સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મોઝેઇક—નાના પત્થરોથી બનેલાં ચિત્રો

મોઝેઇક—નાના પત્થરોથી બનેલાં ચિત્રો

મોઝેઇક—નાના પત્થરોથી બનેલાં ચિત્રો

ઇટાલીના સજાગ બનો!ના લેખક તરફથી

મોઝેઇક અથવા જડાવકામને એક “અનોખી” અને “મન મોહી લે એવી” કળા માનવામાં આવે છે. “એ જડાવકામની કળા સદીઓ વીતી ગઈ હોવા છતાં ટકી રહી છે.” પંદરમી સદીના ઇટાલીના ચિત્રકાર ડોમેનીકો ગીરલાન્ડાજોએ કહ્યું કે, ‘ચિત્રકામમાં મોઝેઇક જ એક યોગ્ય રીત છે જેનાથી ચિત્ર કાયમી ટકે છે.’ ભલેને તમે જડાવકામ કે મોઝેઇક વિષે ગમે તે વિચારતા હોવ, છતાં તેનો ઇતિહાસ મુગ્ધ કરનારો રહ્યો છે.

જડાવકામ એવી કળા છે જેમાં ભોંયતળિયા, દીવાલો, છત જેવી કોઈ પણ સપાટી પર નાના નાના પથ્થરો, કાચના કે ટાઈલ્સના ટુકડા ભેગા ચોંટાડીને સજાવવામાં આવે છે. પ્રાચીન સમયથી જ ભોંયતળિયા અને દીવાલોને આ રીતે શણગારવામાં આવે છે. ભેજને કારણે, જાહેર સ્નાનાગારો, સ્વીમીંગ પુલ અને ફુવારાઓમાં બીજા પ્રકારની ચિત્રકળા ટકી શકતી ન હોવાથી ત્યાં જડાવકામનો જ ઉપયોગ થતો હતો.

જડાવકામ ઘણી જાતના હોય છે. એ એક જ રંગના, કાળા ધોળા, અનેક શેડવાળા, ફૂલોની ડિઝાઈનવાળા, વ્યક્તિનાં ચિત્રો અથવા રંગબેરંગી ટુકડાવાળી ટાઈલ્સ હોય છે.

એની કાલ અને આજ

જડાવકામની શરૂઆત કોણે કરી હતી? જોકે એ વિષે કોઈ જાણતું નથી. પ્રાચીન ઇજિપ્ત અને સમરૂનના લોકો પોતાનાં મકાનોને રંગબેરંગી ડિઝાઈનોથી શણગારતા હતા. પરંતુ, સમય જતા એ કળા મરી પરવારી. એવું માનવામાં આવે છે કે, મોઝેઇકની શરૂઆત એશિયા માયનોર, કાર્થેજ, ક્રિત, ગ્રીસ, સિસિલી, સ્પૅન, સિરિયામાં અને ભૂમધ્ય સમુદ્રના આજુબાજુના દેશોમાં થઈ હતી. એક લેખક એના વિષે કહે છે કે, આ કળા જુદા જુદા સમયે અને જુદા જુદા દેશોમાં “શરૂ થઈ અને મરી પરવારી અને ફરી જીવંત થઈ.”

