સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સારવાર આપવી સહેલું નથી

સારવાર આપવી સહેલું નથી

સારવાર આપવી સહેલું નથી

“એવો કોઈ ડાયાબિટીસ નથી જે ગંભીર ન હોય. બધા જ એટલા જ ગંભીર છે.”—આન ડૅલી, અમેરિકન ડાયાબિટીસ સંસ્થા.

“તમારો લોહીનો રિપોર્ટ ખરાબ છે. તાત્કાલિક સારવારની જરૂર છે.” ડૉક્ટરના એ શબ્દોથી ડેબ્રાનું હૃદય વીંધાઈ ગયું. ડેબ્રા કહે છે: “મારી તો ઊંઘ ઊડી ગઈ. મને તો કંઈ નથી, પણ તેઓ કહે છે હું બીમાર છું! એ કેમ બને? લેબોરેટરીમાં જ કંઈ ભૂલ થઈ હશે.”

ડેબ્રાને થતું કે પોતે તંદુરસ્ત છે. તેથી, તેને સારુ ન હોય ત્યારે પણ ગણકારતી નહિ. ડેબ્રાને વારંવાર તરસ લાગતી ત્યારે એમ થતું કે એન્ટીહિસ્ટેમિન દવાથી એમ થાય છે. તેને વારંવાર પેશાબ લાગતો ત્યારે, એમ થતું કે વધારે પાણી પીવાથી જવું પડે છે. તે થાકી જતી. એમ લાગતું કે ‘કામ કરતી એક માતાને થાક ન લાગે તો શું થાય?’

પરંતુ, લેબોરેટરીના રિપોર્ટથી ખબર પડી કે તેને ડાયાબિટીસ છે. ડેબ્રાને એ માનવું અઘરું લાગ્યું. તે કહે છે: “મેં એના વિષે કોઈને કહ્યું નહિ. ઘરમાં સૌ સૂઈ જતા ત્યારે, હું અંધારામાં બેસીને રડ્યા કરતી.” ઘણાને ખબર પડે છે કે તેઓને ડાયાબિટીસ છે, ત્યારે ડેબ્રાની જેમ તેઓનું જીવન ભાંગી પડે છે. તેઓ વાત વાતમાં ગુસ્સે થઈ જાય છે, અને ડિપ્રેસ પણ થઈ જાય છે. કૅરન કહે છે: “હું માની ન શકી કે મારે હવે ઈન્સ્યુલિન લેવું પડશે. હું ઘણી વાર રડી પડતી.”

આપણા પર વીતે તો આપણને પણ લાગી આવે. તેમ છતાં, ડાયાબિટીસના દર્દીઓને ટેકો મળે છે ત્યારે તેઓ સહી કરી શકે છે. કૅરન કહે છે: “એક નર્સે મને સમજાવી, કે તને એ બીમારી છે. મારે ગળે ડૂમો હતો, તેણે કહ્યું કે ‘રડીને દિલ હળવું કરી લે.’ પછી હું પોક મૂકીને રડી, ખૂબ રડી, પછી જ મને શાંતિ થઈ.”

કેમ એટલો ખતરનાક છે?

કહેવાય છે કે “ડાયાબિટીસ શરીરને કોરી ખાઈને મૃત્યુ તરફ ખેંચી જાય છે.” એ ખરું છે. શરીર જ્યારે ગ્લુકોઝ પચાવી શકતું નથી ત્યારે, બરોબર કામ નથી કરતું. ઘણી વાર વ્યક્તિ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાય છે. ડૉક્ટર હારવી કાટઝેફ કહે છે: “ડાયાબિટીસ માણસને નથી મારતો. પણ એ લગતી બીમારીઓ છેવટે જીવ લે છે. ડાયાબિટીસ ન થાય એ માટે આપણે ધ્યાન રાખીએ છીએ. પરંતુ થઈ જાય પછી, એનો ઇલાજ કરવો સહેલો નથી.” *

તો જેઓ ડાયાબિટીસથી પીડાય છે તેઓ માટે કોઈ ઇલાજ છે? જો તેઓ માને કે પોતાને આ રોગ છે અને સારવાર લેવા તૈયાર થાય તો, ઇલાજ હાજર છે. *

ખોરાકની પરેજી અને કસરત

જોકે વારસામાં મળેલો ડાયાબિટીસ ટાઈપ-વન રોગનો આજે પૂરેપૂરો ઇલાજ નથી. તેમ છતાં, વૈજ્ઞાનિકો જિન્સનો અભ્યાસ કરી રહ્યા છે, જેથી એને નાથી શકાય. તેમ જ, તેઓનું રોગપ્રતિકારક તંત્ર નબળું થાય છે એનું સંશોધન કરે છે. (પાન ૮ પર, “ગ્લુકોઝનું કામ” બૉક્સ જુઓ.) ડાયાબિટીસ અને તમારી તંદુરસ્તી (અંગ્રેજી) પુસ્તક કહે છે કે, ડાયાબિટીસ ટાઈપ-ટુના દર્દીઓની સારવાર કરી શકાય છે. પછી કહે છે: “ઘણા દર્દીઓના બાળકોને એ રોગ ન થાય, તેથી તેઓ ખોરાકની પરેજી પાળે છે અને નિયમિત કસરતો કરે છે. આમ તેઓ તંદુરસ્ત રહે છે, અને તેઓના વજન પર નજર રાખે છે.” *

