સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

હું કઈ રીતે મારા ભાઈ કે બહેનથી અલગ, મારી પોતાની ઓળખ બનાવી શકું?

હું કઈ રીતે મારા ભાઈ કે બહેનથી અલગ, મારી પોતાની ઓળખ બનાવી શકું?

યુવાનો પૂછે છે . . .

હું કઈ રીતે મારા ભાઈ કે બહેનથી અલગ, મારી પોતાની ઓળખ બનાવી શકું?

મારે પોતાની અલગ ઓળખ બનાવવી છે. પણ મને હંમેશાં એમ જ લાગે છે કે મારે મારી મોટી બહેનોના ઓશિયાળા થઈને જ રહેવું પડશે. મને એમ લાગે છે કે મારી બહેનો બધી વાતે ખૂબ હોશિયાર છે, અને હું તેઓ જેવી ક્યારેય નહિ બની શકું.”—ક્લેર.

શું તમને એવા કોઈ ભાઈ કે બહેન છે જે બધી વાતે જાણે તમારાથી ખૂબ ચઢિયાતા અને હોશિયાર હોય? શું તમારા માબાપ તમને આમ કહીને વારંવાર ટોક ટોક કરે છે: “તું તો સાવ બુદ્ધુ છે. તારા ભાઈને જો, તે કેટલો હોશિયાર છે!” જો એમ હોય તો, તમને કદાચ ડર હશે કે મારે હંમેશાં તેઓના ઓશિયાળા થઈને રહેવું પડશે. તેમ જ, કદાચ હંમેશાં તમારી સરખામણી તમારા ભાઈ કે બહેન સાથે કરવામાં આવે કે તમે તેઓ જેટલા સફળ છો કે નહિ.

બેરીનો * વિચાર કરો. તેના બે મોટા ભાઈઓ સેવકાઈ તાલીમ શાળામાંથી * ગ્રેજ્યુએટ થયા છે અને ખ્રિસ્તી તરીકે તેઓની ખૂબ સારી શાખ છે. આના વિષે બેરી કહે છે: “ઘણી વાર મને એવું લાગે છે કે હું કદી પણ મારા ભાઈઓની જેમ પ્રચાર કામમાં સારો શિક્ષક બની શકીશ નહિ. અથવા તેઓની જેમ મંડળમાં સારા સ્પીકર બનવું મારા માટે લોઢાના ચણા ચાવવા જેવું છે. હું જ્યારે પણ તેઓનો વિચાર કરું છું ત્યારે, મારો આત્મવિશ્વાસ ડગમગવા લાગે છે. અરે, દોસ્તો બનાવવા પણ મારા માટે ખૂબ અઘરું છે. કેમ કે, જ્યારે પણ મારા ભાઈઓને તેઓના દોસ્તારો બોલાવે, ત્યારે હું પણ તેઓની સાથે જોડાઈ જાઉં છું. મને ઘણી વાર થાય છે કે, બીજાઓ મારી સાથે એટલા માટે સારું રાખે છે, કેમ કે મારા ભાઈઓ તેઓના દોસ્ત છે.”

જ્યારે તમારા ભાઈ કે બહેનના બધા વખાણ કરવા લાગે ત્યારે, તમને ઈર્ષા કે અદેખાઈ આવી શકે. શું તમને યુસફ યાદ છે? બાઇબલ જમાનામાં આ યુસફ તેના બધા ભાઈઓ કરતાં ખૂબ જાણીતો અને વહાલો હતો. એની તેના ભાઈઓ પર શું અસર પડી? “તેઓ તેનો દ્વેષ કરતા, ને તેની સાથે મીઠાશથી વાત કરી શકતા નહોતા.” (ઉત્પત્તિ ૩૭:૧-૪) જોકે, યુસફ ખૂબ વિનમ્ર હતો. તમારા વિષે શું? કદાચ તમારા ભાઈ કે બહેન પોતાની સફળતાના ગુણગાન તમારી આગળ ગાયા કરતા હોય તો, તમે ઇચ્છતા ન હો તોપણ, તમારામાં અદેખાઈ આવી શકે.