આશરે ઈસવીસન પૂર્વે ૯૦૦માં લોકો લીસા ગોળ પથ્થરોને ગોઠવીને સાદી ડિઝાઈન બનાવવા લાગ્યા. એ સ્થળે જેટલા રંગના પથ્થરો મળતા એટલા જ રંગો જડાવકામના ચિત્રોમાં વપરાતા હતા. એ પથ્થરો લગભગ મગફરી અને રાજમાના દાણા જેટલા નાના હતા. પરંતુ ચિત્રના અમુક ભાગો જીવંત દેખાય એવી રીતે બનાવવા તેઓ ચણાના દાણા જેટલા સાવ નાના પથ્થરોનો ઉપયોગ કરવા લાગ્યા. લગભગ ઈ. સ. પૂર્વે ૪૦૦માં ચિત્રકારોએ ચિત્રની ઝીણામાં ઝીણી ડિઝાઈન બનાવવા ગોળ પથ્થરોના નાના ટુકડાઓ કરવાનું શરૂ કર્યું. સમય જતાં ગોળ પથ્થરોને બદલે ચોરસ પથ્થરો વપરાવા લાગ્યા. આ ચોરસ પથ્થરોને કારણે રંગના વધુ શેડ મેળવી શકાયા. તેથી જેવી જોઈએ એવી ડિઝાઈન સહેલાઈથી બનાવી શક્યા. એના કારણે સપાટી લીસી થતી ગઈ, પરિણામે પૉલીસ અને વેક્સ લગાવીને રંગોને નિખારી શકાયા અને ચિત્ર વધુ સુંદર બનાવી શકાયું. લગભગ ઈ. સ. પૂર્વે ૨૦૦થી રંગીન કાચનો પણ ભરપૂર ઉપયોગ થવા લાગ્યો. એનાથી મોઝેઇકનાં ચિત્રો વધારે આકર્ષક બન્યાં.

ગ્રીક લોકોના જમાનામાં (લગભગ ઈ. સ. પૂર્વે ૩૦૦થી ઈ. સ. ૩૦ સુધી) ચિત્રકારોએ ઝીણામાં ઝીણી ડિઝાઈનના અતિ સુંદર ચિત્રો બનાવ્યાં હતાં. એના વિષે એક ગ્રીક પુસ્તક આમ કહે છે: “જડાવકામના ગ્રીક ચિત્રકારોએ શક્ય હોય એટલા વધારે રંગોવાળા પથ્થરોનો ઉપયોગ કર્યો. તેઓએ પથ્થરોને ચોખાના દાણા જેટલા નાના કાપીને જે ચિત્રો બનાવ્યા એણે વોલ પેઈન્ટીંગને પણ ટક્કર મારી દીધી.” ચિત્રમાં, એના પર એક બાજુથી પ્રકાશ પડતો હોય, પડછાયો પડતો હોય અને અમુક ભાગો ખૂબ ઊંડા છે, અને એ કેટલું લાંબું-પહોળું છે, એ બતાવવા રંગોનો કુશળતાપૂર્વક ઉપયોગ કરવામાં આવ્યો હતો.

ગ્રીક સમયગાળાના જડાવકામના ચિત્રોમાં, ઝીણામાં ઝીણી માહિતીવાળા ચિત્રની નકલ કરવામાં આવતી અને એની બોર્ડર પણ બનાવવામાં આવતી. ચિત્રના કેટલાક અંદરના ભાગોમાં આરસ-પહાણના ટુકડા એટલા ઝીણા હોય છે, કે એ દૂરથી તો દેખાતા જ નથી. પણ જાણે પેઈન્ટિંગ કર્યું હોય એવું લાગે છે.

પ્રાચીન રોમનું જડાવકામ

મોઝેઇકના સૌથી વધુ ચિત્રો ઇટાલી અને રોમન સામ્રાજ્યના પ્રાન્તોમાં મળી આવ્યા હોવાથી, એને ઘણી વખત રોમનોની કળા કહેવામાં આવે છે. એક પ્રકાશન જણાવે છે કે “ઉત્તર બ્રિટનથી લીબિયા અને એટલાન્ટિક મહાસાગરથી સીરિયાના રણ સુધી મળી આવેલા રોમન સમયનાં મકાનોમાં જડાવકામની બનાવેલી અગણિત પગદંડીઓ મળી આવી છે.” જડાવકામની પગદંડીઓ ખાસ કરીને રોમન સંસ્કૃતિમાં જોવા મળતી હતી. “આમ જે કોઈ સ્થળે જડાવકામની પગદંડીઓ જોવા મળતી, ત્યાં રોમન સંસ્કૃતિએ પગપેસારો કર્યો હતો, એ જોઈ શકાતું હતું.”

