સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વિશ્વ પર નજર

વિશ્વ પર નજર

વિશ્વ પર નજર

પ્રાચીન ઇજિપ્તમાં લોકો ટૂથપેસ્ટ કેવી રીતે બનાવતા?

“આજે વપરાતી કોલગેટ નામની ટૂથપેસ્ટ ૧૮૭૩માં પહેલી વાર બહાર પડી હતી. પણ નવાઈની વાત છે કે એનાથી પણ ૧૫૦૦ વર્ષ પહેલાં ઇજિપ્તના લોકો ટૂથપેસ્ટ વાપરતા હતા. એ અત્યાર સુધીમાં મળેલી દુનિયાની સૌથી જૂની રીત છે. તેઓ એ કેવી રીતે બનાવતા, એનું લખાણ ઑસ્ટ્રિયા, વીયેનામાં આવેલા મ્યુઝિયમના ભોંયરામાં, ધૂળ ચડી ગયેલા એક પપાયરસના ટૂકડા પર મળી આવ્યું છે,” એવું ઈલેક્ટ્રોનીક ટેલીગ્રાફનો રિપોર્ટ કહે છે. “કાજળ, ગુંદર અને પાણીથી બનાવેલી કાળી શાહીથી લખવામાં આવ્યું હોવાથી, એ લખાણ ખૂબ ઝાંખું પડી ગયું છે. ઇજિપ્તના શાસ્ત્રીએ એમાં સ્પષ્ટ રીતે લખ્યું હતું કે આ ‘એવો પાવડર છે જેનાથી દાંત સફેદ થાય છે અને ચમકી ઊઠે છે.’” એ પાવડર મોઢાંમાં લાળ સાથે મળીને ‘સફેદ ટૂથપેસ્ટ બની જાય છે.’ ચોથી સદીના આ દસ્તાવેજમાં બતાવ્યું છે કે એ પાવડર બનાવવામાં કઈ કઈ સામગ્રી વાપરવામાં આવી હતી. જેમ કે, એમાં સિંધવ મીઠું, ફુદીનો, આઈરિશના સુકા ફૂલો, અને કાળાં મરીનો ભૂક્કો વાપરવામાં આવતા. આ શોધને કારણે વીયેનામાં મળેલી ડેન્ટલ સભામાં હો-હા મચી ગઈ. ડૉ. હીન્ટ્‌સ ન્યુમાને કહ્યું કે “દાંતના ડૉક્ટરો અને ટૂથપેસ્ટ બનાવનારાઓને ખબર ન હતી કે પ્રાચીન સમયમાં પણ ટૂથપેસ્ટ બનાવવાની આજના જેવી આધુનિક રીત હતી.” તેમણે એ ટૂથપેસ્ટ વાપરી જોઈ અને એનાથી તેમને પોતાનું “મોં વધારે તાજગીભર્યું અને સ્વચ્છ” લાગ્યું. લેખ જણાવે છે: “દાંતના ડૉક્ટરોએ હમણાં આઈરિશનો વિશિષ્ટ ગુણધર્મ શોધી કાઢ્યો છે. એ મોઢાંમાં થતા રોગમાં ખૂબ જ અસરકારક સાબિત થયું છે અને હવે ફરી બજારમાં મળવા લાગ્યું છે.” (g03 11/22)

પરિવારમાં ખુલ્લી રીતે વાતચીત હોવી જ જોઈએ

ધ ટાઈમ્સ ઑફ લંડન છાપું જણાવે છે કે “કુટુંબમાં લોકો બહુ ઓછી વાત કરતા હોવાથી, બાળકો માબાપ સામે પોતાનું દિલ ઠાલવી શકતા નથી.” બ્રિટનમાં શિક્ષણના ઉચ્ચ ધોરણને જાળવી રાખવા સરકારે સ્થાપેલી બેઝિક સ્કીલ્સ એજન્સીના ડાયરેક્ટર, એલન વેલ્સ એનું કારણ જણાવતા કહે છે: “માબાપ બાળકોનું બરાબર ધ્યાન રાખતા ન હોવાથી, તેઓ હંમેશાં ટીવી કે કૉમ્પ્યુટર સામે બેસી રહે છે અને આજકાલ કુટુંબ સાથે બેસીને જમતા પણ નથી.” તે એનાં બીજાં કારણો પણ જણાવે છે. જેમ કે એકલા મા કે બાપ બાળકોને ઉછેરતા હોય એવા કુટુંબો વધતા જાય છે. વધુમાં, એવા કુટુંબોમાં બાળકોનાં દાદા-દાદી પણ નથી હોતા. એ ઉપરાંત, બહુ ઓછા માબાપો પોતાનાં બાળકોને વાંચી સંભળાવે છે. વેલ્સનું માનવું છે કે એ જ કારણથી આજનાં બાળકો પહેલાંના જેટલાં હોશિયાર નથી. આજે ચાર કે પાંચ વર્ષનું બાળક નિશાળમાં દાખલ થાય છે ત્યારે, “સ્પષ્ટ બોલી શકતું નથી, અને પોતાના વિચારોને બરાબર વ્યક્ત કરી શકતું નથી.” તેથી વેલ્સ એવા પ્રોગ્રામ શરૂ કરવાની સલાહ આપે છે જેમાં, માબાપને બાળકો સાથે સારી રીતે વાત કરતા શીખવવામાં આવે. (g03 9/22)