અમેરિકન મેડિકલ સંસ્થાએ ડાયાબિટીસથી રિબાતી સ્ત્રીઓનો અભ્યાસ કર્યો છે. એ સંસ્થાનું મૅગેઝિન ખાસ કરીને જણાવે છે કે કસરત કરવાથી ઘણો ફાયદો થાય છે. તેઓને જાણવા મળ્યું કે, “થોડી વાર કસરત કરવાથી શરીરમાં ઇન્સ્યુલીન થોડું વધે છે. એનાથી ગ્લુકોઝ બધી જ બાજુએ ફરી શકે છે અને [શરીરના કોષોમાં] ગ્લુકોઝ ગ્રહણ કરવાની ક્ષમતા પણ વધે છે. એ બતાવે છે કે થોડી જ કસરતની અસર ૨૪ કલાક ચાલે છે.” એ રિપોર્ટ કહે છે: “અમે જોયું કે જે સ્ત્રીઓને ડાયાબિટીસ હોય, તેઓ બેઠાડું જીવન ન જીવે પણ બની શકે એટલું ચાલે તો એનાથી ટાઈપ-ટુના રોગમાં ઘણો ઘટાડો થાય છે.” તેઓ એવી ભલામણ કરે છે કે દર્દીઓએ મોટા ભાગે દરરોજ ઓછામાં ઓછી ત્રીસ મિનિટ કસરત કરવી જોઈએ. એમાં ચાલવાનો પણ સમાવેશ થાય છે. ઉપર જણાવેલી સંસ્થાએ ડાયાબિટીસના દર્દીઓને માર્ગદર્શન આપતું એક પુસ્તક બહાર પાડ્યું છે જે કહે છે: “રોજ ચાલવું એ સૌથી સારામાં સારી અને સસ્તી કસરત છે.”

તેમ છતાં, જેઓને ડાયાબિટીસ થયો છે તેઓએ ડૉક્ટરની સલાહ લઈને જ કસરત કરવી જોઈએ. ખોટી કસરત કરવાથી રક્તવાહિનીઓ અને નસોને નુકસાન પહોંચશે. એનાથી શરીરના અમુક ભાગો બહેર મારી જાય. જેથી પગમાં નાનો ઉઝરડો પડે તોપણ ખબર ન પડે. જો પગનું ધ્યાન ન રાખે તો, એમાં ચેપ લાગે, ચાંદાં પડી શકે જેને રુઝાતા વાર લાગે છે. આવા કિસ્સામાં જો તાત્કાલિક સારવાર ન થાય તો, કદાચ પગ કપાવવો પડે. *

નિયમિત અને યોગ્ય કસરત કરવાથી તમે ડાયાબિટીસ કાબૂમાં રાખી શકો છો. અમેરિકન મેડિકલ સંસ્થાએ ડાયાબિટીસના દર્દીઓ માટે બહાર પાડેલું પુસ્તક કહે છે: “નિયમિત અને યોગ્ય કસરત કરવાના ફાયદા વિષે જેટલું વધારે સંશોધન થાય એટલું ઓછું.”

ઇન્સ્યુલીન લેવાની રીતો

ડાયાબિટીસના દર્દીએ ખોરાકની પરેજી પાળવી જ જોઈએ. તેમ જ નિયમિત કસરત કરવી જોઈએ, અને દરરોજ ગ્લુકોઝ પર નજર રાખવી જોઈએ. જરૂર પડે તેમ દિવસમાં અનેક વાર ઇન્સ્યુલીનનાં ઇન્જેક્શન લેવા જોઈએ. આજે ઘણા ટાઇપ-ટુ ડાયાબિટીસના દર્દીઓ ખોરાકની પરેજી પાળે છે. નિયમિત કસરત કરે છે. આ રીતે તેઓને જરા સારું થયું છે. તેથી, તેઓ ઇન્સ્યુલીન લેતા નથી. * આપણે કૅરન વિષે વાત કરી હતી. તેને ટાઈપ-વન ડાયાબિટીસ હતો. કસરત કરવાથી તેના ઇન્સ્યુલીનની અસર સારી પડી. આમ તે દરરોજ જેટલું ઇન્સ્યુલીન લેતી હતી, એમાં હવે વીસ ટકા ઘટાડો થયો છે.