કેટલાક યુવાનોને અદેખાઈ આવે ત્યારે, તેઓ કંઈક અલગ રીતે જ બળવો પોકારે છે. જેમ કે, તેઓ જાણીજોઈને પરીક્ષામાં ઓછા માર્ક્સ લાવે છે. અથવા ખ્રિસ્તી સભાઓ કે પ્રચારમાં ભાગ લેવાનું ઓછું કરી દે છે. અથવા, ઘણા તો શરમજનક કામો કરવા લાગે છે. તેઓ કદાચ વિચારી શકે, ‘જો હું મારા ભાઈ જેવો સફળ ન થઈ શકતો ન હોઉં તો, ખોટી મહેનત કરીને શું ફાયદો?’ પણ જો તમે એવું વિચારતા હોવ તો, છેવટે તમને જ નુકસાન થશે. તો પછી, તમે કઈ રીતે તમારા ભાઈ કે બહેનના પ્રભાવમાંથી બહાર નીકળી શકો? એમ કરીને તમે પોતે કઈ રીતે આત્મવિશ્વાસ હાંસલ કરી શકો?

તમારા ભાઈ કે બહેન સંપૂર્ણ નથી

કદાચ તમારા કિસ્સામાં એવું બની શકે કે તમારા ભાઈ કે બહેન બધા પર છવાયેલા રહેતા હોય. ત્યારે તમે એવું માનવા લાગી શકો કે તે તો બધી વાતમાં પહોંચેલા છે અને હું તેઓની જેમ સારો ક્યારેય બની શકીશ નહિ. પણ શું એ સાચું છે? બાઇબલ એ વિષે સાફ જણાવે છે: “સઘળાએ પાપ કર્યું છે, અને દેવના મહિમા વિષે સઘળા અધૂરા રહે છે.”—રૂમીઓને પત્ર ૩:૨૩.

હા, આપણા ભાઈ કે બહેન ભલેને કોઈ પણ વાતમાં ગમે એટલા માહેર હોય, તેઓ હજી પણ આપણી ‘જેમ માત્ર માણસ જ’ છે. (પ્રેષિતોનાં કાર્યો ૧૪:૧૫, પ્રેમસંદેશ) તેથી, તેઓને મહાન ગણી લેવાની કે પછી એકદમ ઊંચા માનવાની કોઈ જરૂર નથી. આજ સુધી મનુષ્યોમાં ફક્ત ઈસુ ખ્રિસ્તે જ આપણા માટે સંપૂર્ણ નમૂનો બેસાડ્યો છે.—૧ પીતર ૨:૨૧.

તેઓ પાસેથી શીખો!

હવે તમે તમારી પરિસ્થિતિ તપાસી જુઓ અને કંઈક શીખવાની ધગશ રાખો. દાખલા તરીકે, ઈસુ ખ્રિસ્તના નાના ભાઈ-બહેનોનો વિચાર કરો. (માત્થી ૧૩:૫૫, ૫૬) જરા વિચારો, કે તેઓને પોતાના મોટા ભાઈ, સંપૂર્ણ ઈસુ પાસેથી શીખવાની કેવી અદ્‍ભુત તક હતી! તોપણ, ‘તેના ભાઈઓએ તેના પર વિશ્વાસ કર્યો ન હતો.’ (યોહાન ૭:૫) કદાચ તેઓ અભિમાન અને અદેખાઈને લીધે એમ કરતા અચકાતા હતા. બીજી બાજુ, ઈસુના શિષ્યોનો વિચાર કરો. તેઓએ ઈસુના આ ઉદાર આમંત્રણને ખુશીથી સ્વીકારી લીધું: “મારી પાસે શીખો.” (માત્થી ૧૧:૨૯) પરંતુ શું ઈસુના સગા ભાઈઓએ પછી તેમના પર વિશ્વાસ કર્યો? હા! ઈસુ સજીવન થઈને સ્વર્ગમાં પાછા ગયા પછી તેઓએ ઈસુ પર વિશ્વાસ કર્યો. (પ્રેરિતોનાં કૃત્યો ૧:૧૪) પરંતુ, ત્યારે તેઓએ ખુદ ઈસુ પાસેથી શીખવાનો અમૂલ્ય લહાવો ગુમાવી દીધો હતો. કેમ કે હવે તેઓના અજોડ ભાઈ ઈસુ તેઓ મધ્યે ન હતા.