તેમ છતાં, પ્રાચીન રોમમાં મોઝેઇકથી બનતા રંગબેરંગી ચિત્રોની માંગ પહોંચી વળવી મુશ્કેલ હતી. વધુમાં, પહેલી સદીમાં ખૂબ શહેરી વિકાસ થયો હોવાથી, ઝડપથી બનાવી શકાય અને સસ્તા હોય એવા જડાવકામના ચિત્રોની માંગ વધી. તેથી એ માંગ પૂરી પાડવા માટે લોકો કાળા અને ધોળા આરસપહાણના સસ્તા ચિત્રો બનાવવા લાગ્યા. આમ રાતોરાત એનું ઉત્પાદન ખૂબ જ વધી ગયું. એના વિષે એક ઇટાલિઅન એન્સાયક્લોપેડિયા આમ કહે છે: “રોમન સામ્રાજ્યના કોઈ પણ શહેરમાં ધનવાનોનું એક પણ ઘર મોઝેઇકના ચિત્રોથી બાકી રહ્યું ન હતું.”

એક જગ્યાએ કલાકારે મોઝેઇકનું જે ચિત્ર તૈયાર કર્યું હોય, એ જ ચિત્રની નકલ દૂર દૂરના સ્થળે પણ જોવા મળતી. એના પરથી એવું લાગે છે કે કલાકારોની એક જ ટીમ જુદા જુદા ગામ-શહેરોમાં જઈને મકાનોમાં એ જ ડિઝાઈન કરતા હશે. અથવા બધા જ કલાકારો મોઝેઇકના એક જ પુસ્તકનો ઉપયોગ કરતા હોય શકે. કોઈ અગાઉથી ઑર્ડર આપે તો, વર્કશોપમાં જ મારબલના પથ્થર પર આખું જડાવકામ તૈયાર કરીને સીધું જ એ મકાનમાં લઈ જઈને ચોંટાડી દેતા. મોટા ભાગનું જડાવકામ તો મકાન બનતું હોય ત્યારે જ કરવામાં આવતું હતું.

મકાન પ્રમાણે ડિઝાઈન બનાવવા અને યોગ્ય જગ્યાએ બોર્ડર લગાવવા સારી તૈયારી કરવી પડતી હતી. જેમ કે જ્યાં ડિઝાઈન કરવાની હોય એ જગ્યા સપાટ અને લીસી છે કે કેમ એ તેઓ ચેક કરતા. પછી તેઓ લગભગ એક ચોરસ મીટર જેટલી જગ્યામાં સિમેન્ટ પાથરતા જેથી એ જલદી સૂકાઈ ન જાય, અને તેની પર ચિત્રની રેખા દોરતા. પછી ચિત્રકાર કદ પ્રમાણે પથ્થરો કાપીને, એને લગાવવાનું શરૂ કરતા.

પછી કાપેલા પથ્થરોને સિમેન્ટના ભીના પ્લાસ્ટર પર એક એક કરીને બેસાડવામાં આવતા. એનાથી બે પથ્થરો વચ્ચેથી સિમેન્ટ ઉપર આવી જતો. ચિત્રનો એક ભાગ પૂરાઈ જાય, પછી બીજો ભાગ શરૂ કરવામાં આવતો. આ રીતે આખું ચિત્ર પૂરું કરવામાં આવતું. જે જડાવકામમાં કુશળ હોય તે અઘરું કામ કરતા અને બાકીનું સાદું કામ બીજા ચિત્રકારોને આપવામાં આવતું.