તમને ડાયાબિટીસ હોય તો હિંમત હારીને ઇન્સ્યુલીન બંધ કરતા નહિ. મૅરીઆ ઍન ડાયાબિટીસના દર્દીઓને સારવાર આપતી રજીસ્ટર્ડ નર્સ છે. તે કહે છે: “તમારે જો ઇન્સ્યુલીન લેવું પડે તો એવું ન માનશો કે તમારું ધ્યાન રાખવામાં તમે ભૂલ કરી છે.” બીજી એક વ્યક્તિ કહે છે: “તમે જો તમારા લોહીમાં ગ્લુકોઝ કે શર્કરાનું પ્રમાણ કાબૂમાં રાખશો તો, તમને કોઈ પણ જાતનો ડાયાબિટીસ હોય તોપણ વાંધો નહિ આવે.” આજના સંશોધનથી જાણવા મળ્યું છે કે, ટાઈપ-વન ડાયાબિટીસ હોવા છતાં જેઓએ લોહીમાં શર્કરાનું નિયમન રાખ્યું, તેઓને સારા પરિણામો મળ્યા છે. જેમ કે “એનાથી આંખ, કીડની અને જ્ઞાનતંતુઓમાં થતી બીમારીઓ ઓછી થાય છે.” દાખલા તરીકે, આંખમાં થતા રોગમાં (રેટીનોપેથી) ૭૬ ટકાનો ઘટાડો થયો છે! એ જ રીતે જેઓને ટાઈપ-ટુ ડાયાબિટીસ છે, તેઓને બ્લડ શુગર કાબૂમાં રાખીને ઘણો સુધારો જોવા મળ્યો છે.

ઇન્જેક્શનથી ઇન્સ્યુલીન લેતા દર્દીઓનું દુઃખ ઓછું કરવા આજે સિરીંજ અને પેન જેવા ઇન્જેક્શન બજારમાં મળે છે. એની સોય વાળ જેવી પાતળી હોય છે. મૅરીઆ ઍન કહે છે: “પહેલી વાર ઇન્જેક્શન બહુ જ દુઃખે છે. પરંતુ પછી મોટા ભાગના દર્દીઓને જરાય દુઃખતું નથી.” જોકે દવા લેવાના આજે બીજા અનેક સાધનો છે. જરાય ન દુઃખે એવા ઇન્જેક્શન નીકળ્યા છે; જેટ ઈન્જેક્ટર નામનું સાધન જલ્દીથી ઇન્સ્યુલીનને ચામડીની આરપાર ધકેલી શકે છે. એના વડે સોય વગર ઇન્જેક્શન આપવું શક્ય બન્યું છે. તેમ જ હાલમાં ઇન્સ્યુલીન લેવા માટે પંપ પણ મળે છે. માચીસના ખોખા જેવડો નાનો ઇન્સ્યુલીનનો પંપ હોય છે. એ પંપની સાથે બેટરી હોય છે. પંપ કૃત્રિમ પેન્ક્રિયાઝ જેવું કાર્ય કરે છે. આ પંપ અગાઉથી પ્રોગ્રામ કરેલ હોય છે. એમાં પાતળી નળી સાથે સોય હોય છે. નળીને પેટમાં કે બીજી યોગ્ય જગ્યાએ બે-ત્રણ દિવસ સુધી લગાવી રાખવામાં આવે છે. એમાંથી સતત ઇન્સ્યુલીનનો સ્રાવ થયા કરે છે. આ રીતે શરીરને જરૂર પડે એટલું ઇન્સ્યુલીન મળી જાય છે.

ડાયાબિટીસ વિષે શીખતા રહો

આપણે જોયું કે ડાયાબિટીસ અનેક રીતે કાબૂમાં રાખી શકાય છે. તોપણ સારવારની પસંદગી દર્દીએ પોતે જ કરવી જોઈએ. મૅરીઆ ઍન કહે છે: “ડૉક્ટરો માર્ગદર્શન આપશે છતાં કેવી દવા લેવી એ તમે પોતે નક્કી કરો.” ડાયાબિટીસના દર્દીની સારવાર (અંગ્રેજી) નામનું મૅગેઝિન કહે છે: “ડાયાબિટીસના દર્દીઓને સમજાવવું જોઈએ કે પોતાનું કઈ રીતે ધ્યાન રાખવું. જો ન સમજાવે તો એ ડૉક્ટરોની ભૂલ.”

ડાયાબિટીસના દર્દીઓ રોગ વિષે જાણીને તંદુરસ્ત રહી શકશે અને લાંબું જીવશે. જોકે તેઓ રાતોરાત બધું નહિ શીખી શકે. તેને શું માફક આવે છે અને શું નહિ એ જાણવા માટે સમય લાગશે. ડાયાબિટીસ અને તમારી તંદુરસ્તી (અંગ્રેજી) પુસ્તક કહે છે: “તમે જો બીમારી વિષે બધું જાણવા જશો તો મૂંઝાઈ જશો. બીજું કે, તમારી બીમારી વિષે પુસ્તકોમાંથી બધું જાણી નહિ શકો. ક્યારે તમારા લોહીમાં સાકરની વધઘટ થાય એ તમે જ જાણી શકો. સમય જતા તમને ખબર પડતી જશે કે તમને શું માફક આવે છે અને શું નહિ.”

