સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાળકને તાવ આવે ત્યારે શું કરવું જોઈએ?

બાળકને તાવ આવે ત્યારે શું કરવું જોઈએ?

બાળકને તાવ આવે ત્યારે શું કરવું જોઈએ?

“મમ્મી, મને સારું નથી લાગતું!” તમારું બાળક ચીડિયું થઈને રડ્યા કરે તો, તરત જ તમે તમારો હાથ તેના કપાળ પર મૂકીને તપાસવા લાગશો કે તેને તાવ તો નથી ને? જો તેનું કપાળ ગરમ હોય તો તમે કદાચ ચિંતા કરવા લાગશો, ખરું ને?

મેરીલૅન્ડ, યુનાઈટેડ સ્ટેટ્‌સના બેલ્ટીમોર ગામમાં, જોન્સ હોપકીન્સ ચિલ્ડ્રન્સ હૉસ્પિટલ સેન્ટરે કરેલા અભ્યાસ પ્રમાણે, ૯૧ ટકા માબાપો માને છે કે “થોડો તાવ હોય તોપણ, એની બાળકોના મગજ પર અસર થઈ શકે.” એ રિપોર્ટ જણાવે છે કે “૮૯ ટકા માબાપોએ પોતાના બાળકનો તાવ ૩૮.૯ ડીગ્રી સેલ્સિયસ સુધી વધે એ પહેલાં જ તાવ ઓછો કરવાની દવા આપી દીધી હતી.”

જો તમારા બાળકને તાવ રહેતો હોય તો, તમારે શું કરવું જોઈએ?

તાવ મહત્ત્વની ભૂમિકા ભજવે છે

તાવ આવવાનું કારણ શું છે? સામાન્ય રીતે દરેકના શરીરનું તાપમાન ૩૭ ડીગ્રી સેલ્સિયસ (મોઢામાં મપાતો તાવ) હોય છે. પરંતુ આખા દિવસમાં શરીરના તાપમાનમાં એક કે બે ડિગ્રીની વધઘટ થયા કરે છે. * તેથી, સવારે તમારા શરીરનું તાપમાન ઓછું હોય અને બપોર પછી એકદમ વધી જઈ શકે. નાના મગજનો હાયપોથેલેમસ કહેવાતો એક ભાગ શરીરના તાપમાનને વધારવાનું કે ઘટાડવાનું કામ કરે છે જેને થર્મોસ્ટેટ કહેવાય છે. જ્યારે શરીરમાં બૅક્ટેરિયા વધી જાય કે કોઈ વાઇરસનો ચેપ લાગે ત્યારે, શરીરની રોગપ્રતિકારક શક્તિ એ બૅક્ટેરિયાનો નાશ કરવા લોહીમાં પાયરોજીન્સ નામનું દ્રવ્ય પેદા કરે છે. જેને કારણે હાયપોથેલેમસ શરીરનું તાપમાન વધારી દે છે, જેને આપણે તાવ કહીએ છીએ.

જોકે તાવ આવવાથી બેચેની લાગી શકે. તેમ જ શરીરમાં પાણી પણ સૂકાઈ જાય છે. તેમ છતાં એનાથી કંઈ નુકસાન થતું નથી. રોગો વિષે સંશોધન કરતી અને શિક્ષણ આપતી માયો ફાઉન્ડેશન નામની સંસ્થાનું કહેવું છે કે, શરીરમાંથી બૅક્ટેરિયા અને વાયરસનો નાશ કરવામાં તાવ મહત્ત્વનો ભાગ ભજવે છે. “જે વાયરસથી શરદી કે શ્વાસને લગતી બીમારીઓ થાય છે એવા બૅક્ટેરિયાને ઠંડું શરીર ખૂબ ગમે છે. તેથી, શરીરમાં ઝીણો તાવ આવે તો, એ વાયરસનો નાશ કરી નાખે છે.” એના વિષે એ સંસ્થા વધારે જાણકારી આપે છે: “તમારા બાળકને થોડો તાવ આવ્યો હોય તો એને ઉતારી નાખવાની જરૂર નથી. કેમ કે એનાથી તમારા બાળકને તાવ દ્વારા કુદરતી રીતે સાજા થવાની પ્રક્રિયા અટકી જઈ શકે છે.” મેક્સિકોની એક હૉસ્પિટલ, શરીરની અમુક પરિસ્થિતિમાં દરદીના શરીરનું તાપમાન ઊંચું ચઢાવે છે. એ સારવાર પદ્ધતિને અધિતાપશીલ (હાયપરર્થેમીયા) કહેવામાં આવે છે.