લોકોને ધર્મમાં રસ નથી

જાપાનનું એક છાપું અહેવાલ આપે છે કે “જાપાનીઓ આજની ખરાબ હાલતને કારણે નિરાશ થઈ જાય તોપણ, એનો સામનો કરવા તેઓ ધર્મનો આશરો લેતા નથી.” જાપાનીઓને પૂછવામાં આવ્યું કે, “શું તમે ધર્મમાં માનો છો અથવા એવી કોઈ શ્રદ્ધા રાખો છો?” એમાંથી ફક્ત ૧૩ ટકા સ્ત્રી-પુરુષોએ હામાં જવાબ આપ્યો. જેઓનું ઇન્ટર્વ્યૂ લેવામાં આવ્યું એમાંના ૯ ટકા પુરુષો અને ૧૦ ટકા સ્ત્રીઓએ કહ્યું કે તેઓને ધર્મમાં “થોડો ઘણો” રસ છે. એ છાપું આગળ જણાવે છે: “ખાસ બાબત એ છે કે ૨૦થી ૨૯ વર્ષની સ્ત્રીઓમાંથી ફક્ત છ ટકાને જ ધર્મમાં રસ છે.” વાર્ષિક સર્વેમાં, જાપાનમાં ૭૭ ટકા પુરુષો અને ૭૬ ટકા સ્ત્રીઓએ કહ્યું કે તેઓ ધર્મમાં કે કોઈ પણ પ્રકારની ધાર્મિક માન્યતામાં જરાય માનતા નથી. આવો જ એક સર્વે ૧૯૭૮માં કરવામાં આવ્યો હતો. આ બંને સર્વેની સરખામણીમાં પહેલાં જેઓને ધર્મમાં રસ હતો એમાંથી ૫૦ ટકા જાપાનના લોકોને આજે ધર્મમાં કોઈ રસ રહ્યો નથી. સામાન્ય રીતે, વૃદ્ધ લોકોએ જ એવું કહ્યું કે તેઓ ધર્મમાં માને છે. એમાં પણ મોટા ભાગના ૬૦થી વધુ ઉંમરના લોકો હતા. (g03 10/08)

ઘડપણમાં પણ શીખી શકાય

નેપાળમાં મોટા ભાગના લોકો અભણ છે. પરંતુ ૧૨થી વધારે પૌત્રો ધરાવતા એક દાદાએ ભણવા માટે એટલી મહેનત કરી કે તે ખૂબ પ્રખ્યાત બની ગયા. તેમનું નામ બાળ બહાદુર કારકી છે. તે ‘લેખક બાજે’ તરીકે ઓળખાય છે. તેમનો જન્મ ૧૯૧૭માં થયો હતો અને તેમણે બીજા વિશ્વયુદ્ધમાં પણ ભાગ લીધો હતો. તેમણે ૮૪ વર્ષની ઉંમરે ચાર વખત પરીક્ષા આપ્યા પછી સ્કૂલનું શિક્ષણ પૂરું કર્યું. હવે ૮૬ વર્ષની ઉંમરે તે કૉલેજમાં ભણવા જાય છે. તે અંગ્રેજી શીખવા ઘણી મહેનત કરી રહ્યા છે, અને સાથે-સાથે તે બીજાઓને પણ અંગ્રેજીનું ટ્યુશન આપે છે. તે કહે છે, કે વર્ગમાં યુવાનોની વચ્ચે બેસીને ભણતા હોવાથી તે પોતાની ઉંમર ભૂલી જાય છે અને ફરી યુવાન હોય એવું અનુભવે છે. તે છેલ્લી વખત કાઠમંડુ ગયા ત્યારે, ત્યાં તેમને પોતાની સફળતા માટે ઇનામો અને જાહેર સન્માન મળ્યું. તેમણે બીજાઓને પણ ઉત્તેજન આપ્યું કે ઉંમર થઈ ગઈ છે એ કારણે ભણવાનું છોડી ન દો. પરંતુ લેખક બાજેએ એક ફરિયાદ પણ કરી. તેમની પાસે કાઠમંડુ જવા વિમાનની ટિકિટના ભાડા જેટલા પૈસા ન હતા. તેમ જ એરલાઈન્સ તેમને સસ્તામાં ટિકિટ આપવા તૈયાર ન હતી. તેથી તેમણે કાઠમંડુની બસ પકડવા માટે ત્રણ દિવસ ચાલવું પડ્યું હતું. તેમણે ધ કાઠમંડુ પોસ્ટ છાપાંને જણાવ્યું કે “એરલાઈન્સે મને વિદ્યાર્થીને અપાતું ડિસ્કાઉન્ટ આપવું જોઈએ, કેમ કે હું પણ એક વિદ્યાર્થી જ છું.” (g03 12/22)