જેમ કે, સમય જતાં તમને ખબર પડશે કે, તમે સ્ટ્રેસ કે ટેન્શનમાં આવો ત્યારે, તમારા લોહીમાં સાકરના પ્રમાણની વધઘટ થાય છે. કૅન કહે છે: “મને ૫૦ વર્ષથી ડાયાબિટીસ છે. શરીરમાં જરા પણ ફેરફાર થાય એટલે મને ખબર પડે છે.” કૅનને એનાથી ઘણો ફાયદો થયો છે. તે ૭૦ વર્ષના છે છતાં નોકરીએ જાય છે!

કુટુંબનો સાથ હોવો જોઈએ

એ ન ભૂલવું જોઈએ કે, ડાયાબિટીસના દર્દીને સારવાર આપવામાં કુટુંબનો સાથ હોવો જોઈએ. એક પુસ્તક કહે છે કે, કુટુંબમાં નાના કે મોટા ગમે એને ડાયાબિટીસ હોય છતાં, “કુટુંબ હળીમળીને રહે તો” એ સહેલાઈથી કાબૂમાં રહી શકશે.

તમારા કુટુંબમાં કોઈને ડાયાબિટીસ હોય તો તમે તેને કેવી રીતે મદદ કરશો? દર્દી ડૉક્ટરને મળવા જાય ત્યારે, વારાફરતી કુટુંબના દરેક જણ તેની સાથે જાય તો, તેઓને એ રોગ વિષે વધારે ખબર પડી શકે. આ રીતે તેઓ એ રોગના લક્ષણો વિષે શીખી શકશે. તેમ જ કેવી રીતે તેને મદદ કરી શકાય એ પણ જાણી શકશે. બાર્બરા ચાર વર્ષની હતી ત્યારથી તેને ટાઈપ-વન ડાયાબિટીસ છે. તેનો પતિ ટૅડ કહે છે: “બાર્બરાને જોઈને મને ખબર પડી જાય છે કે તેનામાં સાકરનું પ્રમાણ ખૂબ ઓછું થઈ ગયું છે. તે વાત કરતા કરતા એકદમ શાંત થઈ જાય છે. પરસેવાથી રેબઝેબ થઈ જાય છે. અને નાની નાની વાતમાં કે કોઈ કારણ વગર ગુસ્સે થઈ જાય છે. તેમ જ તે ધીમી પડી જાય છે.”

કૅથરીન પણ તેના પતિ કૅનને પારખી શકે છે. કૅનનું શરીર ઠંડું અને ફિક્કું પડી જાય ત્યારે, તેમને સાદો હિસાબ કરવાનું કહે છે. કૅન ગોટાળો કરે ત્યારે, કૅથરીન સમજી જાય છે કે તે અત્યારે કોઈ નિર્ણય લઈ શકે એમ નથી. પછી તે જલ્દી પગલા લે છે. કૅન અને બાર્બરા, તેઓના લગ્‍નસાથીઓનો ખૂબ આભાર માને છે, કે તેઓ પોતાની બીમારી વિષે શીખ્યા છે. *

કુટુંબમાં બધાએ ડાયાબિટીસના દર્દીને બની શકે એટલી મદદ કરવી જોઈએ. તેમની સાથે પ્રેમથી પણ વર્તવું જોઈએ. એમ કરવાથી તેમને હિંમત મળશે. કૅરનના પતિ નાઇજલે તેને પ્રેમ અને સહકાર આપ્યો. તેથી, કૅરનને દુઃખ સહેવા ખૂબ મદદ મળી. કૅરન કહે છે: “નાઇજલ મને પ્રેમથી કહેતા કે, ‘બધાનું જીવન ખાવા પીવા પર નભે છે. અને તારું પણ. એ ઉપરાંત બસ તારે ફક્ત કોઈ કોઈ વાર થોડું ઇન્સ્યુલીન લેવું પડે છે.’ સાચે જ, આવા મીઠા શબ્દોથી મારું દુઃખ હળવું થઈ જતું.”

મિત્રો અને કુટુંબમાં દરેકે યાદ રાખવું કે ડાયાબિટીસના દર્દીના લોહીમાં શુગરની વધ-ઘટ થાય ત્યારે એ તેના મુડને અસર કરે છે. એક સ્ત્રી કહે છે: “મારામાં જ્યારે પણ શુગર ઓછી થઈ જાય ત્યારે હું શાંત પણ થઈ જાઉં; નાની-નાની વાતમાં ગુસ્સે પણ થઈ જાઉં; બહુ મૂંઝાઈ પણ જાઉં. સારું થયા પછી મને એનો પસ્તાવો થાય છે. પરંતુ, આ બધું બીમારીને લીધે થાય છે. બીજા લોકો મારી હાલત સમજે છે ત્યારે મને હિંમત મળે છે.”

