈપણ જાતનું પ્રદૂષણ એ પારાદેશને બગાડશે નહિ!—યશાયાહ ૧૧:૧, ૯; પ્રકટીકરણ ૧૧:૧૮. (g03 8/22)
[પાન ૨૬, ૨૭ પર ચિત્ર]
પ્રેસ્ટિજ ૫૦,૦૦૦ ટન તેલ લઈને ડૂબી ગઈ
[ક્રેડીટ લાઈન]
AFP PHOTO/DOUANE FRANCAISE