અમેરિકન ઈમર્જન્સી ફિઝીશીયન કૉલેજમાં સેવા આપતા ડૉક્ટર એલ સચેટ્ટી કહે છે: “તાવ આવવાથી જીવન ખતરામાં મૂકાઈ જતું નથી. પરંતુ, જો કોઈ ચેપ લાગ્યો હશે તો તાવ આવશે. તેથી, બાળકને તાવ આવે ત્યારે તેને કયો ચેપ લાગ્યો છે એના પર અને બાળકની કાળજી લેવામાં વધુ ધ્યાન આપો, તાવ માપ્યા કરવાની જરૂર નથી.” અમેરિકાની એક બાળ હૉસ્પિટલ જણાવે છે: “જો બાળકનું તાપમાન ૧૦૧ ફેરનહીટ (૩૮.૩ સેન્ટિગ્રેડ) કરતાં ઓછું હોય તો, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ જો તાવના કારણે બાળક ચીડિયું થઈ ગયું હોય, અથવા અમુક સમયથી તેને ખેંચ આવતી હોય તો, ડૉક્ટર પાસે તેની તપાસ કરાવવી જ જોઈએ. તેમ જ જો તેને ગંભીર બીમારી હોય અને તાવ આવ્યો હોય તો, એ જોખમકારક છે. એવા કિસ્સામાં તમારું બાળક કઈ રીતે વર્તે છે એની નોંધ લેવી જોઈએ, એ ખૂબ જ મહત્ત્વનું છે. જો તે સારો ખોરાક લેતું હોય, ઊંઘતું હોય, અને રમતું હોય તો, કદાચ કોઈ સારવારની જરૂર નહિ પડે.”

સામાન્ય તાવમાં શું કરવું જોઈએ?

એનો એવો અર્થ નથી કે તમે તમારા બાળકો માટે કંઈ જ ન કરી શકો. મોટા ભાગે ડૉક્ટરો સામાન્ય તાવ માટે આવી સારવાર આપવાનું કહે છે: તમારા બાળકનો રૂમ થોડો ઠંડો રાખો. તમારા બાળકને પાતળાં કપડાં પહેરાવો. (જાડાં કપડાંથી તાવ વધી શકે છે.) તમારા બાળકને પાણી, ફળોનું પાતળું જ્યુસ અને સૂપ જેવું કંઈક પીવા આપતા રહો. નહિતર તાવને લીધે ઘણી વખત શરીરમાં પાણી ઓછું થઈ શકે. * (બાળકને કોકા-કોલા જેવા ઠંડા પીણા, કાળી ચા કે કૉફી જેવું કંઈ આપશો નહિ. એનાથી તેને વધુ પેશાબ લાગશે અને શરીરમાં પાણી ખૂટી જઈ શકે.) તેમ જ માતા તેના નાના બાળકને ધવડાવે એ બહુ જરૂરી છે. ભારે ખોરાક ન આપશો, કારણ કે તાવને લીધે પાચનશક્તિ નબળી પડી જતી હોવાથી બાળકનું પેટ સહેલાઈથી ખોરાકને પચાવી શકતું નથી.

બાળકનો તાવ ૩૮.૯ ડીગ્રી સેલ્સિયસથી વધુ હોય તો, તાવ ઓછો કરવા માટે બાળકોને એસ્પીરીન કે પેરાસીટામોલ જેવી ગોળી આપવામાં આવે છે. પરંતુ એ કેટલા પ્રમાણમાં આપવી જોઈએ? દવાના રેપર પર તેની માત્રા લખેલી હોય છે. એ મુજબ જ દવા આપવી જોઈએ. (બે વર્ષથી નાનાં બાળકોને ડૉક્ટરની સલાહ વગર કોઈ પ્રકારની દવા આપવી નહિ.) એસ્પીરીન જેવી દવાઓ વાયરસનો નાશ કરી શકતી નથી. એનાથી બાળકની શરદી કે બીજી બીમારીઓ મટતી નથી. પરંતુ એનાથી તેઓને થોડી રાહત મળે છે. અનુભવી ડૉક્ટરોનું કહેવું છે કે ૧૬ વર્ષથી નાનાં બાળકોનો તાવ ઉતારવા એસ્પીરીન જેવી દવા આપવી જોઈએ નહિ કેમ કે એનાથી રેયેસ સિન્ડ્રોમ થઈ શકે, જે ખૂબ જોખમકારક છે. *

બાળકનો તાવ ઉતારવા, ટબમાં બે કે ત્રણ ઇંચ જેટલું હૂંફાળું પાણી ભરીને તેને એમાં બેસાડો. પછી સ્પંજ કે રૂમાલને પાણીમાં ભીનો કરીને બાળકનું શરીર લુછી નાખો. આ રીતે પણ તાવ ઉતારી શકાય છે. (માલિસ કરવા માટે વપરાતા આલ્કોહોલથી કદી માલિસ કરશો નહિ, કારણ કે એનાથી ઝેર ચઢી શકે.)