ડાયાબિટીસના દર્દીને તેમના કુટુંબ અને મિત્રોનો સથવારો મળે તો દર્દી ડાયાબિટીસને આસાનીથી સહન કરી શકે છે. બાઇબલ પણ આ દુઃખ સહેવા મદદ કરી શકે છે. કેવી રીતે? (g03 5/08)

[ફુટનોટ્‌સ]

^ ડાયાબિટીસ હોય તો વ્યક્તિને હૃદય રોગ, સ્ટ્રોક કે પક્ષાઘાત થઈ શકે. કીડની બગડી જાય, નસો અને જ્ઞાનતંતુઓમાં રોગ થઈ શકે. જો પગમાં લોહી બરાબર ફરતું ન હોય તો ચાઠાં-ચાંદાં પડે છે. ફક્ત અમુક જ કિસ્સામાં પગ બહુ સડી જાય તો ખરાબ ભાગ કાપવો પડે. ડાયાબિટીસને લીધે મોટી ઉંમરના લોકોને મોતિયો-અંધાપો પણ થઈ શકે.

^ સજાગ બનો! જણાવતું નથી કે કેવો ઇલાજ કરવો જોઈએ. જો તમને ડાયાબિટીસ છે એવું લાગે તો એની સારવાર માટે સારા ડૉક્ટરની સલાહ લો.

^ પાતળા કરતાં જાડા લોકોને ડાયાબિટીસ થવાની શક્યતા છે.

^ એક પુસ્તક કહે છે કે, બીડી-સિગારેટ પીવાથી એની અસર હૃદય અને શરીરમાં લોહી પહોંચાડતી નસો પર પડે છે. એ રગો સાંકડી થઈ જાય છે. એ કારણથી ડાયાબિટીસના જેટલા દર્દીઓના હાથ-પગ કાપવા પડ્યા છે, એમાંથી ૯૫ ટકા લોકો બીડી-સિગારેટના વ્યસની હતા.

^ આ દર્દીઓ મોઢેથી દવા લેતા હોવાથી તેઓને ઘણો ફાયદો થયો છે. એમાંની અમુક દવાઓ, જેનાથી પેન્ક્રિયાઝ નામની ગ્રંથિ (સ્વાદુપિંડ) વધારે ઇન્સ્યુલીનનું ઉત્પાદન કરે છે. બીજી દવાથી લોહીમાં સાકરનું પ્રમાણ ઝડપથી ઘટી જાય છે. વળી, બીજી દવાઓ ઇન્સ્યુલીનનો સ્રાવ ઓછો થતો અટકાવે છે. (જેઓને ટાઈપ-વન ડાયાબિટીસ થયો હોય છે, ફક્ત તેઓને મોટા ભાગે એવી ગોળી આપવામાં આવે છે.) આજ સુધી ઇન્સ્યુલીનની ગોળી બનાવવામાં આવી નથી. કારણ કે ગોળીની અસર લોહીમાં પહોંચે એ પહેલાં તો એ પચી જાય છે. તેથી એનાથી કોઈ ફાયદો થતો નથી. ભલે તમે ઇન્સ્યુલીનના ઇન્જેક્શન લેતા હોવ કે એની ગોળીઓ લેતા હોવ, એનો એવો અર્થ નથી કે તમારે ખોરાકની પરેજી પાળવાની કે કસરત કરવાની જરૂર નથી.

^ ડૉક્ટરો ભલામણ કરે છે કે ડાયાબિટીસ હોય તેઓએ હંમેશાં પોતાની પાસે કાર્ડ કે કંઈક લખેલું રાખવું, કે એવું કોઈ ઘરેણું પહેરવું, જેનાથી ખબર પડે કે તેને ડાયાબિટીસ છે. જો તેઓને કંઈક થાય તો તેઓનું જીવન બચી શકે. દાખલા તરીકે, જો સાકર ઓછી હશે તો, બીજાઓને એવું ન લાગે કે કોઈ બીજી બીમારી છે અથવા વધુ પડતો દારૂ પીધો છે.

[પાન ૬ પર બોક્સ/ચિત્ર]

શું નાના બાળકોને પણ ડાયાબિટીસ થઈ શકે?

ડૉક્ટર આર્થર રૂબીનસ્ટીન ન્યૂ યૉર્કમાં આવેલ દવાની શોધખોળ કરતી માઉન્ટ સાઇનાય સ્કૂલના અધ્યક્ષ છે. તે કહે છે: “ડાયાબિટીસ આજે યુવાનો અને બાળકોને પણ છોડતો નથી.” પહેલાં મોટી ઉંમરના લોકોમાં જ ડાયાબિટીસ જોવા મળતો હતો. પરંતુ આજે એવું નથી. ડાયાબિટીસના ડૉ. રોબીન એસ. ગૉલેડ કહે છે: “દસ વર્ષ પહેલાં અમે મેડિકલ સ્ટુડન્ટ્‌સને શીખવતા કે ૪૦થી ઓછી વયના લોકોને ટાઈપ-ટૂ ડાયાબિટીસ બીમારી થતી નથી. આજે તો દસ વર્ષથી નાના બાળકોમાં પણ એ બીમારી જોવા મળે છે.”