કાઈને પણ એવી જ ભૂલ કરી હતી. તેનો નાનો ભાઈ હાબેલ યહોવાહનો જોશીલો ભક્ત હતો. બાઇબલ કહે છે કે, “યહોવાહે હાબેલને તથા તેના અર્પણને માન્ય કર્યાં.” (ઉત્પત્તિ ૪:૪) પરંતુ, કોઈ કારણસર યહોવાહે “કાઈનને તથા તેના અર્પણને માન્ય કર્યાં નહિ.” એ સમયે કાઈન થોડી ઘણી પણ નમ્રતા બતાવીને તેના ભાઈ પાસેથી કંઈક શીખી શક્યો હોત. પણ એમ કરવાને બદલે, “કાઈનને બહુ રોષ ચઢ્યો.” અને છેવટે તેણે ‘પોતાના ભાઈ હાબેલને મારી નાખ્યો.’—ઉત્પત્તિ ૪:૫-૮.

એ ખરું છે કે તમે કદી તમારા ભાઈઓ પર કાઈન જેવો ગુસ્સો નહિ કરો. પરંતુ, જો તમે તમારામાં થોડું ઘણું પણ અભિમાન અને ઈર્ષાને આવવા દેશો તો, તમે ઘણા લહાવાઓ ગુમાવી દઈ શકો. બની શકે કે તમારો ભાઈ કે બહેન, બાઇબલ વિષે, ગણિતમાં કે ઇતિહાસમાં ખૂબ હોશિયાર હોય. અથવા, કોઈ રમતમાં પારંગત હોય, કે પછી, સારા સ્પીકર હોય. એનાથી તમને ઈર્ષા થાય એમાં કોઈ નવાઈ નથી. પરંતુ તમારે ઈર્ષાને કાઢી નાખીને તમારા ભાઈ કે બહેન પર ગર્વ કરવો જોઈએ. કેમ કે, છેવટે તો “ઈર્ષા હાડકાંનો સડો છે.” એનાથી તમને નુકસાન જ થશે. (નીતિવચનો ૧૪:૩૦; ૨૭:૪) તો પછી, ઈર્ષા કે રોષ કરવાને બદલે, તમારા ભાઈ કે બહેન પાસેથી કંઈક શીખવાનો પ્રયાસ કરો. એ હકીકત પણ સ્વીકારો કે તમારા ભાઈ કે બહેન પાસે એવી ક્ષમતા કે ટેલેન્ટ છે જે તમારી પાસે નથી. તેઓ કઈ રીતે બાબતો હાથ ધરે છે એ ધ્યાનથી જુઓ. વળી, તેઓની મદદ પણ માંગો.

શરૂઆતમાં આપણે બેરીનો ઉલ્લેખ કર્યો હતો. તેણે તેના ભાઈઓએ બેસાડેલા સરસ નમૂનાથી શીખીને ઘણો લાભ મેળવ્યો. તે કહે છે: “મેં જોયું કે મારા ભાઈઓ કેટલા ખુશ છે. કેમ કે તેઓ મંડળમાં અને પ્રચારમાં લોકોને મદદ કરવા હંમેશાં તૈયાર રહે છે. તેથી, મેં પણ મારા ભાઈઓના પગલે ચાલવાનું નક્કી કર્યું. મેં કિંગ્ડમ હૉલ અને બેથેલના બાંધકામમાં ભાગ લેવાનું શરૂ કર્યું. એનાથી થયેલા અનુભવે મારામાં આત્મવિશ્વાસ ભરી દીધો અને યહોવાહના દિલોજાન દોસ્ત બનવા મને ખૂબ મદદ કરી.”