કેવી પરિસ્થિતિમાં ડૉક્ટરને બોલાવવા જોઈએ? એના વિષે સામેના બૉક્ષમાં માહિતી આપવામાં આવી છે. જે વિસ્તારમાં ડેન્ગ્યુ, ઈબોલા વાયરસ, ટાઈફોઇડ, કમળો જેવા રોગો લોકોને વારંવાર થતા હોય, ત્યાં રહેતા લોકોએ બાળકને તાવ આવે ત્યારે તરત ડૉક્ટર પાસે લઈ જવું જોઈએ.

પ્રથમ, તમે તમારા બાળકની બેચેની દૂર કરવાનો પ્રયત્ન કરો એ સૌથી મહત્ત્વનું છે. યાદ રાખો કે જ્ઞાનતંતુઓને નુકસાન પહોંચાડે કે બાળક મરણ પામે એવો જીવલેણ તાવ ભાગ્યે જ આવે છે. ભલે તાવને કારણે વ્યક્તિનું શરીર ધગધગતું હોય અને ખેંચ આવતી હોય તોપણ ગભરાવાની જરૂર નથી. એનાથી કોઈ ગંભીર પરિણામો આવશે નહિ.

જેમ કહેવત છે કે “ચેતતો નર સદા સુખી,” તેમ તંદુરસ્ત રહેવા આપણાથી બનતું બધું જ કરવું જોઈએ. એ સૌથી મહત્ત્વનું છે. તમારા બાળકને રોગથી બચાવવા માટે ચોખ્ખાઈ રાખતા શીખવો. બાળકોને શીખવો કે ટૉઇલેટમાં જઈ આવ્યા પછી, જમતા પહેલાં, બહાર જઈ આવ્યા પછી અને પાલતુ પ્રાણીઓ સાથે રમ્યા પછી જરૂર હાથ ધુએ. તમે આ બધી જ કાળજી લો છતાં જો તમારા બાળકને ઝીણો ઝીણો તાવ આવે તો, ચિંતા કરશો નહિ. આપણે આ લેખમાંથી શીખ્યા તેમ, તમારા બાળકને તંદુરસ્ત રાખવા બની શકે એ બધું જ કરો. (g03 12/08)

[ફુટનોટ્‌સ]

^ કેવું થર્મોમિટર વાપરવામાં આવે છે અને ક્યાંથી તાપમાન માપવામાં આવે છે એના આધારે તમને તાપમાન જોવા મળશે.

^ ઝાડા કે ઊલટીને કારણે તાવ આવતો હોય તો, જળીકરણ ઉપચાર કઈ રીતે કરવો એની માહિતી માટે એપ્રિલ ૮, ૧૯૯૫ના સજાગ બનો!ના પાન ૧૧ પર જુઓ.

^ રેયેસ સિન્ડ્રોમ એ ચેતાતંત્રને ખોરવી નાખતી જીવલેણ બીમારી છે. બાળકોને વાયરસનો ચેપ થયા પછી એ બીમારી થવાની શક્યતા રહેલી છે.

[પાન ૩૧ પર બોક્સ]

ડૉક્ટર ક્યારે બોલાવવા જોઈએ? . . .

◼ બાળક ત્રણ મહિનાનું કે એનાથી પણ નાનું હોય અને તેને ૩૮ ડીગ્રી સેલ્સિયસ કે એથી વધુ તાવ હોય ત્યારે

◼ જો બાળક ત્રણથી છ મહિનાનું હોય અને ૩૮.૩ ડીગ્રી સેલ્સિયસ અથવા એથી વધુ તાવ હોય ત્યારે

◼ બાળક છ મહિનાથી મોટું હોય અને તેને ૪૦ ડીગ્રી સેલ્સિયસ કે એથી વધુ તાવ હોય ત્યારે

◼ કંઈ પીવાનું ના પાડે અને તાવમાં શેકાતો હોય ત્યારે

◼ શરીર તાવથી ધગધગતું હોય અને શક્તિ જ ન હોય

◼ બોત્તેર કલાક પછી પણ તાવ ઉતરતો ન હોય

◼ ચીડાઈને રડ્યા જ કરે અને તેને ચેન પડતું ન હોય

◼ શરીર પર ચાંદાં હોય, શ્વાસ લેવામાં તકલીફ પડે, ઝાડા થયા હોય કે વારંવાર ઉલટી કરતું હોય

◼ ડોક પકડાઈ ગઈ હોય કે અચાનક ખૂબ જ માથું દુખવા લાગે

[ક્રેડીટ લાઈન]

માહિતી આપનાર: The American Academy of Pediatrics