તો સવાલ થાય છે કે શા કારણથી નાની વયના લોકોમાં ડાયાબિટીસની બીમારી વધી રહી છે? ઘણી વાર એ વારસાગત હોય શકે. વ્યક્તિનું વજન અને વાતાવરણના કારણે પણ વધારો થઈ શકે છે. વીસ વર્ષ પહેલાં જેટલાં સ્થૂળ, કે ગોળમટોળ બાળકો જોવા મળતાં એના કરતાં આજે બે ઘણાં વધારે છે. એનું શું કારણ છે? યુ.એસ. સેન્ટર્સ ફોર ડીસીસ કંટ્રોલ ઍન્ડ પ્રિવેન્શન કામ કરતા ડૉ. વિલીયમ ડૅટ્‌સ કહે છે: “ગયા વીસ વર્ષમાં લોકોના જીવનમાં ખાવા-પીવામાં અને કામકાજમાં ઘણા ફેરફારો થયા છે. જેમ કે ઘરે ખાવાને બદલે બહાર વધારે ખાય છે, દરરોજ સવારે નિયમિત રીતે નાસ્તો કરતા નથી; શોફ્ટ ડ્રિંક્સ વધારે પીએ છે, ફાસ્ટ ફૂડ વધારે લે છે. તેમ જ સ્કૂલમાં હોકી, ફૂટબોલ જેવી રમતો કે કસરતોમાં બહુ ભાગ લેતા નથી. એટલું જ નહિ, પરંતુ ઘણી સ્કૂલોમાં બાળકોને રમવાની રીસેસ પણ પડતી નથી.”

તમને એક વાર ડાયાબિટીસ થયા પછી એ મટતો નથી. એવું ન થાય એ માટે ડાયાબિટીસથી પીડાતા એક યુવાનનું કહેવું માનવું જોઈએ. તેણે સાદા શબ્દોમાં આમ કહ્યું: “આચરકૂચરથી દૂર રહો અને તંદુરસ્ત રહો.”

[પાન ૮, ૯ પર બોક્સ/ચિત્ર]

ગ્લુકોઝનું કામ

શરીરના અબજોના અબજો કોષો ગ્લુકોઝ પર નભે છે. તોપણ, શરીરના કોષોમાં પ્રવેશવા માટે એક “ચાવીની” જરૂર પડે છે. એ ચાવી છે ઇન્સ્યુલીન નામનો અંતઃસ્ત્રાવ. એ કેમિકલનું ઉત્પાદન પેન્ક્રિયાઝ (સ્વાદુપિંડ)માં થાય છે. ટાઈપ-વન પ્રકારના ડાયાબિટીસના દર્દીઓના શરીરમાં ઇન્સ્યુલીનનું ઉત્પાદન પ્રાયઃ બંધ થઈ ગયું હોય છે. અથવા તો તદ્દન ઓછું થઈ ગયું હોય છે. ટાઈપ-ટુ પ્રકારના ડાયાબિટીસના દર્દીઓના શરીરમાં ઇન્સ્યુલીન બનતું તો હોય છે. પરંતુ મોટા ભાગે પૂરતું હોતું નથી. * વધુમાં, કોષો ઇન્સ્યુલીનને પોતાની અંદર પ્રવેશવા દેતા નથી. બંને પ્રકારમાં ડાયાબિટીસનું પરિણામ સરખું છે: કોષો ભૂખ્યા મરે છે, એટલે કે પૂરતો ગ્લુકોઝ મળતો નથી. અને, લોહીમાં શર્કરા કે ગ્લુકોઝ હદ ઉપરાંત વધી જાય છે, જે જીવલેણ નીવડી શકે.

જેઓને ટાઈપ-વન ડાયાબિટીસ થયો છે તેઓના શરીરનું રોગ-પ્રતિકારક તંત્ર પેન્ક્રિયાઝમાં ઇન્સ્યુલીન બનાવતા કોષો પર હુમલો કરતા હોય છે. એ હુમલા પાછળ અનેક કારણો હોય શકે. જેમ કે ચેપી રોગ કે વાઇરસ, ઝેરી કેમિકલોની અસર અથવા અમુક દવાથી રિઍક્શન પણ થઈ શકે. જિન્સની રચના પણ એ માટે જવાબદાર હોય શકે, કેમ કે ટાઈપ-વન ડાયાબિટીસ મોટા ભાગે વારસાગત હોય છે. જે ગોરા લાકામાં વધારે જોવા મળે છે.