તમારી પોતાની ક્ષમતાઓને ઓળખો

કદાચ તમને એવો ડર હશે કે ‘જો હું મારા ભાઈ કે બહેનને પગલે ચાલીશ તો, હું મારી પોતાની ઓળખ ગુમાવી બેસીશ.’ પણ ચિંતા ન કરો, એમ નહિ થાય. પ્રેષિત પાઊલે પહેલી સદીના ખ્રિસ્તીઓને આમ કહેતા ઉત્તેજન આપ્યું: “મારા નમૂના પ્રમાણે ચાલો.” (૧ કોરીંથી ૪:૧૬, પ્રેમસંદેશ) શું આનો એ અર્થ થતો હતો કે પાઊલ તેઓની ક્ષમતાઓને ખીલવા દેવા માંગતા ન હતા? જરાય નહિ. તેઓ ઘણી રીતોએ પોતાની ક્ષમતા બહાર લાવી શકતા હતા. તેથી, તમે ગણિતમાં તમારા ભાઈ કે બહેન જેટલા હોશિયાર ન હોવ તો, એનો એ મતલબ નથી કે તમારામાં કંઈક ખામી છે. એનો એ જ અર્થ થાય કે તમે તમારા ભાઈ કે બહેનથી જુદા છો.

પાઊલ આપણને સરસ સલાહ આપે છે: “દરેક માણસે પોતાની રહેણીકરણી તપાસી જોવી, અને ત્યારે તેને કોઈ બીજા વિષે નહિ, પણ કેવળ પોતાને વિષે અભિમાન કરવાનું કારણ મળશે.” (ગલાતી ૬:૪) તમારામાં પણ એવી ઘણી ક્ષમતા કે ટેલેન્ટ હશે. તો પછી, કેમ નહિ કે તમે એને વધારે કેળવો. તમે બીજી કોઈ ભાષા શીખી શકો, મ્યુઝિકનું કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડતા કે કૉમ્પ્યુટર ચલાવતા શીખી શકો. એનાથી, તમને પોતાની કિંમત સમજાશે અને તમારામાં એવી સ્કીલ આવશે જે તમને જ લાભ કરશે. શરૂઆતમાં કદાચ તમને એવું લાગી શકે કે, “આ મારું કામ નહિ.” પણ પડતું ન મૂકો! પૂરા જોશથી મંડ્યા રહો પૂરું કરીને જ જંપો. (નીતિવચનો ૨૨:૨૯) કદાચ તમે કંઈક શીખવામાં થોડા ધીમા છો, તો શું? નીતિવચનો ૧૨:૨૪ કહે છે કે “ઉદ્યોગીનો હાથ અધિકાર ભોગવશે.”

તોપણ, તમે ખાસ કરીને પરમેશ્વરની ભક્તિમાં વધારે પ્રગતિ કરવાની ઇચ્છા રાખો. પરમેશ્વરની ભક્તિમાં તમે જેટલા વધારે ટેલેન્ટેડ હશો એટલો જ તમને વધારે લાભ થશે. એની સામે બીજાઓનું તરત ધ્યાન ખેંચી લે એવી કોઈ પણ ટેલેન્ટ કે સ્કીલ કોઈ જ વિસાતમાં નથી. બે જોડિયા ભાઈઓ, એસાવ અને યાકૂબનો વિચાર કરો. એસાવને તેના પિતા ખૂબ જ ચાહતા હતા કેમ કે, “એસાવ ચતુર શિકારી તથા જંગલમાં ફરનાર માણસ હતો.” જ્યારે તેનો ભાઈ “યાકૂબ સુંવાળો માણસ ને માંડવાઓમાં રહેનાર હતો.” એ કારણે કદાચ તેના પિતા તેના પર બહુ ધ્યાન આપતા ન હતા. (ઉત્પત્તિ ૨૫:૨૭) પરંતુ, એસાવ પરમેશ્વરની ભક્તિને કંઈ ખાસ મહત્ત્વ આપતો ન હતો, તેમ જ એમાં આગળ વધવામાં તેણે કોઈ રસ ન બતાવ્યો. એના લીધે તેણે ઘણા આશીર્વાદો ગુમાવ્યા. જ્યારે યાકૂબ પરમેશ્વરની સેવામાં ખૂબ હોંશીલો હતો. તે યહોવાહની ભક્તિમાં કંઈ પણ કરી છૂટવા તૈયાર હતો. પરિણામે, યહોવાહે તેને પુષ્કળ આશીર્વાદ આપ્યો. (ઉત્પત્તિ ૨૭:૨૮, ૨૯; હેબ્રી ૧૨:૧૬, ૧૭) એનાથી શું શીખવા મળે છે? તમે પણ પરમેશ્વરની ભક્તિમાં તમારી ટેલેન્ટ વાપરો. ‘તમારું અજવાળું પ્રકાશવા દો’ અને ‘એનાથી તમારી પ્રગતિ સર્વેના જાણવામાં આવશે.’—માત્થી ૫:૧૬; ૧ તીમોથી ૪:૧૫.