ચર્ચમાં મોઝેઇક

ચોથી સદીમાં ખ્રિસ્તીઓ ચર્ચને મોઝેઇકથી સજાવવાનું શરૂ થયું. મોટા ભાગે તેઓ બાઇબલ વાર્તાઓના દૃશ્યો ચીતરવા લાગ્યા. એનાથી લોકોને ધાર્મિક શિક્ષણ આપી શકાતું. તેઓ મીણબત્તી કરતા ત્યારે, એનો પ્રકાશ ચિત્રો પર, સોનાની વસ્તુઓ પર અને રંગબેરંગી કાચ પર પડતો. એનાથી આખું વાતાવરણ અલૌકિક બની જતું હોય એવો આભાસ થતો. ઇટાલિયન કળાનો ઇતિહાસ [ઇટાલિયન ભાષામાં] પુસ્તક કહે છે: “પ્લેટોની ફિલસૂફી ખૂબ પ્રખ્યાત હતી એવા સમયગાળામાં એની જડાવકામ પર ખૂબ અસર પડી હતી. મટીરીયલમાંથી મોઝાઈક બની ગયા પછી, એમાં એક પ્રકારની ચમક આવી જતી. એનાથી એમાં દિવ્ય પ્રકાશ રેલાતો હોય, અલૌકિક અને એકદમ પવિત્ર હોય એવું લાગતું.” * ખ્રિસ્તી ધર્મ, ઈસુ ખ્રિસ્તથી શરૂ થયો છે. પરંતુ તેમણે જે સત્ય શિખવ્યું હતું એનાથી આ ચિત્રો કંઈક અલગ જ શીખવતા હતાં!—યોહાન ૪:૨૧-૨૪.

બિઝૅન્ટાઇનના સમયનાં ચર્ચમાં મોઝેઇકની ભવ્ય કારીગરી જોવા મળે છે. કેટલાંક ચર્ચમાં તો અંદરની દીવાલો અને ઘુમ્મટમાં ચોખાના દાણા જેટલી નાની જગ્યાને પણ ચોરસ પથ્થરોથી ભરી દેવામાં આવી છે. જોકે “ખ્રિસ્તી મોઝેઇકની અજોડ કલાકૃતિઓ” ઇટાલીના રેવીનામાં જોવા મળે છે. એના બેકગ્રાઉન્ડમાં સોનેરી રંગ ઉઠાવ આપતો હોવાથી જાણે દિવ્ય પ્રકાશ એના પર પડતો હોય એવું લાગે છે.

પશ્ચિમ યુરોપનાં ચર્ચમાં લગભગ ૫થી ૧૫મી સદીમાં બધે જ જડાવકામનો ઉપયોગ જોવા મળતો હતો. પછી મુસ્લિમ દેશોમાં અજોડ રીતે એનો ખૂબ જ ઉપયોગ થવા લાગ્યો. ઇટાલીમાં લોકો સાહિત્ય અને કળા તરફ ઢળવા લાગ્યા એ યુગમાં મોટાં મોટાં ચર્ચ સાથે સંકળાયેલા જડાવકામના વર્કશોપ મોઝેઇકનું ઉત્પાદન કરનારા મુખ્ય કેન્દ્રો બન્યા. જેમ કે વેનિસમાં સંત માર્ક અને રોમમાં સંત પીટરનું ચર્ચ. પછી ૧૭૭૫માં, રોમમાં કારીગરોએ શોધી કાઢ્યું કે દરેક પ્રકારના અને આકારના કાચ એકદમ નાની સાઇઝમાં કેવી રીતે કાપવા. એનાથી મોઝેઇકની સૌથી નાની કૃતિ પણ બનાવવી શક્ય બની.

આજની નવી રીતો

આજે મોઝેઇકના ચિત્રકારો “પરોક્ષ કહેવાતી રીત” અપનાવે છે. એમાં જડાવકામના કારીગરો તમારું મનગમતું ચિત્ર વર્કશોપમાં તૈયાર કરીને એના આગળના ભાગ પર પેપર ચોંટાડે છે જેથી એ છૂટું ન પડી જાય. પછી તેઓ તમારી મનપસંદ જગ્યાએ એને સિમેન્ટ કે પ્લાસ્ટર લગાવીને ચોંટાડી દે છે. એ સૂકાઈ જાય પછી પેપર અને એનો ગુંદર ધોઈ નાખવામાં આવે છે જેથી તમારું મનગમતું ચિત્ર જ દેખાય. આ રીતે સમય અને મહેનત બચી જાય છે. પરંતુ પહેલાંના જડાવકામ જેવું આકર્ષણ આ ચિત્રોમાં જોવા મળતું નથી.