કાળા લોકોમાં એથી વધારે ટાઈપ-ટુ ડાયાબિટીસ વારસામાં મળે છે. ઑસ્ટ્રેલિયા અને અમેરિકાના આદિવાસીઓમાં એના વધારે દર્દીઓ જોવા મળે છે. આખી દુનિયા સાથે ટાઈપ-ટુના દર્દીઓ સરખાવીએ તો અમેરિકાના આદિવાસીઓ પહેલો નંબર લઈ જાય. વૈજ્ઞાનિકો સંશોધન કરતા રહે છે કે જિન્સની રચના અને સ્થૂળતા વચ્ચે શું સંબંધ છે. તેમ જ વારસાગત રીતે જાડા હોય એવા લોકોમાં શા કારણથી ઇન્સ્યુલીનના ઉત્પાદનમાં અવરોધ આવે છે. * ટાઈપ-વન ડાયાબિટીસ નાની વયના લોકોને પણ છોડતું નથી. જ્યારે કે ટાઈપ-ટુ ૪૦થી મોટી ઉંમરના લોકોને થાય છે.

[ફુટનોટ્‌સ]

^ ડાયાબિટીસના લગભગ નેવું ટકા દર્દીઓને ટાઈપ-ટુ ડાયાબિટીસ હોય છે. પહેલાં તે “નોન ઇન્સ્યુલીન ડીપેન્ડેન્ટ” અથવા મોટાઓને થતા ડાયાબિટીસથી ઓળખાતો. તેમ છતાં, એ નામ વ્યક્તિની બીમારી વિષે સો ટકા માહિતી આપતું નથી. કેમ કે જેઓને ડાયાબિટીસ ટાઈપ-ટુ થયો હોય છે એમાંથી ૪૦ ટકા દર્દીઓને ઇન્સ્યુલીન લેવું જ પડે છે. એટલું જ નહિ, દુઃખની વાત એ છે કે હજી ૧૩-૧૯ વર્ષના યુવાનોમાં પણ ડાયાબિટીસ ટાઈપ-ટુ જોવા મળ્યો છે. તેઓની સંખ્યામાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે.

^ સામાન્ય રીતે વ્યક્તિનું જેટલું વજન હોવું જોઈએ એના કરતાં ૨૦ ટકા કે એથી વધારે વજન હોય તો, તેઓને જાડા ગણવામાં આવે છે.

[ચિત્ર]

ગ્લુકોઝના અણુ

[ક્રેડીટ લાઈન]

Courtesy: Pacific Northwest National Laboratory

[પાન ૯ પર બોક્સ]

પેન્ક્રિયાઝ કે સ્વાદુપિંડનું કામ

પેન્ક્રિયાઝ લગભગ કેળાના કદનું હોય છે, અને તે પેટની કે જઠરની પાછળ-ડાબા ભાગમાં આવેલું છે. ડાયાબિટીસ વિષે ડૉક્ટરોનું મત જણાવતું એક પુસ્તક આમ કહે છે: “જેનું પેન્ક્રિયાઝ તંદુરસ્ત હોય છે તે આખો દિવસ બરાબર ઇન્સ્યુલીન પેદા કરીને લોહીમાં ગ્લુકોઝ કે શર્કરાના પ્રમાણને માપસર જાળવી રાખે રાખે છે.” પેન્ક્રિયાઝમાં આવેલા બીટા કોષો ઇન્સ્યુલીન અંતઃસ્ત્રાવ ઉપજાવે છે.

બીટા કોષમાં જ્યારે પૂરતું ઇન્સ્યુલીન બનતું નથી ત્યારે લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધી જાય છે. જેને હાઈપરગ્લાઈસિમિયા કહેવામાં આવે છે. એવી જ રીતે, જ્યારે લોહીમાં શર્કરાનું પ્રમાણ ઓછું થઈ જાય છે ત્યારે એને હાઈપ્રોગ્લાઈસિમિયા કહેવાય છે. પેન્ક્રિયાઝની સાથે યકૃત કે લીવર પણ વધારાનો ગ્લુકોઝ યકૃતમાં સંગ્રહ કરીને લોહીમાં શર્કરાનું નિયંત્રણ રાખવામાં મદદ કરે છે. આ વધારાનો ગ્લુકોઝ ગ્લાઇકોજનના રૂપમાં સંગ્રહ થાય છે. જ્યારે લોહીમાં ગ્લુકોઝ ઓછો થઈ જાય ત્યારે પેન્ક્રિયાઝ એની માંગ કરે છે. ત્યારે લીવર એ ગ્લાઇકોજનને ગ્લુકોઝમાં બદલી નાખે છે જેથી શરીર એનો ઉપયોગ કરી શકે.

[પાન ૯ પર બોક્સ/ચિત્ર]

શર્કરાનું કામ

લોકોનું માનવું છે કે બહુ ગળ્યું ખાવાથી ડાયાબિટીસ થાય છે. પણ એ સાચું નથી. મેડિકલ ફિલ્ડે સાબિત કર્યું છે કે જેમના કુટુંબમાં વારસાગત આ બીમારી આવી હોય તેઓ વધારે પડતા જાડા થઈ જાય તો, તેઓને ડાયાબિટીસ થવાનો ખતરો વધી જાય છે, પછી ભલે તેઓ ઓછું કે વધારે ગળ્યું ખાતા હોય. તોપણ વધારે પડતું ગળ્યું ખાવું સારું નથી, કેમ કે એમાંથી શરીરને જોઈતું પોષણ મળતું નથી અને ખોટી ચરબી વધે છે.