શરૂઆતમાં ઉલ્લેખ કર્યો હતો એ ક્લેર કહે છે: “હું હંમેશાં મારી મોટી બહેનોની ઓશિયાળી થઈને રહેતી. તેઓ વગર જાણે હું કંઈ જ ન હતી. પરંતુ પછી મેં બાઇબલની સલાહ પ્રમાણે ‘બીજાઓ આગળ ખુલ્લા હૃદયના થવાનું’ નક્કી કર્યું. હું મંડળના જુદા જુદા ભાઈબહેનો સાથે પ્રચારમાં જવા લાગી. મંડળમાં જરૂર હોય તેઓને મદદ કરવા લાગી. હું નાના-મોટા સર્વ ભાઈબહેનોને મારા ઘરે જમવા બોલાવવા લાગી. એ રીતે અમે હળી-મળીને એકબીજાની સંગતનો આનંદ માણતા. હવે મારું ફ્રેન્ડ સર્કલ ખૂબ મોટું છે અને પહેલાં કરતાં મારામાં વધારે આત્મવિશ્વાસ છે.”—૨ કોરીંથી ૬:૧૩.

કોઈ વાર તમારા માબાપ અજાણતા તમને તમારા ભાઈ કે બહેન જેવા બનવા ઉત્તેજન આપતા હોય શકે. પણ તમને એનાથી દુઃખ લાગવું ન જોઈએ. કેમ કે તમે જાણો છો કે છેવટે તો તમારા માબાપ તમારું જ ભલું ઇચ્છે છે. (નીતિવચનો ૧૯:૧૧) તોપણ, તમે શાંતિથી તમારા માબાપને જણાવો કે તમારા ભાઈબહેનો સાથે તમારી સરખામણી કરવાથી તમે કેવું અનુભવો છો. એમાં કંઈ ખોટું નથી. કદાચ તમારા માબાપ બીજી કોઈ રીતે તમને જણાવી શકે કે તેઓ તમારી કેટલી ચિંતા કરે છે.

એ કદી ન ભૂલો કે જો તમે યહોવાહની સેવા કરતા હશો તો, તે પોતે તમારું ધ્યાન રાખશે. (૧ કોરીંથી ૮:૩) બેરી છેવટે કહે છે: “મને જોવા મળ્યું છે કે હું જેમ યહોવાહની સેવામાં વધારે કરું છું, તેમ મને વધારે ખુશી મળે છે. હવે બીજાઓ મારા ભાઈઓની જેમ મારામાં પણ રસ લે છે, અને મને પસંદ કરે છે.” (g03 11/22)

[ફુટનોટ્‌સ]

^ કેટલાક નામો બદલવામાં આવ્યા છે.

^ યહોવાહના સાક્ષીઓએ તેઓ માટે આયોજિત કરેલી શાળા.

[પાન ૧૩ પર ચિત્ર]

શું તમારા ભાઈ કે બહેન હંમેશાં બીજાઓ તરફથી વખાણ મેળવે છે?

[પાન ૧૪ પર ચિત્ર]

જુદીજુદી બાબતમાં રસ બતાવતા રહો અને તમરી કળાને ખીલવા દો

[પાન ૧૪ પર ચિત્ર]

ઈશ્વરની સેવામાં પ્રગતી કરતા રહો અને ‘તમારું અજવાળું પ્રકાશવા દો’