તેમ છતાં, ૧૯મી સદીમાં અગણિત સરકારી મકાનો, થિયેટરો, ચર્ચ અને એના જેવાં મકાનોમાં મોઝેઇકની સજાવટ દેખાવા લાગી. એટલું જ નહિ, પરંતુ આજે મેક્સિકોથી મોસ્કો સુધી અને ઈઝરાયેલથી જાપાન સુધી મોઝેઇકની આ કળા, મ્યુઝિયમ, ભૂગર્ભ સ્ટેશનો, શોપીંગ સેન્ટરો, પાર્ક કે રમત-ગમતના મેદાનો અને જીમમાં જોવા મળે છે. આજે બિલ્ડીંગોના બહારના ભાગને સજાવવા મોઝેઇકને લોકો વધારે પસંદ કરવા લાગ્યા છે.

સોળમી સદીનો ઇટાલિયન કલાકાર અને કલાનો ઇતિહાસકાર જ્યોર્જિઓ વશારીએ આમ લખ્યું: “મોઝેઇક ટકાઉ હોય છે. સમય જતાં બીજાં ચિત્રો ઝાંખા પડી જાય છે. જ્યારે મોઝેઇકનું ચિત્ર જેમ જેમ જૂનું થાય છે તેમ તેમ વધુ ચમકે છે.” જડાવકામ પાછળની મહેનત આપણા ધ્યાન બહાર રહી જતી નથી. ખરેખર, મોઝેઇકની કળા મુગ્ધ કરનારી છે! (g03 10/08)

[ફુટનોટ]

^ પ્લેટોની ફિલસૂફીએ બાઇબલમાં ન હોય એવી ઘણી માન્યતાઓ ઉપજાવી કાઢી હતી. જેમ કે, આત્મા અમર છે.

[પાન ૨૨ પર ચિત્ર]

યરૂશાલેમનો નકશો (છઠ્ઠી સદી)

[ક્રેડીટ લાઈન]

Garo Nalbandian

[પાન ૨૨ પર ચિત્ર]

મહાન સિકંદર (ઈ. સ. પૂર્વે બીજી સદી)

[ક્રેડીટ લાઈન]

Erich Lessing/Art Resource, NY

[પાન ૨૨, ૨૩ પર ચિત્ર]

યરૂશાલેમમાં, કુબાત અસ શકરાહ મસ્જિદ (ઈ. સ. ૬૮૫-૬૯૧માં બંધાયો)

[પાન ૨૩ પર ચિત્ર]

“દીયોનીસસ,” અંત્યોખ (લગભગ ઈસવીસન ૩૨૫નું વર્ષ)

[પાન ૨૩ પર ચિત્ર]

Museum of Art, Rhode Island School of Design, by exchange with the Worcester Art Museum, photography by Del Bogart

[પાન ૨૪ પર ચિત્ર]

આધુનિક મોઝેઇકમાં પથ્થરો, ગોળ પથ્થરો અને રંગીન કાચનો હજુ પણ ઉપયોગ થાય છે

[પાન ૨૪ પર ચિત્ર]

લીન હેરીટેજ સ્ટેટ પાર્ક, મેસેશુસેટ્‌સમાં મોઝેઇક

[ક્રેડીટ લાઈન]

Kindra Clineff/Index Stock Photography

[પાન ૨૪ પર ચિત્ર]

એન્તોની ગ્વીડીએ બાર્સેલોનામાં રચેલાં મોઝેઇકનાં ચિત્રો (૧૮૫૨-૧૯૨૬)

[ક્રેડીટ લાઈન]

ફોટો: Por cortesía de la Fundació Caixa Catalunya