એમ પણ કહેવામાં આવે છે કે જેઓને ડાયાબિટીસ થયો હોય તેઓને વધુ પડતું ગળ્યું ખાવાનું મન થાય છે. જોકે એ પણ ખરું નથી. હકીકતમાં સામાન્ય વ્યક્તિ જેટલું જ તેઓને પણ ગળ્યું ખાવાનું મન થાય છે. ડાયાબિટીસને કાબૂમાં રાખતા નથી તેઓને સામાન્ય રીતે વધારે ભૂખ લાગી શકે. પણ એનો અર્થ એવો નથી કે તેઓને ગળ્યું ખાવાનું જ મન થાય. ડાયાબિટીસના દર્દીઓ ગળ્યું ખાઈ શકે છે, પણ હદ ઉપરાંત નહિ. જો તેઓ હદ ઉપરાંત ખાશે તો પૂરતો પૌષ્ટિક આહાર લઈ શકશે નહિ.

તાજેતરમાં કરેલા એક સંશોધનથી જાણવા મળ્યું છે કે જે ફળો-શાકભાજીમાં વધુ પડતી શર્કરા (ફલશર્કરા) હોય છે એ ખાવાથી પ્રાણીઓના ઇન્સ્યુલીન ઉત્પાદનમાં ઘણા અવરોધો ઊભા થઈ શકે છે. તેઓને ડાયાબિટીસ પણ થઈ શકે છે, પછી ભલે તેઓનું વજન વધારે કે ઓછું હોય.

[ડાયગ્રામ્સ/પાન ૮, ૯ પર ચિત્ર]

ડાયાબિટીસની સાદી સમજણ

પેન્ક્રિયાઝ

↓ ↓ ↓

તંદુરસ્ત વ્યક્તિ ટાઈપ-વન ડાયાબિટીસ ટાઈપ-ટુ ડાયાબિટીસ

જમ્યા પછી લોહીમાં પેન્ક્રિયાઝ (સ્વાદુપિંડ)માં ઇન્સ્યુલીન મોટા ભાગના કિસ્સામાં

ગ્લુકોઝ વધવાથી પેન્ક્રિયાઝ ઉત્પન્‍ન કરતા બીટા નામના કોષો પેન્ક્રિયાઝ અમુક પ્રમાણમાં

જોઈતું ઇન્સ્યુલીન ઉત્પન્‍ન પર રોગ પ્રતિકારક તંત્ર હુમલો જ ઇન્સ્યુલીન ઉત્પાદન

કરવા લાગે છે કરે છે. તેથી ઇન્સ્યુલીનનું ઉત્પાદન કરે છે

બંધ થાય છે

↓ ↓ ↓

ઇન્સ્યુલીનના અણુ, ઇન્સ્યુલીનની મદદ વગર કોષની બહાર આવેલા ‘રિસેપ્ટર’

સ્નાયુ કોશિકા અને બીજા ગ્લુકોઝના અણુઓ કોષમાં જો ઇન્સ્યુલીનને બરાબર ન

કોષોના રિસેપ્ટર પર ચોંટી પ્રવેશી શકતા નથી સ્વીકારે તો, કોષના દરવાજા

જાય છે. એનાથી કોષનો ખુલતા નથી અને લોહીમાં

દરવાજો ખુલે છે અને રહેલા ગ્લુકોઝને શોષી

ગ્લુકોઝના અણુઓને અંદર શકતા નથી

આવવા દે છે

↓ ↓ ↓

શરીરના સ્નાયુકોષ લોહીમાં હદ ઉપરાંત ગ્લુકોઝ એકઠું થાય છે.

ગ્લુકોઝને પચાવીને ઉર્જામાં એનાથી શરીરના અગત્યના કામોમાં અવરોધ

બદલી નાખે છે. એનાથી ઊભા થાય છે અને રક્તવાહિની કે

લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ નસોની દીવાલને નુકસાન પહોંચે છે

સામાન્ય થઈ જાય છે.

[ડાયગ્રામ]

(લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ)

કોષ

રિસેપ્ટર

દરવાજો

ઇન્સ્યુલીન

ન્યુક્લિયસ

ગ્લુકોઝ

[ડાયગ્રામ]

(લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ)

રક્તવાહિની

લાલ રક્તકણો

ગ્લુકોઝ

[ક્રેડીટ લાઈન]

પુરુષ: The Complete Encyclopedia of Illustration/J. G. Heck

[પાન ૭ પર ચિત્ર]

ડાયાબિટીસના દર્દીએ ખોરાકની પરેજી રાખવી જોઈએ

[પાન ૧૦ પર ચિત્ર]

ડાયાબિટીસના દર્દીઓ જીવનમાં મજા માણી શકે છે